અયૂબ
૨૩ અયૂબે કહ્યું:
૨ “હું આજે પણ ફરિયાદ કરીશ, હું ચૂપ નહિ રહું;+
નિસાસા નાખી નાખીને હું થાકી ગયો છું.
૪ મેં મારો દાવો તેમની આગળ રજૂ કર્યો હોત,
એક પછી એક દલીલોથી મારું મોં ભર્યું હોત;
૫ મેં ધ્યાનથી તેમનો જવાબ સાંભળ્યો હોત
અને તેમની વાતો પર લક્ષ આપ્યું હોત.
૬ શું તેમણે બધું જોર લગાવીને મારો વિરોધ કર્યો હોત?
ના, તેમણે તો મારી વાત કાને ધરી હોત.+
૭ કેમ કે ત્યાં નેક* માણસ તેમની સાથે પોતાનો મામલો નિપટાવી શકે છે,
તેથી હું મારા ન્યાયાધીશ આગળ હંમેશ માટે નિર્દોષ ઠર્યો હોત.
૮ પણ જો હું પૂર્વમાં જાઉં, તો તે ત્યાં નથી;
જો હું પશ્ચિમમાં જાઉં, તો તે ત્યાં પણ મળતા નથી.
૯ તે ઉત્તરમાં કામ કરે છે ત્યારે, હું તેમને જોઈ શકતો નથી;
પછી તે દક્ષિણમાં જાય છે ત્યારે, મારી નજરે પડતા નથી.
૧૦ પણ હું કયા માર્ગે ચાલું છું, એ તે સારી રીતે જાણે છે.+
તે મને ભઠ્ઠીમાં પિગાળશે, પછી હું શુદ્ધ સોનાની જેમ બહાર આવીશ.+
૧૧ હું તેમને પગલે પગલે જ ચાલ્યો છું;
મેં તેમનો માર્ગ પકડી રાખ્યો છે, હું આડો-અવળો ગયો નથી.+
૧૨ મેં તેમના હોઠોની એકેએક આજ્ઞાનું પાલન કર્યું છે.
મેં તેમની વાતો દિલમાં સંઘરી રાખી છે,+ તેમની અપેક્ષા કરતાં પણ વધારે કર્યું છે.
૧૩ તેમણે લીધેલા મક્કમ નિર્ણયને કોણ બદલી શકે?+
તે જે ચાહે છે, એ કરીને જ રહે છે.+
૧૪ તેમણે મારા માટે જે ધાર્યું છે, એ પૂરું કરીને જ રહેશે,
અરે, એવી તો બીજી ઘણી વાતો તેમના મનમાં છે.
૧૫ એટલે જ તેમના લીધે હું ચિંતામાં ડૂબી ગયો છું;
હું તેમનો વિચાર કરું છું ત્યારે, તેમના પ્રત્યેનો મારો ભય અને આદર વધી જાય છે.
૧૬ ઈશ્વરે મારું દિલ કમજોર કરી દીધું છે,
સર્વશક્તિમાને મને ડરાવી દીધો છે.
૧૭ મારી ચારે બાજુ અંધકાર જ અંધકાર છે,
અને ઘોર અંધકારે મારા મોંને ઢાંકી દીધું છે, તોપણ હું ચૂપ રહેવાનો નથી.