‘લોકોને ભેગા કરો’
૧. ઈસ્રાએલના સમયનો એ યાદગાર મેળાવડો અને આજનાં સંમેલનો કઈ રીતે સરખા છે?
૧ ઇજિપ્ત છોડ્યા પછી થોડા જ સમયમાં યહોવાએ મુસાને કહ્યું કે, મારી આજ્ઞાઓ સાંભળવા સિનાય પર્વત પર ‘લોકોને ભેગા કર.’ એમ કરવાથી લોકો યહોવાનો ડર રાખવાનું શીખે. તેમ જ, બાળકોને યહોવાના માર્ગમાં ચાલવાનું શીખવે. (પુન. ૪:૧૦-૧૩) એ બનાવ કેટલો યાદગાર અને શ્રદ્ધા મજબૂત કરનારો હશે! યહોવા પાસેથી શીખવા માટે આવતા થોડાક મહિનાઓમાં યહોવાના ભક્તો મહાસંમેલનો અને આંતરરાષ્ટ્રીય સંમેલનો માટે ભેગા થશે. એનો પૂરેપૂરો લાભ લેવા માટે આપણે શું કરવું જોઈએ?
૨. સંમેલન માટે ‘તૈયાર થવા’ આપણે શું કરવું જોઈએ?
૨ ‘તૈયાર થઈએ’: યહોવાએ ઈસ્રાએલીઓને સિનાય પર્વત આગળ એ ઐતિહાસિક પ્રસંગે ભેગા થવા માટે ‘તૈયાર થવા’ કહ્યું હતું. (નિર્ગ. ૧૯:૧૦, ૧૧) એવી જ રીતે, સંમેલનમાં જેનો ભાગ હોય તેઓએ જ નહિ, આપણે પણ અમુક તૈયારીઓ કરવાની જરૂર છે. દાખલા તરીકે, મોટા ભાગના લોકોને નોકરી પરથી રજા લેવાની હોય છે. તમારા સંજોગો કદાચ નહેમ્યા જેવા હોઈ શકે. તે આર્તાહશાસ્તા રાજાના પાત્રવાહક હતા. યરૂશાલેમ જઈને એની દીવાલોનું સમારકામમાં મદદ કરવા તેમને રાજાની પરવાનગી જોઈતી હતી. તે જાણતા હતા કે રાજા કદાચ મંજૂરી નહિ આપે. નહેમ્યાએ પ્રાર્થના કરીને હિંમતથી અને નમ્રતાથી પોતાની વિનંતી રાજાને જણાવી. રાજાએ તેમને પરવાનગી આપી અને એ કામ માટે જરૂરી મદદ પણ પૂરી પાડી. (નહે. ૨:૧-૯) શું તમે નોકરી ધંધા પરથી રજા લેવાની ગોઠવણ કરી છે? એ ઉપરાંત, તમે ત્યાં કઈ રીતે જવાના અને ક્યાં રહેવાના એની ગોઠવણ કરી છે? મંડળના વડીલો ખુશી ખુશી જરૂર હોય એવાં ભાઈ-બહેનોને મદદ કરશે. દરેક સત્રમાં વહેલા આવવાની યોજના બનાવો અને જે સાંભળીએ એના પર ‘વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવા’ તૈયાર થાઓ.—હિબ્રૂ ૨:૧.
૩. સંમેલનમાં ધ્યાનથી સાંભળવા માટે આપણા હૃદયને કઈ રીતે તૈયાર કરી શકીએ?
૩ તૈયારી કરવામાં બીજું મહત્ત્વનું પાસું છે કે આપણા હૃદયને તૈયાર કરીએ. જેથી આપણે ધ્યાનથી સાંભળી અને શીખી શકીએ. (એઝ. ૭:૧૦) સંમેલનનો કાર્યક્રમ અગાઉથી jw.org વેબ સાઇટ પર મૂકવામાં આવે છે. એમાં ભાષણનાં વિષયો અને એક કે બે મુખ્ય કલમો પણ હોય છે. સંમેલનના અગાઉના અઠવાડિયામાં કુટુંબ તરીકેની ભક્તિમાં એ સુંદર માહિતીની ચર્ચા કરવી જોઈએ. અમુક પ્રકાશકો કાર્યક્રમ પ્રિન્ટ કરીને એનો ઉપયોગ સંમેલન દરમિયાન ટૂંકી નોંધ લેવા માટે કરે છે.
૪. માબાપ પોતાનાં બાળકોને સંમેલનો દ્વારા કઈ રીતે શીખવી શકે?
૪ ‘તમારાં બાળકોને શીખવો’: સિનાય પર્વતના એ મેળાવડાનો એક હેતુ હતો કે ઈસ્રાએલી માબાપ ‘પોતાનાં બાળકોને શીખવે.’ (પુન. ૪:૧૦) એવી જ રીતે માબાપને સંમેલનો દ્વારા પોતાનાં બાળકોને શીખવવાની સુંદર તક મળે છે. માબાપે બાળકોને સત્ર દરમિયાન પોતાની જોડે બેસાડવા જોઈએ અને તેમને ધ્યાન આપવા મદદ કરવી જોઈએ. સંમેલનના દરેક દિવસના અંતે અને ત્યાર પછીનાં અઠવાડિયામાં કુટુંબ તરીકેની ભક્તિમાં તેઓ સાથે મળીને કાર્યક્રમની ચર્ચા કરી શકે.
૫. આવનાર સંમેલનમાં હાજર રહેવાથી શું ફાયદો થશે?
૫ ઈસ્રાએલીઓને ઈશ્વરના લોકો તરીકે ઓળખાવવાનો એક અજોડ લહાવો હતો. સિનાય પર્વત પરના મેળાવડાથી તેઓને એ લહાવા માટે કદર બતાવવાની તક મળી. (પુન. ૪:૭, ૮) આવનાર સંમેલનથી આપણને પણ એવી જ રીતે ફાયદો થશે. શેતાનના આ ક્રૂર જગતથી આપણે ત્રણ દિવસ માટે દૂર રહીશું અને ઈશ્વર પાસેથી આવતી તાજગીનો અનુભવ કરીશું. તેમ જ, ભાઈ-બહેનો પાસેથી મળતાં ઉત્તેજન અને સંગતનો આનંદ માણીશું. એવું લાગશે કે જાણે આપણે નવી દુનિયામાં આવી ગયા છીએ. (યશા. ૩૫:૭-૯) યહોવાનો દિવસ જેમ નજીક આવે છે તેમ એકબીજાને ઉત્તેજન આપવા ભેગા મળવાની આ તકને પડતી ન મૂકીએ.—હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.