શુક્રવાર, ઑગસ્ટ ૮
“સત્યના રસ્તે ચાલનાર માણસ યહોવાનો ડર રાખે છે.”—નીતિ. ૧૪:૨.
આજે જોવા મળે છે કે લોકોએ પોતાના સંસ્કારો નેવે ચઢાવી દીધા છે. એ જોઈને આપણને પણ ઈશ્વરભક્ત લોત જેવું લાગે છે. તે લોકોનાં “દુષ્ટ કામો જોઈને અને તેઓની વાતો સાંભળીને રોજ કચવાતા હતા.” (૨ પિત. ૨:૭, ૮) કેમ કે તે જાણતા હતા કે સ્વર્ગમાંના આપણા પિતા દુષ્ટ કામોને ધિક્કારે છે. લોત ઈશ્વરનો ડર રાખતા હતા અને તેમને પ્રેમ કરતા હતા. એટલે તે આસપાસના લોકોના રંગે રંગાયા નહિ. આજે આપણે પણ એવા લોકોથી ઘેરાયેલા છીએ, જેઓને યહોવાનાં ધોરણોની કંઈ પડી નથી અથવા તેઓ એમાં માનતા નથી. છતાં જો આપણે ઈશ્વરને પ્રેમ કરતા રહીશું અને તેમનો ડર રાખવાનું શીખીશું, તો પોતાનું ચારિત્ર શુદ્ધ રાખી શકીશું. એવું કરવા યહોવા આપણને મદદ કરે છે. કઈ રીતે? તેમણે નીતિવચનોના પુસ્તકમાં સરસ સલાહ લખાવી છે, જેથી આપણને ચારિત્ર શુદ્ધ રાખવા ઉત્તેજન મળે. એ સલાહ પાળવાથી પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો બધાને ફાયદો થઈ શકે છે. જો યહોવાનો ડર રાખીશું, તો ખોટાં કામ કરતા લોકોને દોસ્ત નહિ બનાવીએ. w૨૩.૦૬ ૨૦ ¶૧-૨; ૨૧ ¶૫
શનિવાર, ઑગસ્ટ ૯
“જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.”—લૂક ૯:૨૩.
કદાચ કુટુંબીજનોએ તમારો વિરોધ કર્યો છે. ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું રાખવા કદાચ તમે વધારે પૈસા કમાવાની તક જવા દીધી છે. (માથ. ૬:૩૩) એ બધું સહેલું નથી. પણ ખાતરી રાખજો કે યહોવા માટે તમે જે કંઈ ત્યાગ કર્યા છે, એને તે ભૂલશે નહિ. (હિબ્રૂ. ૬:૧૦) કદાચ તમે ઈસુના આ શબ્દો સાચા પડતા જોયા છે. તેમણે કહ્યું હતું: “જે કોઈએ મારે લીધે અને ખુશખબરને લીધે ઘર કે ભાઈઓ કે બહેનો કે માતા કે પિતા કે બાળકો કે ખેતરો છોડી દીધાં છે, તેને હમણાં ૧૦૦ ગણાં વધારે ઘરો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને ખેતરો મળશે. પણ તેણે સતાવણી સહેવી પડશે અને આવનાર દુનિયામાં તેને હંમેશ માટેનું જીવન મળશે.” (માર્ક ૧૦:૨૯, ૩૦) સાચે, ત્યાગની સરખામણીમાં તમને મળેલા આશીર્વાદો અનેક ગણાં છે.—ગીત. ૩૭:૪. w૨૪.૦૩ ૯ ¶૫
રવિવાર, ઑગસ્ટ ૧૦
“સાચો મિત્ર દરેક સમયે પ્રેમ બતાવે છે અને મુસીબતના સમયે તે ભાઈ બની જાય છે.”—નીતિ. ૧૭:૧૭.
જ્યારે એકવાર યહૂદિયામાં ભારે દુકાળ પડ્યો, ત્યારે અંત્યોખ મંડળનાં ભાઈ બહેનોએ “યહૂદિયામાં રહેતા ભાઈઓને પોતાનાથી બની શકે એટલી રાહત મોકલી આપવાનું નક્કી કર્યું.” (પ્રે.કા. ૧૧:૨૭-૩૦) તેઓ યહૂદિયાનાં ભાઈ-બહેનોથી ઘણા દૂર રહેતાં હતાં, તોપણ તેઓને મદદ કરવામાં પાછી પાની કરી નહિ. (૧ યોહા. ૩:૧૭, ૧૮) આજે કોઈ કુદરતી આફત આવે ત્યારે, ભાઈ-બહેનોને કઈ રીતે કરુણા બતાવી શકીએ? તેઓને મદદ કરવા તરત પગલાં ભરી શકીએ. કદાચ વડીલોને પૂછી શકીએ કે શું આપણે કોઈ કામમાં મદદ કરી શકીએ. આખી દુનિયામાં ચાલતા કામ માટે દાન આપી શકીએ અથવા આફતની અસર થઈ છે, એવાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરી શકીએ. બની શકે કે, એ સમયે આપણાં ભાઈ-બહેનોને જીવન-જરૂરી વસ્તુઓ મેળવવા મદદની જરૂર હોય. પછી જ્યારે આપણા રાજા, ખ્રિસ્ત ઈસુ લોકોનો ન્યાય કરશે, ત્યારે આપણને કરુણા બતાવતા જોશે અને કહેશે: ‘આવો! રાજ્યનો વારસો લો.’—માથ. ૨૫:૩૪-૪૦. w૨૩.૦૭ ૪ ¶૯-૧૦; ૬ ¶૧૨