ગણના
૧૨ હવે મરિયમ અને હારુન મૂસા વિરુદ્ધ બોલવા લાગ્યાં, કેમ કે મૂસા કૂશ દેશની એક સ્ત્રીને પરણ્યો હતો.+ ૨ તેઓ કહેતાં હતાં: “શું યહોવાએ ફક્ત મૂસા દ્વારા જ વાત કરી છે? શું તેમણે અમારા દ્વારા પણ વાત નથી કરી?”+ યહોવા એ બધું સાંભળતા હતા.+ ૩ હવે આખી પૃથ્વીના બધા લોકોમાં મૂસા સૌથી નમ્ર હતો.*+
૪ યહોવાએ તરત જ મૂસા, હારુન અને મરિયમને કહ્યું: “તમે ત્રણે જણ મુલાકાતમંડપ પાસે જાઓ.” તેઓ ત્રણે ત્યાં ગયાં. ૫ પછી યહોવા વાદળના સ્તંભમાં નીચે ઊતર્યા+ અને મંડપના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા. તેમણે હારુન અને મરિયમને બોલાવ્યાં. તેઓ બંને આગળ આવ્યાં. ૬ ઈશ્વરે તેઓને કહ્યું: “મારું સાંભળો. જો તમારી મધ્યે યહોવાનો કોઈ પ્રબોધક હોત, તો હું દર્શનમાં તેની આગળ પ્રગટ થયો હોત+ અને તેની સાથે મેં સપનામાં વાત કરી હોત.+ ૭ પણ મારા સેવક મૂસા સાથે મેં એવું કર્યું નથી! મેં મારા આખા ઘર પર તેને અધિકાર સોંપ્યો છે.*+ ૮ હું તેની સાથે મોઢામોઢ વાત કરું છું.+ હું તેની સાથે ઉખાણા દ્વારા નહિ, પણ સાફ સાફ વાત કરું છું. તે યહોવાની હાજરી જુએ છે. તો પછી મારા સેવક મૂસા વિરુદ્ધ બોલતા તમે કેમ ડર્યાં નહિ?”
૯ યહોવાનો ક્રોધ તેઓ પર સળગી ઊઠ્યો અને તે તેઓ પાસેથી ચાલ્યા ગયા. ૧૦ મંડપ પરથી વાદળ ઊઠી ગયું. અને જુઓ! મરિયમને રક્તપિત્ત* થઈ ગયો હતો અને તે બરફ જેવી સફેદ થઈ ગઈ હતી.+ પછી હારુને પાછા વળીને મરિયમ તરફ જોયું તો તેને રક્તપિત્ત થયો હતો.+ ૧૧ હારુને તરત જ મૂસાને કહ્યું: “મારા માલિક, હું વિનંતી કરું છું. કૃપા કરીને આ પાપની સજા અમારા પર આવવા ન દે! અમે બહુ મોટી મૂર્ખાઈ કરી છે. ૧૨ મરિયમને એવા મરેલા બાળક જેવી રહેવા ન દે, જેનું શરીર માના ગર્ભમાંથી નીકળતી વખતે જ અડધું ખવાઈ ગયું હોય.” ૧૩ ત્યારે મૂસાએ યહોવાને પોકાર કરીને કહ્યું: “હે ઈશ્વર, કૃપા કરીને તેને સાજી કરી દો!”+
૧૪ યહોવાએ મૂસાને કહ્યું: “જો તેનો પિતા તેના મોં પર થૂંક્યો હોત, તો શું તેણે સાત દિવસ સુધી અપમાન સહ્યું ન હોત? તો હવે સાત દિવસ તેને છાવણીની બહાર અલગ રાખ.+ પછી તે છાવણીમાં પાછી આવી શકે.” ૧૫ તેથી સાત દિવસ માટે મરિયમને છાવણી બહાર અલગ રાખવામાં આવી.+ જ્યાં સુધી તે છાવણીમાં પાછી ન આવી, ત્યાં સુધી લોકોએ પોતાનો પડાવ ઉઠાવ્યો નહિ. ૧૬ પછી લોકો હસેરોથથી નીકળ્યા+ અને તેઓએ પારાનના વેરાન પ્રદેશમાં છાવણી નાખી.+