યર્મિયા
૩૭ યહોયાકીમના દીકરા કોન્યાની*+ જગ્યાએ યોશિયાનો દીકરો રાજા સિદકિયા+ રાજ કરવા લાગ્યો. બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે* સિદકિયાને યહૂદાનો રાજા બનાવ્યો હતો.+ ૨ પણ રાજા સિદકિયાએ, તેના સેવકોએ અને દેશના લોકોએ યહોવાનો સંદેશો ન સાંભળ્યો, જે તેમણે યર્મિયા પ્રબોધક દ્વારા આપ્યો હતો.
૩ રાજા સિદકિયાએ શેલેમ્યાના દીકરા યહૂકાલને+ અને માઅસેયા યાજકના દીકરા સફાન્યાને+ યર્મિયા પ્રબોધક પાસે મોકલ્યા. તેણે તેઓ જોડે આ સંદેશો મોકલ્યો: “કૃપા કરીને આપણા વતી યહોવા આપણા ઈશ્વરને પ્રાર્થના કર.” ૪ યર્મિયા લોકોમાં છૂટથી ફરી શકતો હતો, કેમ કે હજી તેને કેદખાનામાં નાખવામાં આવ્યો ન હતો.+ ૫ એ વખતે ખાલદીઓએ યરૂશાલેમ વિરુદ્ધ ઘેરો નાખ્યો હતો. પણ જ્યારે તેઓએ સાંભળ્યું કે ઇજિપ્તના રાજાની* સેના ઇજિપ્તથી નીકળીને આવી રહી છે,+ ત્યારે તેઓએ તરત જ ઘેરો ઉઠાવી લીધો.+ ૬ પછી યહોવાનો આ સંદેશો યર્મિયા પ્રબોધકને મળ્યો: ૭ “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘યહૂદાના રાજાએ મારી સલાહ લેવા તમને મારી પાસે મોકલ્યા છે. તમે તેને કહેજો: “જુઓ! તમને લોકોને મદદ કરવા ઇજિપ્તના રાજાની સેના આવી રહી છે. પણ એ સેનાએ પોતાના દેશ ઇજિપ્ત પાછા જવું પડશે.+ ૮ ખાલદીઓ પાછા આવશે અને આ શહેર વિરુદ્ધ લડશે. તેઓ એને કબજે કરશે અને આગથી બાળી નાખશે.”+ ૯ યહોવા કહે છે, “તમે પોતાને આવું કહીને છેતરશો નહિ કે, ‘ખાલદીઓ કદી પાછા નહિ આવે.’ કેમ કે તેઓ જરૂર પાછા આવશે. ૧૦ જો તમે તમારી સામે લડનાર ખાલદીઓની આખી સેનાને હરાવી દો, તોપણ તેઓમાંથી બચી ગયેલા ઘાયલ માણસો પોતાના તંબુઓમાંથી ઊઠીને આવશે અને આ શહેરને બાળી નાખશે.”’”+
૧૧ ઇજિપ્તના રાજાની સેનાને લીધે જ્યારે ખાલદીઓએ યરૂશાલેમ ફરતેથી ઘેરો ઉઠાવી લીધો,+ ૧૨ ત્યારે યર્મિયા યરૂશાલેમ છોડીને બિન્યામીન પ્રદેશ+ જવા નીકળ્યો. તે પોતાના લોકોમાં પોતાનો હિસ્સો લેવા ત્યાં ગયો. ૧૩ તે બિન્યામીનના દરવાજે પહોંચ્યો ત્યારે, ચોકીદારોના ઉપરી ઇરિયાએ તેને પકડી લીધો. ઇરિયા હનાન્યાના દીકરા શેલેમ્યાનો દીકરો હતો. તેણે યર્મિયા પ્રબોધકને કહ્યું: “તું ખાલદીઓ પાસે જઈ રહ્યો છે!” ૧૪ યર્મિયાએ કહ્યું: “ના, ના, એવું નથી, હું ખાલદીઓ પાસે નથી જઈ રહ્યો.” પણ તેણે યર્મિયાનું માન્યું નહિ. તે યર્મિયાને પકડીને અધિકારીઓ પાસે લઈ ગયો. ૧૫ અધિકારીઓ યર્મિયા પર ગુસ્સે ભરાયા.+ તેઓએ તેને માર્યો અને યહોનાથાન મંત્રીના ઘરમાં* કેદ કર્યો.+ એ ઘરને તેઓએ કેદખાનું બનાવ્યું હતું. ૧૬ યર્મિયાને ત્યાં ભોંયરામાં* નાખી દેવામાં આવ્યો. ત્યાં અનેક અંધારી કોટડીઓ હતી, જેમાં તેને પૂરી દેવામાં આવ્યો. તે ઘણા દિવસ સુધી ત્યાં રહ્યો.
૧૭ રાજા સિદકિયાએ યર્મિયાને પોતાના મહેલમાં બોલાવ્યો અને ખાનગીમાં સવાલો પૂછ્યા.+ રાજાએ પૂછ્યું, “શું યહોવા પાસેથી કોઈ સંદેશો છે?” યર્મિયાએ કહ્યું, “હા, એક સંદેશો છે. તમને બાબેલોનના રાજાના હાથમાં સોંપવામાં આવશે!”+
૧૮ પછી યર્મિયાએ રાજા સિદકિયાને પૂછ્યું: “મેં તમારી વિરુદ્ધ, તમારા સેવકો વિરુદ્ધ કે આ લોકો વિરુદ્ધ એવું તો શું પાપ કર્યું છે કે તમે મને કેદખાનામાં નાખ્યો છે? ૧૯ તમારા પ્રબોધકો ક્યાં ગયા, જેઓ કહેતા હતા કે, ‘બાબેલોનનો રાજા તમારી વિરુદ્ધ અને આ દેશ વિરુદ્ધ નહિ આવે’?+ ૨૦ મારા માલિક, મારા રાજા, કૃપા કરીને મારું સાંભળો. મારી આ નમ્ર વિનંતી કાને ધરો. મને યહોનાથાન મંત્રીના ઘરે પાછો ન મોકલશો,+ નહિતર હું ત્યાં મરી જઈશ.”+ ૨૧ રાજા સિદકિયાએ હુકમ કર્યો કે યર્મિયાને ચોકીદારના આંગણામાં કેદ* કરવામાં આવે.+ તેને દરરોજ એક રોટલી આપવામાં આવતી, જે ભઠિયારાની ગલીમાંથી લાવવામાં આવતી.+ જ્યાં સુધી શહેરમાં બધી રોટલી ખલાસ ન થઈ ગઈ, ત્યાં સુધી તેને દરરોજ રોટલી આપવામાં આવી.+ યર્મિયા ચોકીદારના આંગણામાં રહ્યો.