વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr20 નવેમ્બર પાન ૧-૮
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૦
  • મથાળાં
  • નવેમ્બર ૨-૮
  • કીમતી રત્નો શોધીએ
  • નવેમ્બર ૯-૧૫
  • કીમતી રત્નો શોધીએ
  • નવેમ્બર ૧૬-૨૨
  • કીમતી રત્નો શોધીએ
  • નવેમ્બર ૨૩-૨૯
  • કીમતી રત્નો શોધીએ
  • નવેમ્બર ૩૦-ડિસેમ્બર ૬
  • કીમતી રત્નો શોધીએ
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૦
mwbr20 નવેમ્બર પાન ૧-૮

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

નવેમ્બર ૨-૮

બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૩૯-૪૦

“મુસાએ માર્ગદર્શનને પૂરું ધ્યાન આપ્યું અને એ પ્રમાણે કર્યું”

(નિર્ગમન ૩૯:૩૨) મુલાકાતમંડપના માંડવાનું સઘળું કામ એ પ્રમાણે પૂરું થયું; અને યહોવાએ મુસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે ઈસ્રાએલ પુત્રોએ કર્યું.

w૧૧ ૯/૧ ૩૦-૩૧ ¶૧૩

શું યહોવાહ તમને પોતાનાં ગણે છે?

૧૩ કોરાહથી સાવ અલગ, મુસા તો ‘પૃથ્વી પરના સર્વ લોક કરતાં નમ્ર હતા.’ (ગણ. ૧૨:૩) યહોવાહના માર્ગદર્શન પ્રમાણે કરવા તેમણે દૃઢ નિર્ણય કર્યો હતો. એ પ્રમાણે કરીને તેમણે નમ્રતા બતાવી. (નિર્ગ. ૭:૬; ૪૦:૧૬) મુસાએ યહોવાહની કામ કરવાની રીત પર શંકા ઉઠાવી હોય અથવા તેમના માર્ગદર્શનથી ચિડાઈ ગયા હોય એવું બહુ જોવા મળતું નથી. દાખલા તરીકે મંડપ બાંધવા યહોવાહે ઝીણામાં ઝીણી વિગતો આપી હતી. જેમ કે, દોરાનો રંગ કેવો હોવો જોઈએ, તંબુ માટેના કપડાંમાં કેટલાં નાકાં રાખવાં વગેરે વગેરે. (નિર્ગ. ૨૬:૧-૬) યહોવાહના સંગઠનમાં શું કોઈ આગેવાન તમને કોઈ કામ પૂરું કરવા ઝીણી-ઝીણી માહિતી આપે છે? એ માર્ગદર્શન આપે ત્યારે શું તમે ચિડાઈ જાવ છો? જોકે યહોવાહ તો સૌથી સારા આગેવાન છે. તે પોતાના સેવકોને જવાબદારી સોંપે છે, અને ભરોસો રાખે છે કે તેઓ એ પૂરી કરશે. જ્યારે તે ઝીણી-ઝીણી વિગતો આપે છે ત્યારે એ આપણા ભલા માટે જ હોય છે. યહોવાહે એવું માર્ગદર્શન આપ્યું ત્યારે મુસા ચિડાઈ ગયા નહિ. તેમણે એવું ન વિચાર્યું કે યહોવાહ તેમને બુદ્ધુ સમજીને માર્ગદર્શન આપ્યા કરે છે. અથવા પોતાની આવડતનો ઉપયોગ કરવા દેતા નથી. એને બદલે મુસાએ ખાતરી રાખી કે મંડપના કારીગરો ઈશ્વરની “સર્વ આજ્ઞા પ્રમાણે” કરે. (નિર્ગ. ૩૯:૩૨) સાચે જ મુસાએ કેટલી નમ્રતા બતાવી! મુસા જાણતા હતા કે યહોવાહ તો પોતાનું કામ પૂરું કરવા તેમનો એક સાધન તરીકે ઉપયોગ કરે છે.

(નિર્ગમન ૩૯:૪૩) અને મુસાએ સઘળું કામ જોયું, તો જુઓ, તેઓ તે પૂરું કરી રહ્યા હતા; જેમ યહોવાએ આજ્ઞા આપી હતી, તે જ પ્રમાણે તેઓએ તે કર્યું હતું; અને મુસાએ તેમને આશીર્વાદ આપ્યો.

(નિર્ગમન ૪૦:૧, ૨) અને યહોવાએ મુસાની સાથે વાત કરતાં કહ્યું, કે ૨ તું પહેલા માસને પહેલે દિવસે મુલાકાતમંડપનો માંડવો ઊભો કર.

(નિર્ગમન ૪૦:૧૬) એ પ્રમાણે મુસાએ કર્યું; જે સર્વ આજ્ઞાઓ યહોવાએ તેને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.

w૦૫ ૭/૧૫ ૨૭ ¶૩

શું આપણે બધી વાતમાં વિશ્વાસુ છીએ?

૩ હેબ્રી ૩:૫ કહે છે: ‘મુસા સેવક તરીકે વિશ્વાસુ હતા.’ કઈ રીતે તે વિશ્વાસુ બન્યા? યહોવાહે તેમને મંડપ બાંધવાનું કહ્યું ત્યારે, ‘જે સર્વ આજ્ઞાઓ યહોવાહે તેમને આપી હતી તે પ્રમાણે તેમણે કર્યું.’ (નિર્ગમન ૪૦:૧૬) મુસાની જેમ આપણે પણ યહોવાહના કહેવા પ્રમાણે કરવું જોઈએ. પછી જીવનમાં ભલે નાની-મોટી મુસીબતો આવે, આપણે તેમને જ વફાદાર રહી શકીશું. જોકે, એનો અર્થ એ નથી કે ફક્ત મોટી મુસીબતોમાં જ આપણે વિશ્વાસુ રહી શકીએ. ઈસુએ કહ્યું: ‘જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે.” (લુક ૧૬:૧૦) તેથી, આપણે નાની કે મામૂલી ગણતા હોય એવી બાબતોમાં પણ યહોવાહને વિશ્વાસુ રહેવું જોઈએ.

કીમતી રત્નો શોધીએ

(નિર્ગમન ૩૯:૩૪) તથા મેંઢાનાં રાતાં રંગેલાં ચામડાંનું આચ્છાદન, તથા સીલ માછલાંનાં ચામડાંનું આચ્છાદન તથા અંતરપટ;

it-૨-E ૮૮૪ ¶૩-૪

સીલ માછલીનું ચામડું

ઇઝરાયેલીઓએ કેવી રીતે સીલ માછલીનું ચામડું મેળવ્યું હતું? મૂળ ભાષામાં તાકશ શબ્દનો અર્થ થતો, એક પ્રકારની સીલ માછલી. પણ ઇઝરાયેલીઓને સીલ માછલીનું ચામડું ક્યાંથી મળ્યું હશે? સીલ માછલી મોટાભાગે ઉત્તર (આર્કટિક) અને દક્ષિણ (ઍન્ટાર્કટિક) ભાગોમાં જોવા મળે છે. પણ અમુક પ્રકારની સીલ માછલીઓ ગરમ વિસ્તારમાં રહે છે. એક પ્રકારની સીલ માછલી, મોંક નામથી ઓળખાય છે. એ આજે પણ ભૂમધ્ય સમુદ્ર અને બીજા ગરમ વિસ્તારોમાં જોવા મળે છે. સદીઓથી માણસો સીલ માછલીનો શિકાર કરતાં આવ્યા છે. એના લીધે આજે ભૂમધ્ય સમુદ્ર અને લાલ સમુદ્રમાં તેઓની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે. પણ બાઇબલના સમયમાં ભૂમધ્ય અને લાલ સમુદ્ર પાસે તેઓ પુષ્કળ સંખ્યામાં મળી આવતી. સાલ ૧૮૩૨માં એક પુસ્તકમાં આમ જણાવ્યું હતું: “લાલ સમુદ્રના ઘણા નાના ટાપુઓમાં સીલ માછલીઓ છે.” (કૈલમટની ડિક્શનરી ઑફ ધી હોલી બાઇબલ, અંગ્રેજી આવૃત્તિ, પાન ૧૩૯)

જૂના જમાનામાં ઇજિપ્તના લોકો વેપાર માટે લાલ અને ભૂમધ્ય સમુદ્રમાં વહાણથી સામાન આપ-લે કરતા. બની શકે તેઓ સીલ માછલીનો પણ વેપાર કરતા. ઇઝરાયેલીઓ ઇજિપ્ત છોડીને જતા હતા ત્યારે તેઓ કદાચ ઇજિપ્તના લોકો પાસેથી મોંઘી વસ્તુઓની સાથે સાથે સીલ માછલીનું ચામડું પણ લઈ ગયા હશે.

(નિર્ગમન ૪૦:૩૪) તે વેળાએ મેઘે મુલાકાતમંડપ ઉપર આચ્છાદન કર્યું, ને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.

w૧૫ ૭/૧૫ ૨૧ ¶૧

કોઈ છે જે તમારું કામ હંમેશાં ધ્યાનમાં લે છે!

મુલાકાતમંડપનું બાંધકામ પૂરું થયું એ પછી ‘વાદળો એના ઉપર છવાઈ ગયાં અને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.’ (નિર્ગ. ૪૦:૩૪) યહોવાએ એ કામ માન્ય કર્યું એનો કેટલો સરસ પુરાવો! એ સમયે બસાલએલ અને આહોલીઆબને કેવું લાગ્યું હશે? ભલેને તેઓએ બનાવેલી વસ્તુઓ પર તેઓનાં નામ કોતરવામાં આવ્યાં ન હતાં. છતાં, યહોવાએ તેઓના કામને આશીર્વાદ આપ્યો છે, એ જોઈને તેઓને ઘણો સંતોષ મળ્યો હશે. (નીતિ. ૧૦:૨૨) વર્ષો વીતતાં ગયાં તેમ, તેઓએ બનાવેલી વસ્તુઓ યહોવાની સેવામાં વપરાઈ રહી છે, એ જોઈને તેઓનું દિલ ખુશીથી ભરાઈ જતું હશે! તેઓ બંને સજીવન થશે ત્યારે તેઓને જાણીને ઘણો આનંદ થશે કે એ મુલાકાતમંડપ, યહોવાની ભક્તિમાં આશરે ૫૦૦ વર્ષો સુધી વાપરવામાં આવ્યો.

બાઇબલ વાંચન

(નિર્ગમન ૩૯:૧-૨૧)

નવેમ્બર ૯-૧૫

બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૧-૩

“શા માટે અર્પણો ચઢાવવામાં આવતા?”

(લેવીય ૧:૩) જો કોઈનું અર્પણ ઢોરના દહનીયાર્પણનું હોય, તો તે એબરહિત નર ચઢાવે, તે તેને મુલાકાતમંડપના દ્વાર પાસે ચઢાવે, કે તે પોતે યહોવાની આગળ માન્ય થાય.

(લેવીય ૨:૧) અને જ્યારે કોઈ જન યહોવાને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય; અને તે તેના પર તેલ રેડે ને તે પર લોબાન મૂકે;

(લેવીય ૨:૧૨) પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવા પ્રત્યે ચઢાવવાં; પણ સુવાસને માટે વેદી પર તેઓ ચઢે નહિ.

it-૨-E ૫૨૫

અર્પણો

અગ્‍નિ-અર્પણો. લોકો આખું પ્રાણી સળગાવીને ઈશ્વરને અર્પણ કરતા અને એનો કોઈ પણ ભાગ પાછો રાખવામાં ન આવતો. એ અગ્‍નિ-અર્પણ કહેવાતું. (ન્યા ૧૧:૩૦, ૩૧, ૩૯, ૪૦ સરખાવો.) ઘણી વાર અગ્‍નિ-અર્પણ સાથે પાપ અર્પણ પણ ચઢાવવામાં આવતું. અગ્‍નિ-અર્પણ ચઢાવીને વ્યક્તિ યહોવાને અરજ કરતી કે તેનું પાપ-અર્પણ સ્વીકારે. તેમજ, યહોવાએ પાપ-અર્પણનો સ્વીકાર કર્યો છે, એ બતાવવા માટે પણ અગ્‍નિ-અર્પણ ચઢાવવામાં આવતું. “અગ્‍નિ-અર્પણ” તરીકે ઈસુ ખ્રિસ્તે પોતાને પૂરેપૂરી રીતે અર્પી દીધા હતા.

it-૨-E ૫૨૮ ¶૪

અર્પણો

અનાજ-અર્પણો. શાંતિ-અર્પણો, અગ્‍નિ-અર્પણો અને પાપ-અર્પણોની સાથે સાથે અનાજ-અર્પણો યહોવાને ચઢાવવામાં આવતાં. અનાજ-અર્પણો પ્રથમ ફળ તરીકે પણ ચઢાવવામાં આવતા. અમુક વાર એ અર્પણો અલગ પણ ચઢાવવામાં આવતા. (નિર્ગ ૨૯:૪૦-૪૨; લેવી ૨૩:૧૦-૧૩, ૧૫-૧૮; ગણ ૧૫:૮, ૯, ૨૨-૨૪; ૨૮:૯, ૧૦, ૨૦, ૨૬-૨૮; અધ્યાય ૨૯) એ અર્પણથી વ્યક્તિ અહેસાન માનતી કે ઈશ્વરે પુષ્કળ અનાજ આપ્યું છે. ઘણી વાર અર્પણની સાથે તેલ અને લોબાન પણ ચઢાવવામાં આવતાં. અનાજ અર્પણમાં આવી વસ્તુઓનો સમાવેશ થતો: મેંદો, શેકેલું અનાજ, રોટલી અથવા પાપડ. એ વસ્તુઓ શેકવામાં આવતી અથવા તેલમાં તળવામાં આવતી. અનાજ-અર્પણનો અમુક ભાગ વેદી પર બાળવામાં આવતો અને અમુક ભાગ યાજકોને ખાવા માટે આપવામાં આવતો. અનાજ-અર્પણ સાથે શાંતિ-અર્પણ ચઢાવવામાં આવતું, ત્યારે બલિદાન કરનાર પણ એમાંથી ખાઈ શકતો હતો. (લેવી ૬:૧૪-૨૩; ૭:૧૧-૧૩; ગણ ૧૮:૮-૧૧) વેદી પર ચઢાવવામાં આવતા અનાજ-અર્પણો ખમીર અથવા “મધ“ વગરના હતા, (મધ એટલે અંજીર અથવા અમુક ફળનો રસ હોય શકે) કારણ કે એનાથી આથો ચઢી જતો.—લેવી ૨:૧-૧૬.

(લેવીય ૩:૧) અને જો તેનું અર્પણ શાંત્યર્પણનો યજ્ઞ હોય, અને જો તે ઢોર ચઢાવે, પછી તે નર હોય કે નારી હોય, તો યહોવા પ્રત્યે તે એબરહિતનું ચઢાવે.

it-૨-E ૫૨૬ ¶૧

અર્પણો

શાંતિ-અર્પણો. જ્યારે યહોવા અર્પણ કરનારનું શાંતિ-અર્પણ સ્વીકારતા ત્યારે એ દર્શાવતું કે પોતે વ્યક્તિ સાથે શાંતિમાં છે. અર્પણ કરનાર અને તેના ઘરના લોકો એ અર્પણમાંથી ખાતા (મંડપના આંગણામાં; યહુદી રિવાજ મુજબ આંગણાંની અંદર માંડવાઓ બાંધવામાં આવેલા હતા. મંદિરમાં ભોજનખંડો પણ બનાવવામાં આવ્યા હતા). અર્પણ ચઢાવનાર યાજક અને મંદિરમાં સેવા આપતા બીજા યાજકો પણ એ અર્પણમાંથી ખાતા. પ્રાણીની ચરબી બાળવામાં આવતી ત્યારે ધુમાડો ઉપર જતો. એનાથી જાણે યહોવાને તેમનો ભાગ મળતો. પ્રાણીનું લોહી જીવનને રજૂ કરતું હતું. એટલે, એ પણ યહોવાને ચઢાવવામાં આવતું. આમ, યાજક, અર્પણ ચઢાવનાર અને યહોવા જાણે એક સાથે જમતા. એ બતાવતું કે તેઓની વચ્ચે શાંતિ છે. મુસાના નિયમ પ્રમાણે અશુદ્ધ હાલતમાં કે પછી અર્પણના ત્રીજા દિવસે વ્યક્તિ એ માંસ ખાય (ગરમીમાં માંસ બગડવા લાગે) તો એ બતાવતું કે તે પવિત્ર વસ્તુઓનું અપમાન કરી રહી હતી. એ કારણથી વ્યક્તિને મોતની સજા થતી.—લેવી ૭:૧૬-૨૧; ૧૯:૫-૮.

કીમતી રત્નો શોધીએ

(લેવીય ૨:૧૩) અને તારે તારા ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણને મીઠાથી સલૂણું કરવું; અને તારા ખાદ્યાર્પણમાં તું તારા ઈશ્વરના કરારના મીઠાની ખામી રહેવા ન દે; તારા પ્રત્યેક અર્પણ સાથે તારે મીઠું ચઢાવવું.

(હઝકિયેલ ૪૩:૨૪) તારે તેમને યહોવાની આગળ લાવવા, ને યાજકો તેમના પર મીઠું નાખે, ને તેઓ તેમને યહોવા પ્રત્યે દહનીયાર્પણ તરીકે ચઢાવે.

w૦૪ ૫/૧૫ ૨૨ ¶૧

લેવીયના મુખ્ય વિચારો

૨:૧૩—શા માટે દરેક અર્પણ સાથે મીઠું પણ ચડાવવું પડતું? એ અર્પણોને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ન હતું. જગત ફરતે ઘણા લોકો ખોરાકમાં મીઠું ઉમેરે છે જેથી એ બગડી ન જાય. તેથી, જ્યારે કોઈ પણ અર્પણ મીઠું સાથે ચડાવવામાં આવતું, ત્યારે એ બતાવી આપતું કે એ અર્પણ એકદમ ચોખ્ખું છે અને એમાં કોઈ ખામી નથી.

(લેવીય ૩:૧૭) તમારી વંશપરંપરા તમારાં સઘળાં રહેઠાણોમાં એ હંમેશને માટે તમારો વિધિ થાય, એટલે કે ચરબી કે રક્ત તમારે ખાવું જ નહિ.

it-૧-E ૮૧૩

ચરબી

યહોવાએ આપેલા નિયમનું કારણ. મુસાના નિયમ પ્રમાણે અર્પણમાં ચઢાવેલાં પ્રાણીનાં લોહી અને ચરબી પર ફક્ત યહોવાનો જ હક હતો. લોહી જીવનને રજૂ કરે છે અને ફક્ત યહોવા જ જીવન આપી શકે છે. એ માટે અર્પણ તરીકે લોહી યહોવાને ચઢાવવામાં આવતું હતું. (લેવી ૧૭:૧૧, ૧૪) એવું માનવામાં આવતું કે પ્રાણીની ચરબી, માંસનો સૌથી ઉત્તમ ભાગ હતો. કોઈ વ્યક્તિ પ્રાણીની ચરબી યહોવાને ચઢાવે તો એનાથી દેખાઈ આવતું કે તે યહોવાને સૌથી ઉત્તમ ભાગ આપવા ચાહતો હતો. યહોવા આપણને પુષ્કળ આશીર્વાદ આપે છે, એટલે આપણે પણ તેમને સૌથી સારું આપવું જોઈએ. એ જ કારણથી ઇઝરાયેલીઓ ચરબીને ‘ખોરાક’ તરીકે આગમાં બાળતા જેની સુગંધથી યહોવા ખુશ થતાં. (લેવી ૩:૧૧, ૧૬) એટલે, કોઈ વ્યક્તિ ચરબી ખાય તો, એ જાણે યહોવાના ભાગમાંથી ખાધું બરાબર ગણાતું. નિયમ પ્રમાણે તેને મોતની સજા થતી. પણ કોઈ પ્રાણી મરી જાય કે બીજું કોઈ પ્રાણી તેને મારી નાખે તો, એની ચરબી બીજા કોઈ કામ માટે વાપરી શકાતી. જ્યારે કે, લોહીને બીજી કોઈ પણ રીતે વાપરવામાં ન આવતું.—લેવી ૭:૨૩-૨૫.

w૦૪ ૫/૧૫ ૨૨ ¶૨

લેવીયના મુખ્ય વિચારો

૩:૧૭. પ્રાણીઓની ચરબી ખાવાની મનાઈ હતી. એને ફક્ત અર્પણોમાં જ ચડાવવામાં આવતી કેમ કે માંસમાંથી ચરબી સૌથી સારો ભાગ છે. આ નિયમ પાળવાથી ઈસ્રાએલીઓને એ યાદ રહેતું કે યહોવાહને સૌથી સારી ચીજો જ આપવી જોઈએ. (ઉત્પત્તિ ૪૫:૧૮) આપણે પણ પૂરા દિલથી યહોવાહની સેવા કરવી જોઈએ અને તેમની તન-મન-ધનથી ભક્તિ કરવી જોઈએ.—નીતિવચનો ૩:૯, ૧૦; કોલોસી ૩:૨૩, ૨૪.

બાઇબલ વાંચન

(લેવીય ૧:૧-૧૭)

નવેમ્બર ૧૬-૨૨

બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૪-૫

“યહોવાને સૌથી ઉત્તમ આપો”

(લેવીય ૫:૫, ૬) અને જ્યારે તે તેઓમાંથી એક વિશે દોષિત ઠરે ત્યારે એમ થાય કે જે વિશે તેણે પાપ કર્યું હોય તે તે કબૂલ કરે; ૬ અને જે પાપ તેણે કર્યું હોય તેને લીધે યહોવાને માટે તે પોતાનું દોષાર્થાર્પણ લાવે, એટલે પાપાર્થાર્પણને માટે ટોળામાંથી નારી જાતિનું એક હલવાન કે બકરી; અને યાજક તેના પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત્ત કરે.

w૦૦ ૮/૧૫ ૧૬ ¶૧૮

પરમેશ્વરને ખુશ કરતાં બલિદાનો

૧૮ લેવીયના પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં દોષ માટેનાં અર્પણનો અર્થ અને એના હેતુની સમજણ મળી આવે છે. ધારો કે કોઈ અજાણતા પાપ કરે તોપણ તે પોતાના સાથી અથવા યહોવાહ પરમેશ્વરનો દોષી છે. એટલે તેણે એ દોષનું નુકસાન ભરપાઈ કરી આપવું જ જોઈએ. આ અધ્યાયોમાં જુદા જુદા પ્રકારનાં પાપ જણાવવામાં આવ્યા છે. એમાં કેટલાંક અજાણતા કરેલાં પાપ છે. (લેવીય ૫:૨-૬) કેટલાંક “યહોવાહની પવિત્ર વસ્તુઓ” વિરુદ્ધનાં પાપ છે. (લેવીય ૫:૧૪-૧૬) વળી, કેટલાંક પાપ અજાણતા ન કર્યાં હોય, પણ ખોટી ઇચ્છા કે નબળાઈથી કર્યાં હોય એવા પાપ છે. (લેવીય ૬:૧-૩) આવા પાપ કરનારે એનો સ્વીકાર કરીને, જરૂરી વળતર ચૂકવવું પડતું. એ પછી, તે યહોવાહ પરમેશ્વરને દોષ માટેનું અર્પણ ચઢાવતો હતો.—લેવીય ૬:૪-૭.

(લેવીય ૫:૭) અને જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે દોષાર્થાર્પણને માટે તે યહોવાને માટે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં લાવે; એક પાપાર્થાર્પણને માટે, ને બીજું દહનીયાર્પણને માટે.

w૦૯ ૭/૧ ૮ ¶૩

ઈશ્વર આપણી પાસે ગજા ઉપરાંત માંગતા નથી

ના, એવું ન હતું. એ કિસ્સામાં નિયમ જણાવતો હતો કે “જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે દોષાર્થાર્પણને માટે તે યહોવાહને સારૂ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં લાવે.” (૭મી કલમ) જો વ્યક્તિ બહુ ગરીબ હોય અને હલવાન કે બકરી તેને પોષાતા ન હોય, તો તે બે હોલા કે બે કબૂતરનાં બચ્ચાં ચડાવી શકતી હતી. ઈશ્વરને એ અર્પણ પણ માન્ય હતું.

(લેવીય ૫:૧૧) અને જો બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં મેળવવાં એ તેના ગજા ઉપરાંત હોય, તો પોતે જે પાપ કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ અફાહ મેંદાનું તે પોતાને માટે અર્પણ લાવે; તે પર તે કંઈ તેલ ન રેડે, ને તે પર તે કંઈ લોબાન ન મૂકે: કેમ કે તે તો પાપાર્થાર્પણ છે.

w૦૯ ૭/૧ ૮ ¶૪

ઈશ્વર આપણી પાસે ગજા ઉપરાંત માંગતા નથી

પણ જો વ્યક્તિ બે પક્ષીઓનું અર્પણ પણ ન આપી શકે એટલી ગરીબ હોય તો શું? એ સંજોગમાં નિયમે જણાવ્યું કે “પોતે જે પાપ કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ એફાહ [આઠ કે નવ કપ] મેંદાનું તે પોતાને માટે અર્પણ લાવે.” (૧૧મી કલમ) આમ બહુ ગરીબ વ્યક્તિ પણ માફી મેળવવા પશુ-પંખી સિવાય કંઈક અર્પણ ચડાવી શકતી હતી. યહોવાહની કેવી સરસ ગોઠવણ!

કીમતી રત્નો શોધીએ

(લેવીય ૫:૧) અને જો કોઈ જન સાક્ષી હોવા છતાં તેને શપથ દેવામાં આવે ત્યારે તેણે જે દીઠું હોય કે જાણતો હોય, તે જાહેર ન કરીને પાપમાં પડે તો તેનો અન્યાય તેને માથે છે;

w૧૬.૦૨ ૨૯-૩૦ ¶૧૪

યહોવાના વફાદાર સેવકો પાસેથી શીખો

૧૪ તમે પણ દયાભાવથી વર્તીને પ્રથમ તો યહોવાને વફાદાર રહી શકો તેમજ બીજાઓ પ્રત્યે વફાદારી જાળવી શકો. દાખલા તરીકે, કદાચ તમારી પાસે ઠોસ પુરાવા છે કે મંડળના કોઈ ભાઈ કે બહેને ગંભીર પાપ કર્યું છે. તમે કદાચ તેમને વફાદાર રહેવા ચાહશો, એમાંય ખાસ તો જ્યારે તે તમારા ગાઢ મિત્ર કે કુટુંબનું સભ્ય હોય ત્યારે. પરંતુ, સૌ પ્રથમ તો યહોવાને વફાદાર રહેવું વધુ મહત્ત્વનું છે. એટલે નાથાન પ્રબોધકની જેમ તમારે યહોવાને આધીન રહેવું જોઈએ. સાથે સાથે, એ વ્યક્તિ જોડે પણ દયાભાવથી વર્તવું જોઈએ. એ વ્યક્તિને જણાવો કે એ વિશે વડીલોને જલદી જ વાત કરે અને તેઓની મદદ માંગે. જો તે એમ ન કરે, તો તમારે વડીલોને એ વાત જણાવવી જોઈએ. એમ કરીને તમે યહોવા પ્રત્યે વફાદાર રહો છો. ઉપરાંત, તમે એ ભાઈ કે બહેન પ્રત્યે દયા પણ બતાવો છો. કારણ કે, વડીલો તેમને યહોવા સાથે ફરી સારો સંબંધ બાંધવામાં મદદ કરી શકે એમ છે. વડીલો તેમને નમ્રભાવે અને પ્રેમાળ રીતે સુધારશે.—લેવીય ૫:૧; ગલાતી ૬:૧ વાંચો.

(લેવીય ૫:૧૫, ૧૬) જો કોઈ માણસ ઉલ્લંઘન કરીને યહોવાની પવિત્ર વસ્તુઓ વિશે અજાણે પાપ કરે; તો તે યહોવા પ્રત્યે પોતાનું દોષાર્થાર્પણ લાવે, ટોળામાંથી એબ વગરનો એક ઘેટો, એટલે તું ઠરાવે એટલા શેકેલ રૂપું, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, દોષાર્થાર્પણને માટે લાવે; ૧૬ અને જે પવિત્ર વસ્તુ વિશે તેણે પાપ કર્યું હોય તેનો બદલો તે ભરી આપે, ને વળી તેનો એક પંચમાંશ તેમાં ઉમેરીને યાજકને તે આપે; અને યાજક તેને માટે દોષાર્થાર્પણના ઘેટા વડે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.

it-૧-E ૧૧૩૦ ¶૨

પવિત્રતા

પ્રાણીઓ અને બીજી પેદાશ. પ્રથમ જન્મેલા આખલા, ઘેટાના પ્રથમ જન્મેલા નર બચ્ચા અને પ્રથમ જન્મેલા બકરા યહોવા માટે પવિત્ર ગણાતા. એટલે, ઇઝરાયેલીઓએ તેઓની કિંમત ચૂકવીને તેઓને છોડાવવાના ન હતા. એ યહોવાને અર્પણ તરીકે ચઢાવવામાં આવતા, જેમાંથી અમુક ભાગ યાજકોને મળતો. (ગણ ૧૮:૧૭-૧૯) પ્રથમ ફળ, ઊપજનો દસમો ભાગ અને મંડપની સેવામાં અર્પણ કરેલાં બધાં બલિદાનો અને ભેટો પવિત્ર હતાં. યહોવા માટે એ રાખવામાં આવતાં. (નિર્ગ ૨૮:૩૮) દરેક પવિત્ર વસ્તુ યહોવાની સેવા સિવાય બીજા કોઈ પણ કામ માટે વાપરવાની ન હતી. દાખલા તરીકે, એક માણસે પોતાના ઘઉંની ઊપજનો દસમો ભાગ યહોવાને આપવા માટે અલગ રાખ્યો છે. હવે, તે કે તેના ઘરનું કોઈ માણસ અજાણતા એ ભાગમાંથી થોડું, ખાવાનું બનાવવા વાપરે છે. એમ કરીને એ માણસ યહોવાનો નિયમ તોડે છે અને પવિત્ર વસ્તુઓનું અપમાન કરે છે. પવિત્ર વસ્તુઓ વિરુદ્ધ કરેલા પાપ માટે તેણે પૂરેપૂરી નુકસાની ભરી આપવી પડતી. તેણે એ વસ્તુઓની કિંમત ચૂકવવી પડતી. એ ઉપરાંત, તેણે ૨૦ ટકા વધારે કિંમત ભરવી પડતી. એની સાથે તેણે ખોડખાંપણ વગરનું નર ઘેટું અર્પણ માટે આપવું પડતું. આમ, યહોવા માટેની પવિત્ર વસ્તુઓને માન આપવામાં આવતું.—લેવી ૫:૧૪-૧૬.

બાઇબલ વાંચન

(લેવીય ૪:૨૭–૫:૪)

નવેમ્બર ૨૩-૨૯

બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૬-૭

“આભાર માનીએ”

(લેવીય ૭:૧૧, ૧૨) અને શાંત્યર્પણોનો યજ્ઞ યહોવા પ્રત્યે કોઈ ચઢાવે, તો તેનો નિયમ આ છે: ૧૨ જો ઉપકારસ્તુતિને અર્થે તે તે ચઢાવે, તો તે ઉપકારાર્થાર્પણની સાથે તેલમાં મોહેલી ખમીર વગરની પોળીઓ, તથા તેલ ચોપડેલા ખમીર વગરના ખાખરા, તથા તેલમાં બોળેલા મેંદાની તેલે મોહેલી પોળીઓ ચઢાવે.

w૧૯.૧૧ ૨૨ ¶૯

લેવીયના પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ?

૯ બીજો બોધપાઠ: આપણે યહોવાનો આભાર માનવા ચાહીએ છીએ એટલે તેમની ભક્તિ કરીએ છીએ. એ સમજવા ચાલો આપણે શાંતિ અર્પણો વિશે જોઈએ. એ અર્પણો ઇઝરાયેલીઓની સાચી ભક્તિનો મહત્ત્વનો ભાગ હતા. લેવીયના પુસ્તકમાં જોવા મળે છે કે એક ઇઝરાયેલી ‘ઉપકાર માનવા’ શાંતિ અર્પણો ચઢાવી શકતો હતો. (લેવી. ૭:૧૧-૧૩, ૧૬-૧૮) તે કરવા ખાતર નહિ, પણ દિલથી એ અર્પણો ચઢાવતો હતો. એ અર્પણ તે રાજીખુશીથી આપતો હતો, કારણ કે તે યહોવા ઈશ્વરને પ્રેમ કરતો હતો. પ્રાણીના અર્પણમાંથી એ ઈઝરાયેલી, તેનું કુટુંબ અને યાજકો ખાઈ શકતા હતા. પરંતુ પ્રાણીના શરીરના અમુક ભાગો ફક્ત યહોવાને અર્પણ કરવાના હતા. એ કયા હતા?

(લેવીય ૭:૧૩-૧૫) ઉપકારસ્તુતિને અર્થે પોતાનાં શાંત્યર્પણોના યજ્ઞ સાથે ખમીરી રોટલીની પોળીઓનું અર્પણ તે ચઢાવે. ૧૪ અને તેમાંના પ્રત્યેક અર્પણમાંથી અકેક વસ્તુ યહોવાને માટે ઉચ્છાલીયાર્પણ તરીકે તે ચઢાવે; શાંત્યર્પણોનું રક્ત છાંટનાર યાજકને જ તે મળે. ૧૫ અને ઉપકારસ્તુતિને માટેનાં શાંત્યર્પણોના યજ્ઞનુ માંસ અર્પણને દિવસે જ તે ખાઈ જાય; તે તેમાંથી કંઈ પણ સવાર સુધી રહેવા ન દે.

w૦૦ ૮/૧૫ ૧૫-૧૬ ¶૧૫

પરમેશ્વરને ખુશ કરતાં બલિદાનો

૧૫ લેવીયનો ત્રીજો અધ્યાય બીજા એક સ્વેચ્છાએ કરેલાં અર્પણ, એટલે કે “શાંતિનાં અર્પણ” વિષે જણાવે છે. હેબ્રીમાં “શાંતિ” શબ્દનો અર્થ, ફક્ત યુદ્ધ અને ઝઘડા ન હોવાથી પણ વધારે છે. મુસાના નિયમશાસ્ત્રનો અભ્યાસ (અંગ્રેજી) પુસ્તક કહે છે: “બાઇબલમાં એનો અર્થ, યુદ્ધ અને ઝઘડા ન હોવા, પરમેશ્વર સાથે શાંતિ હોવી તથા સુખી અને આનંદી હોવું” થાય છે. આમ, શાંતિનાં અર્પણો પરમેશ્વરની કૃપા મેળવવા જ નહિ, પણ તેમની કદર બતાવવા અપાતાં હતાં. એ પરમેશ્વરના ભક્તો જે આશીર્વાદો અને શાંતિનો આનંદ માણે છે, એની ઉજવણી કરવા માટે હતાં. લોહી અને ચરબી યહોવાહને અર્પણ કર્યા પછી, યાજકો અને અર્પણ કરનાર એ બલિદાન ખાતા. (લેવીય ૩:૧૭; ૭:૧૬-૨૧; ૧૯:૫-૮) આ સાંકેતિક છતાં સુંદર રીતે અર્પણ કરનાર, યાજકો અને યહોવાહ પરમેશ્વર સાથે ભોજન કરતા હતા, જે તેઓ વચ્ચે શાંતિપૂર્ણ સંબંધ બતાવતું હતું.

(લેવીય ૭:૨૦) પણ જે જન પોતાનું અંગ અશુદ્ધ હોવા છતાં યહોવાને માટેનાં શાંત્યર્પણોના યજ્ઞનું માંસ ખાય, તે માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય.

w૦૦ ૮/૧૫ ૧૯ ¶૮

યહોવાહને પસંદ પડે એવા અર્પણો

૮ બલિદાન ચઢાવનાર વિષે શું? નિયમશાસ્ત્ર બતાવે છે કે જે કોઈ યહોવાહ પાસે આવે, તે શુદ્ધ અને નિર્મળ હોવા જોઈએ. કોઈ વ્યક્તિ અમુક કારણોસર અશુદ્ધ થાય તો શું? તેણે પ્રથમ પાપ કે દોષ માટેનું બલિદાન ચઢાવીને યહોવાહની નજરમાં શુદ્ધ થવાનું હતું. જેથી, તેનું દહન કરેલું અર્પણ કે શાંતિ માટેનું અર્પણ યહોવાહ પરમેશ્વરને સ્વીકાર્ય થાય. (લેવીય ૫:૧-૬, ૧૫, ૧૭) તેથી, શું આપણે હંમેશા યહોવાહની નજરમાં શુદ્ધ રહેવાના મહત્ત્વની કદર કરીએ છીએ? યહોવાહ આપણી ભક્તિ સ્વીકારે એમ ચાહતા હોઈએ તો, આપણે બને એટલી જલદી પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ. પરમેશ્વરે પૂરી પાડેલી મદદનો આપણે તરત જ લાભ લેવો જોઈએ, જે “મંડળીના વડીલો” અને “આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત,” ઈસુ ખ્રિસ્ત છે.—યાકૂબ ૫:૧૪; ૧ યોહાન ૨:૧, ૨.

કીમતી રત્નો શોધીએ

(લેવીય ૬:૧૩) અગ્‍નિને વેદી પર અખંડ સળગતો રાખવો; તેને હોલવાઈ જવા ન દેવો.

it-૧-E ૮૩૩ ¶૧

આગ

પવિત્ર મંડપ અને મંદિરમાં સળગાવવામાં આવતી આગ. પ્રમુખ યાજક દરરોજ સવારે અને સાંજે ધૂપવેદી પર ધૂપ બાળતો. (નિર્ગ ૩૦:૭, ૮) ઈશ્વરે આજ્ઞા આપી હતી કે અગ્‍નિ-અર્પણની વેદી પર આગ હંમેશાં સળગતી રહેવી જોઈએ. એ બુઝાવી ન જોઈએ. (લેવી ૬:૧૨, ૧૩) પણ વેદી પર સૌથી પહેલા આગ કોણે સળગાવી? યહુદીઓ માનતા હતા કે પહેલી વાર ઈશ્વરે ચમત્કારથી આગ સળગાવી હતી. જોકે, બાઇબલ એવું નથી શીખવતું. યહોવાએ પહેલેથી જ મુસાને કહ્યું હતું કે હારુનના દીકરાઓએ અર્પણ ચઢાવતા પહેલાં, ‘વેદી પર આગ મૂકવી અને આગ પર લાકડાં ગોઠવવા.’ (લેવી ૧:૭, ૮) હારુન અને તેના દીકરાઓને યાજકપદ સોંપવામાં આવ્યું પછી તેઓએ યહોવાના કહ્યા પ્રમાણે વેદી પર આગ સળગાવી અને પહેલી વાર અર્પણ ચઢાવ્યું. ત્યાર પછી યહોવાએ વેદી પર આગ વરસાવી. યહોવાએ લાકડાં સળગાવવા નહિ, પણ ‘વેદી પરનાં અગ્‍નિ-અર્પણ અને ચરબીને બાળવા’ વાદળના સ્તંભમાંથી આગ વરસાવી હોય શકે. એનો અર્થ એવો થતો કે વેદી પર મૂકેલા લાકડાંઓને યાજકે પહેલેથી સળગાવ્યા હતા અને પછી યહોવાએ અર્પણ પર આગ વરસાવી. (લેવી ૮:૧૪–૯:૨૪) યહોવાએ બીજા પણ અનેક સમયે અર્પણ સ્વીકારવા આકાશમાંથી આગ વરસાવી હતી. દાખલા તરીકે, મંદિરના સમર્પણ વખતે સુલેમાને પ્રાર્થના પૂરી કરી ત્યારે, યહોવાએ આકાશમાંથી આગ વરસાવી અને અર્પણ ભસ્મ કરી નાખ્યાં.—૨ કાળ ૭:૧; ન્યા ૬:૨૧; ૧રા ૧૮:૨૧-૩૯; ૧કા ૨૧:૨૬.

(લેવીય ૬:૨૫) હારુનને તથા તેના પુત્રોને એમ કહે, કે પાપાર્થાર્પણનો નિયમ આ છે: જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં યહોવાની આગળ પાપાર્થાર્પણ પણ કપાય; તે પરમપવિત્ર છે.

si-E ૨૭ ¶૧૫

બાઇબલ પુસ્તક નંબર ૩—લેવીય

૧૫ (૩) જો કોઈએ અજાણતા કે ભૂલથી પાપ કર્યું હોય, તો એના પ્રાયશ્ચિત્ત માટે તેણે પાપ-અર્પણ ચઢાવવું પડતું. કેવાં પ્રાણીનું અર્પણ ચઢાવવું એ કઈ રીતે નક્કી થતું? એ એના પર આધારિત હતું કે કોણ પાપની માફી માંગે છે. શું તે યાજક છે, મુખી છે, સામાન્ય વ્યક્તિ છે કે પછી આખી ઇઝરાયેલી પ્રજા છે? અગ્‍નિ-અર્પણ અને શાંતિ-અર્પણ લોકો પોતાની ઇચ્છા પ્રમાણે ચઢાવી શકતા. જ્યારે કે, વ્યક્તિ પાપ કરે તો તેણે પાપ-અર્પણ ચઢાવવું જ પડતું.—લેવી ૪:૧-૩૫; ૬:૨૪-૩૦.

બાઇબલ વાંચન

(લેવીય ૬:૧-૧૮)

નવેમ્બર ૩૦-ડિસેમ્બર ૬

બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૮-૯

“યહોવાના આશીર્વાદોનો પુરાવો”

(લેવીય ૮:૬-૯) અને મુસાએ હારુનને તથા તેના પુત્રોને લાવીને તેઓને પાણીથી સ્નાન કરાવ્યું. ૭ અને તેણે હારુનને અંગરખો પહેરાવ્યો, ને તેની કમરે કમરબંધ બાંધ્યો, ને તેને જામો પહેરાવ્યો, ને તેને એફોદ પહેરાવ્યો, ને તેણે એફોદનો કારીગરીથી વણેલો પટકો તેની કમરે બાંધ્યો, એને એવડે તેણે તેના શરીર સાથે તે બાંધ્યો. ૮ અને તેણે તેને ઉરપત્ર પહેરાવ્યું; અને ઉરપત્રમાં તેણે ઉરીમ તથા તુમીમ જડ્યા. ૯ અને તેણે તેને માથે પાઘડી પહેરાવી; અને પાઘડીને મોખરે તેણે સોનાનું પતરૂં એટલે પવિત્ર મુગટ ચોઢ્યો, જેમ યહોવાએ મુસાને આજ્ઞા કરી હતી તેમ.

(લેવીય ૮:૧૨) અને તેણે અભિષેકના તેલમાંથી હારુનના માથા પર રેડીને તેને પાવન કરવા માટે તેનો અભિષેક કર્યો.

it-૧-E ૧૨૦૭

યાજકો બનાવવામાં આવ્યા

મુસાએ હારુન અને તેમના દીકરાઓ નાદાબ, અબીહૂ, એલ્યાઝર અને ઇથામારને યાજકો બનાવ્યા એ પહેલાં, નાહવાની આજ્ઞા આપી. તેઓએ મંડપના આંગણાંમાં આવેલા તાંબાના કુંડના પાણીથી પોતાને શુદ્ધ કર્યા. પછી મુસાએ હારુનને પ્રમુખ યાજકના સુંદર કપડાં પહેરાવ્યાં. (ગણ ૩:૨, ૩) એ કપડાં બતાવતા કે તેમને એક ખાસ જવાબદારી મળી છે. પછી મુસાએ મંડપને, એની અંદરની વસ્તુઓ, વાસણો, અગ્‍નિ-અર્પણની વેદી, કુંડ અને એનાં વાસણોને અભિષિક્ત કર્યા. એ પવિત્ર ચીજવસ્તુઓને ફક્ત યહોવાની ભક્તિ માટે વાપરવાનાં હતાં. છેવટે, મુસાએ હારૂનના માથા પર તેલ રેડીને તેમને અભિષિક્ત કર્યા.—લેવી ૮:૬-૧૨; નિર્ગ ૩૦:૨૨-૩૩; ગી ૧૩૩:૨.

(લેવીય ૯:૧-૫) અને આઠમે દિવસે એમ બન્યું, કે મુસાએ હારુનને તથા તેના પુત્રોને તથા ઈસ્રાએલના વડીલોને તેડાવ્યા; ૨ અને તેણે હારુનને કહ્યું, કે પાપાર્થાર્પણને માટે એબ વગરનો એક વાછરડો તથા દહનીયાર્પણને માટે એક ઘેટો લઈને યહોવાની સંમુખ તેઓને ચઢાવ. ૩ અને તું ઈસ્રાએલ પુત્રોને કહે, કે તમે પાપાર્થાર્પણને માટે એક બકરો; અને દહનીયાર્પણને માટે એક વાછરડો તથા એક હલવાન, બંને પહેલા વર્ષના તથા એબ વગરના; ૪ અને શાંત્યર્પણોને માટે યહોવાની સંમુખ યજ્ઞ કરવા માટે એક બળદ તથા એક ઘેટો, તથા તેલથી મોહેલું ખાદ્યાર્પણ લો: કેમ કે યહોવા આજ તમને દર્શન દેવાનો છે. ૫ અને જે વિશે મુસાએ આજ્ઞા કરી હતી તે તેઓ મુલાકાતમંડપની પાસે લાવ્યા; અને આખી જમાત પાસે આવીને યહોવાની સંમુખ ઊભી રહી,

it-૧-E ૧૨૦૮ ¶૮

યાજકો બનાવવામાં આવ્યા

મુસાએ યાજકપદ સોંપ્યું એના આઠમા દિવસે હારુન અને તેમના દીકરાઓએ (મુસાની મદદ વગર) પહેલી વાર ઇઝરાયેલીઓએ કરેલાં પાપનાં પ્રાયશ્ચિત્ત માટે અર્પણ ચઢાવ્યા. વારસામાં મળેલા પાપને લીધે ઇઝરાયેલીઓ ભૂલો કરતા. એટલું જ નહિ, તેઓએ હાલમાં જ સોનાનું વાછરડું બનાવીને યહોવાને દુઃખી કર્યા હતા. એટલે તેઓને માફીની જરૂર હતી. (લેવી ૯:૧-૭; નિર્ગ ૩૨:૧-૧૦) જ્યારે હારુન અને તેમના દીકરાઓએ અર્પણ ચઢાવ્યું, ત્યારે વાદળના સ્તંભ પરથી યહોવાએ આગ વરસાવીને વેદી પર બચેલા અર્પણને બાળી નાખ્યું. એ દર્શાવતું કે યહોવાએ તેઓને નીમ્યા છે અને માન્ય કર્યા છે.—લેવી ૯:૨૩, ૨૪.

(લેવીય ૯:૨૩, ૨૪) અને મુસા તથા હારુન મુલાકાતમંડપમાં ગયા, ને બહાર આવીને તેઓએ લોકોને આશીર્વાદ દીધો; અને સર્વ લોકોને યહોવાના ગૌરવનું દર્શન થયું. ૨૪ અને યહોવાની સંમુખથી અગ્‍નિ ધસી આવ્યો, ને તેણે વેદી પરનું દહનીયાર્પણ તથા ચરબી ભસ્મ કર્યાં; અને સર્વ લોકોએ તે જોઈને હર્ષપોકાર કર્યો, ને ઊંધા પડ્યા.

w૧૯.૧૧ ૨૩ ¶૧૩

લેવીયના પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ?

૧૩ ચોથો બોધપાઠ: યહોવા પોતાના સંગઠનના પૃથ્વી પરના ભાગને આશીર્વાદ આપે છે. ચાલો જોઈએ કે ઈ.સ. પૂર્વે ૧૫૧૨માં શું થયું હતું. સિનાઈ પહાડ પાસે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. (નિર્ગ. ૪૦:૧૭) હારુન અને તેમના દીકરાઓને યાજક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એ માટે મુસાએ અમુક વિધિ કરાવી હતી. યાજકો પહેલી વાર પ્રાણીના અર્પણો ચઢાવી રહ્યા હતા. આખી ઇઝરાયેલી પ્રજા એ જોવા ભેગી થઈ હતી. (લેવી. ૯:૧-૫) પસંદ થયેલા યાજકો પર યહોવાએ કઈ રીતે પોતાની કૃપા બતાવી? હારુન અને મુસા લોકોને આશીર્વાદ આપતા હતા ત્યારે, યહોવાએ અગ્‍નિ મોકલીને વેદી પરનાં અર્પણો પૂરેપૂરાં બાળી નાખ્યાં.—લેવીય ૯:૨૩, ૨૪ વાંચો.

કીમતી રત્નો શોધીએ

(લેવીય ૮:૬) અને મુસાએ હારુનને તથા તેના પુત્રોને લાવીને તેઓને પાણીથી સ્નાન કરાવ્યું.

w૧૪ ૧૧/૧૫ ૯ ¶૬

આપણે શા માટે પવિત્ર થવું જોઈએ?

૬ ઈસ્રાએલના યાજકોને શારીરિક સ્વચ્છતા પણ જાળવવાની હતી. શું એ નિયમ આપણને પણ લાગુ પડે છે? આપણા ઘણા બાઇબલ વિદ્યાર્થીઓ જોઈ શકે છે કે આપણે સાફ-સફાઈને ઘણું મહત્ત્વ આપીએ છીએ. આપણે ભક્તિનાં સ્થળો પણ ચોખ્ખાં રાખીએ છીએ. ઉપરાંત, જેઓ ઈશ્વરની ભક્તિ કરવા ચાહે છે તેઓએ પોતાના “હૃદય નિર્મળ” રાખવા જોઈએ. (ગીતશાસ્ત્ર ૨૪:૩, ૪ વાંચો; યશા. ૨:૨, ૩) તેથી, આપણે યહોવાની સેવા સાફ મન, શુદ્ધ હૃદય અને સ્વચ્છ શરીરથી કરવી જોઈએ. આપણે પોતાની નિયમિત રીતે પરખ કરવી જોઈએ. અમુક વાર, આપણને પવિત્ર થવા માટે મોટા ફેરફાર કરવાની જરૂર પડી શકે. (૨ કોરીં. ૧૩:૫) દાખલા તરીકે, જો કોઈ ભાઈ કે બહેન પોર્નોગ્રાફી જોતાં હોય, તો તેમણે આવો વિચાર કરવો જોઈએ: “શું યહોવાની નજરે હું પવિત્ર છું?” પછી, તેમણે એ ખરાબ આદત છોડવા વડીલોની મદદ લેવી જોઈએ.—યાકૂ. ૫:૧૪.

(લેવીય ૮:૧૪-૧૭) અને તે પાપાર્થાર્પણના બળદને લાવ્યો; અને હારુનને તથા તેના પુત્રોએ પાપાર્થાર્પણના બળદના માથા પર તેમના હાથ મૂક્યા. ૧૫ અને તેણે તે કાપ્યો; અને મુસાએ રક્ત લઈને પોતાની આંગળીથી વેદીનાં શિંગની આસપાસ તે ચોપડ્યું, ને વેદીને શુદ્ધ કરી, ને બાકીનું રક્ત વેદીના થડમાં તેને માટે પ્રાયશ્ચિત્ત કરવાને રેડી દીધું, ને તેને પાવન કરી. ૧૬ અને મુસાએ આંતરડાં પરની બધી ચરબી, તથા કલેજા પરનું અંતરપડ, તથા બંને ગુરદા તથા તેઓની ચરબી લઈને વેદી પર તેનું દહન કર્યું. ૧૭ પણ બળદનું બાકીનું ખોળિયું તથા તેનું ચામડું તથા તેનું માંસ તથા તેનું છાણ તેણે છાવણી બહાર અગ્‍નિથી બાળી નાખ્યાં; જેમ યહોવાએ મુસાને આજ્ઞા કરી હતી તેમ.

it-૨-E ૪૩૭ ¶૩

મુસા

યહોવાએ મુસા દ્વારા ઇઝરાયેલીઓ સાથે નિયમ કરાર કર્યો. બીજા કોઈનો ઈશ્વર સાથે આટલો સારો સંબંધ ન હતો સિવાય ઈસુ ખ્રિસ્ત, જેમના દ્વારા નવો કરાર કરવામાં આવ્યો હતો. નિયમ કરારમાં બે પક્ષ હતા, એક “પક્ષે” યહોવા અને બીજા “પક્ષે” લોકો (એટલે કે ઇઝરાયેલીઓના વડીલો) હતા. મુસાએ લોકોને કરારનું પુસ્તક વાંચી સંભળાવ્યું. ત્યારે લોકોએ કહ્યું, ‘યહોવાએ જે કહ્યું છે તે બધું અમે કરીશું અને પાળીશું.’ પછી મુસાએ અર્પણ કરેલા પ્રાણીઓનું લોહી લઈને કરારના પુસ્તક પર છાંટ્યું. (નિર્ગ ૨૪:૩-૮; હિબ્રૂ ૯:૧૯) યહોવાએ મુસાને બતાવ્યું કે મંડપ અને એમાં વાપરવામાં આવતી વસ્તુઓ કઈ રીતે બનાવવી. તેમજ, યહોવાએ મુસાને બીજી જવાબદારીઓ પણ સોંપી. જેમ કે, યાજકો નીમવા, મંડપનું અભિષેક કરવું, પ્રમુખ યાજક તરીકે હારુનને અભિષિક્ત કરવા, વગેરે. પછી મુસાની દેખરેખ હેઠળ હારુન અને તેમના દીકરાઓ યાજકો તરીકે ઇઝરાયેલીઓ સામે પહેલી વાર અર્પણ ચઢાવે છે.—નિર્ગ અધ્યાય ૨૫-૨૯; લેવી અધ્યાય ૮, ૯.

બાઇબલ વાંચન

(લેવીય ૮:૩૧–૯:૭)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો