હઝકિયેલ
૩૧ હવે ૧૧મા વર્ષનો* ત્રીજો મહિનો હતો. એ મહિનાના પહેલા દિવસે ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, ઇજિપ્તના રાજા ફારુનને* અને તેના લોકોને જણાવ,+
‘તારા જેવું મહાન કોણ છે?
૩ તું એક આશ્શૂરી જેવો, લબાનોનના દેવદાર વૃક્ષ જેવો છે.
એ ઘણું ઊંચું હતું, એની સુંદર ઘટાદાર ડાળીઓ છાયો આપતી હતી.
એની ટોચ વાદળો સુધી પહોંચતી હતી.
૪ પાણીના ઊંડા ઝરાઓએ એને ઊંચું કર્યું, પાણીને લીધે એ ફૂલ્યું-ફાલ્યું.
એ રોપાયું હતું એની આસપાસ ઘણાં ઝરણાં હતાં.
એના વહેળાઓએ જંગલનાં બધાં વૃક્ષોને પાણી પાયું.
૫ એ વૃક્ષ જંગલનાં બીજાં બધાં વૃક્ષો કરતાં ઊંચું ને ઊંચું થતું ગયું.
ઝરણાંના પુષ્કળ પાણીને લીધે એને નવી નવી ડાળીઓ ફૂટી નીકળી
અને એ લાંબી ને લાંબી થતી ગઈ.
૬ એની ડાળીઓમાં આકાશનાં બધાં પક્ષીઓ માળો બાંધતાં,
બધાં જંગલી જાનવરો એની ડાળીઓ નીચે બચ્ચાઓને જન્મ આપતાં,
બધી પ્રજાના લોકો એની છાયામાં રહેતા.
૭ એ બહુ જ સુંદર હતું અને એની ડાળીઓ લાંબી લાંબી હતી,
કેમ કે એનાં મૂળ પુષ્કળ પાણીમાં ફેલાયેલાં હતાં.
૮ ઈશ્વરના બાગમાં+ એના જેવું બીજું કોઈ દેવદારનું ઝાડ ન હતું.
કોઈ ગંધતરુના* ઝાડની ડાળીઓ એની ડાળીઓ જેવી ન હતી.
કોઈ ચિનાર વૃક્ષની ડાળીઓ એની બરાબરી કરી શકે એમ ન હતી.
ઈશ્વરના બાગમાં કોઈ ઝાડ એના જેવું સુંદર ન હતું.
૯ મેં એને પુષ્કળ પાંદડાંથી સુંદર અને ઘટાદાર બનાવ્યું.
સાચા ઈશ્વરના* એદન બાગનાં બધાં વૃક્ષો એની અદેખાઈ કરતાં હતાં.’
૧૦ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘એ* એટલું ઊંચું થયું કે એની ટોચ વાદળોમાં પહોંચી ગઈ. એની ઊંચાઈને લીધે એ ખૂબ ઘમંડી બની ગયું. ૧૧ એટલે હું એને પ્રજાઓના શક્તિશાળી શાસકના હાથમાં સોંપી દઈશ.+ તે એની સામે ઊભો થશે. એની દુષ્ટતાને લીધે હું એને ત્યજી દઈશ. ૧૨ સૌથી જુલમી પરદેશી પ્રજા એને કાપી નાખશે. તેઓ એને પર્વતો પર પડ્યું રહેવા દેશે. એનાં પાંદડાં ખીણોમાં ખરી પડશે અને ડાળીઓ તૂટીને ઝરણાંમાં પડશે.+ એની છાયામાં રહેનારા ધરતીના બધા લોકો એને છોડીને જતા રહેશે. ૧૩ એના કપાયેલા થડ પર આકાશનાં બધાં પક્ષીઓ રહેશે. એની કપાયેલી ડાળીઓમાં બધાં જંગલી જાનવરો વસશે.+ ૧૪ પછી પાણી પાસેનું કોઈ પણ ઝાડ ફરી ક્યારેય એટલું ઊંચું નહિ વધે અથવા એની ટોચ વાદળો સુધી નહિ પહોંચે. પાણી પાસે ઊગતું કોઈ પણ ઝાડ ઊંચે વાદળોને નહિ અડકે. એ બધાંનો નાશ કરવામાં આવશે અને તેઓ નીચે ભૂમિમાં ઊતરી જશે. તેઓ મનુષ્યોની જેમ કબરમાં* જશે.’
૧૫ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘એ કબરમાં* ઊતરી જશે, એ દિવસે હું શોક પાળવાનું કહીશ. હું ઊંડા પાણી ઢાંકી દઈશ અને ઝરણાં રોકી રાખીશ, જેથી ખળખળ વહેતું પાણી અટકી જાય. એ વૃક્ષના લીધે હું લબાનોનમાં અંધકાર ફેલાવી દઈશ. જંગલનાં બધાં વૃક્ષો સુકાઈ જશે. ૧૬ એના પડવાના અવાજથી હું પ્રજાઓને કંપાવી નાખીશ. જેઓ કબરમાં* જાય છે તેઓ સાથે હું એને પણ કબરમાં* મોકલી દઈશ. પુષ્કળ પાણી પીનારાં એદનનાં બધાં વૃક્ષોને,+ લબાનોનનાં સૌથી સારાં વૃક્ષોને નીચે ભૂમિમાં દિલાસો મળશે. ૧૭ તેઓ તેની સાથે અને તલવારથી કતલ થયેલાઓની સાથે કબરમાં* ઊતરી ગયા છે.+ તેને ટેકો આપનારા અને પ્રજાઓમાં તેની છાયા નીચે રહેનારા બધા તેની સાથે છે.’+
૧૮ “‘એદનનાં બધાં વૃક્ષોમાંથી તારા જેવું ગૌરવ કોનું છે? કોણ તારા જેટલું મહાન છે?+ પણ તને એદનનાં વૃક્ષો સાથે ચોક્કસ પાડી નાખવામાં આવશે અને જમીનમાં ઉતારી દેવામાં આવશે. તું સુન્નત વગરના લોકો વચ્ચે, તલવારથી કતલ થયેલા લોકો વચ્ચે પડી રહીશ. ઇજિપ્તના રાજા અને તેના બધા લોકોની એવી દશા થશે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”