વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr24 માર્ચ પાન ૧-૧૫
  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૪
  • મથાળાં
  • માર્ચ ૪-૧૦
  • માર્ચ ૧૧-૧૭
  • માર્ચ ૧૮-૨૪
  • માર્ચ ૨૫-૩૧
  • એપ્રિલ ૧-૭
  • ઈશ્વરના ન્યાયીપણાને પૂરા દિલથી ચાહીએ
  • કીમતી રત્નો
  • કીમતી રત્નો
  • કીમતી રત્નો
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૪
mwbr24 માર્ચ પાન ૧-૧૫

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania

માર્ચ ૪-૧૦

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૬-૧૭

“હે યહોવા, મારી ભલાઈ કરનાર તમે જ છો”

w૧૮.૧૨ ૨૬ ¶૧૧

યુવાનો, તમે જીવનમાં સુખી થઈ શકો છો

સાચા મિત્રો બનાવો

૧૧ ગીતશાસ્ત્ર ૧૬:૩ વાંચો. દાઊદ સારા મિત્રો પસંદ કરવાનું જાણતા હતા. તેમણે એવા મિત્રો પસંદ કર્યા, જેઓ યહોવાને પ્રેમ કરતા હતા. તેઓની સાથે રહેવાથી તેમને ઘણો “આનંદ” થતો હતો. દાઊદે કહ્યું કે તેમના મિત્રો “પવિત્ર” છે. કારણ કે તેઓ યહોવાના સારા સંસ્કારો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરતા હતા. બીજા એક લેખકને પણ મિત્રો પસંદ કરવા વિશે આવું જ લાગ્યું હતું. તેમણે કહ્યું: ‘જે કોઈ તમારા હુકમો પાળે છે, એ સર્વનો હું મિત્ર છું.’ (ગીત. ૧૧૯:૬૩) ગયા લેખમાં જોયું એ પ્રમાણે, તમે પણ એવા મિત્રો શોધી શકો જેઓ યહોવાને પ્રેમ કરતા હોય અને તેમની આજ્ઞા પાળતા હોય. તમે અલગ અલગ ઉંમરના લોકોને મિત્રો બનાવી શકો છો.

w૧૪ ૨/૧૫ ૨૯ ¶૪

‘યહોવાના સૌંદર્યનું અવલોકન કર્યા કરું’

દાઊદે ગાયું: ‘યહોવા મારા વારસનો તથા મારા પ્યાલાનો ભાગ છે; તમે મારા હિસ્સાનો આધાર છો. મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે.’ (ગીત. ૧૬:૫, ૬) દાઊદ પોતાના “ભાગ” એટલે કે યહોવા સાથેના સંબંધ અને તેમની ભક્તિ કરવાના લહાવા માટે આભારી હતા. દાઊદની જેમ, કદાચ આપણા પર પણ મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ, આપણી પાસે ભક્તિમાં અઢળક આશીર્વાદો છે. તેથી, ચાલો આપણે સાચી ભક્તિમાં આનંદ લેતા રહીએ. તેમ જ, યહોવાની ગોઠવણ માટે ‘કદર’ બતાવતા રહીએ!

w૦૮ ૨/૧ ૯ ¶૨-૩

યહોવાહને સદા સામે રાખો

૨ બાઇબલમાં ઈબ્રાહીમ, સારાહ, મુસા, રૂથ, દાઊદ, એસ્તેર અને પાઊલ વિષે જણાવેલું છે. આપણે તેઓ પાસેથી ઘણું શીખી શકીએ છીએ. પરંતુ, બાઇબલ અમુક એવા ઈશ્વરભક્તો વિષે પણ જણાવે છે, જેઓ વિષે આપણે બહુ જાણતા નથી. તેઓ પાસેથી પણ આપણે ઘણું શીખી શકીએ છીએ. એના પર વિચાર કરીને, આપણે આ સલાહ દિલમાં ઉતારીએ કે ‘મેં મારી સામે યહોવાહને સદા રાખ્યા છે; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.’ (ગીતશાસ્ત્ર ૧૬:૮) પણ આનો અર્થ શું થાય? ચાલો જોઈએ.

૩ પહેલાંના સમયમાં સૈનિક પોતાના ડાબા હાથમાં ઢાલ અને જમણા હાથમાં તરવાર રાખતો. પણ એ રીતે તેને જમણી બાજુ પૂરતું રક્ષણ મળતું ન હતું. પણ જો તેની જમણી બાજુ કોઈ બીજો સૈનિક હોય તો તેને રક્ષણ મળતું. એવી જ રીતે જો યહોવાહ આપણે જમણે હાથે હોય તો, તે આપણું રક્ષણ કરશે. એટલે કે દરેક બાબતમાં તેમનું કહ્યું જ કરીશું તો દુઃખ-તકલીફોમાં પણ તે આપણો હાથ પકડી રાખશે. ચાલો આપણે બાઇબલમાંથી અમુક બનાવો જોઈએ, જેનાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે. પછી આપણે પણ કહીશું કે ‘હું હંમેશાં યહોવાહની મરજી પ્રમાણે વિચારું છું.’

કીમતી રત્નો

it-2-E ૭૧૪

આંખની કીકી

હિબ્રૂ ભાષામાં ‘આયશોન’ શબ્દ (પુન ૩૨:૧૦; ની ૭:૨) સાથે એઇન (આંખ) શબ્દ લખ્યો હોય ત્યારે, એનો અર્થ થાય “આંખનો નાનો માણસ.” ‘આયશોન’ શબ્દ સાથે બાથ (દીકરી) શબ્દ લખ્યો હોય ત્યારે, એનો અર્થ થાય “આંખની દીકરી.” એઇન અને બાથ, એ બંને શબ્દો આંખની કીકીને રજૂ કરે છે. ગીતશાસ્ત્ર ૧૭:૮માં ‘આંખની કીકીનું’ મહત્ત્વ સમજાવવા આયશોન બાથ એઇન શબ્દો વપરાયા છે, જેનો અર્થ થાય “આંખનો નાનો માણસ અને દીકરી.” આ કલમમાં સામેવાળી વ્યક્તિની આંખમાં દેખાતી આપણી નાનકડી છબી વિશે વાત કરવામાં આવી છે.

આપણી આંખો ખૂબ નાજુક હોય છે. જો એમાં નાનો વાળ કે ધૂળની રજકણ જતી રહે તો તરત ખબર પડી જાય છે. આંખની કીકી પર પારદર્શક પડદો હોય છે, જેને ખૂબ સાચવવો પડે છે. જો એને કંઈ વાગી જાય કે બીમારીને લીધે એના પર છારી બાઝી જાય તો ધૂંધળું દેખાય કે દેખાતું બંધ થઈ શકે. બાઇબલમાં કોઈ વસ્તુને “આંખની કીકી” સાથે સરખાવવામાં આવે તો એનો અર્થ થાય કે એને સાચવીને રાખવી જોઈએ, જેમ કે ઈશ્વરનો નિયમ. (ની ૭:૨) ઈશ્વરે ઇઝરાયેલીઓની જે રીતે સંભાળ રાખી, એ વિશે પુનર્નિયમ ૩૨:૧૦માં લખ્યું છે કે તેમણે ‘પોતાની આંખની કીકીની જેમ તેઓનું રક્ષણ કર્યું.’ દાઉદે પણ પોતાને યહોવાની ‘આંખની કીકી’ સાથે સરખાવ્યા અને વિનંતી કરી કે યહોવા તેમને સાચવી રાખે અને તેમનું રક્ષણ કરે. (ગી ૧૭:૮) એ બતાવે છે કે તે ચાહતા હતા કે યહોવા તેમના માટે તરત પગલાં ભરે, ખાસ તો તે દુશ્મનોથી ઘેરાયેલા હોય ત્યારે. (ઝખાર્યા ૨:૮ સાથે સરખાવો, જ્યાં ‘આંખની કીકી’ માટેનો હિબ્રૂ શબ્દ વપરાયો છે.)

માર્ચ ૧૧-૧૭

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૮

“યહોવા . . . મારો બચાવનાર છે”

w૦૯-E ૫/૧ ૧૪ ¶૪-૫

બાઇબલમાં વાપરેલાં શબ્દચિત્રો—શું એ તમે સમજો છો?

બાઇબલની અમુક કલમોમાં યહોવાની સરખામણી નિર્જીવ વસ્તુઓ સાથે કરી છે. જેમ કે, યહોવાને ‘ઇઝરાયેલના ખડક’ અને “કિલ્લો” કહેવામાં આવ્યા છે. (૨ શમુએલ ૨૩:૩; ગીતશાસ્ત્ર ૧૮:૨; પુનર્નિયમ ૩૨:૪) યહોવા અને ખડકમાં શું સમાનતા છે? ખડક એટલો ભારે અને મજબૂત હોય છે કે કોઈ એને હલાવી શકતું નથી. એવી જ રીતે આપણે યહોવા પર પૂરો ભરોસો રાખી શકીએ છીએ. તે આપણો ભરોસો તૂટવા નહિ દે.

યહોવા કેવા ઈશ્વર છે એ બતાવવા ગીતશાસ્ત્રના પુસ્તકમાં ઘણાં શબ્દચિત્રો આપ્યાં છે. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૮૪:૧૧માં લખ્યું છે કે યહોવા “સૂર્ય અને ઢાલ” છે. એનાથી ખબર પડે છે કે યહોવા આપણને પ્રકાશ, જીવન, શક્તિ અને રક્ષણ આપે છે. ગીતશાસ્ત્ર ૧૨૧:૫માં લખ્યું છે, “યહોવા તારા જમણા હાથે રહીને તારા પર છાયા કરે છે.” સખત તાપથી બચવા છાયાની જરૂર પડે છે, એવી જ રીતે યહોવા પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. મુશ્કેલ સમયમાં તે જાણે પોતાના “હાથથી” આપણું રક્ષણ કરે છે અથવા પોતાની “પાંખોની છાયામાં” આશરો આપે છે.—યશાયા ૫૧:૧૬; ગીતશાસ્ત્ર ૧૭:૮; ૩૬:૭.

w૨૨.૧૧ ૯ ¶૫

મુશ્કેલીઓમાં ખુશ રહેવા યહોવા મદદ કરે છે

૫ યશાયા ૩૦:૧૯માંથી આપણને ઘણો દિલાસો મળે છે. એમાં લખ્યું છે: “તું મદદનો પોકાર કરે કે તરત તે તારા પર કૃપા કરશે.” એનાથી આપણને ખાતરી મળે છે કે યહોવા આપણો મદદનો પોકાર ધ્યાનથી સાંભળે છે અને તે મદદ કરવા તરત પગલાં ભરે છે. કલમમાં આગળ જણાવ્યું છે: “તારો અવાજ સાંભળીને તે તરત જવાબ આપશે.” એ બતાવે છે કે જેઓ મદદનો પોકાર કરે છે, તેઓને મદદ કરવા યહોવા પિતા ઝંખે છે. તે મોડું કર્યા વગર તેઓને મદદ કરે છે. એ યાદ રાખવાથી આપણે મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરી શકીશું અને ખુશ રહી શકીશું.

w૨૨.૦૭ ૨૦ ¶૧

પ્રાર્થના—એ લહાવાને કીમતી ગણીએ

આપણે આખા વિશ્વના માલિક યહોવાને પ્રાર્થના કરી શકીએ છીએ. એ કેટલો કીમતી લહાવો કહેવાય! જરા વિચારો, આપણે તેમને કોઈ પણ સમયે, કોઈ પણ ભાષામાં પ્રાર્થના કરી શકીએ છીએ. તેમની આગળ દિલ ઠાલવી શકીએ છીએ. તેમની સાથે વાત કરવા આપણે રાહ જોવી પડતી નથી, ઍપોઇન્ટમૅન્ટ લેવી પડતી નથી. આપણે હૉસ્પિટલના ખાટલા પર હોઈએ કે પછી જેલના સળિયા પાછળ, દરેક જગ્યાએથી તેમને પ્રાર્થના કરી શકીએ છીએ. આપણને ખાતરી છે કે પ્રેમાળ પિતા આપણી પ્રાર્થના જરૂર સાંભળશે. પ્રાર્થના કરવાનો આપણી પાસે અનોખો આશીર્વાદ છે. એને ક્યારેય નાનોસૂનો ન ગણીએ.

w૨૨.૦૪ ૩ ¶૧

ચિંતાઓનો સામનો કઈ રીતે કરી શકીએ?

૨. ઊંડો વિચાર કરીએ. આપણે વિચાર કરીએ કે અગાઉ યહોવાએ આપણને ક્યારે મદદ કરી હતી. આપણે પોતાને પૂછી શકીએ ‘શું એવી કોઈ મુશ્કેલી છે જેનો સામનો મેં ફક્ત યહોવાની મદદથી જ કર્યો હતો?’ યહોવાએ આપણને અને અગાઉના ઈશ્વરભક્તોને કઈ રીતે મદદ કરી એનો વિચાર કરીએ. એનાથી મુશ્કેલીનો સામનો કરવા હિંમત મળશે અને યહોવા પર આપણો ભરોસો મજબૂત થશે. (ગીત. ૧૮:૧૭-૧૯) જોશુઆભાઈ એક વડીલ છે, તે કહે છે: “હું કોઈ ખાસ બાબત વિશે પ્રાર્થના કરું અને મને એનો જવાબ મળે તો હું એ લખી રાખું છું. એનાથી મને યાદ રાખવા મદદ મળે છે કે મેં યહોવાને જે પ્રાર્થના કરી હતી એનો તેમણે યોગ્ય સમયે જવાબ આપ્યો.” યહોવાએ આપણા માટે જે કંઈ કર્યું, એના પર મનન કરવાથી આપણને ચિંતાઓ સામે લડવા હિંમત મળે છે.

કીમતી રત્નો

it-1-E ૪૩૨ ¶૨

કરૂબ

જૂઠા ધર્મના લોકો એવી મૂર્તિઓની પૂજા કરતા હતા, જે પાંખોવાળી અને ભયંકર દેખાતી હતી. અમુક લોકો દાવો કરે છે કે કરૂબો એવા જ દેખાતા હતા. પણ હકીકતમાં એવું ન હતું. જૂના સમયના કેટલાક યહૂદી લેખોમાં જોવા મળે છે કે કરૂબોને માણસના રૂપમાં બનાવવામાં આવ્યા હતા. પણ બાઇબલમાં એના વિશે કંઈ જણાવ્યું નથી. મુલાકાતમંડપમાં બનાવેલા કરૂબો ઉત્તમ કારીગરીનો નમૂનો હતો. એનાથી ખબર પડે છે કે સ્વર્ગદૂતો દેખાવમાં સુંદર છે. યહોવાએ મૂસાને ‘બતાવેલા નમૂના પ્રમાણે જ’ એ કરૂબોને બનાવવામાં આવ્યા હતા. (નિર્ગ ૨૫:૯) પ્રેરિત પાઉલે પણ લખ્યું કે એ “ભવ્ય કરૂબો હતા, જેઓનો પડછાયો કરારકોશના ઢાંકણ પર પડતો હતો.” (હિબ્રૂ ૯:૫) કરૂબો યહોવાની હાજરીને બતાવતા હતા. તે સાક્ષીકોશની ઉપરના બે કરૂબો વચ્ચેથી વાત કરતા હતા. (નિર્ગ ૨૫:૨૨; ગણ ૭:૮૯) ઘણી કલમોમાં લખ્યું છે કે યહોવા “કરૂબો પર [અથવા, વચ્ચે] બિરાજનાર” છે. (૧શ ૪:૪; ૨શ ૬:૨; ૨રા ૧૯:૧૫; ૧કા ૧૩:૬; ગી ૮૦:૧; ૯૯:૧; યશા ૩૭:૧૬) કરૂબ, યહોવાના રથને રજૂ કરે છે. (૧કા ૨૮:૧૮) તેઓની પાંખોનો અર્થ થાય કે એ ઈશ્વરભક્તોનું રક્ષણ કરે છે અને ઝડપથી મુસાફરી કરે છે. દાઉદે એક ગીતમાં જણાવ્યું કે યહોવા કઈ રીતે તેમની મદદ કરતા હતા. તેમણે લખ્યું: “કરૂબ પર સવારી કરીને તે ઊડતાં ઊડતાં આવ્યા, દૂતની પાંખો પર તે દેખાયા.”—૨શ ૨૨:૧૧; ગી ૧૮:૧૦.

માર્ચ ૧૮-૨૪

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૯-૨૧

“આકાશો ઈશ્વરનું ગૌરવ જાહેર કરે છે”

w૦૪ ૧/૧ ૮ ¶૧-૨

યહોવાહને મહિમા આપો

યિશાઈનો પુત્ર દાઊદ, એક ઘેટાંપાળક હતો. આથી, બેથલેહેમ અને તેના આજુબાજુના ગામડાંઓમાં ઘેટાં ચરાવતા, દાઊદે કેટલીય વાર આકાશમાં જોયું હશે. એક કાળી ચાદર જેવા આકાશમાં અઢળક તારા જોયા હશે! તેથી, તેમણે ગીતશાસ્ત્રનું ૧૯મું ગીત લખ્યું ત્યારે, એ સર્વ યાદ કરતા કહે છે: “આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે. ઈશ્વરના હાથના ચાતુર્યની અદ્‍ભુત કારીગરી તેઓ દર્શાવે છે. તેમ છતાં, તેઓનો સંદેશો સમગ્ર પૃથ્વીમાં પહોંચે છે અને પૃથ્વીના છેડાઓ સુધી તેઓની સાક્ષી સંભળાય છે.”—ગીતશાસ્ત્ર ૧૯:૧, ૪, IBSI.

૨ યહોવાહે ભવ્ય આકાશ બનાવ્યું છે. એ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના રાત-દિવસ યહોવાહનો મહિમા જાહેર કરે છે. આખું વિશ્વ પણ યહોવાહને મહિમા આપે છે. પરંતુ, શું એટલું જ પૂરતું છે? ના, માણસોએ પણ યહોવાહને મહિમા આપવો જોઈએ. કેમ કે એક ગીતકર્તાએ પરમેશ્વરના ભક્તોને કહ્યું: “ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને દો. યહોવાહના નામને શોભતું ગૌરવ તેને આપો.” (ગીતશાસ્ત્ર ૯૬:૭, ૮) યહોવાહ પર પ્રેમ રાખનારાઓ આ સલાહને ખુશીથી પાળે છે. તોપણ, યહોવાહને મહિમા આપવો એટલે શું?

w૦૪ ૬/૧ ૧૦-૧૧ ¶૮-૧૦

યહોવાહની રચના તેમનો જયજય પોકારે છે!

૮ પછી, દાઊદે યહોવાહના બીજા એક સરજનનું વર્ણન કર્યું: “તેઓમાં [આકાશમાં] તેણે સૂર્યને સારૂ મંડપ ઊભો કર્યો છે. તે પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે, તે બળવાન માણસની પેઠે પોતાની શરત દોડવામાં આનંદ માને છે. આકાશને એક છેડેથી તે નીકળી આવે છે, અને તેનું પરિક્રમણ [આખું ચક્કર] તેના બીજા છેડા સુધી છે; તેની ઉષ્ણતા વગર કોઈ રહી જતું નથી.”—ગીતશાસ્ત્ર ૧૯:૪-૬.

૯ આકાશમાં ઝગમગતા તારાઓમાં સૂર્ય બહુ મોટો તારો લાગે છે, જેની સામે આસપાસ ફરતા ગ્રહો સાવ ટચૂકડા દેખાય છે. તેમ છતાં, સૂર્ય કરતાં પણ મોટા અનેક તારા છે. એક રિપોર્ટ પ્રમાણે, આપણા સૂર્યમંડળના કુલ દળના આશરે ૯૯.૯ ટકા, એટલે કે બેની પાછળ ૨૭ મીંડા મૂકીએ એટલા ટન દળ એકલા સૂર્યમાં સમાયેલું છે! સૂર્યના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વી આશરે ૧૫ કરોડ કિલોમીટરને યોગ્ય અંતરે સૂર્યની આસપાસ ફરતી રહે છે. પરંતુ, એવું કદી બનતું નથી કે પૃથ્વી સૂર્યની વધારે નજીક ખેંચાઈ જાય કે એનાથી જરાક દૂર ચાલી જાય. સૂર્યની ગરમીનો માત્ર બે અબજમો ભાગ પૃથ્વી પર પહોંચે છે, જે જીવન ટકાવી રાખવા પૂરતી છે.

૧૦ અહીં કવિ સૂર્યને “બળવાન માણસની” સાથે સરખાવે છે. એ જાણે કે દિવસે એકથી બીજા છેડે દોડે છે. એ મોટો તારો સાંજે આથમી જાય ત્યારે, જાણે કે એના ‘મંડપમાં’ આરામ કરવા જતો રહે છે. વહેલી સવારે જાણે “પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો,” પાછો હોંશે હોંશે ઊગી નીકળે છે. દાઊદ ભરવાડ તરીકે જાણતા હતા કે રાત્રે બહાર કેવી કડકડતી ઠંડી હોય છે. (ઉત્પત્તિ ૩૧:૪૦) તેથી, દાઊદને ખબર હતી કે સૂરજનો કૂણો કૂણો તડકો કેવી સરસ ગરમી આપે છે! વળી, સૂર્ય ગઈ કાલે પૂર્વથી પશ્ચિમ દોડીને થાકી ગયો ન હતો. જરાય નહિ! પણ “બળવાન માણસની” જેમ, ફરીથી એ દોડ માટે તૈયાર થઈ જાય છે.

g૯૫ ૧૨/૮ ૨૩ ¶૧

આપણા સમયના સૌથી વધુ ઉપેક્ષા પામેલા કલાકાર

આપણે કુદરતમાંની કલાકૃતિઓ માટેની આપણી કદરને ઊંડી કરીએ તેમ, એ આપણને આપણા ઉત્પન્‍નકર્તાને ઓળખવા મદદ કરી શકે, જેમનાં હાથનાં કામ આપણી ફરતે છે. એક પ્રસંગે ઈસુએ પોતાના શિષ્યોને ગાલીલ ફરતે ઊગતાં જંગલી ફૂલોને ધ્યાનથી જોવાનું કહ્યું. “ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો,” તેમણે કહ્યું, “કે તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતાં નથી, તેઓ કાંતતાં પણ નથી; તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.” (માત્થી ૬:૨૮, ૨૯) મામૂલી જંગલી ફૂલની સુંદરતા આપણને યાદ દેવડાવી શકે કે દેવ માનવ કુટુંબની જરૂરિયાતો પ્રત્યે બેદરકાર નથી.

કીમતી રત્નો

w૨૨.૦૩ ૪ ¶૧૦

તમે “જૂના સ્વભાવને” ઉતારી શકો છો

૧૦ ભરોસો રાખો કે યહોવાનાં ધોરણો પાળવાથી ભલું થાય છે. યહોવા જે કહે છે એ કરવાથી આપણો ફાયદો થાય છે. તેમનાં ધોરણો પ્રમાણે જીવવાથી આપણે પોતાનું માન જાળવી શકીએ છીએ, સારું જીવન જીવી શકીએ છીએ અને સાચી ખુશી મેળવી શકીએ છીએ. (ગીત. ૧૯:૭-૧૧) બીજી બાજુ, જેઓ યહોવાનાં ધોરણોને આંખ આડા કાન કરે છે તેઓ શરીરનાં કામ કરવા લાગે છે. એનાં તેઓએ ખરાબ પરિણામ ભોગવવાં પડે છે. ચાલો એલીનો દાખલો જોઈએ. તેના માબાપ યહોવાના સાક્ષી છે. તેઓએ તેને નાનપણથી યહોવાને પ્રેમ કરવાનું શીખવ્યું હતું. તે મોટો થતો ગયો તેમ તેણે ખરાબ લોકો સાથે દોસ્તી કરી. તેને ડ્રગ્સની લત લાગી ગઈ અને તે ચોરી કરવા લાગ્યો. અરે, તે વ્યભિચાર જેવાં ગંદાં કામો પણ કરવા લાગ્યો. ધીરે ધીરે તેનો સ્વભાવ બદલાઈ ગયો. તે વાતે વાતે ગુસ્સે થતો અને મારામારી પર ઉતરી આવતો. એલી કબૂલે છે, “નાનપણથી મને શીખવવામાં આવ્યું હતું કે મારે અમુક કામો ન કરવાં જોઈએ. પણ મેં એ બધાં જ કામો કર્યાં.” જોકે નાનપણમાં શીખેલી વાતો તે ભૂલ્યો ન હતો. તે બાઇબલમાંથી ફરી શીખવા લાગ્યો. તેણે ખરાબ આદતો છોડવા મહેનત કરી અને સાલ ૨૦૦૦માં તેણે બાપ્તિસ્મા લીધું. યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાથી તેને કેવો ફાયદો થયો? તે કહે છે, “મને મનની શાંતિ મળી અને હું સાફ દિલ રાખી શક્યો છું.” એ અનુભવ પરથી જોવા મળ્યું કે જેઓ યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલતા નથી, તેઓએ ઘણી તકલીફ વેઠવી પડે છે. પણ યહોવા તેઓનો સાથ છોડતા નથી. તેઓ ફેરફાર કરી શકે માટે યહોવા મદદ કરવા તૈયાર છે.

માર્ચ ૨૫-૩૧

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૨૨

ઈસુના મરણ વિશેની ભવિષ્યવાણી

w૧૧ ૮/૧ ૧૭ ¶૧૬

તેઓને મસીહ મળ્યા

૧૬ ઈશ્વરે મસીહને છોડી દીધા હોય એમ લાગશે. (ગીતશાસ્ત્ર ૨૨:૧ વાંચો.) માર્ક જણાવે છે કે આશરે બપોરના ત્રણ વાગ્યે ઈસુએ મોટે સાદે બૂમ પાડી: “એલોઈ, એલોઈ, લામા સાબાખથાની.” એટલે કે ‘મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?’ (માર્ક ૧૫:૩૪) જ્યારે ઈસુએ એમ કહ્યું ત્યારે એનો અર્થ એ નહોતો કે ઈશ્વરમાં તેમની શ્રદ્ધા ઘટી ગઈ હતી. તે જાણતા હતા કે મરણ વખતે ઈશ્વર તેમને શત્રુઓથી બચાવવાના ન હતા. ઈશ્વરને વફાદાર રહેવાની ઈસુ પાસે આ એક મોટી તક હતી. માટે જ્યારે ઈસુએ કહ્યું કે ‘મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?’ ત્યારે ગીતશાસ્ત્ર ૨૨:૧ની ભવિષ્યવાણી પૂરી થઈ.

w૧૧ ૮/૧ ૧૭ ¶૧૩

તેઓને મસીહ મળ્યા

૧૩ દાઊદે ભાખ્યું હતું કે લોકો મસીહનું અપમાન કરશે. (ગીતશાસ્ત્ર ૨૨:૭, ૮ વાંચો.) ઈસુ વધસ્તંભ પર હતા ત્યારે લોકોએ તેમની મશ્કરી કરી. એ વિષે માત્થીએ કહ્યું: ‘પાસે થઈને જનારાઓએ પોતાનાં માથાં હલાવતાં તથા ઈસુની મશ્કરી કરતાં કહ્યું, અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દહાડામાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો હોય તો વધસ્તંભ પરથી ઊતરી આવ. એ જ રીતે મુખ્ય યાજકોએ, શાસ્ત્રીઓએ અને વડીલોએ તેમની મશ્કરી કરતા કહ્યું, બીજાઓને તેણે બચાવ્યા; પણ પોતાને તે બચાવી નથી શકતો. એ તો ઈસ્રાએલનો રાજા છે; તે હમણાં વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીએ. તે ઈશ્વર પર ભરોસો રાખે છે; જો ઈશ્વર ચાહતો હોય તો હમણાં તેનો છૂટકો કરે; કેમ કે તેણે કહ્યું હતું કે હું ઈશ્વરનો દીકરો છું.’ (માથ. ૨૭:૩૯-૪૩) ઈસુએ આ બધું અપમાન ચૂપચાપ સહી લીધું અને લોકોની નિંદા કરી નહિ. આ રીતે તેમણે આપણા માટે સારો દાખલો બેસાડ્યો.

w૧૧ ૮/૧ ૧૭ ¶૧૪

તેઓને મસીહ મળ્યા

૧૪ મસીહના કપડાં માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવશે. દાઊદે લખ્યું: “તેઓ માંહોમાંહે મારાં લૂગડાં વહેંચી લે છે; અને મારા ઝભ્ભાને માટે તેઓ ચિઠ્ઠી નાખે છે.” (ગીત. ૨૨:૧૮) લખ્યા પ્રમાણે જ બન્યું. બાઇબલ જણાવે છે કે રોમન સૈનિકોએ ‘ઈસુને વધસ્તંભે જડ્યા પછી ચિઠ્ઠી નાખીને તેમના લૂગડાં માંહોમાંહે વહેંચી લીધાં.’—માથ. ૨૭:૩૫; યોહાન ૧૯:૨૩, ૨૪ વાંચો.

કીમતી રત્નો

w૦૬ ૧૧/૧ ૨૯ ¶૭

આપણી મિટિંગોની કદર કરીએ

૭ આપણે ઘણી રીતે મિટિંગો માટે પ્રેમ અને કદર બતાવી શકીએ છીએ. એક તો મિટિંગમાં યહોવાહને ભજન ગવાતાં હોય ત્યારે, આપણે પણ ત્યાં હોઈએ. અમુક ભજનો જાણે પ્રાર્થના જેવાં છે, એટલે એ રીતે ગાવાં જોઈએ. ગીતશાસ્ત્ર ૨૨ના શબ્દો જાણે ઈસુ બોલતા હોય, એમ પાઊલે લખ્યા: ‘હું તારું નામ મારા ભાઈઓને પ્રગટ કરીશ, મંડળીમાં સ્તોત્રો [ભજનો] ગાઈને હું તારી સ્તુતિ કરીશ.’ (હેબ્રી ૨:૧૨) એટલે ભાઈ મિટિંગની શરૂઆતના ગીતની જાહેરાત કરે એ પહેલાં, આપણે બેસી જવું જોઈએ. પછી એ ભજનના શબ્દોનો અર્થ ધ્યાનમાં રાખીને બધા સાથે ગાવું જોઈએ. આપણે ગાઈએ ત્યારે, એક કવિ જેવી જ આપણા દિલની આરઝૂ હોવી જોઈએ: “સાધુપુરુષોની સભામાં તથા મંડળીમાં હું ખરા હૃદયથી યહોવાહની ઉપકારસ્તુતિ કરીશ.” (ગીતશાસ્ત્ર ૧૧૧:૧) યહોવાહનાં ગીતો ગાઈને તેમની ભક્તિ કરવા, આપણે મિટિંગમાં ચોક્કસ વહેલા આવવું જોઈએ અને મિટિંગ પૂરી થાય ત્યાં સુધી રહેવું જોઈએ.

w૦૩ ૯/૧ ૧૯ ¶૫

“મંડળીમાં હું તારી સ્તુતિ કરીશ”

શું તમે વિચારો છો કે ‘હું પોતે કઈ રીતે ભાઈ-બહેનોને ઉત્તેજન આપી શકું?’ એ પ્રશ્નનો જવાબ સૌથી સહેલો છે: મિટિંગમાં તમારો હાથ ઊંચો કરીને સવાલના જવાબ આપો. પરંતુ, શું તમે હવે વિચારો છો કે, ‘એમ કરવાથી ભાઈ-બહેનોને કેવી રીતે ઉત્તેજન મળશે? મારા જવાબથી ભાઈ-બહેનોને ક્યાં ફરક પડવાનો છે?’ પરંતુ, વિચાર કરો કે તમારા જવાબથી ભાઈ-બહેનોને કેટલો લાભ થાય છે: (૧) બાઇબલમાંથી તમારા સૂચનો સાંભળીને તેઓને મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે છે. (૨) તમારો અનુભવ સાંભળીને તેઓ કોઈ પણ ફાંદાથી દૂર રહી શકે છે. (૩) ભાઈ-બહેનોને મિટિંગોની વધુ તૈયારી કરવાનું ઉત્તેજન મળશે. હા, જ્યારે તમે જવાબમાં કોઈ કલમ પર નવી અને રસપ્રદ બાબત જણાવો ત્યારે, ભાઈ-બહેનો ખુશ થાય છે. તમારા આવા સારા દાખલાથી તેઓને પણ વધારે તૈયારી કરવાનું મન થશે.

એપ્રિલ ૧-૭

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૨૩-૨૫

“યહોવા મારા પાળક છે”

w૦૫ ૧૧/૧ ૧૭ ¶૯, ૧૦

યહોવાહ આપણા ઘેટાંપાળક છે

૯ ચાલો પહેલા જોઈએ કે યહોવાહ પોતાના ભક્તોને કઈ રીતે દોરે છે. દાઊદે લખ્યું કે ‘તે લીલાં બીડમાં, ઘાસમાં મને સુવાડે છે; તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. તે મને તાજો કરે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.’ (ગીતશાસ્ત્ર ૨૩:૨, ૩) દાઊદ અહીં સુંદર શબ્દ ચિત્રમાં જણાવે છે કે ઘેટાંને લીલાછમ ઘાસમાં સૂવાનું ગમે છે. એનાથી તેઓ તાજાંમાજાં થઈ જાય છે. ત્યાં તેઓને કોઈનો ડર લાગતો નથી. હેબ્રી ભાષામાં લીલું બીડ એટલે “આનંદી ને સલામત જગ્યા.” કલમ બતાવે છે કે ઘેટાં પોતાની જાતે એવી જગ્યા શોધી કાઢતાં નથી. તેઓનો માલિક ત્યાં લઈ જાય છે.

૧૦ આજે યહોવાહ તેમના ભક્તોને પોતાના દાખલાથી માર્ગદર્શન આપે છે. એટલે બાઇબલ આપણને કહે છે કે “દેવનું અનુકરણ કરનારાં થાઓ.” (એફેસી ૫:૧) એ કલમોની આગળ-પાછળનાં વાક્યો ઉત્તેજન આપે છે કે માયાળુ બનો. માફી આપો. એકબીજા પર પ્રેમ રાખો. (એફેસી ૪:૩૨; ૫:૨) યહોવાહ બધી રીતે આ ગુણો બતાવે છે. શું આપણે યહોવાહ જેવા ગુણો કેળવી શકીએ? હા, ચોક્કસ. આપણે એમ કરી શકીએ છીએ, એવો યહોવાહને પૂરો ભરોસો છે. એનો શું પુરાવો છે? યહોવાહે આપણામાં તેમના જેવા ગુણો મૂક્યા છે. તેમની ભક્તિની તરસ મૂકી છે. (ઉત્પત્તિ ૧:૨૬) ખરું કે યહોવાહ જાણે છે કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. તોપણ તે આપણામાં ભરોસો મૂકે છે કે આપણે તેમના જેવા ગુણો કેળવી શકીએ! જો તેમના પગલે ચાલીશું, તો તે ઘેટાંપાળકની જેમ આપણને ‘સલામત જગ્યાએ’ લઈ જશે. આજે દુનિયામાં ચારે બાજુ અશાંતિ છે. યહોવાહના માર્ગમાં ચાલીશું તો આવા જગતમાં પણ ‘સલામતીમાં’ રહી શકીશું. યહોવાહના આશીર્વાદોને લીધે આપણને મનની શાંતિ હશે.—ગીતશાસ્ત્ર ૪:૮; ૨૯:૧૧.

w૦૫ ૧૧/૧ ૧૮-૧૯ ¶૧૩-૧૫

યહોવાહ આપણા ઘેટાંપાળક છે

૧૩ દાઊદને યહોવાહમાં પૂરો ભરોસો હતો એનું બીજું કારણ શું છે? એ જ કે ઘેટાંપાળકની જેમ યહોવાહ પોતાના ભક્તોનું રક્ષણ કરશે. દાઊદે લખ્યું, “જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું, તોએ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમ કે તું મારી સાથે છે; તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે.” (ગીતશાસ્ત્ર ૨૩:૪) દાઊદ યહોવાહ માટે “તું” વાપરે છે, કેમ કે યહોવાહ સાથે તેમનો પાક્કો નાતો હતો. દાઊદ કહે છે કે યહોવાહે તેમને કેવી કેવી મુશ્કેલીઓ ને આફતોમાં મદદ કરી હતી. તે ઘણી વાર ‘મરણની છાયાની ખીણમાંથી’ પસાર થયા હતા. તે જરાય ગભરાયા કે ડર્યા ન હતા. શા માટે? દાઊદ જાણતા હતા કે યહોવાહ “લાકડી” અને ‘છડીથી’ ચોક્કસ તેમનું રક્ષણ કરશે. દાઊદના દિલને કેવી ઠંડક વળી હશે! એનાથી યહોવાહ સાથેનો તેમનો નાતો હજુયે પાક્કો થયો.

૧૪ યહોવાહ તેમના ભક્તોનું આજે કઈ રીતે રક્ષણ કરે છે? શેતાન, તેના દૂતો કે કોઈ પણ માણસ યહોવાહના ભક્તોને મિટાવી શકશે નહિ. બાઇબલ ગેરંટી આપે છે કે યહોવાહ એવું કદી થવા દેશે નહિ. (યશાયાહ ૫૪:૧૭; ૨ પીતર ૨:૯) એનો અર્થ એવો નથી કે આપણા પર કોઈ દુઃખો નહિ આવે. બધા પર જે દુઃખો આવે છે, એ જ આપણા પર આવે છે. સાથે સાથે યહોવાહના ભક્તો અનેક પ્રકારની સતાવણી પણ સહે છે. (૨ તીમોથી ૩:૧૨; યાકૂબ ૧:૨) કોઈ વાર તકલીફોને લીધે આપણે ‘મરણની છાયાની ખીણમાં’ ચાલતા હોઈએ એવું લાગે. કોઈ સતાવણી કે બીમારીને કારણે જીવન ને મોતની વચ્ચે જાણે ઝોલાં ખાતા હોઈએ. આપણું કોઈ સગું-વહાલું ગુજરી ગયું હોય શકે. એનાથી આપણા જીવનમાં અંધકાર છવાયો હોય શકે. પણ આપણે ભૂલીએ નહિ કે યહોવાહ આપણી સાથે છે. ચાલો જોઈએ કે તે કઈ રીતે આપણું રક્ષણ કરશે.

૧૫ યહોવાહ આપણને બચાવવા કોઈ ચમત્કાર કરવાનું વચન આપતા નથી. પણ એવું કહે છે કે દુઃખો સહન કરવા તે આપણને માર્ગદર્શન આપશે. ડહાપણ આપશે. (યાકૂબ ૧:૨-૫) ઘેટાંપાળક ઘેટાંનું જંગલી જનાવરથી રક્ષણ કરવા જ લાકડી ન વાપરતા. પણ લાકડીથી ઘેટાંને સીધા રસ્તે દોરતા. યહોવાહ આપણને કઈ રીતે તેમના માર્ગમાં ચલાવે છે? જેમ કે મંડળના ભાઈ-બહેનો બાઇબલમાંથી સલાહ આપે. એ પાળીને તકલીફો સહન કરવા આપણને મદદ મળશે. (ફિલિપી ૪:૧૩) એટલું જ નહિ પણ દુઃખો સહન કરવા યહોવાહ તેમનો પવિત્ર આત્મા કે શક્તિ આપશે. તેમની શક્તિનો કોઈ હિસાબ નથી. (૨ કોરીંથી ૪:૭) પછી ભલેને શેતાન આપણા પર ગમે તેવી કસોટી લાવે, એ પણ આપણે સહી શકીશું. (૧ કોરીંથી ૧૦:૧૩) જો યહોવાહ આપણી સાથે હોય તો આપણને શાનો ડર!

w૦૫ ૧૧/૧ ૧૯-૨૦ ¶૧૭, ૧૮

યહોવાહ આપણા ઘેટાંપાળક છે

૧૭ દાઊદને યહોવાહમાં પૂરો ભરોસો હતો એનું ત્રીજું કારણ શું છે? એ જ કે ઘેટાંપાળકની જેમ યહોવાહ પોતાના ભક્તોને પુષ્કળ જ્ઞાન આપે છે. દાઊદે કહ્યું કે “મારા શત્રુઓ દેખતાં તું મારે વાસ્તે ભાણું [મિજબાની] તૈયાર કરે છે; તેં મારા માથા પર તેલ ચોળ્યું છે; મારો પ્યાલો ઉભરાય જાય છે.” (ગીતશાસ્ત્ર ૨૩:૫) આ કલમમાં દાઊદ કહે છે કે ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને બરાબર ખવડાવે-પીવડાવે છે. અહીં બે મુદ્દાઓ મળતા આવે છે. એક તો યહોવાહ સંભાળ રાખે છે. બીજું કે તે બહુ જ ઉદાર છે. ઘેટાંપાળક જાણે છે કે પોતાનાં ઘેટાં માટે ક્યાં ક્યાં પુષ્કળ લીલુંછમ ઘાસ છે. ક્યાં પાણી છે. જેથી તેઓને ‘કશી ખોટ પડે’ નહિ.—ગીતશાસ્ત્ર ૨૩:૧, ૨.

૧૮ આજે યહોવાહ પોતાના ભક્તોને સત્યનું પુષ્કળ જ્ઞાન પૂરું પાડે છે. એ સૌથી સારું, પુષ્કળ પ્રમાણમાં અને જુદા જુદા પ્રકારનું હોય છે. યહોવાહ તેમના “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા પુસ્તકો, સભાઓ ને નાનાં-મોટાં સંમેલનોની ગોઠવણ કરે છે. જેથી સત્ય માટેની આપણી ભૂખ-તરસ મટતી રહે. (માત્થી ૨૪:૪૫-૪૭) સાચે જ યહોવાહના જ્ઞાનની આજે કોઈ ખોટ નથી. ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ કરોડો બાઇબલો છાપ્યાં છે. એ સમજાવતા અનેક પુસ્તકો ૪૧૩ ભાષામાં બહાર પાડ્યાં છે. યહોવાહે આપણને બાઇબલ સમજાવતાં અનેક પુસ્તકો આપ્યાં છે. એમાં બાઇબલનું સાદું સત્ય સમજાવતા અને ઊંડી સમજણ આપતા પુસ્તકો પણ છે. (હેબ્રી ૫:૧૧-૧૪) આપણા જીવનમાં કોઈ નિર્ણય લેવાનો હોય કે કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે, એમાંથી માર્ગદર્શન મળે છે. યહોવાહના સત્ય વગર આપણે શું કરત? સાચે જ યહોવાહ બહુ જ ઉદાર છે.—યશાયાહ ૨૫:૬; ૬૫:૧૩.

કીમતી રત્નો

w૧૧ ૨/૧ ૨૧ ¶૧-૩

ઈશ્વરના ન્યાયીપણાને પૂરા દિલથી ચાહીએ

યહોવાહ પોતાની શક્તિ અને બાઇબલ દ્વારા પોતાના ભક્તોને “ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.” (ગીત. ૨૩:૩) આપણે જાણે-અજાણે ભૂલો કરતા હોવાથી ઘણી વાર તેમના માર્ગથી ભટકી જઈએ છીએ. પછી તેમના ન્યાયીપણાના માર્ગે ફરવા સખત પ્રયત્ન કરવા પડે છે. એમ કરવા આપણને શામાંથી મદદ મળી શકે? યહોવાહની નજરમાં જે સારું હતું એ ઈસુએ કર્યું. આપણે પણ એમ કરવું જોઈએ.—ગીતશાસ્ત્ર ૪૫:૭ વાંચો.

૨ ‘ન્યાયીપણાનો માર્ગ’ શું છે? એ ‘માર્ગ’ યહોવાહના ન્યાયી ધોરણોથી બનેલો છે. “ન્યાયીપણા” માટેના હિબ્રૂ અને ગ્રીક શબ્દનો અર્થ “ઇન્સાફ,” “વાજબીપણું” કે “પ્રમાણિકતા” પણ થઈ શકે. એ બતાવે છે કે યહોવાહના ભક્તોએ તેમના નૈતિક ધોરણોને વળગી રહેવું જોઈએ. કેમ કે ‘ન્યાયીપણું અને ઇન્સાફ યહોવાહના રાજ્યાસનનો પાયો છે.’ તેમના ભક્તો રાજીખુશીથી એ માર્ગ પર ચાલવા તેમનું માર્ગદર્શન લે છે.—ગીત. ૮૯:૧૪

૩ પૂરા દિલથી જો આપણે યહોવાહના ધોરણોને વળગી રહીશું તો તેમને આનંદ થશે. (પુન. ૩૨:૪) તેમના ધોરણોને આપણે બાઇબલમાંથી શીખી શકીએ. આપણે જેમ જેમ યહોવાહ વિષે શીખીશું તેમ તેમ તેમની સમીપ જઈશું. આમ તેમના ન્યાયીપણા પ્રત્યે આપણો પ્રેમ વધશે. (યાકૂ. ૪:૮) જીવનમાં અગત્યના નિર્ણયો લેવાના હોય ત્યારે, આપણે બાઇબલનું માર્ગદર્શન સ્વીકારવું જ જોઈએ.

એપ્રિલ ૮-૧૪

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૨૬-૨૮

પ્રમાણિક રહેવા દાઉદે શું કર્યું?

w૦૪ ૧૨/૧ ૧૪ ¶૮-૯

સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહો!

૮ દાઊદે પ્રાર્થના કરી: “હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કર; મારા અંતઃકરણ તથા હૈયાને કસી જો.” (ગીતશાસ્ત્ર ૨૬:૨) દાઊદે કહ્યું કે “મારી પરીક્ષા કર.” પણ એનો શું અર્થ થાય? બાઇબલની મૂળ હેબ્રી ભાષા પ્રમાણે, આ કલમમાં ભાષાંતર થયેલું “અંતઃકરણ” કે ‘હૈયું,’ લાગણીઓ અને વિચારોને બતાવે છે. દાઊદ જાણે એમ કહેતા હતા, ‘હે યહોવાહ, મારું હૃદય જુઓ અને એને સાફ કરો.’

૯ યહોવાહ કઈ રીતે આપણું હૃદય જુએ છે અને એને શુદ્ધ કરે છે? દાઊદે કહ્યું: “યહોવાહે મને બોધ દીધો છે, તેને હું સ્તુત્ય માનીશ; મારું અંતઃકરણ મને રાતને વખતે બોધ આપે છે.” (ગીતશાસ્ત્ર ૧૬:૭) આનો અર્થ એમ થાય કે યહોવાહની સલાહ છેક દાઊદના અંતઃકરણ સુધી પહોંચી. પછી તેમની લાગણીઓ અને વિચારો બદલાવા લાગ્યા. તેમનું હૃદય સાફ બન્યું. એ જ રીતે, યહોવાહ બાઇબલ, મંડળ અને તેમના સંગઠન દ્વારા આપણને માર્ગદર્શન આપે છે. જો આપણે એ શિક્ષણ પર વિચાર કરીએ, એને હૃદયમાં ઉતારીએ, તો આપણું હૃદય પણ શુદ્ધ બનશે. ચાલો આપણે સાફ હૃદય માટે યહોવાહને વિનંતી કરતા રહીએ. તે ચોક્કસ મદદ કરશે અને આપણને સચ્ચાઈના માર્ગમાં દોરશે.

w૦૪ ૧૨/૧ ૧૫ ¶૧૨-૧૩

સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહો!

૧૨ સચ્ચાઈથી ચાલવા દાઊદને બીજા શાનાથી મદદ મળી? દાઊદે કહ્યું: “દુરાચારી માણસોની સાથે હું બેઠો નથી; કપટીઓની સાથે હું વહેવાર રાખીશ નહિ. ભૂંડાઓની મંડળીથી હું કંટાળું છું, અને ભૂંડાની સાથે બેસીશ નહિ.” (ગીતશાસ્ત્ર ૨૬:૪, ૫) દાઊદ દુષ્ટોની નફરત કરતા હતા. અરે, તેમને કપટી કે ભૂંડા લોકો સાથે બેસવાનું પણ ન ગમતું!

૧૩ શું આપણે દાઊદ જેવા છીએ? આજે ટીવી, વિડીયો, ફિલ્મો કે ઇંટરનેટ દ્વારા અનેક દુષ્ટ કામો જોવા મળે છે. શું આપણે એ બધી બાબતો સાંભળીએ કે જોઈએ છીએ? સ્કૂલ કે નોકરી પર અમુક કપટી વ્યક્તિઓ આપણી સાથે દોસ્તી બાંધવા ચાહે. શું આપણે દોસ્તીનો હાથ લંબાવીશું? આજે અમુક ભાઈ-બહેનો યહોવાહના મંડળને છોડીને તેમના દુશ્મનો બને છે. તેઓ ચાલાકીથી આપણને પણ ફસાવી શકે. શું આપણે કોઈ પણ રીતે તેઓ સાથે ઊઠીએ-બેસીએ છીએ? અરે, મંડળમાં અમુક છાની-છૂપી રીતે પાપ કરતા હોય છે. શું આપણે તેઓની વાત સાંભળીશું? જેસનનો વિચાર કરો, જે હવે સેવકાઈ ચાકર છે. તે યુવાન હતો ત્યારે મંડળમાં તેના અમુક મિત્રો ખરાબ હતા. તેઓમાંના એકે જેસનને કહ્યું: ‘તને હમણાં જે મજા કરવી હોય એ કરી લે! નવી દુનિયા આવશે ત્યારે આપણે બસ એક પલમાં મરી જઈશું. પછી ભલે ગમે એવી દુનિયા હોય, આપણને ક્યાં ખબર પડવાની છે?’ જેસન કહે છે: ‘આ સાંભળીને મારી અક્કલ ઠેકાણે આવી ગઈ. દુનિયાનો અંત આવે ત્યારે મને મરવું નથી!’ જેસને તરત જ આ ખરાબ મિત્રોને છોડી દીધા. પ્રેષિત પાઊલની સલાહ સાચી જ છે: “ભૂલશો મા; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (૧ કોરીંથી ૧૫:૩૩) કેટલું મહત્ત્વનું છે કે આપણે ખરાબ સંગતથી દૂર રહીએ!

w૦૪ ૧૨/૧ ૧૬ ¶૧૭-૧૮

સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહો!

૧૭ સર્વ ઈસ્રાએલીઓ યરૂશાલેમમાં ભક્તિ કરવા જતા, કેમ કે યહોવાહનું મંદિર અને વેદી ત્યાં હતા. યહોવાહના મંદિરે જવાથી દાઊદને બહુ ખુશી થતી, એટલે તેમણે કહ્યું: “હે યહોવાહ, તારા મંદિરનું આંગણું તથા તારા ગૌરવવાળી જગા મને પ્રિય લાગે છે.”—ગીતશાસ્ત્ર ૨૬:૮.

૧૮ શું આપણે પણ દાઊદની જેમ હોંશથી યહોવાહની ભક્તિ કરવા જઈએ છીએ? દરેક કિંગ્ડમ હૉલમાં આપણને યહોવાહનું શિક્ષણ મળે છે. વર્ષમાં ત્રણ વાર આપણે સંમેલનોમાં ભેગા મળીએ છીએ, જેમ કે ડિસ્ટ્રીક્ટ, સરકીટ અને એક દિવસનું સંમેલન. એમાં પણ આપણે યહોવાહનું શિક્ષણ મેળવીએ છીએ. જો આપણે એ જ્ઞાનનો લાભ મેળવવા ચાહીએ, તો આપણે બને તેમ દરેક મિટિંગમાં જઈને ધ્યાનથી સાંભળીશું. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૭) મંડળનું વાતાવરણ પણ કેટલું સારું છે! ત્યાં પ્યારા ભાઈ-બહેનો સુખ-દુઃખમાં આપણી સાથે હોય છે. તેઓ સત્યના માર્ગ પર ચાલવા, આપણને ખૂબ સાથ આપે છે.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

કીમતી રત્નો

w૦૬ ૮/૧ ૨૦ ¶૧૫

યહોવાહ દીન-દુખિયાને છોડાવે છે

૧૫ કવિ દાઊદે એક ગીતમાં જણાવ્યું: “મારા બાપે તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવાહ મને સંભાળશે.” (ગીતશાસ્ત્ર ૨૭:૧૦) યહોવાહ આપણને ખૂબ ચાહે છે. આપણા માતા-પિતાથી પણ વધારે. એ જાણીને દિલને કેવી રાહત મળે છે! બની શકે કે આપણને માબાપનો પ્રેમ મળ્યો ન હોય. તેઓ કઠોર હોય. અરે, આપણને લાવારિસ છોડી દીધા હોય. આપણું હૈયું વીંધાઈ ગયું હોઈ શકે. પણ યહોવાહ આપણી સંભાળ રાખવાનું બંધ કરતા નથી. (રૂમી ૮:૩૮, ૩૯) યહોવાહ જેઓને ચાહે છે તેઓને કદીયે છોડી નહિ દે. હંમેશાં તેઓની સાથે રહેશે. (યોહાન ૩:૧૬; ૬:૪૪) ભલેને માણસો આપણી સાથે ગમે તેવો વ્યવહાર કરે, પણ યહોવાહ ઈશ્વર આપણને બેહદ પ્રેમ કરે છે!

એપ્રિલ ૧૫-૨૧

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૨૯-૩૧

શિસ્ત—ઈશ્વરના પ્રેમની નિશાની

it-1-E ૮૦૨ ¶૩

મોં, મુખ

“મોં ફેરવી લીધું” શબ્દોનો અલગ અલગ સંજોગોમાં અલગ અલગ અર્થ થઈ શકે. જ્યારે કહેવામાં આવે કે યહોવાએ કોઈ વ્યક્તિથી પોતાનું મોં ફેરવી લીધું છે, ત્યારે એનો અર્થ થાય કે તેમણે એ વ્યક્તિ પરથી પોતાની કૃપા હટાવી દીધી છે અથવા હવે તે એ વ્યક્તિને વધારે મદદ નહિ કરે. ઇઝરાયેલ રાષ્ટ્રની જેમ જ્યારે લોકો કે કોઈ વ્યક્તિ યહોવાની આજ્ઞા પાળતા નથી ત્યારે તે એવું કરે છે. (અયૂ ૩૪:૨૯; ગી ૩૦:૫-૮; યશા ૫૪:૮; ૫૯:૨) યહોવા મોં ફેરવી લે, એ શબ્દોનો ક્યારેક અર્થ થાય કે તે જાણે કંઈક કરતા અથવા જવાબ આપતા પોતાને રોકી રહ્યા છે. તે એવું એટલા માટે કરે છે, કેમ કે તે યોગ્ય સમયની રાહ જોતા હોય છે. દાઉદે ઈશ્વરને કહ્યું: “મારાં પાપ પરથી તમારી નજર હટાવી લો,” એનો અર્થ થતો હતો કે ઈશ્વર તેના પાપ માફ કરી દે.—ગી ૫૧:૯; ગી ૧૦:૧૧ સરખાવો.

w૨૦.૦૨ ૨૪ ¶૧૮

મન શાંત રાખવા યહોવા મદદ કરશે

૧૮ શિસ્ત સ્વીકારો. દાઊદનું પાપ ખુલ્લું પાડવા યહોવાએ નાથાન પ્રબોધકને મોકલ્યા. એ સમયે દાઊદે છટકબારી શોધી નહિ પણ પોતાનું પાપ કબૂલ કર્યું. તેમણે કબૂલ કર્યું કે પોતે બાથશેબાના પતિ વિરુદ્ધ પાપ કર્યું છે, એનાથી પણ વધારે યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે. તેમણે યહોવા તરફથી મળેલી શિસ્ત સ્વીકારી અને યહોવાએ તેમને માફ કર્યા. (૨ શમૂ. ૧૨:૧૦-૧૪) જો આપણે ગંભીર પાપ કર્યું હોય, તો યહોવાએ નીમેલા ઘેટાંપાળકો એટલે કે વડીલોને જણાવીએ. (યાકૂ. ૫:૧૪, ૧૫) પોતાને સાચા સાબિત કરવાનો આપણે પ્રયત્ન ન કરીએ. જે પણ શિસ્ત મળે એને તરત સ્વીકારીએ અને એ પ્રમાણે કરીએ. એમ કરીશું તો મનની શાંતિ અને ખુશી પાછી મળશે.

w૨૧.૧૦ ૬ ¶૧૮

દિલથી પસ્તાવો કરવો એટલે શું?

૧૮ બહિષ્કૃત વ્યક્તિને દિલથી પસ્તાવો હશે તો તે નિયમિત સભાઓમાં જશે. તે વડીલોની સલાહ માનીને પ્રાર્થના કરશે અને બાઇબલનો જાતે અભ્યાસ કરશે. તે એવી બધી બાબતોથી દૂર રહેશે જે તેને ફરી પાપ કરવા લલચાવી શકે. જો તે યહોવા સાથે સંબંધ સુધારવા પ્રયત્ન કરશે તો યહોવા તેને માફ કરશે. એટલું જ નહિ વડીલો પણ તેને મંડળમાં પાછી લેશે. બધી વ્યક્તિઓના સંજોગો સરખા હોતા નથી. એટલે વડીલો દરેક કિસ્સો ધ્યાનથી તપાસશે. તેઓ કોઈનો કઠોર રીતે ન્યાય ન કરી બેસે એની કાળજી રાખશે.

કીમતી રત્નો

wp૨૩ નં. ૧ ૬ ¶૩

પ્રાર્થના કરો “તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો”

યહોવાને પ્રાર્થના કરવાથી આપણો ભરોસો વધે છે કે તેમને ખરેખર આપણી ચિંતા છે. આપણે પણ પહેલાંના સમયના એ ઈશ્વરભક્ત જેવું અનુભવીશું જેમણે પ્રાર્થનામાં કહ્યું: “તમે મારી વેદના જોઈ છે. તમે મારાં દુઃખો જોયાં છે.” (ગીતશાસ્ત્ર ૩૧:૭) યહોવાને ખબર છે કે આપણે કેવા દુઃખો વેઠી રહ્યા છીએ. એટલું જાણવાથી પણ મુશ્કેલ સંજોગોનો ધીરજથી સામનો કરવા મદદ મળે છે. યહોવા આપણી તકલીફો ફક્ત જોતા જ નથી, એને સમજે પણ છે. તે બીજાઓ કરતાં આપણને સૌથી સારી રીતે સમજે છે અને બાઇબલ દ્વારા હિંમત અને દિલાસો આપે છે.

એપ્રિલ ૨૨-૨૮

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૩૨-૩૩

પાપની કબૂલાત કેમ કરવી જોઈએ?

w૧૩ ૪/૧૫ ૩૧ ¶૧૬

આપણે થાકીએ નહિ

૧૬ આપણાથી મોટું પાપ થઈ જાય તો શું કરવું જોઈએ? બની શકે એટલી જલદી મદદ મેળવો. પાપ જેટલા સમય સુધી છુપાવી રાખશો, એટલી જ સ્થિતિ બગડશે. દાઊદનો વિચાર કરો. તેમને પાપ છુપાવાથી કેવું લાગ્યું એ જણાવતા તે કહે છે: ‘આખો દિવસ દુઃખી થવાથી મારાં હાડકાં જીર્ણ થયાં.’ (ગીત. ૩૨:૩) પાપ છુપાવી રાખવાથી આનંદ ગુમાવી દઈશું. અરે, કદાચ યહોવા સાથેનો સંબંધ પણ તૂટી જાય. પણ, જેઓ પાપ ‘કબૂલ કરીને એનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.’—નીતિ. ૨૮:૧૩.

w૨૦.૦૨ ૨૪ ¶૧૭

મન શાંત રાખવા યહોવા મદદ કરશે

૧૭ પ્રાર્થનામાં માફી માંગો. આખરે દાઊદે પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગી. તેમણે દિલથી પસ્તાવો કર્યો અને પોતાનાં પાપ કબૂલ કર્યાં. (ગીતશાસ્ત્ર ૫૧:૧-૪ વાંચો.) એનાથી તેમને કેટલી રાહત મળી હશે! (ગીત. ૩૨:૧, ૨, ૪, ૫) જો તમે ગંભીર પાપ કરી બેસો, તો એને છુપાવવાનો પ્રયત્ન કરશો નહિ. એને બદલે પ્રાર્થનામાં યહોવા આગળ પોતાનું પાપ કબૂલ કરો. એમ કરવાથી તમારા દિલ પરથી એ પાપનો બોજો ઊતરી જશે અને ચિંતામાંથી રાહત મળશે. પરંતુ યહોવા સાથેનો સંબંધ સુધારવા તમારે પ્રાર્થના ઉપરાંત બીજું પણ કંઈક કરવું પડશે.

w૦૧ ૬/૧ ૩૦ ¶૧

પાપની કબૂલાત કરવાથી આત્મિક સાજાપણું મળે છે

દાઊદને પોતાનું પાપ કબૂલ્યા પછી, નકામાપણાની લાગણી થઈ ન હતી. એ ઉપરાંત, તેમણે પોતાની કબૂલાત વિષે ગીતશાસ્ત્રમાં જે વક્તવ્યો લખ્યાં, એ બતાવે છે કે તેમણે કેટલી રાહત અનુભવી હતી. તેથી તેમણે પરમેશ્વરની વફાદારીથી સેવા કરવાનો નિર્ણય લીધો. દાખલા તરીકે, ગીતશાસ્ત્રનો ૩૨મો અધ્યાય જુઓ. પહેલી કલમમાં આપણે વાંચીએ છીએ: “જેનું ઉલ્લંઘન માફ થયું છે, તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે.” કોઈએ ગમે તેવું ગંભીર પાપ કર્યું હોય છતાં જો તે સાચો પસ્તાવો કરે તો એના સારાં પરિણામો આવી શકે છે. સાચો પસ્તાવો બતાવવાની એક રીત એ છે કે દાઊદે કર્યું તેમ, પોતે ભરેલાં ખોટાં પગલાઓની પૂરેપૂરી જવાબદારી સ્વીકારવી. (૨ શમૂએલ ૧૨:૧૩) તેમણે યહોવાહ સામે પોતાને ન્યાયી ઠરાવવાનો કે એ માટે બીજાઓને દોષિત ઠરાવવાનો પ્રયત્ન કર્યો નહિ. પાંચમી કલમ કહે છે: “મેં મારાં પાપ તારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી; મેં કહ્યું, કે યહોવાહની આગળ હું મારાં ઉલ્લંઘન કબૂલ કરીશ; અને તેં મારાં પાપ માફ કર્યાં.” ખરેખર, સાચા પસ્તાવાથી વ્યક્તિને રાહત મળે છે, જેથી પાછળથી તે પોતાના ભૂતકાળમાં કરેલાં પાપમાં ડૂબી ન જાય.

કીમતી રત્નો

w૦૬ ૬/૧ ૫ ¶૫

ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૧

૩૩:૬—આ કલમમાં ‘તેના મુખના શ્વાસનો’ શું અર્થ થાય? એ યહોવાહનો પવિત્ર આત્મા કે શક્તિ છે, જેનાથી તેમણે વિશ્વનું સર્જન કર્યું હતું. (ઉત્પત્તિ ૧:૧, ૨) એને યહોવાહના મુખનો શ્વાસ કહેવામાં આવે છે, કેમ કે જોરથી શ્વાસ છોડવામાં આવે તો દૂર સુધી જાય છે. એ રીતે યહોવાહ પણ પોતાની શક્તિથી દૂર દૂર સુધી પોતે ધાર્યું કામ કરે છે.

એપ્રિલ ૨૯–મે ૫

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૩૪-૩૫

“સર્વ સમયે યહોવાની સ્તુતિ” કરીએ

w૦૭ ૩/૧ ૨૪ ¶૧૧

યહોવાહનું નામ રોશન કરીએ

૧૧ “હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે.” (ગીતશાસ્ત્ર ૩૪:૧) દાઊદને અહીં-તહીં ભટકવું પડ્યું. એ વખતે માથે કંઈ કેટલીયે ચિંતા હશે. તોપણ દાઊદે એના રોદણાં રડ્યા કર્યા નહિ. તેમણે આરામથી જીવવાના સપના જોયાં નહિ. પણ યહોવાહની ભક્તિમાં ધ્યાન લગાડ્યું. દાઊદે આપણા માટે કેવો સારો દાખલો બેસાડ્યો! સ્કૂલમાં, કામ પર, પ્રચારમાં કે ભાઈ-બહેનો સાથે હોઈએ ત્યારે પણ, આપણી પહેલી ઇચ્છા યહોવાહનું નામ મોટું મનાવવાની હોવી જોઈએ. એમ કરવા માટે ઘણાં કારણો છે. દાખલા તરીકે, સૃષ્ટિ પર નજર કરો! યહોવાહના હાથની કેવી કરામત! એમાંથી જેટલું શીખીએ, એટલું ઓછું. હવે યહોવાહના સંગઠનનો વિચાર કરો. એમાં યહોવાહે મામૂલી, પાપી ઇન્સાન દ્વારા પણ કેવાં મોટાં મોટાં કામો કર્યાં છે! યહોવાહનાં કામો જોતાં, દુનિયાના ‘મહાન લોકોનાં’ કામો તો કંઈ જ નથી. દાઊદે સાચું જ લખ્યું કે ‘હે પ્રભુ, તારા જેવો કોઈ નથી; અને તારાં કામો જેવાં કોઈનાં નથી.’—ગીતશાસ્ત્ર ૮૬:૮.

w૦૭ ૩/૧ ૨૫ ¶૧૩

યહોવાહનું નામ રોશન કરીએ

૧૩ “મારો આત્મા યહોવાહને લીધે વડાઈ કરશે; દીન લોકો તે સાંભળીને આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૪:૨) આ કડીમાં દાઊદ પોતાની સફળતા પર ઘમંડ કરતા ન હતા. દાખલા તરીકે, તેમણે ગાથના રાજાને છેતર્યો એ વિષે બડાઈ કરી નહિ. તે જાણતા હતા કે ગાથમાં યહોવાહે તેમનો જીવ બચાવ્યો હતો. (નીતિવચનો ૨૧:૧) દાઊદે પોતાની નહિ પણ યહોવાહની વાહ વાહ કરી. એના લીધે નેક દિલ લોકો યહોવાહ તરફ ખેંચાયા. ઈસુએ પણ હંમેશાં યહોવાહના નામને રોશન કર્યું. તેથી જેઓને ભક્તિની ભૂખ હતી એવા નમ્ર લોકો યહોવાહ તરફ ખેંચાઈ આવ્યા. આજે પણ સર્વ પ્રજાના નેક દિલ લોકો મંડળમાં આવે છે. એ મંડળને ઈસુ ખ્રિસ્ત સંભાળે છે. (કોલોસી ૧:૧૮) બાઇબલનો સંદેશો બીજાઓને જણાવીને આપણે પણ યહોવાહનું નામ રોશન કરીએ છીએ. યહોવાહની પવિત્ર શક્તિની મદદથી નમ્ર લોકો એ સંદેશો સમજે છે, તેમની દિલથી ભક્તિ કરવા લાગે છે.—યોહાન ૬:૪૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૪.

w૦૭ ૩/૧ ૨૬ ¶૧૫

યહોવાહનું નામ રોશન કરીએ

૧૫ “મેં યહોવાહની શોધ કરી, અને તેણે મને ઉત્તર આપ્યો, અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો.” (ગીતશાસ્ત્ર ૩૪:૪) દાઊદ માટે આ અનુભવ બહુ મહત્ત્વનો હતો. તેમણે આગળ કહ્યું: “આ કંગાલ પુરુષે પોકાર કર્યો, અને યહોવાહે તેનું સાંભળીને તેનાં સર્વ સંકટમાંથી તેને બચાવ્યો.” (ગીતશાસ્ત્ર ૩૪:૬) આપણે મિટિંગમાં ભેગા મળીએ ત્યારે, ભાઈ-બહેનો અનુભવો જણાવે છે. યહોવાહે મુશ્કેલ સંજોગો સહન કરવા કેવી મદદ કરી એ જણાવે છે. એનાથી આપણી શ્રદ્ધા વધે છે. દાઊદનું સાંભળીને યહોવાહમાં તેના સાથીઓનો ભરોસો વધ્યો. દાઊદના સાથીઓએ ‘યહોવાહ તરફ જોયું અને પ્રકાશ પામ્યા. તેઓના મુખ કદી ઝાંખા પડ્યા નહિ.’ (ગીતશાસ્ત્ર ૩૪:૫) ભલે તેઓ રાજા શાઊલથી નાસતા ફરતા હતા, પણ નિરાશ ન થયા. તેઓને પૂરો ભરોસો હતો કે દાઊદની સાથે યહોવાહ છે. તેઓના ચહેરા પર એ ચમક હતી. આજે પણ યહોવાહની ભક્તિમાં નવા હોય કે જૂના, સર્વ મદદ માટે યહોવાહનો સહારો લે છે. તેઓએ જીવનમાં યહોવાહના સાથનો અનુભવ કર્યો છે. એની વાત કરતા તેઓના ચહેરા ચમકી ઊઠે છે. તેઓએ યહોવાહનો સાથ કદી ન છોડવાનું નક્કી કર્યું છે.

કીમતી રત્નો

w૦૬ ૬/૧ ૫ ¶૬

ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૧

૩૫:૧૯—દાઊદે વિનંતી કરી કે તેમના દુશ્મનો આંખના મિચકારા ન કરે. એનો શું અર્થ થાય? દાઊદના દુશ્મનો તેમની વિરુદ્ધ કાવતરાં ઘડતા. એમાં સફળ થતા હોવાથી આંખો મિચકાવીને ખુશ થતા. દાઊદે યહોવાહને વિનંતી કરી કે એવું ન થાય.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો