હોશિયા
૧૩ “એફ્રાઈમ બોલતો ત્યારે લોકો કાંપી ઊઠતા,
તે ઇઝરાયેલમાં જાણીતો હતો,+
પણ બઆલની ભક્તિ કરવાને લીધે તે દોષિત ઠર્યો+ અને મરી ગયો.
૨ તેઓ પોતાના પાપમાં વધારો કરે છે
અને ચાંદીની ઢાળેલી મૂર્તિઓ બનાવે છે.+
કારીગરો પોતાની આવડત પ્રમાણે એ મૂર્તિઓ બનાવે છે.
તેઓ કહે છે, ‘જે માણસ બલિદાન ચઢાવે તે વાછરડાને ચુંબન કરે.’+
૩ એટલે તેઓ સવારના ધુમ્મસ* જેવા
અને પળભરમાં ઊડી જનાર ઝાકળ જેવા થશે.
તેઓ ખળીમાં વાવાઝોડાથી ઊડતા ફોતરાં જેવા
અને ધુમાડિયામાંથી* નીકળતા ધુમાડા જેવા થશે.
૪ તું ઇજિપ્તમાં હતો ત્યારથી હું યહોવા તારો ઈશ્વર છું.+
મારા સિવાય તું બીજા કોઈ ઈશ્વરને જાણતો ન હતો,
મારા સિવાય તારો ઉદ્ધાર કરનાર બીજું કોઈ નથી.+
૫ તું વેરાન પ્રદેશમાં હતો, દુકાળના દેશમાં હતો,
ત્યારે મેં તારી સંભાળ લીધી.+
૬ તેઓ પોતાના ચારાથી ખુશ હતા,+
તેઓ ખાઈને ધરાયા અને તેઓનું દિલ ઘમંડી બન્યું.
એટલે તેઓ મને ભૂલી ગયા.+
૭ હું તેઓની સામે જુવાન સિંહ જેવો બનીશ,+
રસ્તાની કોરે ટાંપીને બેઠેલા દીપડા જેવો બનીશ.
૮ હું એવી રીંછડીની જેમ તેઓ પર હુમલો કરીશ, જેનાં બચ્ચાં છીનવાઈ ગયાં છે,
હું તેઓની છાતી ચીરી નાખીશ.
સિંહની જેમ હું તેઓને ફાડી ખાઈશ,
જંગલી જાનવર તેઓના ટુકડે-ટુકડા કરી નાખશે.
૯ હે ઇઝરાયેલ, એ તારો નાશ કરી દેશે,
કેમ કે તું મારી વિરુદ્ધ થયો છે, તને મદદ કરનારની વિરુદ્ધ થયો છે.
૧૦ ક્યાં ગયો તારો રાજા, જે તને તારાં બધાં શહેરોમાં બચાવે?+
ક્યાં ગયા તારા શાસકો?*
તેઓ વિશે તેં કહ્યું હતું: ‘અમને એક રાજા આપો, અધિકારીઓ આપો.’+
૧૧ મેં ગુસ્સે થઈને તમને એક રાજા આપ્યો હતો,+
પણ હવે ક્રોધે ભરાઈને હું તેને છીનવી લઈશ.+
૧૨ એફ્રાઈમના અપરાધોનું પોટલું બાંધવામાં આવ્યું છે,*
તેના પાપને સંઘરી રાખવામાં આવ્યું છે.
૧૩ તેને પ્રસૂતિની પીડા જેવું દર્દ થશે.
પણ તે મૂર્ખ બાળક છે,
જનમવાનો સમય થઈ ગયો છે, પણ તે ગર્ભમાંથી બહાર આવતો નથી.
૧૪ હું મારા લોકોને કબરના* બંધનમાંથી છોડાવીશ,
હું તેઓને મોતના પંજામાંથી મુક્ત કરીશ.+
ઓ મરણ, તારો ડંખ ક્યાં?+
ઓ કબર, તારો વિનાશ ક્યાં?+
પણ હું કરુણા બતાવીશ નહિ.
૧૫ ભલે તે બરુઓની* વચ્ચે ફૂલે-ફાલે,
પણ પૂર્વનો પવન ફૂંકાશે, હા, યહોવા પાસેથી પવન ફૂંકાશે,
એ રણપ્રદેશથી ફૂંકાશે અને તેના કૂવા તથા ઝરાને સૂકવી દેશે.
તે તેની બધી કીમતી વસ્તુઓ લૂંટી લેશે.+
૧૬ સમરૂન દોષિત ઠરશે,+ કેમ કે તેણે પોતાના ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો છે.+
તેઓ તલવારથી માર્યા જશે,+
તેઓનાં બાળકોને પટકી પટકીને મારી નાખવામાં આવશે,
અને તેઓની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખવામાં આવશે.”