વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 નવેમ્બર પાન ૨૨-૨૭
  • ‘તમે ખૂબ અનમોલ છો!’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘તમે ખૂબ અનમોલ છો!’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈસુએ લોકોને સમજવા મદદ કરી કે તેઓ યહોવા માટે કીમતી છે
  • પોતાને યહોવાની નજરે જોવા શાનાથી મદદ મળી શકે?
  • યહોવા “કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા તમને મમતા બતાવે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • ઈસુના પૃથ્વી પરના છેલ્લા ૪૦ દિવસમાંથી શીખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 નવેમ્બર પાન ૨૨-૨૭

અભ્યાસ લેખ ૪૭

ગીત ૨૩ એક નવું ગીત

‘તમે ખૂબ અનમોલ છો!’

“તું ખૂબ અનમોલ છે.”—દાનિ. ૯:૨૩, ફૂટનોટ.

આપણે શું શીખીશું?

જેઓને લાગે છે કે પોતે કંઈ કામના નથી, તેઓને સમજવા મદદ મળશે કે યહોવા તેઓને અનમોલ ગણે છે.

૧-૨. શાનાથી ખાતરી મળી શકે કે આપણે યહોવા માટે અનમોલ છીએ?

યહોવા પોતાના બધા ભક્તોને ખૂબ કીમતી ગણે છે. પણ અમુક ભક્તોને એવું લાગે છે કે તેઓ કંઈ કામના નથી અને યહોવા તેઓને પ્રેમ કરતા નથી. કદાચ બીજાઓ તેઓ સાથે ખરાબ રીતે વર્ત્યા હોય એટલે તેઓને એવું લાગે છે. શું તમને ક્યારેય એવું લાગ્યું છે? જો એમ હોય, તો શાનાથી ખાતરી મળી શકે કે યહોવા તમને ખૂબ અનમોલ ગણે છે?

૨ યહોવાએ બાઇબલમાં એવા અહેવાલો લખાવ્યા છે, જેનાથી ખ્યાલ આવે છે કે તે લોકોને કેવા ગણે છે. જો તમે એ અહેવાલો વાંચશો અને એના પર મનન કરશો, તો તમને મદદ મળશે. યહોવાના દીકરા ઈસુનો વિચાર કરો. તે લોકો સાથે પ્રેમથી અને માનથી વર્ત્યા. એમ કરીને તેમણે બતાવી આપ્યું કે જેઓ પોતાને નકામા ગણે છે, તેઓ તેમના માટે અને તેમના પિતા માટે કેટલા કીમતી છે. (યોહા. ૫:૧૯; હિબ્રૂ. ૧:૩) આ લેખમાં આપણે આ બે મુદ્દાની ચર્ચા કરીશું: (૧) ઈસુએ કઈ રીતે લોકોને સમજવા મદદ કરી કે તેઓ યહોવા માટે અનમોલ છે અને (૨) કઈ રીતે પોતાને ખાતરી અપાવી શકીએ કે આપણે યહોવા માટે અનમોલ છીએ.—હાગ્ગા. ૨:૭.

ઈસુએ લોકોને સમજવા મદદ કરી કે તેઓ યહોવા માટે કીમતી છે

૩. ઈસુ ગાલીલના લોકો સાથે કઈ રીતે વર્ત્યા?

૩ ઈસુ ગાલીલમાં પ્રચાર કરતા હતા ત્યારે, ઘણા લોકો તેમની વાતો સાંભળવા અને સાજા થવા આવતા હતા. ઈસુએ જોયું કે “તેઓ પાળક વગરના ઘેટાંની જેમ હેરાન થયેલા અને નિરાધાર” છે. (માથ. ૯:૩૬; હિંદી અધ્યયન બાઇબલમાં અભ્યાસ માહિતી જુઓ.) એવા લોકોને એ સમયના ધાર્મિક આગેવાનો સાવ નકામા ગણતા હતા. અરે, તેઓ તો એ લોકોને “શ્રાપિત” કહેતા હતા. (યોહા. ૭:૪૭-૪૯) પણ ઈસુએ સમય કાઢીને એવા લોકોને ઘણી વાતો શીખવી અને બીમારીમાંથી સાજા કર્યા. આમ તેમણે તેઓને માન આપ્યું. (માથ. ૯:૩૫) વધારે લોકોને મદદ મળી રહે એ માટે તેમણે પોતાના પ્રેરિતોને પ્રચારની તાલીમ આપી. એટલું જ નહિ, તેઓને બીમાર લોકોને સાજા કરવાનો અધિકાર પણ આપ્યો.—માથ. ૧૦:૫-૮.

૪. ઈસુ પોતાના સાંભળનારાઓ સાથે જે રીતે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

૪ જે લોકો ઈસુની વાતો સાંભળવા આવતા હતા, તેઓ સાથે તે પ્રેમથી અને માનથી વર્ત્યા. એમ કરીને ઈસુએ બતાવી આપ્યું કે તેમના અને તેમના પિતા માટે તેઓ ખૂબ અનમોલ છે, પછી ભલે બીજાઓ તેઓને નીચા ગણતા હોય. જો તમે યહોવાની ભક્તિ કરતા હો તોપણ લાગતું હોય કે પોતે કંઈ કામના નથી, તો ઈસુ પર ધ્યાન આપો. વિચારો કે જે લોકો ઈસુ પાસે શીખવા આવ્યા, તેઓ સાથે તે કઈ રીતે વર્ત્યા. એનાથી તમે સમજી શકશો કે યહોવા તમને કેટલા અનમોલ ગણે છે.

૫. ઈસુ ગાલીલમાં જે સ્ત્રીને મળ્યા તેના સંજોગો કેવા હતા?

૫ ખરું કે ઈસુએ લોકોના ટોળાને શીખવ્યું. જોકે એની સાથે સાથે તેમણે અલગ અલગ વ્યક્તિઓ પર પણ ધ્યાન આપ્યું. દાખલા તરીકે, ગાલીલમાં પ્રચાર કરતી વખતે ઈસુ એક સ્ત્રીને મળ્યા, જે ૧૨ વર્ષથી લોહી વહેવાની બીમારીથી પીડાતી હતી. (માર્ક ૫:૨૫) નિયમશાસ્ત્ર પ્રમાણે તે અશુદ્ધ ગણાતી હતી અને જે તેને અડકે તે પણ અશુદ્ધ થઈ જતા હતા. એટલે તે કદાચ છૂટથી બીજાઓ સાથે હળી-મળી શકતી ન હતી. એટલું જ નહિ, તે બીજાઓ સાથે મળીને યહોવાની ભક્તિ કરી શકતી ન હતી અથવા તહેવારો ઊજવી શકતી ન હતી. (લેવી. ૧૫:૧૯, ૨૫) એટલે સમજી શકાય કે ખૂબ બીમાર હોવાની સાથે સાથે તે મનથી પણ કચડાઈ ગઈ હતી.—માર્ક ૫:૨૬.

૬. લોહી વહેવાની બીમારીથી પીડાતી સ્ત્રી કઈ રીતે સાજી થઈ?

૬ એ દુખિયારી સ્ત્રી ચાહતી હતી કે ઈસુ તેને સાજી કરે. પણ તેણે સીધા જઈને ઈસુને એમ કરવાનું ન કહ્યું. કેમ એવું? કદાચ તે પોતાની હાલતના લીધે શરમ અનુભવતી હતી. તેને કદાચ લાગતું હતું કે તેનું અપમાન થશે અથવા તેને ડર હતો કે ઈસુ તેને ખખડાવશે, કેમ કે અશુદ્ધ હોવા છતાં તે ટોળાની વચ્ચે ગઈ હતી. એટલે તે ફક્ત ઈસુના ઝભ્ભાને અડકી. તેને પૂરી ખાતરી હતી કે બસ એટલું કરવાથી તે સાજી થઈ જશે. (માર્ક ૫:૨૭, ૨૮) સાચે જ, તેની શ્રદ્ધાનું જોરદાર પરિણામ મળ્યું. તે સાજી થઈ ગઈ! પછી ઈસુએ પૂછ્યું કે કોણ તેમને અડક્યું અને એ સ્ત્રી આગળ આવી. તેણે ઈસુને બધું કહી દીધું. ઈસુ તેની સાથે કઈ રીતે વર્ત્યા?

૭. દુખિયારી સ્ત્રી સાથે ઈસુ કઈ રીતે વર્ત્યા? (માર્ક ૫:૩૪)

૭ ઈસુ એ સ્ત્રી સાથે પ્રેમથી અને માનથી વર્ત્યા. તેમણે જોયું કે તે ગભરાતી ગભરાતી આવી હતી. (માર્ક ૫:૩૩) તેની લાગણીઓને ધ્યાનમાં રાખીને ઈસુએ તેની સાથે પ્રેમથી વાત કરી અને તેને દિલાસો આપ્યો. અરે તેમણે તેને “દીકરી” કહીને બોલાવી! ઈસુના એ શબ્દમાં માન, પ્રેમ અને કોમળતા છલકાતાં હતાં. (માર્ક ૫:૩૪ વાંચો.) એ શબ્દની અભ્યાસ માહિતીમાં જણાવ્યું છે: “ઈસુએ કોઈ સ્ત્રીને ‘દીકરી’ કહીને બોલાવી હોય એવો આ એક જ અહેવાલ નોંધેલો છે. કદાચ આ સ્ત્રીની નાજુક હાલતને લીધે અથવા તે ‘ગભરાયેલી’ હતી એના લીધે, તેમણે તેને દીકરી કહી.” જરા વિચારો, એ સ્ત્રીને કેટલી હાશ થઈ હશે! જો ઈસુએ તેની સાથે પ્રેમથી વાત કરી ન હોત તો ભલે તે સાજી થઈ ગઈ હોત, પણ દોષની લાગણીએ તેને અંદરથી કોરી ખાધી હોત. ઈસુ તેને ખાતરી અપાવવા માંગતા હતા કે તે સ્વર્ગમાંના પ્રેમાળ પિતાની વહાલી દીકરી છે.

૮. બ્રાઝિલમાં રહેતાં એક બહેન સામે કઈ મુશ્કેલીઓ આવી?

૮ આજે પણ અમુક ભાઈ-બહેનો બીમારીઓથી પીડાઈ રહ્યાં છે. એના લીધે તેઓને લાગે છે કે પોતે કંઈ કામનાં નથી. બ્રાઝિલમાં રહેતાં મારિયાબહેનa પાયોનિયર છે. તેમને જન્મથી જ બંને પગ અને ડાબો હાથ નથી. તે કહે છે: “મારી આ ખોડને લીધે સ્કૂલમાં બીજા વિદ્યાર્થીઓ મારી મજાક ઉડાવતા. તેઓ મને અલગ અલગ નામથી ચિડવતા. હું દુઃખી દુઃખી થઈ જતી. અરે મારું કુટુંબ પણ અમુક વાર મને અહેસાસ કરાવતું કે હું સાવ નકામી છું.”

૯. મારિયાબહેનને કઈ રીતે અહેસાસ થયો કે તે યહોવા માટે ખૂબ અનમોલ છે?

૯ મારિયાબહેનને શાનાથી મદદ મળી? તે યહોવાના સાક્ષી બન્યાં ત્યારે, મંડળનાં ભાઈ-બહેનોએ તેમને ઘણો દિલાસો આપ્યો. તેઓએ તેમને મદદ કરી, જેથી તે પોતાને યહોવાની નજરે જોઈ શકે. મારિયાબહેન કહે છે: “મને એટલા બધાં ભાઈ-બહેનોએ મદદ કરી છે કે જો હું તેઓ વિશે લખવા બેસું તો પાનાં ખૂટી પડે. હું યહોવાનો ખૂબ આભાર માનું છું કે તેમણે મને આટલાં સારાં ભાઈ-બહેનો આપ્યાં છે, જેઓ મારું કુટુંબ બની ગયાં છે.” ભાઈ-બહેનોએ મારિયાબહેનને અહેસાસ કરાવ્યો કે તે યહોવા માટે ખૂબ અનમોલ છે.

૧૦. મરિયમ માગદાલેણ કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી અને એના લીધે તેને કેવું લાગતું હતું? (ચિત્રો પણ જુઓ.)

૧૦ હવે ચાલો ધ્યાન આપીએ કે ઈસુએ મરિયમ માગદાલેણને કઈ રીતે મદદ કરી. તે સાત દુષ્ટ દૂતોના કાબૂમાં હતી. (લૂક ૮:૨) દુષ્ટ દૂતોની અસરને લીધે તે અજીબ રીતે વર્તતી હશે. એટલે લોકો કદાચ તેનાથી દૂર દૂર રહેતા હશે. એ મુશ્કેલ સમયમાં તેને લાગતું હશે કે બધાએ તેને તરછોડી દીધી છે, કોઈ તેને પ્રેમ કરતું નથી અથવા મદદ કરી શકતું નથી. પણ ઈસુએ તેનામાંથી દુષ્ટ દૂતો કાઢ્યા અને તે ઈસુની શિષ્ય બની. ઈસુએ બીજી કઈ રીતે મરિયમ માગદાલેણને એ સમજવા મદદ કરી કે યહોવા તેને ખૂબ અનમોલ ગણે છે?

ચિત્રો: ૧. અંધારી ગલીમાં મરિયમ માગદાલેણ ઘૂંટણિયે પડીને બેઠી છે અને તે બહુ દુઃખી છે. ઈસુ તેને જુએ છે. ૨. મરિયમ માગદાલેણ ઈસુ અને તેમના શિષ્યો સાથે ખુશી ખુશી મુસાફરી કરે છે.

ઈસુએ મરિયમ માગદાલેણને કઈ રીતે ખાતરી અપાવી કે તે યહોવા માટે ખૂબ અનમોલ છે? (ફકરા ૧૦-૧૧ જુઓ)


૧૧. ઈસુએ કઈ રીતે મરિયમ માગદાલેણને સમજવા મદદ કરી કે તે યહોવા માટે અનમોલ છે? (ચિત્રો પણ જુઓ.)

૧૧ ઈસુ અને તેમના શિષ્યો ગામેગામ પ્રચાર કરતા હતા. ઈસુએ મરિયમ માગદાલેણને એ મુસાફરીઓમાં જોડાવાનું આમંત્રણ આપીને મોટું સન્માન આપ્યું.b આમ, ઈસુ બીજાઓને શીખવતા ત્યારે મરિયમ પણ એમાંથી ઘણું શીખી શકતી. વધુમાં ઈસુને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા એ જ દિવસે તે મરિયમ માગદાલેણને દેખાયા હતા. એ દિવસે ઈસુએ સૌથી પહેલા જે શિષ્યો સાથે વાત કરી, એમાંની એક મરિયમ માગદાલેણ હતી. ઈસુએ મરિયમને કહ્યું કે તેમને જીવતા કરવામાં આવ્યા છે એ વાત તે પ્રેરિતોને જણાવે. ઈસુએ આ જોરદાર રીતો દ્વારા મરિયમ માગદાલેણને સમજવા મદદ કરી કે તે સાચે જ યહોવા માટે ખૂબ અનમોલ છે.—યોહા. ૨૦:૧૧-૧૮.

૧૨. લિડિયાબહેનને કેમ એવું લાગતું હતું કે તે કોઈના પ્રેમને લાયક નથી?

૧૨ મરિયમ માગદાલેણની જેમ આજે ઘણા લોકોને લાગે છે કે તેઓ કંઈ કામના નથી અને કોઈ તેઓને પ્રેમ કરતું નથી. સ્પેનમાં રહેતાં એલિનાબહેનનો વિચાર કરો. લિડિયાબહેનના જન્મ પહેલાં તેમનાં મમ્મી ગર્ભપાત કરાવવા માંગતાં હતાં. લિડિયાબહેનને યાદ છે કે તે નાનાં હતાં ત્યારે પણ તેમનાં મમ્મી તેમનું ધ્યાન રાખતાં ન હતાં અને તેમને જેમતેમ બોલી જતાં હતાં. તે કહે છે: “મને મમ્મીનો પ્રેમ ક્યારેય મળ્યો ન હતો. એટલે હું બીજાઓ પાસે પ્રેમની આશા રાખતી હતી. હું ચાહતી હતી કે તેઓ મારા દોસ્ત બને. પણ મમ્મીએ મારા મનમાં ઠસાવી દીધું હતું કે હું એક ખરાબ વ્યક્તિ છું. એટલે મને લાગતું હતું કે હું કોઈના પ્રેમને લાયક નથી.”

૧૩. લિડિયાબહેનને શાનાથી સમજવા મદદ મળી કે તે યહોવા માટે અનમોલ છે?

૧૩ પછી લિડિયાબહેન બાઇબલમાંથી શીખવા લાગ્યાં. તે પ્રાર્થના કરવા લાગ્યાં અને બાઇબલ વાંચવા લાગ્યાં. એટલું જ નહિ, ભાઈ-બહેનો તેમની સાથે સારી રીતે વાત કરતા હતાં અને પ્રેમથી વર્તતાં હતાં. એ બધાથી તેમને ભરોસો થયો કે યહોવા તેમને ખૂબ અનમોલ ગણે છે. લિડિયાબહેન કહે છે: “મારા પતિ અવાર-નવાર મને જણાવે છે કે તે મને કેટલો પ્રેમ કરે છે. તે હંમેશાં મને યાદ અપાવે છે કે મારામાં કયા સારા ગુણો છે. મારા વહાલા મિત્રો પણ એવું જ કરે છે.” શું તમને એવા કોઈ ભાઈ કે બહેન યાદ આવે છે, જેમને એ સમજવા મદદની જરૂર હોય કે યહોવા તેમને અનમોલ ગણે છે?

પોતાને યહોવાની નજરે જોવા શાનાથી મદદ મળી શકે?

૧૪. પોતાને યહોવાની નજરે જોવા ૧ શમુએલ ૧૬:૭થી કઈ રીતે મદદ મળે છે? (“યહોવા માટે તેમના ભક્તો કેમ અનમોલ છે?” બૉક્સ પણ જુઓ.)

૧૪ યાદ રાખો કે દુનિયાના લોકો તમને જે રીતે જુએ છે, એ રીતે યહોવા નથી જોતા. (૧ શમુએલ ૧૬:૭ વાંચો.) દુનિયાના લોકો જુએ છે કે વ્યક્તિ કેવી દેખાય છે, તેની પાસે કેટલા પૈસા છે અથવા તે કેટલું ભણેલી છે. એના આધારે તેઓ નક્કી કરે છે કે એ વ્યક્તિને કેટલી મહત્ત્વની ગણવી. પણ યહોવા એવું નથી કરતા. (યશા. ૫૫:૮, ૯) એટલે પોતાને યહોવાની નજરે જોવાની કોશિશ કરો, દુનિયાના લોકોની નજરે નહિ. બાઇબલમાં એવા લોકોના દાખલા આપ્યા છે, જેઓને અમુક વાર એવું લાગ્યું હતું કે તેઓ કંઈ કામના નથી. જેમ કે, એલિયા, નાઓમી અને હાન્‍ના. તેઓ વિશે વાંચો તેમ ધ્યાન આપો કે યહોવા તેઓને કેટલો પ્રેમ કરતા હતા. વધુમાં, તમે તમારા જીવનની એવી પળો વિશે લખી શકો, જ્યારે તમે યહોવાનો પ્રેમ અનુભવ્યો હોય અને લાગ્યું હોય કે યહોવા માટે તમે અનમોલ છો. એટલું જ નહિ, તમે આપણાં સાહિત્યમાં આવા વિષયો પર સંશોધન પણ કરી શકો. જેમ કે, “પોતાને યહોવાની નજરે જુઓ” અથવા “પોતે કંઈ કામના નથી.”c

યહોવા માટે તેમના ભક્તો કેમ અનમોલ છે?

યહોવાએ માણસોને પ્રાણીઓ કરતાં એકદમ અલગ બનાવ્યા છે. તેમણે આપણને એ રીતે ઘડ્યા છે કે આપણે તેમને ઓળખી શકીએ અને તેમના દોસ્ત બની શકીએ. (ઉત. ૧:૨૭; ગીત. ૮:૫; ૨૫:૧૪; યશા. ૪૧:૮) એનાથી ખબર પડે છે કે આપણે નકામા નથી, યહોવા આપણને કીમતી ગણે છે. એ વાત પર ભરોસો કરવાનું આપણી પાસે બીજું એક મોટું કારણ છે. એ છે કે આપણે યહોવાની નજીક આવ્યા છીએ, આપણે પોતાનું જીવન તેમને સોંપ્યું છે અને તેમનું કહ્યું માનીએ છીએ. એટલે આપણે પોતાના સર્જનહાર યહોવા માટે વધારે અનમોલ છીએ.—યશા. ૪૯:૧૫.

૧૫. દાનિયેલ યહોવા માટે કેમ “ખૂબ અનમોલ” હતા? (દાનિયેલ ૯:૨૩, ફૂટનોટ)

૧૫ પોતાને યાદ અપાવતા રહો કે તમારી વફાદારીના લીધે યહોવા તમને અનમોલ ગણે છે. પ્રબોધક દાનિયેલ આશરે સો વર્ષના હતા ત્યારે તેમને લાગ્યું કે તે ‘ખૂબ થાકી’ ગયા છે અને નિરાશ થઈ ગયા છે. (દાનિ. ૯:૨૦, ૨૧) યહોવાએ તેમને કઈ રીતે ઉત્તેજન આપ્યું? તેમણે ગાબ્રિયેલ દૂતને દાનિયેલ પાસે મોકલ્યા. દૂતે દાનિયેલને યાદ અપાવ્યું કે તે યહોવા માટે “ખૂબ અનમોલ છે” અને તેમની પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે. (દાનિયેલ ૯:૨૩, ફૂટનોટ વાંચો.) દાનિયેલ કેમ યહોવા માટે ખૂબ અનમોલ હતા? કેમ કે તે સચ્ચાઈથી ચાલતા હતા અને યહોવાને વફાદાર હતા. (હઝકિ. ૧૪:૧૪) આપણને દિલાસો મળે એ માટે યહોવાએ આ અહેવાલ બાઇબલમાં લખાવી લીધો છે. (રોમ. ૧૫:૪) દાનિયેલની જેમ તમે પણ સચ્ચાઈને વળગી રહો છો અને વફાદારીથી યહોવાની ભક્તિ કરો છો. એટલે યહોવા તમારી પણ પ્રાર્થના સાંભળે છે અને તમને ખૂબ અનમોલ ગણે છે.—મીખા. ૬:૮, ફૂટનોટ; હિબ્રૂ. ૬:૧૦.

૧૬. યહોવાને પ્રેમાળ પિતા તરીકે જોવા તમને શાનાથી મદદ મળી શકે?

૧૬ યહોવાને એક પિતા તરીકે જુઓ, જે તમને ખૂબ પ્રેમ કરે છે. યહોવા તમારામાં વાંક-ગુનો શોધવા માંગતા નથી, તે તો તમને મદદ કરવા માંગે છે. (ગીત. ૧૩૦:૩; માથ. ૭:૧૧; લૂક ૧૨:૬, ૭) એ વાત યાદ રાખવાથી એવાં ઘણાં ભાઈ-બહેનોને મદદ મળી છે, જેઓને લાગતું હતું કે તેઓ કંઈ કામનાં નથી. દાખલા તરીકે, સ્પેનમાં રહેતાં એલિનાબહેનનો વિચાર કરો. વર્ષો સુધી પતિના કડવા વેણ સાંભળવાને લીધે તેમને લાગતું હતું કે કોઈ તેમને પ્રેમ કરતું નથી અને તે કંઈ કામનાં નથી. એલિનાબહેન કહે છે, “જ્યારે પણ મને લાગે કે હું નકામી છું, ત્યારે હું આવી કલ્પના કરું છું: યહોવાએ મને પ્રેમથી પોતાની ગોદમાં ઊંચકી લીધી છે અને તે મને સાચવી રહ્યા છે.” (ગીત. ૨૮:૯) દક્ષિણ આફ્રિકામાં રહેતાં લોરેનબહેન પોતાને આ વાત યાદ અપાવે છે: “જો યહોવા મને પ્રેમની દોરીથી પોતાની તરફ ખેંચી લાવ્યા હોય, આટલાં વર્ષો તેમની નજીક રહેવા મદદ કરી હોય અને બીજાઓને શીખવવા મારો ઉપયોગ કર્યો હોય, તો તે ચોક્કસ મને અનમોલ ગણે છે.”—હોશિ. ૧૧:૪.

૧૭. તમે કઈ રીતે જાણી શકો કે યહોવાની કૃપા તમારા પર છે? (ગીતશાસ્ત્ર ૫:૧૨) (ચિત્ર પણ જુઓ.)

૧૭ ખાતરી રાખો કે યહોવાની કૃપા તમારા પર છે. (ગીતશાસ્ત્ર ૫:૧૨ વાંચો.) દાઉદે યહોવાની કૃપાને ‘મોટી ઢાલ’ સાથે સરખાવી, જે નેક લોકોનું રક્ષણ કરે છે. જ્યારે તમારા પર આવો ખોટો વિચાર હાવી થઈ જાય કે તમે કંઈ કામના નથી, ત્યારે શું કરી શકો? એવા સમયે પોતાને યાદ અપાવો કે યહોવાની કૃપા તમારા પર છે અને યહોવા હંમેશાં તમારી સાથે છે. પણ તમે કઈ રીતે જાણી શકો કે યહોવાની કૃપા તમારા પર છે? આપણે જોઈ ગયા તેમ, બાઇબલ દ્વારા યહોવા તમને જણાવે છે કે તે તમારા વિશે શું વિચારે છે. એટલું જ નહિ, વડીલો, પાકા મિત્રો અને બીજાઓ દ્વારા યહોવા તમને યાદ અપાવે છે કે તમે તેમના માટે ખૂબ અનમોલ છો. બીજાઓ તમને આ રીતે ઉત્તેજન આપે ત્યારે તમારે કઈ રીતે વર્તવું જોઈએ?

એક બહેન પ્રાર્થનાઘરની બહાર નીકળી રહ્યાં છે અને તે ખુશ છે. બીજાં એક બહેને તેમના ખભા પર હાથ મૂક્યો છે અને તેઓ સાથે પ્રચારમાં જઈ રહ્યાં છે.

જો યાદ રાખીશું કે યહોવાની કૃપા આપણા પર છે, તો પોતે કંઈ કામના નથી એવું નહિ વિચારીએ (ફકરો ૧૭ જુઓ)


૧૮. બીજાઓ વખાણ કરે ત્યારે કેમ એ સ્વીકારવા જોઈએ?

૧૮ જેઓ તમને ઓળખે છે અને પ્રેમ કરે છે, તેઓ તમારા વખાણ કરે ત્યારે એને નકારી ન કાઢો. યાદ રાખો કે તેઓ દ્વારા યહોવા કદાચ તમને ખાતરી અપાવી રહ્યા છે કે તેમની કૃપા તમારા પર છે. એલિનાબહેન વિશે આપણે અગાઉ જોઈ ગયા. તે કહે છે: “જ્યારે બીજાઓ મારા વખાણ કરે છે, ત્યારે મારું મન નથી માનતું કે હું એને લાયક છું. પણ યહોવા ચાહે છે કે કોઈ મારા વખાણ કરે ત્યારે હું એને સ્વીકારું. મારા માટે એમ કરવું અઘરું તો છે, પણ હું કોશિશ કરી રહી છું.” વડીલોએ પણ એલિનાબહેનને પ્રેમથી એ જોવા મદદ કરી કે યહોવાની કૃપા તેમના પર છે. એલિનાબહેન હમણાં પાયોનિયરીંગ કરે છે અને ઘરેથી બેથેલ માટે કામ કરે છે.

૧૯. તમે કઈ રીતે ખાતરી રાખી શકો કે યહોવા તમને અનમોલ ગણે છે?

૧૯ ઈસુ પ્રેમથી આપણને યાદ અપાવે છે કે આપણે યહોવા માટે ખૂબ અનમોલ છીએ. (લૂક ૧૨:૨૪) એટલે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને ખૂબ કીમતી ગણે છે. ચાલો એ વાત હંમેશાં યાદ રાખીએ. તેમ જ, બીજાઓને એ જોવા મદદ કરીએ કે તેઓ પણ યહોવા માટે ખૂબ અનમોલ છે.

તમે શું કહેશો?

  • ઈસુએ કઈ રીતે લોકોને સમજવા મદદ કરી કે તેઓ યહોવા માટે ખૂબ અનમોલ છે?

  • લોહી વહેવાની બીમારીથી પીડાતી સ્ત્રીને ઈસુએ કઈ રીતે મદદ કરી?

  • પોતાને યહોવાની નજરે જોવા શાનાથી મદદ મળી શકે?

ગીત ૫૫ જીવન દીપ નહિ બૂઝે

a અમુક નામ બદલ્યાં છે.

b જે સ્ત્રીઓ ઈસુ અને પ્રેરિતો સાથે મુસાફરી કરતી હતી, તેઓમાંની એક મરિયમ માગદાલેણ હતી. એ સ્ત્રીઓ પોતાની સંપત્તિ વાપરીને ઈસુ અને પ્રેરિતોની સેવા કરતી હતી.—માથ. ૨૭:૫૫, ૫૬; લૂક ૮:૧-૩.

c જેમ કે, યહોવા કે કરીબ આઓ પુસ્તકનું પ્રકરણ ૨૪ જુઓ અને ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ પુસ્તકના “શંકા” વિષયમાં આપેલી કલમો અને બાઇબલના અહેવાલો વાંચો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો