અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે મદદ
“આખી દુનિયામાં લાખો છોકરીઓ અને સ્ત્રીઓ અત્યાચારનો ભોગ બની છે. શું તમારી સાથે પણ એવું થયું છે? આ લેખમાં તમને જાણવા મળશે કે ઈશ્વર માટે સ્ત્રીઓની સલામતી ખૂબ મહત્ત્વની છે. એ પણ જોવા મળશે કે સ્ત્રીઓ પર થતા અત્યાચારને રોકવા ઈશ્વર શું કરશે.”
એ શબ્દોથી jw.org પર આપેલો લેખ “સ્ત્રીઓની સલામતી—પવિત્ર શાસ્ત્રમાં શું જણાવ્યું છે?” શરૂ થાય છે. એ લેખના અંતમાં એક લિંક આપી છે, જેના પર ક્લિક કરવાથી તમે એની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. પછી તમે એની પ્રિન્ટ કાઢીને એ રીતે વાળી શકો કે ચાર પાનાની પત્રિકા બને. સ્ટેસી અમેરિકામાં રહે છે. તે કહે છે: “મેં આ લેખની ઘણી પ્રતો છાપી. પછી હું અને બીજા એક બહેન એ પત્રિકાઓ લઈને નજીકના મહિલા આશ્રમમાં ગયાં.”
આશ્રમમાં કામ કરતી એક સ્ત્રીએ વધારે પત્રિકાઓ માંગી, જેથી તે ત્યાં રહેતી સ્ત્રીઓને આપી શકે. એટલે તેઓએ ૪૦ પત્રિકાઓ અને ૩૦ કોન્ટેક્ટ કાર્ડ ત્યાં મોકલાવી આપ્યાં. પછી ફરી એક વાર આપણી બહેનો એ આશ્રમમાં ગઈ. ત્યાંની મેનેજરે બહેનોને કહ્યું કે ત્યાં રહેતી સ્ત્રીઓને બાઇબલમાંથી કઈ રીતે જાતે અભ્યાસ કરી શકાય એ બતાવે.
સ્ટેસી અને બીજી બે બહેનોને પણ એવો જ સરસ અનુભવ થયો. તેઓએ બીજા એક મહિલા આશ્રમમાં પાંચ પત્રિકાઓ આપી. ત્યાં રહેતી સ્ત્રીઓએ વધારે પત્રિકાઓ પણ માંગી. ત્યાં કામ કરતી એક સ્ત્રીએ કહ્યું: “આ પત્રિકાથી અહીંની બહેનોને ઘણી મદદ મળશે. અમને આની જ જરૂર છે.” આપણી બહેનો ફરી એક વાર આશ્રમમાં ગઈ ત્યારે, અમુક સ્ત્રીઓ જાણવા માંગતી હતી કે બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે. બે સ્ત્રીઓએ તો એવું પણ કહ્યું કે તેઓ અઠવાડિયાના અંતે થતી સભામાં આવશે.
સ્ટેસી કહે છે: “અમને એ જોઈને બહુ નવાઈ લાગી કે લોકોને આ લેખ કેટલો ગમ્યો. એની પ્રિન્ટ કાઢીને પત્રિકાની જેમ વાળીને આપી શકીએ છીએ. એ એક સરસ રીત છે જેનાથી અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓને ખુશખબર જણાવી શકીએ છીએ. જ્યારે અમે જોયું કે પત્રિકા વાંચીને સ્ત્રીઓ કેટલી ખુશ થઈ જતી હતી, ત્યારે અમને બહુ સારું લાગ્યું. અમે એ જોવા આતુર છીએ કે આવી સ્ત્રીઓને ખુશખબર જણાવતા રહેવા યહોવા અમને કઈ રીતે મદદ કરશે.”