યર્મિયા
૯ જો મારું માથું પાણીનો કૂવો હોત,
મારી આંખો આંસુથી ભરેલો ફુવારો હોત,+
તો મારા દેશના માર્યા ગયેલા લોકો માટે
મેં રાત-દિવસ આંસુ વહાવ્યાં હોત.
૨ જો મને ખબર હોત કે વેરાન પ્રદેશમાં મુસાફરો માટે ઉતારો ક્યાં છે,
તો હું મારા લોકોને છોડીને તેઓથી દૂર જતો રહ્યો હોત!
કેમ કે તેઓ બધા વ્યભિચારી છે,+
તેઓ કપટીઓની ટોળી છે.
૩ તેઓ ધનુષ્યની જેમ જીભ વાળે છે અને જૂઠનાં તીર ચલાવવા તૈયાર રહે છે.
આખા દેશમાં જૂઠાણું છે, જરાય વફાદારી નથી.+
“તેઓ એક પછી એક ખરાબ કામ કરે છે,
કોઈ મારું સાંભળતું નથી,”+ એવું યહોવા કહે છે.
૪ “તમે પોતાના પડોશીથી ચેતીને રહો,
તમે પોતાના ભાઈ પર ભરોસો ન રાખો.
૫ દરેક જણ પોતાના પડોશીને છેતરે છે,
કોઈ સાચું બોલતું નથી.
તેઓએ પોતાની જીભને જૂઠું બોલતા શીખવ્યું છે.+
તેઓ થાકી જાય ત્યાં સુધી ખરાબ કામ કરતા રહે છે.
૬ તું કપટથી ઘેરાયેલો છે.
તેઓ જૂઠું બોલે છે અને મને ઓળખવાની ના પાડે છે,” એવું યહોવા કહે છે.
૭ એટલે સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“હું તેઓને ઓગાળીને તેઓની પરખ કરીશ,+
કેમ કે મારા લોકોની દીકરી સાથે હું બીજું શું કરી શકું?
૮ તેઓની જીભ ઝેરી બાણ જેવી છે, જે કપટથી બોલે છે.
દરેક પોતાના પડોશી જોડે શાંતિથી વાત તો કરે છે,
પણ દિલમાં તેને ફસાવવાનું કાવતરું ઘડે છે.”*
૯ યહોવા કહે છે, “શું આ બધા માટે મારે તેઓ પાસે હિસાબ માંગવો ન જોઈએ?
શું આ પ્રજા પાસે બદલો લેવો ન જોઈએ?+
૧૦ હું પર્વતો માટે આંસુ વહાવીશ અને વિલાપ કરીશ,
હું વેરાન પ્રદેશનાં ગૌચરો* માટે વિલાપગીત* ગાઈશ,
કેમ કે તેઓને બાળીને ખાખ કરવામાં આવ્યાં છે,
કોઈ ત્યાંથી પસાર થતું નથી,
ઢોરઢાંકનો અવાજ પણ સંભળાતો નથી.
આકાશનાં પક્ષીઓ ઊડી ગયાં છે અને જંગલનાં પ્રાણીઓ નાસી ગયાં છે.+
૧૧ હું યરૂશાલેમને પથ્થરનો ઢગલો+ અને શિયાળોની બખોલ બનાવી દઈશ.+
હું યહૂદાનાં શહેરોને ઉજ્જડ કરી દઈશ, ત્યાં એકેય રહેવાસી વસશે નહિ.+
૧૨ કોણ એટલું બુદ્ધિશાળી છે કે એ વાતો સમજી શકે?
યહોવાએ કોને કહ્યું છે કે તે જઈને એ વાતો જાહેર કરે?
કેમ એ દેશનો નાશ થયો છે?
કેમ એ બળીને વેરાન પ્રદેશ જેવો થઈ ગયો છે કે ત્યાંથી કોઈ પસાર થતું નથી?”
૧૩ યહોવાએ કહ્યું: “કેમ કે મેં આપેલો નિયમ* તેઓએ પાળ્યો નથી, તેઓ એ પ્રમાણે ચાલ્યા નથી અને મારી વાત માની નથી. ૧૪ અડિયલ બનીને તેઓએ પોતાનાં દુષ્ટ હૃદય પ્રમાણે કર્યું છે.+ તેઓ બઆલની મૂર્તિઓને ભજે છે, જેમ તેઓના પિતાઓએ તેઓને શીખવ્યું હતું.+ ૧૫ એટલે ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘હું આ લોકોને કડવો છોડ* ખવડાવીશ અને ઝેરી પાણી પિવડાવીશ.+ ૧૬ હું તેઓને એ પ્રજાઓમાં વિખેરી નાખીશ, જેને તેઓ કે તેઓના બાપદાદાઓ જાણતા નથી.+ તેઓનો પૂરેપૂરો નાશ ન કરું ત્યાં સુધી હું તેઓની પાછળ તલવાર મોકલીશ.’+
૧૭ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે,
‘જે બની રહ્યું છે એનો વિચાર કરો.
૧૮ તેઓ ઉતાવળે આવે અને આપણા માટે વિલાપ કરે,
જેથી આપણી આંખોમાંથી આંસુની નદીઓ વહે
અને આપણી પાંપણો ભીંજાઈ જાય.+
૧૯ સિયોનમાંથી વિલાપનો પોકાર સંભળાય છે:+
“આપણો કેવો વિનાશ થયો છે!
આપણે કેવા શરમમાં મુકાયા છીએ!
આપણે દેશ છોડવો પડ્યો છે, દુશ્મનોએ આપણાં ઘરો જમીનદોસ્ત કર્યાં છે.”+
૨૦ હે સ્ત્રીઓ, યહોવાનો સંદેશો સાંભળો.
તે જે કહે છે એને કાન ધરો.
૨૧ મરણ આપણી બારીઓમાંથી અંદર ઘૂસી આવ્યું છે,
તે આપણા કિલ્લાઓમાં આવી ગયું છે,
જેથી શેરીઓમાંથી બાળકોને
અને ચોકમાંથી યુવાનોને ઉપાડી જાય.’+
૨૨ તું કહેજે, ‘યહોવા કહે છે:
“લોકોની લાશો જમીન પર ખાતરની જેમ પડી રહેશે,
કાપણી કરનારે કાપેલાં અનાજનાં ડૂંડાંની જેમ એ પડી રહેશે,
જેને ઉપાડનાર કોઈ નથી.”’”+
૨૩ યહોવા કહે છે:
“જ્ઞાની માણસ પોતાના જ્ઞાન વિશે,+
તાકતવર માણસ પોતાની તાકાત વિશે
અને ધનવાન માણસ પોતાના ધન વિશે અભિમાન ન કરે.”+
૨૪ “પણ જે કોઈ અભિમાન કરે તે આના વિશે અભિમાન કરે કે,
તેની પાસે મારું જ્ઞાન છે અને મારા વિશે ઊંડી સમજણ છે,+
તે જાણે છે કે હું યહોવા છું,
જે આખી પૃથ્વી પર અતૂટ પ્રેમ* રાખે છે, ન્યાય કરે છે અને નેકી બતાવે છે,+
કેમ કે એનાથી હું ખુશ થાઉં છું,”+ એવું યહોવા કહે છે.
૨૫ યહોવા કહે છે, “જો! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું એ લોકો પાસેથી હિસાબ માંગીશ જેઓ સુન્નત કર્યા છતાં બેસુન્નત જેવા છે.+ ૨૬ હું ઇજિપ્ત,+ યહૂદા,+ અદોમ,+ આમ્મોનીઓ+ અને મોઆબ+ પાસેથી પણ હિસાબ માંગીશ. વેરાન પ્રદેશમાં રહેનાર એ સર્વ પાસેથી હિસાબ માંગીશ, જેઓની દાઢી બાજુએથી* મૂંડેલી છે.+ કેમ કે એ બધી પ્રજાઓ બેસુન્નત છે અને ઇઝરાયેલના વંશજોનાં હૃદયો બેસુન્નત છે.”+