પહેલો શમુએલ
૧૩ શાઉલ રાજા બન્યો ત્યારે+ તે . . .* વર્ષનો હતો. બે વર્ષથી તે ઇઝરાયેલ પર રાજ કરતો હતો. ૨ એ પછી શાઉલે ઇઝરાયેલમાંથી ૩,૦૦૦ માણસો પસંદ કર્યા. એમાંથી ૨,૦૦૦ માણસો શાઉલ સાથે મિખ્માશ અને બેથેલના પહાડી વિસ્તારમાં હતા. ૧,૦૦૦ માણસો યોનાથાન+ સાથે બિન્યામીન વિસ્તારના ગિબયાહમાં+ હતા. શાઉલે બાકીના લોકોને પોતપોતાના તંબુમાં પાછા મોકલી દીધા. ૩ પછી યોનાથાને ગેબામાં+ આવેલી પલિસ્તીઓની ચોકી પર+ હુમલો કરીને ત્યાંના સૈનિકોને હરાવી દીધા. પલિસ્તીઓને એના વિશે ખબર પડી ગઈ. શાઉલે આખા દેશમાં રણશિંગડું ફૂંકાવ્યું+ અને સંદેશો મોકલાવ્યો: “ઓ હિબ્રૂઓ, સાંભળો!” ૪ બધા ઇઝરાયેલીઓએ સંદેશો સાંભળ્યો: “શાઉલે પલિસ્તીઓની ચોકી પર હુમલો કરીને ત્યાંના સૈનિકોને હરાવી દીધા છે. એ જાણીને પલિસ્તીઓ ઇઝરાયેલીઓને વધારે ધિક્કારવા લાગ્યા છે.” એટલે લોકોને ગિલ્ગાલમાં શાઉલ પાસે ભેગા થવાનો હુકમ કરવામાં આવ્યો.+
૫ પલિસ્તીઓ પણ ઇઝરાયેલીઓ સામે લડવા ભેગા થયા. તેઓ પાસે યુદ્ધના ૩૦,૦૦૦ રથો, ૬,૦૦૦ ઘોડેસવારો અને સમુદ્રના કિનારાની રેતીની જેમ ગણ્યા ગણાય નહિ એટલા સૈનિકો હતા.+ તેઓએ જઈને બેથ-આવેનની+ પૂર્વ તરફ મિખ્માશમાં છાવણી નાખી. ૬ ઇઝરાયેલી માણસોએ જોયું કે તેઓ પર ચારેય બાજુથી આફત આવી પડી છે ત્યારે, તેઓ ખૂબ ચિંતામાં ડૂબી ગયા. તેઓ ગુફાઓ, ખાડાઓ, ખડકો, ભોંયરાઓ અને કૂવાઓમાં છુપાઈ ગયા.+ ૭ અરે, અમુક હિબ્રૂઓ તો યર્દન નદી પાર કરીને ગાદ અને ગિલયાદના વિસ્તારમાં જતા રહ્યા.+ પણ શાઉલ હજુ ગિલ્ગાલમાં જ હતો અને તેની સાથેના બધા લોકો થરથર કાંપતા હતા. ૮ શમુએલે જણાવેલા* સમય પ્રમાણે શાઉલે સાત દિવસ સુધી તેની રાહ જોઈ, પણ શમુએલ ગિલ્ગાલ આવ્યો નહિ. ઇઝરાયેલી માણસો શાઉલ પાસેથી વિખેરાઈ જવા લાગ્યા. ૯ આખરે શાઉલ બોલી ઊઠ્યો: “અગ્નિ-અર્પણ અને શાંતિ-અર્પણો મારી પાસે લઈ આવો.” પછી તેણે પોતે અગ્નિ-અર્પણ ચઢાવ્યું.+
૧૦ એમ બન્યું કે શાઉલ અગ્નિ-અર્પણ ચઢાવી રહ્યો કે તરત શમુએલ આવી પહોંચ્યો. એટલે શાઉલ તેને મળવા અને ખબરઅંતર પૂછવા* સામે ગયો. ૧૧ શમુએલે પૂછ્યું: “આ તમે શું કર્યું?” શાઉલે જવાબ આપ્યો: “મેં જોયું કે માણસો મારી પાસેથી વિખેરાઈ રહ્યા છે.+ તમે પણ જણાવેલા સમયે આવ્યા નહિ અને પલિસ્તીઓ મિખ્માશમાં ભેગા થવા લાગ્યા.+ ૧૨ એટલે મને થયું કે ‘હમણાં જ પલિસ્તીઓ ગિલ્ગાલમાં મારી સામે ચઢી આવશે અને હજુ મેં યહોવાની કૃપા માટે વિનંતી પણ કરી નથી.’ મારે મજબૂર થઈને અગ્નિ-અર્પણ ચઢાવવું પડ્યું.”
૧૩ શમુએલે શાઉલને કહ્યું: “તમે ભારે મૂર્ખાઈ કરી છે. તમે તમારા ઈશ્વર યહોવાની આજ્ઞા પાળી નથી.+ જો પાળી હોત, તો યહોવાએ ઇઝરાયેલ ઉપર તમારું રાજ્ય કાયમ માટે ટકાવી રાખ્યું હોત. ૧૪ પણ હવે તમારું રાજ્ય લાંબું ટકશે નહિ.+ યહોવા એવા એક માણસને પસંદ કરશે, જે તેમનું દિલ ખુશ કરે.+ એ માણસને યહોવા પોતાના લોકો પર આગેવાન બનાવશે,+ કારણ કે તમે યહોવાનું કહેવું માન્યું નથી.”+
૧૫ પછી શમુએલ ગિલ્ગાલથી બિન્યામીન વિસ્તારના ગિબયાહ ચાલ્યો ગયો. શાઉલે લોકોની ગણતરી કરી અને લગભગ ૬૦૦ માણસો હજુ તેની સાથે હતા.+ ૧૬ શાઉલ, તેનો દીકરો યોનાથાન અને તેઓની સાથેના માણસો બિન્યામીન વિસ્તારના ગેબામાં રહ્યા.+ પલિસ્તીઓએ મિખ્માશમાં છાવણી નાખી હતી.+ ૧૭ પલિસ્તીઓની છાવણીમાંથી લુટારાઓની ત્રણ ટોળકીઓ નીકળતી. એક ટોળકી ઓફ્રાહના રસ્તે શૂઆલના વિસ્તાર તરફ વળતી. ૧૮ બીજી બેથ-હોરોનના+ રસ્તે જતી. ત્રીજી વેરાન પ્રદેશની એ સરહદના રસ્તે જતી, જેની સામે સબોઈમ ખીણ આવેલી છે.
૧૯ હવે આખા ઇઝરાયેલમાં એકેય લુહાર ન હતો, કેમ કે પલિસ્તીઓ એવું કહેતા: “આપણે નથી ચાહતા કે હિબ્રૂઓ તલવાર અથવા ભાલા બનાવે.” ૨૦ એટલે બધા ઇઝરાયેલીઓએ પોતાનાં હળની કોશો, તીકમો, કુહાડાઓ કે દાતરડાંની ધાર કઢાવવાં પલિસ્તીઓ પાસે જવું પડતું. ૨૧ હળની કોશો, તીકમો, ત્રણ દાંતાવાળાં ઓજારો અને કુહાડાની ધાર કઢાવવાની તેમજ આર* બેસાડવાની મજૂરી એક પીમ* હતી. ૨૨ યુદ્ધના દિવસે ફક્ત શાઉલ અને તેના દીકરા યોનાથાન પાસે જ હથિયારો હતાં. શાઉલ અને યોનાથાન સાથે જે માણસો હતા, તેઓમાંથી કોઈના પણ હાથમાં તલવાર કે ભાલો ન હતો.+
૨૩ પલિસ્તીઓની ટુકડી મિખ્માશના+ ઘાટ સુધી આવી પહોંચી હતી.