પહેલો શમુએલ
૪ શમુએલ બધા ઇઝરાયેલીઓને ઈશ્વરનો સંદેશો આપતો હતો.
પછી ઇઝરાયેલીઓ પલિસ્તીઓ સામે લડાઈ કરવા ગયા. ઇઝરાયેલીઓએ એબેન-એઝેર પાસે છાવણી નાખી. પલિસ્તીઓએ અફેક પાસે છાવણી નાખી. ૨ ઇઝરાયેલીઓ સામે લડાઈ કરવા પલિસ્તીઓ ગોઠવાઈ ગયા. એ લડાઈમાં પલિસ્તીઓએ તેઓને હરાવી દીધા. યુદ્ધના મેદાનમાં આશરે ૪,૦૦૦ ઇઝરાયેલી માણસો માર્યા ગયા. ૩ સૈનિકો છાવણીમાં પાછા આવ્યા ત્યારે, ઇઝરાયેલી વડીલોએ કહ્યું: “આજે યહોવાએ આપણને પલિસ્તીઓ સામે કેમ હારવા દીધા?*+ ચાલો આપણે શીલોહમાંથી યહોવાનો કરારકોશ પોતાની સાથે લઈ આવીએ,+ જેથી કરારકોશ આપણી સાથે રહે અને આપણને દુશ્મનોના હાથમાંથી બચાવે.” ૪ એટલે લોકોએ શીલોહમાં માણસો મોકલ્યા. કરૂબો* પર* બિરાજનાર,+ સૈન્યોના ઈશ્વર યહોવાનો કરારકોશ તેઓ ત્યાંથી લઈ આવ્યા. એલીના બે દીકરાઓ હોફની અને ફીનહાસ+ પણ સાચા ઈશ્વરના* કરારકોશ સાથે હતા.
૫ જેવો યહોવાનો કરારકોશ છાવણીમાં આવ્યો કે તરત બધા ઇઝરાયેલીઓ જોરશોરથી પોકારવા લાગ્યા અને એનાથી ધરતી ધ્રૂજી ઊઠી. ૬ પલિસ્તીઓએ એ અવાજ સાંભળીને કહ્યું: “હિબ્રૂઓની છાવણીમાં આટલી બૂમાબૂમ શાની?” પછી તેઓને ખબર પડી કે યહોવાનો કરારકોશ ઇઝરાયેલીઓની છાવણીમાં આવ્યો છે. ૭ પલિસ્તીઓ ફફડી ઊઠ્યા અને કહેવા લાગ્યા: “ખુદ ઈશ્વર છાવણીમાં ઊતરી આવ્યા છે!”+ તેઓએ કહ્યું: “આવું પહેલાં કદી થયું નથી! હવે આપણું આવી બન્યું! ૮ હવે આપણે મરવાના! આ મહાન ઈશ્વરના હાથમાંથી આપણને કોણ બચાવશે? આ ઈશ્વરે તો વેરાન પ્રદેશમાં ઇજિપ્તના ઘણા લોકોને અલગ અલગ આફતોથી મારી નાખ્યા હતા.+ ૯ ઓ પલિસ્તીઓ, હિંમત રાખો અને બહાદુર બનો! નહિ તો અત્યારે જેમ હિબ્રૂઓ આપણા ગુલામ છે, તેમ આપણે તેઓના ગુલામ થઈ જઈશું.+ મર્દ બનીને તેઓ સામે લડો!” ૧૦ એટલે પલિસ્તીઓ પૂરા જુસ્સાથી લડ્યા અને તેઓએ ઇઝરાયેલીઓને હરાવી દીધા.+ ઇઝરાયેલીઓ પોતપોતાના તંબુમાં નાસી ગયા. ઘણા બધા લોકોનો સંહાર થયો અને ઇઝરાયેલના પાયદળના ૩૦,૦૦૦ સૈનિકો માર્યા ગયા. ૧૧ પલિસ્તીઓએ ઈશ્વરનો કરારકોશ પણ કબજે કર્યો. એલીના બે દીકરાઓ હોફની અને ફીનહાસ માર્યા ગયા.+
૧૨ એ દિવસે બિન્યામીનનો એક માણસ યુદ્ધના મેદાનમાંથી દોડતો દોડતો શીલોહ આવી પહોંચ્યો. તેણે પોતાનાં કપડાં ફાડ્યાં હતાં અને માથા પર ધૂળ નાખેલી હતી.*+ ૧૩ તે શીલોહ આવ્યો ત્યારે, એલી રસ્તાની બાજુએ પોતાના આસન પર બેસીને કોઈ સમાચાર આવે, એની કાગને ડોળે રાહ જોતો હતો. ઈશ્વરના કરારકોશને+ લીધે તેનું દિલ થરથર કાંપતું હતું. એ માણસે શહેરમાં જઈને ખબર આપી અને આખું શહેર પોક મૂકીને રડ્યું. ૧૪ લોકોની રડારોળ સાંભળીને એલીએ પૂછ્યું: “આ શોરબકોર શાનો છે?” એ જ માણસ દોડીને એલી પાસે આવ્યો અને ખબર આપી. ૧૫ (એલી ૯૮ વર્ષનો થયો હતો અને તેને બહુ દેખાતું ન હતું.)+ ૧૬ પછી એ માણસે એલીને કહ્યું: “હું યુદ્ધના મેદાનમાંથી આવ્યો છું. હું આજે જ યુદ્ધના મેદાનમાંથી ભાગી આવ્યો છું.” એલીએ પૂછ્યું: “મારા દીકરા, ત્યાં શું થયું?” ૧૭ એ માણસે એલીને કહ્યું: “પલિસ્તીઓ આગળથી ઇઝરાયેલીઓ નાસી છૂટ્યા છે. તેઓએ સખત હાર ખાધી છે અને ઘણા માર્યા ગયા છે.+ તમારા બે દીકરા હોફની અને ફીનહાસનું મરણ થયું છે.+ સાચા ઈશ્વરનો કરારકોશ પણ પલિસ્તીઓએ કબજે કર્યો છે.”+
૧૮ એ માણસ પાસેથી સાચા ઈશ્વરના કરારકોશની વાત સાંભળતા જ એલી દરવાજા પાસેના આસન પરથી પાછળની બાજુ પડી ગયો. તે વૃદ્ધ હતો અને તેનું શરીર ભારે હતું. એટલે તેની ગરદન ભાંગી ગઈ અને તેનું મરણ થયું. તેણે ૪૦ વર્ષ સુધી ઇઝરાયેલનો ન્યાય કર્યો હતો. ૧૯ તેની વહુ, એટલે કે તેના દીકરા ફીનહાસની પત્ની ગર્ભવતી હતી અને જન્મ આપવાનો સમય નજીક હતો. તેણે સાંભળ્યું કે સાચા ઈશ્વરનો કરારકોશ પલિસ્તીઓએ કબજે કર્યો છે અને તેના સસરા તેમજ પતિ મરણ પામ્યા છે. તેને અચાનક પ્રસૂતિની પીડા ઊપડી અને દુખાવાને લીધે તે વાંકી વળી ગઈ. તેણે બાળકને જન્મ આપ્યો. ૨૦ તે છેલ્લા શ્વાસ લેતી હતી ત્યારે, તેની પાસે ઊભેલી સ્ત્રીઓએ કહ્યું: “ડરીશ નહિ, તને દીકરો થયો છે.” પણ તેણે કોઈ જવાબ આપ્યો નહિ અને એ સ્ત્રીઓની વાત પર કંઈ ધ્યાન આપ્યું નહિ. ૨૧ તેણે પોતાના દીકરાનું નામ ઇખાબોદ*+ પાડતા કહ્યું: “ઇઝરાયેલનું ગૌરવ ગુલામીમાં* ગયું છે.”+ સાચા ઈશ્વરનો કરારકોશ કબજે થયો હતો અને તેના સસરા અને પતિ મરણ પામ્યા હતા,+ એટલે તેણે એવું કહ્યું. ૨૨ તેણે કહ્યું: “ઇઝરાયેલનું ગૌરવ ગુલામીમાં ગયું છે, કેમ કે સાચા ઈશ્વરનો કરારકોશ કબજે થયો છે.”+