જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania
નવેમ્બર ૬-૧૨
બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૧૩-૧૪
“જો માણસ મરી જાય, તો શું તે ફરી જીવતો થઈ શકે?”
મરણ સામે માણસજાતની લડાઈ
ચીની સમ્રાટો પણ અમર થવા વિશે એવાં જ સપનાં જોતાં હતાં, પણ અલગ રીતે. જેમ કે, કાલ્પનિક જીવન અમૃત શોધીને. સમ્રાટ ચીન શી વ્હૉને પોતાના રસાયન વૈજ્ઞાનિકોને હુકમ કર્યો કે મૃત્યુ ના આવે એવી જાદુઈ દવા શોધી લાવે. પરંતુ, તેઓનાં બનાવેલા ઘણાં મિશ્રણમાં ઝેરી પારો હતો, અને એમાંના એક મિશ્રણથી કદાચ તેનું મોત થયું.
સોળમી સદીમાં નવી જગ્યાઓ શોધનાર સ્પૅનનો ચુવૉન પૉન્સે ડે લેઓન યુવાનીના ઝરાની શોધ કરવામાં કૅરેબિયન સમુદ્ર ખૂંદી વળ્યો. એ ઝરાને બદલે તેણે અમેરિકાનું ફ્લોરિડા શોધ્યું. પણ, થોડાં વર્ષો પછી અમેરિકાના રહેવાસીઓ સાથેની મારામારીમાં તે માર્યો ગયો. અને યુવાનીનો ઝરો આજ સુધી મળ્યો નથી.
શું કાપી નાખેલું વૃક્ષ ફરીથી ઊગી શકે?
લબાનોનના એક સુંદર એરેજ (સિદાર) વૃક્ષની સામે જૈતુનનું (ઓલિવનું) વાંકુંચૂકું વૃક્ષ કદાચ આકર્ષક ન લાગે. પરંતુ, જૈતુન વૃક્ષ મોટી મોટી આફતોમાં પણ ટકી રહે છે. કેટલાક જૈતુન વૃક્ષો લગભગ ૧,૦૦૦ વર્ષો જીવે છે. એનાં મૂળિયાં જમીનમાં ઊંડાં ઊતરેલાં હોય છે. એના લીધે, ભલે એનું થડ કાપી નાંખવામાં આવે, તોપણ એ ફરીથી ઊગી શકે છે. જ્યાં સુધી એનાં મૂળ જીવતાં હોય, ત્યાં સુધી એ ફરીથી ઊગવા માટે સક્ષમ છે.
ઈશ્વરના વફાદાર ભક્ત અયૂબને પૂરો ભરોસો હતો કે તે મરી જશે તોપણ ફરીથી જીવતા થશે. (અયૂ. ૧૪:૧૩-૧૫) તેમને સજીવન કરવા ઈશ્વર સક્ષમ છે, એવો ભરોસો બતાવવા અયૂબ એક વૃક્ષનું ઉદાહરણ આપે છે. એ વૃક્ષ કદાચ જૈતુનનું હોય શકે. અયૂબે કહ્યું કે ‘જો વૃક્ષ કાપી નાખવામાં આવે, તો એ ફરી ફૂટશે એવી આશા રહે છે.’ જૈતુનનું સુકાઈ ગયેલું થડ દુકાળ પછી પડેલા વરસાદમાં ફરીથી ઊગી શકે છે. અને એને ‘છોડની જેમ નવી ડાળીઓ’ પણ ફૂટી શકે છે.—અયૂ. ૧૪:૭-૯.
‘તારા હાથનાં કામોની તું ઝંખના રાખે છે’
અયૂબના શબ્દો પરથી આપણે જોઈ શકીએ છીએ કે યહોવાહ કેટલા માયાળુ પરમેશ્વર છે. અયૂબ જેવા ભક્તોને યહોવાહ પોતાની રીતે ઘડે છે. એવા ભક્તો તેમની નજરમાં બહુ જ કીમતી છે. (યશાયાહ ૬૪:૮) યહોવાહ પોતાના વફાદાર ભક્તોને ખજાનાની જેમ સાચવી રાખે છે. તેઓમાંના જેઓ મરી ગયા છે તેઓને ફરીથી સજીવન કરવાની “ઝંખના” રાખે છે. મૂળ હેબ્રી ભાષામાં ઝંખના માટે જે શબ્દ વપરાયો છે એના વિષે એક નિષ્ણાત કહે છે, ‘વ્યક્તિની તીવ્ર ઇચ્છા બતાવતી લાગણી માટે એ હેબ્રી શબ્દ સિવાય બીજો કોઈ શબ્દ વાપરી ના શકાય.’ ચોક્કસ યહોવાહ પોતાના મૃત્યુ પામેલા ભક્તોને યાદ રાખે છે. તેઓને જીવન આપવાની ઝંખના રાખે છે.
કીમતી રત્નો
it-1-E ૧૯૧
રાખ
“રાખ” શબ્દ એ બતાવવા વપરાતો હતો કે કોઈ વસ્તુ કે વ્યક્તિની જરાય કિંમત નથી અથવા તે નકામી છે. દાખલા તરીકે, ઇબ્રાહિમે નમ્રતાથી યહોવા આગળ સ્વીકાર્યું: “હું માટી અને રાખ છું.” (ઉત ૧૮:૨૭; યશા ૪૪:૨૦; અયૂ ૩૦:૧૯ પણ જુઓ.) અયૂબે પોતાના દોસ્તોની ખોટી વાતો વિશે કહ્યું કે એ “રાખ જેવી નકામી છે.”—અયૂ ૧૩:૧૨.
નવેમ્બર ૧૩-૧૯
બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૧૫-૧૭
“બીજાઓને દિલાસો આપો ત્યારે અલીફાઝ જેવું ન કરો”
આપણી આશા મજબૂત કરતા રહીએ
આપણે ક્યારેય યહોવાને ખુશ નહિ કરી શકીએ એવા ખોટા વિચારથી પણ આશા આપણું રક્ષણ કરે છે. અમુક કદાચ વિચારે, ‘હું તો કેટલીય વાર યહોવાનાં ધોરણો પાળવાનું ચૂકી જઉં છું. મારાથી કેટલી ભૂલો થાય છે. મને તો હંમેશ માટેનું જીવન નહિ જ મળે.’ અયૂબના મિત્ર અલીફાઝે પણ તેમને એવું જ કંઈક કીધું હતું. અલીફાઝે કીધું: “નાશવંત માણસ કઈ રીતે શુદ્ધ હોય શકે?” તેણે ઈશ્વર વિશે કીધું: “જો! ઈશ્વરને પોતાના દૂતો પર પણ ભરોસો નથી, અરે, સ્વર્ગ પણ તેમની નજરમાં પવિત્ર નથી.” (અયૂ. ૧૫:૧૪, ૧૫) કેટલું હળહળતું જૂઠું! શેતાન ચાહે છે કે આપણે એવું વિચારીએ. તે જાણે છે કે આવા વિચારો આપણી આશાને ઝાંખી કરી નાખશે. એટલે આવા વિચારો તમારા મનમાં આવે, તો એને તરત કાઢી નાખો. યહોવાનાં વચનો પર મન લગાડો. પૂરો ભરોસો રાખો કે યહોવાના દિલની ઇચ્છા છે કે તમે હંમેશ માટે જીવો. તમારી એ આશાને હકીકતમાં બદલવા તે તમને મદદ કરશે.—૧ તિમો. ૨:૩, ૪.
ઈસુની જેમ નમ્ર અને દયાળુ બનીએ
૧૬ આપણા શબ્દો. આપણામાં દયાની લાગણી હશે તો હતાશ લોકોને “ઉત્તેજન” આપવા પ્રેરાઈશું. (૧ થેસ્સા. ૫:૧૪) ઉત્તેજન આપવા આપણે તેઓને શું કહી શકીએ? આપણને તેઓની ચિંતા છે એવું જણાવી શકીએ. એવાં ભાઈ-બહેનોને પોતાનાં ગુણો અને આવડતો પારખવા મદદ કરીએ અને દિલથી તેઓની પ્રશંસા કરીએ. તેઓને યહોવાએ સત્ય તરફ ખેંચ્યા છે અને તેમની નજરે તેઓ કીમતી છે, એવું યાદ અપાવીએ. (યોહા. ૬:૪૪) આપણે તેઓને ખાતરી કરાવી શકીએ કે “નિરાશામાં ડૂબેલાં” અથવા “ભાંગી પડેલાં” ભક્તોની યહોવા કાળજી રાખે છે. (ગીત. ૩૪:૧૮, સંપૂર્ણ) જેઓને દિલાસાની જરૂર છે, તેઓને આપણા માયાળુ શબ્દોથી ઘણી તાજગી મળશે.—નીતિ. ૧૬:૨૪.
કીમતી રત્નો
અયૂબના મુખ્ય વિચારો
૭:૯, ૧૦; ૧૦:૨૧; ૧૬:૨૨—આ કલમો શું એવું બતાવે છે કે અયૂબ માનતા ન હતા કે મૂએલાઓને સજીવન કરવામાં આવશે? ના, એવું નથી. અહીં અયૂબ મરણ પછી તરત જ શું થશે, એની વાત કરતા હોઈ શકે. તે એમ કહેતા હોઈ શકે કે પોતે મરણ પામે તો એ જમાનાના લોકો તેમને ફરી જોઈ શકશે નહિ. બીજા શબ્દોમાં, તેઓ અયૂબને તેમના ઘેર પાછા જતાં કોઈ જોઈ શકશે નહિ. તે કોઈની સાથે વાત પણ કરશે નહિ. ક્યાં સુધી? યહોવાહે ઠરાવેલો સમય પૂરો થાય નહિ ત્યાં સુધી. અથવા તે એમ પણ કહેતા હોઈ શકે કે જે કોઈ શેઓલમાં જાય છે, એ પોતાની મેળે એમાંથી બહાર નીકળી શકતો નથી. અયૂબ ૧૪:૧૩-૧૫ બતાવે છે કે ભાવિમાં પોતાને ચોક્કસ સજીવન કરવામાં આવશે તેમ અયૂબ માનતા હતા.
નવેમ્બર ૨૦-૨૬
બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૧૮-૧૯
“ભાઈ-બહેનોનો સાથ કદી છોડશો નહિ”
ઈસુનાં આંસુઓમાંથી શીખવા જેવી વાતો
૯ શોકમાં ડૂબેલા લોકોને આપણે સહારો આપી શકીએ. ઈસુ ફક્ત માર્થા અને મરિયમ સાથે રડ્યા જ નહિ, તેઓને દિલાસો પણ આપ્યો. તેઓની વાત સાંભળી અને તેઓને હિંમત આપી. આપણે પણ એવું જ કરી શકીએ. ચાલો ઓસ્ટ્રેલિયામાં રહેતા ડેનભાઈનો દાખલો જોઈએ. તે એક વડીલ છે, તે કહે છે: “મારી પત્ની ગુજરી ગઈ ત્યારે મને સહારાની ખૂબ જ જરૂર હતી. ઘણા ભાઈઓ તેઓની પત્ની સાથે મને મળવા આવતા. તેઓ મારું ધ્યાનથી સાંભળતા. ભલે રાત હોય કે દિવસ તેઓ હંમેશાં મારા માટે સમય કાઢતા. હું તેઓ આગળ રડી શકતો. મને રડતા જોઈને તેઓને અજુગતું ન લાગતું. મારાથી ઘરનાં અમુક કામ ન થઈ શકે ત્યારે, તેઓ મને મદદ કરતા. તેઓ મારી કાર ધોવામાં, સામાન લાવી આપવામાં અને ખાવાનું બનાવામાં મને મદદ કરતા. તેઓ મારી સાથે વારંવાર પ્રાર્થના કરતા. તેઓ સાચે જ મારા પાકા દોસ્તો છે જેઓ ‘મુસીબતના સમયે ભાઈ બની ગયા.’”—નીતિ. ૧૭:૧૭.
કુટુંબમાંથી કોઈ યહોવાને છોડી દે
૧૬ બહિષ્કૃત વ્યક્તિના કુટુંબને મદદ કરતા રહીએ. જોવા મળ્યું છે કે ભાઈ-બહેનો બહિષ્કૃત વ્યક્તિની સાથે સાથે તેના કુટુંબ જોડે પણ વાત કરવાનું બંધ કરી દે છે. આપણે એવું ન કરીએ. એવા સમયે તેઓને પ્રેમ અને ઉત્તેજનની જરૂર છે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) ખાસ તો એવાં બાળકોને જેઓનાં મમ્મી કે પપ્પાએ સત્ય છોડી દીધું છે. આપણે તેઓને ઉત્તેજન આપીએ અને તેઓના વખાણ કરીએ. મારીયાબહેનના પતિને બહિષ્કૃત કરવામાં આવ્યા. તેમનાં પતિએ તેમને અને બાળકોને છોડી દીધાં. એવા સમયે ભાઈ-બહેનોએ તેમને ખૂબ મદદ કરી. બહેન કહે છે: “ભાઈ-બહેનો મારા માટે જમવાનું બનાવતા. તેઓ મને બાળકોનો અભ્યાસ લેવા મદદ કરતા. તેઓ મારું દુઃખ સમજતાં. તેઓ મારી સાથે રડતાં. અમુક લોકો મારા વિશે અફવા ફેલાવે ત્યારે તેઓ મારો પક્ષ લેતાં. એનાથી મને ઘણું ઉત્તેજન મળ્યું.”—રોમ. ૧૨:૧૩, ૧૫.
શું તમે જહેમત ઊઠાવો છો?
૨૦ વડીલોના જૂથે સમજવું જોઇએ કે અગાઉના નિરીક્ષક કે સેવકાઇ ચાકરને ઊતારી મૂકવાથી તણાવ ઊભો થાય છે, ભલે તે સ્વેચ્છાએ પોતાના લહાવા મૂકી દે. જો તેને બહિષ્કૃત કરવામાં આવ્યો નહીં હોય, અને વડીલો જુએ કે ભાઇ ઉદાસ થયા છે, તો તેઓએ પ્રેમાળ આત્મિક સહાય પૂરી પાડવી જોઇએ. (૧ થેસ્સાલોનીકી ૫:૧૪) તેને એ સમજવામાં મદદ કરવી જોઇએ કે મંડળમાં તેની જરૂર છે. ભલે સલાહ આપવામાં આવે છતાં, નમ્ર અને ઉપકૃત માણસ મંડળમાં સેવાના વધુ લહાવા પ્રાપ્ત કરે એને બહુ લાંબો સમય થવો જોઇએ નહિ.
કીમતી રત્નો
w૯૪-E ૧૦/૧ ૩૨
માયાળુ શબ્દની તાકાત
અયૂબ મુશ્કેલીમાં હતા ત્યારે, તેમના દોસ્તોએ ઉત્તેજન આપવાને બદલે કે માયાળુ શબ્દ વાપરવાને બદલે તેમના પર આરોપ મૂક્યા. તેઓએ અયૂબને એ પણ કહ્યું કે નક્કી તેમણે કંઈક ખોટું કર્યું હશે, એટલે જ તેમના પર આફત આવી પડી છે. (અયૂબ ૪:૮) ધી ઇન્ટરપ્રિટર્સ બાઇબલ જણાવે છે: “અયૂબ ચાહતા હતા કે તેમને કોઈ દિલથી સમજે અને સંભાળ રાખે. પણ એના બદલે, તેમને ધર્મની વાતો સમજાવવામાં આવી અને ધોરણો વિશે શીખવવામાં આવ્યું. જોકે એ બધી વાતો ઠીક હોય શકે, પણ એ સમયે અયૂબને કોઈ ફાયદો થયો નહિ.” અયૂબ પોતાના દોસ્તોની વાતોથી એટલા દુઃખી થઈ ગયા કે તેમણે કહ્યું: “તમે ક્યાં સુધી મારો જીવ ખાશો? તમે ક્યાં સુધી શબ્દોનાં બાણથી મને ઘાયલ કરશો?”—અયૂબ ૧૯:૨.
આપણે ક્યારેય કોઈ ભાઈ કે બહેનને વગર વિચાર્યે બોલવું ન જોઈએ, જેનાથી તેઓ એટલા દુઃખી થઈ જાય કે ઈશ્વરને પોકારી ઊઠે. (પુનર્નિયમ ૨૪:૧૫ સરખાવો.) બાઇબલમાં એક ચેતવણી આપી છે: “જીવન અને મરણ જીભની સત્તામાં છે, માણસ જેવો એનો ઉપયોગ કરશે, એવું ફળ ભોગવશે.”—નીતિવચનો ૧૮:૨૧.
નવેમ્બર ૨૭–ડિસેમ્બર ૩
બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૨૦-૨૧
“નેકીને સંપત્તિથી માપી શકાતી નથી”
યહોવાહની નજરે ‘ધનવાન’ બનો!
૧૨ ઈસુએ શીખવ્યું કે ધનવાન બનવા ફાંફાં ન મારીએ. માલ-મિલકત, ધનદોલત પાછળ ન પડીએ. એમાં કંઈ સાચું સુખ, સંતોષ રહેલા નથી. એને બદલે આપણે પૂરા દિલથી ઈશ્વરની ભક્તિ કરીએ. અરે આપણી પાસે ધનદોલત અને માલમિલકત હોય, તો યહોવાહની ભક્તિમાં વાપરીએ. એમ કરવાથી વધારે ને વધારે લોકો તેમના વિષે જાણશે. યહોવાહની ભક્તિમાં વધારે ટાઇમ કાઢવાથી તેમની સાથેનો આપણો નાતો પાકો થશે. તેમની કૃપા, આશીર્વાદો મળશે. બાઇબલ જણાવે છે કે ‘યહોવાહનો આશીર્વાદ ધનવાન કરે છે. અને એમાં કોઈ ખોટ નથી.’—નીતિવચનો ૧૦:૨૨.
કીમતી રત્નો
શેતાન અને તેનાં કાર્યો પર જીત મેળવવી
૧૯ એ રસપ્રદ છે કે શેતાને અલીફાઝ અને સોફાર દ્વારા રજૂ કરેલા “અશાંત કરતા વિચારો” સામે દેવના સેવક અયૂબે લડવાનું હતું. (અયૂબ ૪:૧૩-૧૮; ૨૦:૨, ૩) આમ અયૂબે “વિપત્તિ” સહી, જે તેના મનના “ત્રાસ” વિષે “અવિચારી” બોલવામાં ભાગ લેવામાં દોરી ગયું. (અયૂબ ૬:૨-૪; ૩૦:૧૫, ૧૬) એલીહૂએ શાંતિથી અયૂબનું સાંભળ્યું અને બાબતો વિષેની યહોવાહની સર્વ ડહાપણભરી દૃષ્ટિ જોવા નિખાલસપણે મદદ કરી. તેવી જ રીતે આજે, સમજુ વડીલો દુઃખીઓના “દબાણ”માં વધારો ન કરી બતાવે છે કે તેઓ એવી વ્યકિતઓની કાળજી લે છે. એને બદલે, એલીહૂની જેમ, વડીલો તેઓનું ધીરજપૂર્વક સાંભળે છે અને પછી દેવના શબ્દનું આરામદાયક તેલ લાગુ પાડે છે. (અયૂબ ૩૩:૧-૩, ૭; યાકૂબ ૫:૧૩-૧૫) આમ જેની લાગણીઓ, ખરા કે કાલ્પનિક, આઘાતથી વિહ્વળ થઈ હોય, અથવા જેઓ અયૂબની જેમ ‘સ્વપ્નો તથા સંદર્શનોથી ત્રાસ પામતા હોય,’ તેઓ મંડળમાં આરામદાયક શાસ્ત્રીય દિલાસો મેળવી શકે.—અયૂબ ૭:૧૪; યાકૂબ ૪:૭.
ડિસેમ્બર ૪-૧૦
બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૨૨-૨૪
“શું માણસ ઈશ્વરને ઉપયોગી થઈ શકે?”
ખોટા વિચારોથી દૂર રહો
પરમેશ્વર ઘણી અપેક્ષા રાખે છે એવા વિચાર સાથે બીજો એક વિચાર પણ જોડાયેલો છે. એ છે કે તેમની નજરમાં માણસોનું કંઈ મૂલ્ય નથી. અયૂબ સાથે ત્રીજી વાર વાત કરતી વખતે અલીફાઝે આ પ્રશ્ન કર્યો હતો: “શું માણસ દેવને લાભકારક હોઈ શકે? નિશ્ચે ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ ખરૂં છે.” (અયૂબ ૨૨:૨) અલીફાઝ એમ કહેતો હતો કે પરમેશ્વરની નજરમાં માણસોની કંઈ વિસાત નથી. એવી જ રીતે, બિલ્દાદે દલીલ કરતા કહ્યું: “ઇશ્વરની હજૂરમાં મનુષ્ય કેમ કરીને ન્યાયી ઠરે? કે સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?” (અયૂબ ૨૫:૪) આવા વિચારો સામે, પરમેશ્વરની નજરમાં પોતે ન્યાયી હોવાની અયૂબ કલ્પના પણ કેવી રીતે કરી શકે?
આજે કેટલાક લોકો પોતાના વિષેની નકારાત્મક લાગણીના સાગરમાં ડૂબી ગયા છે. એ માટે ઘણાં કારણો છે. જેમ કે, તેઓનો ઉછેર. જીવનના દબાણો. કે પછી તેઓ નાત-જાતના ધિક્કારનો ભોગ બન્યા હોય શકે. એટલું જ નહિ, શેતાન અને તેના અપદૂતો આવા લોકોની લાગણીઓ કચડીને આનંદ મેળવે છે. તેઓ માણસોને સતત એવું વિચારવા પ્રેરે છે કે તેઓ જે કંઈ કરે છે એનું પરમેશ્વરની નજરમાં કંઈ મૂલ્ય નથી. પછી વ્યક્તિ એવો વિચાર કરવા લાગે છે ત્યારે, તે સહેલાઈથી શેતાનના સકંજામાં આવી જાય છે. તે પછી ધીમે ધીમે જીવંત પરમેશ્વરથી દૂર જતી રહે છે.—હેબ્રી ૨:૧; ૩:૧૨.
વધતી જતી ઉંમર અને બીમારીને લીધે કદાચ આપણે પરમેશ્વરની સેવામાં એટલું કરી ન શકીએ જેટલું યુવાનીમાં કરતા હતા. તેથી, એ જાણવું કેટલું મહત્ત્વનું છે કે શેતાન અને તેના અપદૂતો આપણને અહેસાસ કરાવવા માંગે છે કે યહોવાહની સેવામાં ગમે તેટલું કરીએ પણ એ પૂરતું નથી! ખરેખર, આપણે આવા વિચારોથી દૂર જ રહેવું જોઈએ.
w૯૫ ૨/૧૫ ૨૭ ¶૬
કોયડા કેવી રીતે હાથ ધરવા તે વિષે બોધપાઠ
દૈવી ડહાપણને બદલે વ્યક્તિગત મંતવ્ય વ્યક્ત કરી અયૂબના ત્રણ સંગાથીઓએ તેને વધુ નિરુત્સાહિત કર્યો. અલીફાઝે તો એટલે સુધી કહ્યું કે ‘દેવ પોતાના સેવકો પર કંઈ ભરોસો રાખતો નથી’ અને ભલે અયૂબ પ્રમાણિક રહે કે ન રહે યહોવાહને એની કંઈ પડી નથી. (અયૂબ ૪:૧૮; ૨૨:૨, ૩) એથી વધુ નિરુત્સાહિત કરનારી—અથવા વધુ જૂઠી—ટીકા વિષે વિચારવું પણ અઘરું છે! એમાં કંઈ આશ્ચર્ય નથી કે યહોવાહે પછીથી અલીફાઝ અને તેના સંગાથીઓને આ નિંદા માટે ઠપકો આપ્યો હતો. “તમે મારા વિષે ખરૂં બોલ્યા નથી,” તેમણે કહ્યું. (અયૂબ ૪૨:૭) છતાં પણ વધારે નુકશાનકર્તા કથન તો હજી આવવાનું હતું.
યહોવાહનું નામ રોશન કરતા યુવાનો
૧૦ બાઇબલ જણાવે છે તેમ, શેતાને ફક્ત અયૂબની વફાદારી પર જ શંકા ઊઠાવી નહિ. ના તેણે બધાની, અરે તમારી વફાદારી પર પણ શંકા કરી છે. યહોવાહને શેતાને ચેલેંજ ફેંકી કે દરેક માણસ સ્વાર્થી છે અને ‘તે કોઈ પણ ભોગે પોતાનું જીવન બચાવતો હોય છે.’ (યોબ ૨:૪, IBSI) પરંતુ તમને થશે કે, એમાં મારે શું? નીતિવચનો ૨૭:૧૧ પ્રમાણે, તમે યહોવાહ માટે કંઈક કરી શકો છો! એવું કંઈક જેના લીધે યહોવાહ ગર્વથી માથું ઊંચું રાખીને, શેતાનને જવાબ આપી શકે. જરા વિચાર તો કરો, કે યહોવાહને હેલ્પ કરવાનો તમને કેવો જોરદાર ચાન્સ છે! શું તમે યહોવાહનું મહાન નામ રોશન કરશો? અયૂબે કર્યું હતું. (અયૂબ ૨:૯, ૧૦) તેમ જ, ઈસુએ પણ કર્યું હતું. તમારા જેવા યંગ ફ્રેન્ડ્સ અને બીજા ઘણાએ એમ જ કર્યું છે. (ફિલિપી ૨:૮; પ્રકટીકરણ ૬:૯) એમાં કોઈ ડાઉટ નથી કે તમે પણ એમ જ કરી શકો છો! જો કે ભૂલતા નહિ કે તમે જે રીતે તમારી લાઇફ જીવશો, એનાથી ક્યાં તો શેતાનની ચાલે ચાલશો, અથવા યહોવાહ માટે કંઈક કરશો. તમારી ચોઈસ શું છે?
યહોવાહ તમારી સંભાળ રાખે છે!
૧૧ તમે જે ચોઈસ કરો છો એમાં શું યહોવાહને ઈન્ટરસ્ટ છે? અત્યાર સુધીમાં તો કેટલા બધા લોકો યહોવાહને વફાદાર રહ્યા છે. શેતાનના ટોન્ટનો જવાબ આપવા એ લોકોની વફાદારી પૂરતી નથી શું? ખરું કે શેતાનની એ ચેલેંજનો જોરદાર જવાબ મળ્યો છે કે આપણે દરેક સ્વાર્થના સગા નથી. આપણે બધા સ્વાર્થ વિના યહોવાહને દિલથી ચાહીએ છીએ. પરંતુ, શું તમે પોતે યહોવાહને દિલથી ચાહો છો? યહોવાહ તમારું ખૂબ ધ્યાન રાખે છે. ઈસુએ કહ્યું હતું: ‘આ નાનાઓમાંથી એકનો પણ નાશ થાય, એવી તમારા આકાશમાંના બાપની ઈચ્છા નથી.’—માત્થી ૧૮:૧૪.
૧૨ દોસ્તો, યહોવાહ પર તમારા નિર્ણયની અસર થશે. બાઇબલ સાફ સાફ જણાવે છે કે યહોવાહ કંઈ પથ્થર દિલ નથી. તે જીવતા-જાગતા ઈશ્વર છે અને તેમનામાં લાગણી છે. જેમ કે, નુહના દિવસોમાં પૂર આવ્યું એ પહેલાં, ‘પૃથ્વી પર માણસની ભૂંડાઈ બહુ જ વધી ગઈ.’ એ જોઈને તેમને ખૂબ દુઃખ થયું. (ઉત્પત્તિ ૬:૫, ૬) વળી, ઈસ્રાએલી લોકો વારંવાર સામા થયા ત્યારે, યહોવાહ દુઃખી દુઃખી થઈ ગયા. (ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧) તમને શું લાગે પ્યારા દોસ્તો? જરા વિચારો, તમે રોંગ ચોઈસ કરશો તો, યહોવાહનું દિલ તૂટી જશે. શું એનો અર્થ એ થાય કે યહોવાહને વાત-વાતમાં દુઃખ લાગે છે? ના, ના, પણ પ્રેમાળ માબાપની જેમ, તે તો તમારું જ ભલું ચાહે છે! તમે જો રાઈટ ચોઈસ કરો, તો તે બહુ હેપી થાય છે. ફક્ત એટલા માટે નહિ કે તે શેતાનને જવાબ આપી શકશે, પણ તે તો તમારું જીવન ખુશીઓથી ભરી દેવા ચાહે છે. (હેબ્રી ૧૧:૬) રીઅલી, યહોવાહ કેવા સંભાળ રાખનારા છે.
કીમતી રત્નો
જીવનમાં તમને શું કરવું છે?
યહોવાહે કઈ રીતે વિશ્વ બનાવવાનો ધ્યેય પૂરો કર્યો? “સાંજ થઈ તથા સવાર થઈ,” એમ કહીને યહોવાહે એક પછી બીજી ઉત્પત્તિ પૂરી થવાના સમયની નોંધ લીધી. (ઉત્પત્તિ ૧:૫, ૮, ૧૩, ૧૯, ૨૩, ૩૧) દરેક દિવસની શરૂઆતમાં, તેમની નજર સામે પોતાનો ધ્યેય નક્કી હતો. ઈશ્વરે બરાબર એ જ પ્રમાણે ઉત્પત્તિ કરીને પોતાનો ધ્યેય પૂરો કર્યો. (પ્રકટીકરણ ૪:૧૧) ઈશ્વરભક્ત અયૂબે કહ્યું, કે ‘યહોવાહ જે ઇચ્છે છે તે જ તે કરે છે.’ (અયૂબ ૨૩:૧૩) યહોવાહે ‘જે સર્વ ઉત્પન્ન કર્યું તે જોયું’ અને એ ખૂબ સુંદર હતું. એનાથી ઈશ્વરને કેટલો સંતોષ મળ્યો હશે!—ઉત્પત્તિ ૧:૩૧.
આપણે પણ ધ્યેય બાંધીએ પછી, ઊઠીએ, જાગીએ અને એ પૂરો ન થાય ત્યાં સુધી જંપીને બેસીએ નહિ. આપણને એવી પ્રેરણા કઈ રીતે મળી શકે? યહોવાહે બધું ઉત્પન્ન કર્યું એ પહેલાં, પૃથ્વી પર ન તો કંઈ હતું કે ન તો કોઈ આકાર હતો. તોપણ યહોવાહ પોતાનો ધ્યેય પૂરો થાય પછીની, સુંદર રત્ન જેવી પૃથ્વીની કલ્પના કરી શકતા હતા. એ જ રીતે આપણો ધ્યેય પૂરો કરવાની પ્રેરણા મેળવવા આપણે એના આશીર્વાદોનો વિચાર કરીએ. ટોની ૧૯ વર્ષનો છે, જેને એવો જ અનુભવ થયો. યુરોપમાં યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસ કે બેથેલમાં તે પહેલી વાર ગયો, ત્યારનો અનુભવ તે કદી ભૂલ્યો નહિ. ટોનીના મનમાં એક જ સવાલ રમતો હતો, ‘એવી જગ્યાએ રહેવાનું અને યહોવાહની સેવા કરવાનું હોય તો કેવું સારું?’ ટોની એનો વિચાર કરતો જ રહ્યો. એટલું જ નહિ, એ ધ્યેય પૂરો કરવા પોતાના જીવનમાં એક પછી એક ફેરફાર કરતો રહ્યો. અમુક વર્ષો પછી, તેણે બેથેલમાં સેવા આપવા અરજી કરી, એનો સ્વીકાર થયો. ટોનીના આનંદનો કોઈ પાર ન રહ્યો!
ડિસેમ્બર ૧૧-૧૭
બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૨૫-૨૭
“પ્રમાણિકતાનો અર્થ એ નથી કે આપણાથી કોઈ ભૂલ નહિ થાય”
ઈશ્વરને વફાદાર રહીએ!
૯ મુશ્કેલીઓમાં અયૂબે શું કર્યું? તે પણ આપણા જેવા માણસ હોવાથી ભૂલો કરી બેઠા. તેમણે ગુસ્સામાં મિત્રોને ધમકાવ્યા અને નકામી વાતો બોલ્યા. ખરું કે તે ઈશ્વરને ન્યાયી ગણતા હતા. પણ તેમના શબ્દોથી દેખાઈ આવ્યું કે તેમનું ધ્યાન પોતાને ન્યાયી સાબિત કરવામાં વધારે લાગેલું હતું. (અયૂ. ૬:૩; ૧૩:૪, ૫; ૩૨:૨; ૩૪:૫) કપરા સંજોગો હોવા છતાં પણ તે યહોવાથી દૂર ગયા નહિ. મિત્રોની ખોટી વાતોને તે સાચી માની બેઠા નહિ. તેમણે કહ્યું: ‘હું તમને ન્યાયી ઠરાવું, એવું ઈશ્વર ન થવા દો; મરતાં સુધી હું પ્રમાણિક રહીશ.’ (અયૂ. ૨૭:૫) એ શબ્દો બતાવે છે કે અયૂબે વફાદાર રહેવાની મનમાં ગાંઠ વાળી હતી. આપણે પણ એમ જ કરવું જોઈએ.
૧૦ શેતાને અયૂબ પર આરોપ લગાવ્યો હતો. તે આપણા પર એવો જ આરોપ લગાવે છે. શેતાન કહે છે કે આપણે યહોવાને સાચો પ્રેમ કરતા નથી. આપણને પોતાનો જીવ બહુ વહાલો છે. આપણા જીવ પર જોખમ આવશે ત્યારે, યહોવાને છોડી દઈશું અને બેવફા બનીશું. (અયૂ. ૨:૪, ૫; પ્રકટી. ૧૨:૧૦) એ સાંભળીને તમને કેવું લાગશે? તમને ઘણું દુઃખ થશે, ખરું ને! હવે આનો વિચાર કરો: યહોવાએ આપણને વફાદાર રહેવાની તક આપી છે. એટલે યહોવા શેતાનને આપણી કસોટી કરવા દે છે. યહોવાને પાકી ખાતરી છે કે આપણે વફાદાર રહીને શેતાનને જૂઠો સાબિત કરી શકીશું. યહોવાએ આપણને વચન આપ્યું છે કે વફાદારી જાળવવા તે આપણને મદદ કરશે. (હિબ્રૂ. ૧૩:૬) જરા વિચારો, આખી સૃષ્ટિના માલિકને આપણા પર ભરોસો છે, એ કેટલો મોટો લહાવો કહેવાય! હવે આપણે સમજી શકીએ છીએ કે, વફાદારી શા માટે ખૂબ મહત્ત્વની છે. વફાદાર રહેવાથી આપણે શેતાનના જૂઠાણાંનો જડબાતોડ જવાબ આપી શકીએ છીએ. આપણા પિતાના નામને મોટું મનાવી શકીએ છીએ. આપણે સાબિત કરી શકીએ છીએ કે તેમની રાજ કરવાની રીત સાચી છે. વફાદારી જાળવી રાખવા આપણે શું કરવું જોઈએ?
ઈશ્વરને વફાદાર રહીએ!
૩ ઈશ્વરભક્તો કઈ રીતે વફાદારી બતાવે છે? તેઓ યહોવાને પૂરા દિલથી પ્રેમ કરે છે અને ફક્ત તેમની જ ભક્તિ કરે છે. એટલે તેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલે છે. બાઇબલમાં ‘વફાદારી’ શબ્દનો અલગ અલગ રીતે ઉપયોગ થયો છે. બાઇબલમાં વપરાયેલા મૂળ હિબ્રૂ શબ્દનો અર્થ થાય: પૂરેપૂરું, તંદુરસ્ત કે કોઈ ખામી વગરનું. દાખલા તરીકે, ઇઝરાયેલીઓ યહોવાને પ્રાણીઓનું અર્પણ ચઢાવતા હતા. નિયમશાસ્ત્ર પ્રમાણે એ પ્રાણીઓ કોઈ ખોડખાંપણ કે ખામી વગરના હોય એ જરૂરી હતું. (લેવી. ૨૨:૨૧, ૨૨) જો કોઈ પ્રાણીને પગ, કાન કે આંખ ન હોય અથવા એ બીમાર હોય, તો એનું બલિદાન ચઢાવવાનું ન હતું. યહોવા ચાહતા હતા કે તેઓ પૂરેપૂરું, તંદુરસ્ત કે કોઈ ખામી વગરનું પ્રાણી અર્પણ તરીકે ચઢાવે. (માલા. ૧:૬-૯) યહોવા કેમ એવું બલિદાન ચાહતા હતા? જ્યારે આપણે ફળ-શાકભાજી કે કોઈ વસ્તુ ખરીદીએ, ત્યારે આપણે ધ્યાન રાખીએ છીએ કે એ બગડેલું, કપાયેલું કે તૂટેલું ન હોય. આપણે ચાહીએ છીએ કે એ એકદમ સારું હોય અને એમાં કોઈ ખામી ન હોય. પ્રેમ અને વફાદારીની વાત આવે ત્યારે, યહોવા આપણી પાસે એવી જ અપેક્ષા રાખે છે. તે ચાહે છે કે આપણે પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ અને આપણી વફાદારીમાં કોઈ ખામી ન હોય.
૪ શું એનો અર્થ એવો થાય કે વફાદાર રહેવા આપણે ખામી વગરના હોવા જોઈએ? હકીકત તો એ છે કે આપણે માટીના માણસ છીએ એટલે ભૂલો કરીએ છીએ. વફાદાર રહેવા મદદ મળે એ માટે આપણે બે કારણો જોઈશું. પહેલું, યહોવા આપણી ખામીઓ પર ધ્યાન આપતા નથી. બાઇબલ કહે છે: ‘હે યાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?’ (ગીત. ૧૩૦:૩) યહોવા જાણે છે કે આપણે પાપ કરીએ છીએ, ભૂલો કરીએ છીએ. એટલે તે આપણને દિલથી માફ કરે છે. (ગીત. ૮૬:૫) બીજું, યહોવા આપણી ક્ષમતા જાણે છે અને આપણી પાસે વધુ પડતી અપેક્ષા રાખતા નથી. (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨-૧૪ વાંચો.) આપણે પૂરા દિલથી તેમની ભક્તિ કરવી જોઈએ. આપણી વફાદારીમાં કોઈ ખામી ન હોવી જોઈએ. એનો શો અર્થ થાય?
૫ વફાદારીનો ગુણ પ્રેમના ગુણ સાથે જોડાયેલો છે. એટલે પ્રેમનો ગુણ કેળવવો યહોવાના ભક્તો માટે ખૂબ મહત્ત્વનું છે. આપણે ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ અને વફાદારીથી તેમની ભક્તિ કરવી જોઈએ. એ પ્રેમ અને ભક્તિ પૂરા દિલથી હોવા જોઈએ અને કોઈ ખામી વગરના હોવા જોઈએ. જો તકલીફોમાં પણ આપણે એવો પ્રેમ બતાવતા રહીશું, તો દેખાય આવશે કે આપણે યહોવાને વફાદાર છીએ. (૧ કાળ. ૨૮:૯; માથ. ૨૨:૩૭) લેખની શરૂઆતમાં જે સાક્ષીઓ વિશે જોઈ ગયા, ચાલો ફરી તેઓનો વિચાર કરીએ. શા માટે તેઓ એ રીતે વર્ત્યા? શું નાનકડી છોકરીને મોજમઝા કરવાનું ગમતું નહિ હોય? શું યુવાન ભાઈ એવું ચાહતો હશે કે પેલો છોકરો તેની મજાક ઉડાવે? શું નોકરી કરનાર ભાઈ એવું ઇચ્છતા હશે કે નોકરી છૂટી જાય? ના, એવું ન હતું. તેઓ યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલવા માંગતા હતા. તેઓ ઈશ્વરને પૂરા દિલથી ખુશ કરવા ચાહતા હતા. યહોવાને પ્રેમ કરતા હોવાથી કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેઓ વિચારતા કે યહોવાની ઇચ્છા શું છે. આમ, તેઓએ બતાવી આપ્યું કે તેઓ યહોવાને વફાદાર છે.
કીમતી રત્નો
શાસ્ત્રના માર્ગદર્શન મુજબ વ્યવસ્થામાં આવેલા લોકો
૩ યહોવાએ રચેલી સૃષ્ટિ પરથી દેખાઈ આવે છે કે, યહોવા વ્યવસ્થાના ઈશ્વર છે. તેમણે પોતાના ‘જ્ઞાન વડે પૃથ્વી રચી છે અને બુદ્ધિથી આકાશોને સ્થાપન કર્યા છે.’ (નીતિ. ૩:૧૯) સૃષ્ટિમાં એવું ઘણું છે જેના વિશે હજુ આપણે અજાણ છીએ. હકીકતમાં, આપણે જે જાણીએ છીએ એ તો યહોવાનો “ઝીણો ગણગણાટ” સાંભળવા બરાબર છે. (અયૂ. ૨૬:૧૪) જોકે, સૃષ્ટિ વિશે આપણે જે થોડું ઘણું જાણીએ છીએ એ પરથી સ્પષ્ટ છે કે, ઈશ્વરે બધું વ્યવસ્થાપૂર્વક બનાવ્યું છે. (ગીત. ૮:૩, ૪) જરા વિચારો, લાખો ને કરોડો તારાઓ આકાશમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. સૂર્યમંડળના ગ્રહો સૂર્યની આસપાસ પોતપોતાની ધરી પર ફર્યા કરે છે. એવી અજોડ વ્યવસ્થા યહોવાને લીધે શક્ય બની છે. કારણ કે, તેમણે એ ગ્રહો અને તારાઓને સુવ્યવસ્થિત રીતે ગોઠવ્યા છે. સાચે જ, યહોવાએ પોતાના “ડહાપણ વડે આકાશો” અને પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે. આપણે એનો વિચાર કરીએ છીએ ત્યારે, તેમનો મહિમા કરવા, તેમની ભક્તિ કરવા અને તેમને વફાદાર રહેવા પ્રેરાઈએ છીએ.—ગીત. ૧૩૬:૧, ૫-૯.
ડિસેમ્બર ૧૮-૨૪
બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૨૮-૨૯
“શું અયૂબની જેમ તમે સારું નામ કમાયા છો?”
લાચાર ભાઈ-બહેનોને અપાર કૃપા બતાવો
૧૯ બાઇબલમાંથી જે દાખલાઓ જોઈ ગયા, એ બતાવે છે કે આપણે ખાસ કરીને લાચાર લોકોને અપાર કૃપા બતાવવી જોઈએ. ઈબ્રાહીમની પેઢી ચાલુ રાખવા માટે તેને બથુએલની મદદની જરૂર હતી. કનાન દેશમાં યાકૂબનું શબ લઈ જવા માટે યુસફની જરૂર હતી. નાઓમીને ઘરે વારસદાર થાય એ માટે રૂથે સહાય કરી. ઈબ્રાહીમ, યાકૂબ અને નાઓમી આ બાબતોમાં, બીજાની મદદ વગર લાચાર હતા. એવી જ રીતે આજે પણ લાચાર લોકોને આપણે અપાર કૃપા બતાવવી જોઈએ. (નીતિવચનો ૧૯:૧૭) આપણે અયૂબની જેમ કરવું જોઈએ, જે “રડતા ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથોને પણ . . . દુઃખમાંથી મુક્ત કરતો.” જો કોઈ “નાશ પામવાની અણી પર” હોય, તો તેઓને તે મદદ કરતો હતો. એ ઉપરાંત અયૂબ ‘વિધવાને સહાય’ કરતો, અને ‘આંધળાઓને તથા લંગડાઓને’ પણ મદદ કરતો હતો.—અયૂબ ૨૯:૧૨-૧૫.
it-1-E ૬૫૫ ¶૧૦
કપડાં
બાઇબલમાં ઘણી વાર કપડાં કે પહેરવેશ શબ્દ, એક વ્યક્તિની ઓળખ અને કામો માટે વપરાયો છે. દાખલા તરીકે, આજે વ્યક્તિના યુનિફૉર્મ અથવા ખાસ પ્રકારનાં કપડાંથી ખબર પડે છે કે તે કયા સંગઠન કે આંદોલન સાથે જોડાયેલો છે. એવી જ રીતે, બાઇબલમાં કોઈ વ્યક્તિના કપડાંનો ઉલ્લેખ થયો હોય, તો એ એની ઓળખ બતાવે છે. તેમ જ, એ વ્યક્તિ શું માને છે અને શું કરે છે, એનાથી પણ તેની ઓળખ છતી થાય છે.—માથ ૨૨:૧૧, ૧૨; પ્રક ૧૬:૧૪, ૧૫.
w૦૯-E ૨/૧ ૧૫ ¶૩-૪
નામમાં શું રાખ્યું છે?
આપણે જનમીએ છીએ ત્યારે, પોતાનું નામ પોતે નથી રાખી શકતા. પણ મોટા થઈને કેવું નામ બનાવવું, એ આપણા હાથમાં છે. (નીતિવચનો ૨૦:૧૧) જરા વિચારો, ‘જો ઈસુ અને પ્રેરિતો પાસે મારું નામ પસંદ કરવાની તક હોત, તો તેઓએ મને શું નામ આપ્યું હોત? મારા માટે કયું નામ એકદમ યોગ્ય હોત? શું એ નામથી ખબર પડત કે મારામાં કયો ખાસ ગુણ છે અને હું શાના માટે જાણીતો છું?’
એ વિશે વિચારવું જરૂરી છે, કારણ કે બુદ્ધિમાન રાજા સુલેમાનને લખ્યું, “પુષ્કળ ધનદોલત કરતાં સારું નામ વધારે સારું” છે. (નીતિવચનો ૨૨:૧) સમાજમાં સારું નામ હશે તો ફાયદો થશે. પણ ઈશ્વરની નજરમાં સારું નામ બનાવવું વધારે મહત્ત્વનું છે, કારણ કે એનાથી કાયમી ફાયદો થશે. ઈશ્વરે વચન આપ્યું છે કે જેઓ તેમનો ડર રાખે છે, તેઓના નામ તે “યાદગીરીના પુસ્તકમાં” લખશે અને આગળ જતાં હંમેશ માટેનું જીવન આપશે.—માલાખી ૩:૧૬; પ્રકટીકરણ ૩:૫; ૨૦:૧૨-૧૫.
કીમતી રત્નો
g૦૦-E ૭/૮ ૧૧ ¶૩
ચહેરા પર સ્મિત લાવવું સારું છે
શું સ્મિત આપવાથી કોઈ ફરક પડે છે? શું તમને એ સમય યાદ છે જ્યારે કોઈનું સ્મિત જોઈને તમને રાહત મળી હોય કે તમારી ચિંતા દૂર થઈ હોય? અથવા કોઈ સ્મિત ન કરતું હોય, ત્યારે તમને ગભરામણ થવા લાગી હોય કે નિરાશ થઈ ગયા હો? હા, સ્મિત આપવાથી ઘણો ફરક પડે છે. એની અસર ફક્ત સ્મિત આપનાર પર જ નહિ, પણ જેને જોઈને સ્મિત આપે છે તેમના પર પણ થાય છે. દાખલા તરીકે, અયૂબે તેમના વિરોધીઓ વિશે કહ્યું: “હું તેઓને સ્મિત આપતો ત્યારે, તેઓને વિશ્વાસ ન બેસતો; મારા મોંનું તેજ તેઓને હિંમત આપતું.” (અયૂબ ૨૯:૨૪) અયૂબના મોંનું “તેજ” કદાચ તેમની ખુશીને બતાવે છે.
ડિસેમ્બર ૨૫-૩૧
બાઇબલમાં રહેલો ખજાનો | અયૂબ ૩૦-૩૧
“અયૂબે કઈ રીતે પોતાનું ચારિત્ર શુદ્ધ રાખ્યું?”
વ્યર્થ બાબતોથી તમારી આંખ ફેરવો
૮ યહોવાહના ભક્તો હોવા છતાં, આપણે પણ આંખોની લાલસા કે લાગણીઓથી લલચાઈ શકીએ. તેથી બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે જે કંઈ જોઈએ અને ઇચ્છીએ એના પર કાબૂ રાખવો જોઈએ. (૧ કોરીં. ૯:૨૫, ૨૭; ૧ યોહાન ૨:૧૫-૧૭ વાંચો.) ઈશ્વરભક્ત અયૂબ સમજતા હતા કે કોઈ પણ બાબત જોયા કરવાથી ખોટી ઇચ્છા જાગી શકે છે. એટલે જે તેમણે કહ્યું હતું: “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; મારે કુમારિકા પર નજર શા માટે કરવી જોઈએ?” (અયૂ. ૩૧:૧) અયૂબે નક્કી કર્યું હતું કે કોઈ પણ સ્ત્રીને અયોગ્ય રીતે અડકશે જ નહિ. તેમ જ, એવા ખોટા વિચારોને મનમાં પણ આવવા નહિ દે. ઈસુએ પણ ભાર મૂક્યો કે આપણે મનમાં અનૈતિક વિચારો ન લાવવા જોઈએ. તેમણે કહ્યું: “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.”—માથ. ૫:૨૮.
“વ્યભિચારથી નાસો”
બાઇબલ સાફ જણાવે છે કે જેઓ વ્યભિચાર કરતા રહે છે તેઓ મંડળનો ભાગ રહી શકશે નહિ. તેઓને અમર જીવન પણ મળશે નહિ. (૧ કરિંથી ૬:૯; પ્રકટીકરણ ૨૨:૧૫) એટલું જ નહિ, હાલમાં પણ તેઓએ એનાં બૂરાં પરિણામ ભોગવવાં પડે છે. જેમ કે, તેઓને સ્વમાન જેવું કંઈ રહેતું નથી. તેઓ પરથી લોકોનો ભરોસો ઊઠી જાય છે. લગ્નબંધનમાં તીરાડ પડે છે. અપરાધની લાગણી પીછો છોડતી નથી. ન જોઈતો ગર્ભ રહી જાય છે. જાતીય રોગોનો ભોગ બને છે. અરે મરણ પણ થાય છે. (ગલાતી ૬:૭, ૮) તો પછી, શા માટે એવા માર્ગ પર જવું જ્યાં દુઃખના કાંટા પથરાયેલા હોય? અફસોસની વાત છે કે વ્યભિચાર તરફ લઈ જતું પહેલું પગલું ભરતી વખતે, ઘણા લોકો એના ખરાબ પરિણામોનો વિચાર કરતા નથી. મોટા ભાગે એ પહેલું પગલું પોર્નોગ્રાફી હોય છે.
યુવાનો, બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલો
૧૫ જરા વિચાર કરો, યહોવાહ માટેની તમારી વફાદારી ક્યારે જોખમમાં આવી પડે છે? તમે બીજાઓ સાથે હોવ ત્યારે કે પછી એકલા હોવ ત્યારે? કદાચ સ્કૂલે કે કામ પર હોવ ત્યારે યહોવાહ સાથેના તમારા સંબંધને કોઈ આંચ ન આવે એનું તમે ખાસ ધ્યાન રાખતા હશો. પણ એકલા હોવ ત્યારે તમને કદાચ લાગશે કે સાવચેતી રાખવાની જરૂર નથી. પરંતુ ભૂલશો નહિ, આ એવો સમય છે જ્યારે શેતાન તમારા નૈતિક ધોરણોને તોડી પાડવા વધારે ટાંપીને બેઠો હોય છે.
૧૬ એકલા હોવ ત્યારે પણ શા માટે તમારે યહોવાહની આજ્ઞાઓ પાળવી જોઈએ? હંમેશાં યાદ રાખો: તમે યહોવાહને દુઃખ પહોંચાડી શકો છો અથવા તેમને ખુશ કરી શકો છો. (ઉત. ૬:૫, ૬; નીતિ. ૨૭:૧૧) યહોવાહ “તમારી સંભાળ રાખે છે.” એટલે તમે જેવાં કામો કરો એવી તેમને અસર થાય છે. (૧ પીત. ૫:૭) તે ઇચ્છે છે કે આપણે તેમનું સાંભળીએ જેથી આપણને લાભ થાય. (યશા. ૪૮:૧૭, ૧૮) પ્રાચીન સમયમાં ઈસ્રાએલીઓ યહોવાહની આજ્ઞાઓ તોડતા ત્યારે તેમને ખૂબ દુઃખ થતું હતું. (ગીત. ૭૮:૪૦, ૪૧) જ્યારે કે પ્રબોધક દાનીયેલ માટે યહોવાહને ખૂબ જ લાગણી હતી. એક સ્વર્ગદૂતે તો દાનીયેલને “અતિ પ્રિય માણસ” કહ્યા. (દાની. ૧૦:૧૧) શા માટે? કારણ કે દાનીયેલ જાહેરમાં જ નહિ, એકાંતમાં પણ યહોવાહને વફાદાર રહ્યા હતા.—દાનીયેલ ૬:૧૦ વાંચો.
કીમતી રત્નો
પ્રેમથી સાંભળતા શીખીએ
અયૂબે તેમના મિત્રોને લગબગ દસ વાર પોતાના વિચારો જણાવ્યા હશે. તેમ છતાં, અયૂબે કહ્યું: “અરે મારી દાદ સાંભળનાર કોઈ હોય તો કેવું સારૂં!” (અયૂબ ૩૧:૩૫) શા માટે? તેમનું સાંભળનારાઓએ તેમને કોઈ દિલાસો આપ્યો ન હતો. તેઓને અયૂબની કંઈ પડી ન હતી. તેમ જ તેઓ તેમની લાગણીઓ સમજવા પણ માંગતા ન હતા. તેઓએ જરા પણ દયા બતાવી ન હતી. પ્રેષિત પાઊલે કહ્યું: “તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુઃખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રીતિ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ.” (૧ પીતર ૩:૮) આપણે કઈ રીતે દયાભાવ બતાવી શકીએ? એક રીત એ છે કે આપણે બીજાની લાગણીઓ ધ્યાનમાં રાખીને તેમને સમજવાનો પ્રયત્ન કરીએ. કદાચ આપણે તેઓને કહી શકીએ, ‘તમને એનાથી બહુ દુઃખ થયું હશે’ અથવા ‘બીજા લોકો તમારા વિચારો સમજતા નથી, ખરૂને?’ આ રીતે આપણે તેઓ સાથે પ્રેમથી વાત કરી શકીએ. વ્યક્તિ જે કંઈ કહે છે એને પોતાના શબ્દોમાં જણાવો. એમ કરવાથી આપણે બતાવીશું કે તે જે કંઈ કહે છે એ આપણે સમજીએ છીએ. પ્રેમથી સાંભળવાનો અર્થ એ પણ થાય છે કે તેમના શબ્દો જ નહિ લાગણીઓ પણ સમજીએ.