યર્મિયા
૩૯ યહૂદાના રાજા સિદકિયાના શાસનનું નવમું વર્ષ ચાલતું હતું. એના દસમા મહિનામાં બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર* પોતાના આખા સૈન્ય સાથે યરૂશાલેમ પર ચઢી આવ્યો અને એને ઘેરી લીધું.+
૨ સિદકિયાના શાસનના ૧૧મા વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે તેઓએ શહેરના કોટમાં બાકોરું પાડ્યું.+ ૩ બાબેલોનના રાજાના અધિકારીઓ અંદર આવ્યા અને વચલા દરવાજે બેઠા.+ એ અધિકારીઓ આ હતા: નેર્ગાલ-શારએસેર જે સામ્ગાર* હતો, નબૂ-સાર્સખીમ જે રાબસારીસ હતો,* નેર્ગાલ-શારએસેર જે રાબ-માગ* હતો અને બાબેલોનના રાજાના બાકીના બધા અધિકારીઓ.
૪ યહૂદાના રાજા સિદકિયાએ અને બધા સૈનિકોએ તેઓને જોયા ત્યારે તેઓ શહેરમાંથી ભાગી ગયા.+ તેઓ રાજાના બગીચાને રસ્તે, બે દીવાલો વચ્ચેના દરવાજેથી રાતોરાત નાસી છૂટ્યા. તેઓ અરાબાહને રસ્તે ભાગી નીકળ્યા.+ ૫ પણ ખાલદીઓનું સૈન્ય તેઓની પાછળ પડ્યું. તેઓએ યરીખોના ઉજ્જડ પ્રદેશમાં+ સિદકિયાને પકડી પાડ્યો. તેઓ તેને પકડીને હમાથ દેશના+ રિબ્લાહમાં+ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સાર* પાસે લઈ ગયા. ત્યાં તેણે સિદકિયાને સજા ફટકારી. ૬ બાબેલોનના રાજાએ રિબ્લાહમાં સિદકિયાની નજર સામે તેના દીકરાઓને મારી નાખ્યા. તેણે યહૂદાના બધા આગેવાનોને પણ મારી નાખ્યા.+ ૭ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને તેને તાંબાની બેડીઓ પહેરાવીને બાબેલોન લઈ ગયો.+
૮ ખાલદીઓએ રાજાનો મહેલ અને લોકોનાં ઘરો બાળી નાખ્યાં.+ તેઓએ યરૂશાલેમનો કોટ તોડી પાડ્યો.+ ૯ શહેરમાં બચેલા લોકો, તેના* પક્ષમાં ભળી ગયેલા લોકો અને એ સિવાયના લોકોને રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન+ ગુલામ બનાવીને બાબેલોન લઈ ગયો.
૧૦ પણ રક્ષકોનો ઉપરી નબૂઝારઅદાન એકદમ ગરીબ લોકોમાંથી અમુકને, જેઓ પાસે કંઈ જ ન હતું, તેઓને યહૂદા દેશમાં મૂકી ગયો. એ દિવસે તેણે તેઓને દ્રાક્ષાવાડીઓ અને ખેતરો આપ્યાં, જેથી તેઓ એમાં કામ કરે.*+
૧૧ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* રક્ષકોના ઉપરી નબૂઝારઅદાનને યર્મિયા વિશે આ હુકમ આપ્યો: ૧૨ “તેને લઈ જા અને તેની સંભાળ રાખ. તેને કંઈ નુકસાન કરીશ નહિ. તે જે કંઈ માંગે એ તેને આપ.”+
૧૩ રક્ષકોના ઉપરી નબૂઝારઅદાને, નબૂશાઝબાને જે રાબસારીસ* હતો, નેર્ગાલ-શારએસેરે જે રાબ-માગ* હતો અને બાબેલોનના રાજાના મુખ્ય અધિકારીઓએ માણસોને મોકલ્યા. ૧૪ તેઓ યર્મિયાને ચોકીદારના આંગણામાંથી+ બહાર કાઢી લાવ્યા. તેઓએ તેને શાફાનના+ દીકરા અહીકામના દીકરા+ ગદાલ્યાને+ સોંપ્યો. તે યર્મિયાને પોતાના ઘરે લઈ આવ્યો. આમ યર્મિયા લોકો સાથે રહ્યો.
૧૫ યર્મિયા ચોકીદારના આંગણામાં કેદ* હતો+ ત્યારે તેને યહોવાનો આ સંદેશો મળ્યો: ૧૬ “જઈને ઇથિયોપિયાના એબેદ-મેલેખને+ કહે, ‘ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે: “મેં કહ્યું હતું કે હું આ શહેર પર આફત લાવીશ, હું એનું ભલું નહિ કરું. હવે હું એ વચન પૂરું કરવાનો છું. જે દિવસે હું એવું કરીશ, એ દિવસે તું એ જોઈશ.”’
૧૭ “‘પણ એ દિવસે હું તને બચાવીશ. હું તને એ માણસોના હાથમાં નહિ સોંપું, જેઓનો તને ડર લાગે છે,’ એવું યહોવા કહે છે.
૧૮ “‘હું તને ચોક્કસ બચાવીશ. તું તલવારે માર્યો નહિ જાય. તું પોતાનો જીવ બચાવીશ,*+ કેમ કે તેં મારા પર ભરોસો રાખ્યો છે,’+ એવું યહોવા કહે છે.”