યશાયા
૭ હવે યહૂદામાં આહાઝ+ રાજાનું શાસન ચાલતું હતું. તે યોથામનો દીકરો અને ઉઝ્ઝિયાનો પૌત્ર હતો. એ સમયે સિરિયાનો રાજા રસીન અને ઇઝરાયેલનો રાજા પેકાહ+ યરૂશાલેમ સામે લડાઈ કરવા આવ્યા. પણ તેઓ* એને જીતી શક્યા નહિ.+ પેકાહ રમાલ્યાનો દીકરો હતો. ૨ દાઉદના વંશજોને ખબર આપવામાં આવી કે “સિરિયાએ એફ્રાઈમના સૈન્ય સાથે હાથ મિલાવ્યો છે.”
એટલે આહાઝ અને તેના લોકોનાં દિલ કાંપવાં લાગ્યાં. વાવાઝોડામાં જંગલનાં વૃક્ષો કાંપે તેમ તેઓનાં દિલ કાંપવાં લાગ્યાં.
૩ યહોવાએ યશાયાને કહ્યું: “આહાઝને મળવા જા. તારા દીકરા શઆર-યાશૂબને*+ પણ સાથે લઈ જા. આહાઝ તને ધોબીઘાટના માર્ગે આવેલા ઉપલા તળાવની નહેરના છેડે મળશે.+ ૪ તારે તેને કહેવું: ‘ડરીશ નહિ, સમજદારીથી વર્તજે. બળી ગયેલા લાકડાનાં બે ઠૂંઠાંને લીધે, એટલે કે સિરિયાના રાજા રસીનના ગુસ્સાને લીધે અને રમાલ્યાના દીકરાના ગુસ્સાને લીધે હિંમત હારીશ નહિ.+ ૫ સિરિયા, એફ્રાઈમ અને રમાલ્યાના દીકરાએ ભેગા મળીને તારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે. તેઓ કહે છે: ૬ “ચાલો આપણે યહૂદા પર હુમલો કરીએ. એને ખેદાન-મેદાન કરીને* જીતી લઈએ.* પછી તાબએલના દીકરાને એનો રાજા બનાવીએ.”+
૭ “‘વિશ્વના માલિક યહોવા આમ કહે છે:
“એવું નહિ બને,
તેઓ સફળ નહિ થાય.
૮ સિરિયાનું પાટનગર દમસ્ક છે,
દમસ્ક પર રસીન રાજ કરે છે.
ફક્ત ૬૫ વર્ષોમાં એફ્રાઈમની પ્રજા ભોંયભેગી થઈ જશે,
એ પ્રજાનું નામનિશાન નહિ રહે.+
જો તું અડગ ભરોસો નહિ રાખે,
તો તારું રાજ્ય અડગ થશે નહિ.”’”
૧૦ યહોવાએ આહાઝને એમ પણ કહ્યું: ૧૧ “તારા ઈશ્વર યહોવા પાસે નિશાની માંગ,+ ભલે એ કબરના* ઊંડાણ જેવી હોય કે ઊંચા આકાશ જેવી હોય.” ૧૨ આહાઝે કહ્યું: “હું નિશાની નહિ માંગું, મારે યહોવાની પરીક્ષા નથી કરવી.”
૧૩ યશાયાએ કહ્યું: “ઓ દાઉદના વંશજો, સાંભળો. તમે માણસની ધીરજની કસોટી કરો છો એ શું પૂરતું નથી? હવે શું તમે ઈશ્વરની ધીરજની કસોટી કરવા માંગો છો?+ ૧૪ એટલે યહોવા પોતે તમને નિશાની આપશે: જુઓ! એક યુવાન સ્ત્રી* ગર્ભવતી થશે અને દીકરાને જન્મ આપશે.+ તે તેનું નામ ઈમ્માનુએલ* પાડશે.+ ૧૫ જ્યાં સુધીમાં તે બૂરાઈનો ત્યાગ કરતા અને ભલાઈને પસંદ કરતા શીખે, ત્યાં સુધીમાં તે મધ અને માખણ ખાતો થઈ ગયો હશે. ૧૬ છોકરો બૂરાઈનો ત્યાગ કરતા અને ભલાઈને પસંદ કરતા શીખે એ પહેલાં, તું જેઓથી ડરે છે એ બંને રાજાઓના દેશ ઉજ્જડ થઈ જશે.+ ૧૭ યહોવા તારા પર, તારા લોકો પર અને તારા પિતાના કુટુંબ પર મોટી મુસીબત લાવશે. યહૂદાથી એફ્રાઈમ છૂટો પડ્યો+ ત્યારથી આજ સુધી એવી મુસીબત આવી નથી. ઈશ્વર આશ્શૂરના રાજાને તારા પર હુમલો કરવા મોકલશે.+
૧૮ “એ દિવસે યહોવા સીટી મારીને ઇજિપ્તથી* નાઈલનાં ઝરણાઓની માખીઓને અને આશ્શૂરથી મધમાખીઓને બોલાવશે. ૧૯ તેઓ આવશે અને ઊંડી ખીણો પર, ખડકવાળી ભેખડો પર, બધાં ઝાડી-ઝાંખરાં પર અને ચરાવવાની જગ્યાઓ* પર ફેલાઈ જશે.
૨૦ “એ દિવસોમાં યહોવા યુફ્રેટિસ નદીના વિસ્તારમાંથી આહાઝે ભાડે રાખેલો અસ્ત્રો વાપરશે. એટલે કે આશ્શૂરના રાજા+ દ્વારા તારા માથાના, પગના અને દાઢીના વાળ મૂંડાવી નાખશે.
૨૧ “એ દિવસે દરેક માણસ પોતાના ટોળામાંથી એક વાછરડી અને બે ઘેટાં જીવતાં રાખશે. ૨૨ દેશમાં પુષ્કળ દૂધ હોવાથી તે માખણ ખાશે. બચી ગયેલા લોકો પાસે ખાવા માટે ફક્ત માખણ અને મધ હશે.
૨૩ “એ દિવસે એમ બનશે કે જ્યાં ચાંદીના ૧,૦૦૦ ટુકડાની કિંમતના ૧,૦૦૦ દ્રાક્ષાવેલાઓ રોપેલા હતા, ત્યાં ફક્ત ઝાડી-ઝાંખરાં અને જંગલી ઘાસ હશે. ૨૪ આખા દેશમાં ઝાડી-ઝાંખરાં અને જંગલી ઘાસ ઊગી નીકળ્યાં હોવાથી, માણસો ત્યાં ધનુષ્ય અને બાણ લઈને જશે. ૨૫ જે ટેકરાઓ પાવડાથી ખોદીને સાફ રાખવામાં આવતા, ત્યાં પણ ઝાડી-ઝાંખરાં અને જંગલી ઘાસ હશે. એની નજીક જતાં પણ લોકોને બીક લાગશે. ત્યાં આખલા અને ઘેટાં છૂટાં મુકાશે અને એ તેઓની ચરવાની જગ્યા થઈ જશે.”