ઝખાર્યા
૧૨ ઈશ્વરનો ન્યાયચુકાદો:
યહોવા, જે આકાશોને ફેલાવે છે,+
જેમણે પૃથ્વીનો પાયો નાખ્યો છે,+
જેમણે માણસને જીવનનો શ્વાસ* આપ્યો છે, તે કહે છે:
“ઇઝરાયેલ વિશે યહોવાનો સંદેશો:
૨ “હું યરૂશાલેમને દ્રાક્ષદારૂનો પ્યાલો* બનાવું છું, જે પીને આસપાસના લોકો લથડિયાં ખાશે. યહૂદા અને યરૂશાલેમને ઘેરી લેવામાં આવશે.+ ૩ એ દિવસે હું યરૂશાલેમને બધા લોકો માટે ભારે પથ્થર બનાવીશ. જેઓ એને ઉઠાવવાની કોશિશ કરશે, તેઓને ચોક્કસ ભયંકર ઈજા થશે+ અને આખી દુનિયાના દેશો એની વિરુદ્ધ ભેગા થશે.”+ ૪ યહોવા કહે છે, “એ દિવસે હું ઘોડાઓમાં ગભરાટ ફેલાવી દઈશ અને ઘોડેસવારોને ગાંડા કરી દઈશ. હું મારી નજર યહૂદાના ઘર પર રાખીશ, પણ લોકોના ઘોડાઓને આંધળા બનાવી દઈશ. ૫ યહૂદાના શેખો* પોતાના મનમાં કહેશે, ‘યરૂશાલેમના રહેવાસીઓ અમારું બળ છે, કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવા તેઓના પરમેશ્વર છે.’+ ૬ એ દિવસે હું યહૂદાના શેખોને જંગલમાં આગ જેવા અને અનાજની પૂળીઓ વચ્ચે મશાલ જેવા બનાવીશ.+ તેઓ ડાબી અને જમણી બાજુના આસપાસના બધા લોકોને બાળીને ખાખ કરી દેશે.+ યરૂશાલેમના રહેવાસીઓ પોતાની નગરી* યરૂશાલેમમાં ફરી વસશે.+
૭ “યહૂદાના તંબુઓને યહોવા પહેલા બચાવશે, જેથી દાઉદના ઘરનો વૈભવ* અને યરૂશાલેમના રહેવાસીઓનો વૈભવ* યહૂદા કરતાં વધી ન જાય. ૮ એ દિવસે યહોવા ઢાલ બનીને યરૂશાલેમના રહેવાસીઓનું રક્ષણ કરશે.+ એ દિવસે તેઓમાંથી ઠોકર ખાનાર* માણસ દાઉદના જેવો બળવાન થશે. દાઉદનું ઘર ઈશ્વરની જેમ, હા યહોવાના દૂતની જેમ તેઓને દોરશે.+ ૯ એ દિવસે હું એ સર્વ પ્રજાઓનો ખાતમો બોલાવી દઈશ, જેઓ યરૂશાલેમ વિરુદ્ધ આવે છે.+
૧૦ “હું દાઉદના ઘર પર અને યરૂશાલેમના રહેવાસીઓ પર મારી કૃપા વરસાવીશ અને તેઓ મને કાલાવાલા કરશે. જેને તેઓએ વીંધ્યો છે, તેને તેઓ જોશે.+ તેઓ તેના માટે એવો વિલાપ કરશે, જાણે પોતાના એકના એક દીકરા માટે વિલાપ કરતા હોય. તેઓ તેના માટે એવો શોક પાળશે, જાણે પોતાના પ્રથમ જન્મેલા* દીકરા માટે શોક પાળતા હોય. ૧૧ એ દિવસે યરૂશાલેમમાં એવો ભારે વિલાપ થશે, જેવો મગિદ્દોના મેદાનમાં આવેલા હદાદરિમ્મોનમાં થયો હતો.+ ૧૨ આખો દેશ શોક પાળશે, દેશનું દરેક કુટુંબ એકબીજાથી અલગ થઈને શોક પાળશે. દાઉદના ઘરનું કુટુંબ ભેગું મળીને શોક પાળશે અને તેઓની સ્ત્રીઓ ભેગી મળીને શોક પાળશે. નાથાનના+ ઘરનું કુટુંબ ભેગું મળીને શોક પાળશે અને તેઓની સ્ત્રીઓ ભેગી મળીને શોક પાળશે. ૧૩ લેવીના ઘરનું કુટુંબ+ ભેગું મળીને શોક પાળશે અને તેઓની સ્ત્રીઓ ભેગી મળીને શોક પાળશે. શિમઈઓના ઘરનું કુટુંબ+ ભેગું મળીને શોક પાળશે અને તેઓની સ્ત્રીઓ ભેગી મળીને શોક પાળશે. ૧૪ બાકી રહેલાં બધાં ઘરોનાં કુટુંબો પણ પોતપોતાની રીતે ભેગાં મળીને શોક પાળશે અને તેઓની સ્ત્રીઓ ભેગી મળીને શોક પાળશે.