બીજો શમુએલ
૩ શાઉલના ઘરના અને દાઉદના ઘરના લોકો વચ્ચે યુદ્ધ ચાલતું રહ્યું. દાઉદ બળવાન થતો ગયો+ અને શાઉલનું ઘર કમજોર થતું ગયું.+
૨ એ દરમિયાન દાઉદને હેબ્રોનમાં દીકરાઓ થયા.+ તેનો પહેલો દીકરો આમ્નોન+ હતો, જે યિઝ્રએલની અહીનોઆમથી+ જન્મ્યો હતો. ૩ બીજો કિલઆબ હતો, જે અબીગાઈલથી+ થયો હતો. અબીગાઈલ કાર્મેલના નાબાલની વિધવા હતી. ત્રીજો આબ્શાલોમ+ હતો, જે ગશૂરના રાજા તાલ્માયની+ દીકરી માખાહથી થયો હતો. ૪ ચોથો અદોનિયા+ હતો, જે હાગ્ગીથથી થયો હતો. પાંચમો શફાટિયા હતો, જે અબીટાલથી થયો હતો. ૫ છઠ્ઠો યિથ્રઆમ હતો, જે દાઉદની પત્ની એગ્લાહથી થયો હતો. આ દીકરાઓ દાઉદને હેબ્રોનમાં થયા હતા.
૬ શાઉલના ઘરના અને દાઉદના ઘરના લોકો વચ્ચે યુદ્ધ ચાલતું હતું એ દરમિયાન, શાઉલના કુટુંબમાં આબ્નેર+ વધારે ને વધારે સત્તા જમાવતો ગયો. ૭ શાઉલની રિસ્પાહ+ નામની એક ઉપપત્ની હતી, જે આયાહની દીકરી હતી. ઈશ-બોશેથે+ આબ્નેરને પૂછ્યું: “મારા પિતાની ઉપપત્ની સાથે તેં કેમ જાતીય સંબંધ બાંધ્યો?”+ ૮ ઈશ-બોશેથની વાત સાંભળીને આબ્નેરનો ગુસ્સો ભડકી ઊઠ્યો. તે બોલ્યો: “શું હું યહૂદાનો કૂતરો છું? આજ સુધી મેં તારા પિતા શાઉલના ઘરનાને, તેમના ભાઈઓને અને તેમના મિત્રોને અતૂટ પ્રેમ બતાવ્યો છે. અરે, મેં તને દગો કરીને દાઉદના હાથમાં સોંપી દીધો નથી. તોપણ તું એક સ્ત્રીના લીધે આજે મારા પર આરોપ મૂકે છે. ૯ યહોવાએ દાઉદ વિશે જે સમ ખાધા છે,+ એ પ્રમાણે હું દાઉદ માટે ન કરું તો ઈશ્વર મને આકરી સજા કરો. ૧૦ ઈશ્વરે સમ ખાધા છે કે પોતે શાઉલના ઘરનાઓ પાસેથી રાજ્ય ઝૂંટવી લઈને દાઉદને આપશે. તે ઇઝરાયેલ અને યહૂદા પર દાનથી છેક બેર-શેબા સુધી+ દાઉદની રાજગાદી કાયમ કરશે.” ૧૧ આબ્નેર સામે ઈશ-બોશેથ એક શબ્દ પણ બોલી શક્યો નહિ, કેમ કે તે તેનાથી બહુ ડરતો હતો.+
૧૨ આબ્નેરે તરત જ દાઉદને આ સંદેશો મોકલ્યો: “આ દેશ કોનો છે?” તેણે એમ પણ કહ્યું: “મારી સાથે કરાર* કરો. હું આખા ઇઝરાયેલને તમારે શરણે લાવવામાં કોઈ કસર નહિ છોડું.”+ ૧૩ એના જવાબમાં દાઉદે કહ્યું: “સરસ! હું તારી સાથે કરાર કરીશ. પણ એક શરતે કે તું જ્યારે મારી પાસે આવે, ત્યારે શાઉલની દીકરી મીખાલને+ લઈ આવજે. જો એમ નહિ કરે, તો તારું મોં બતાવતો નહિ.” ૧૪ પછી દાઉદે શાઉલના દીકરા ઈશ-બોશેથને+ સંદેશો મોકલ્યો: “મને મારી પત્ની મીખાલ પાછી આપ. તેની સાથે સગાઈ કરવા મેં સાબિતી* આપી હતી કે મેં ૧૦૦ પલિસ્તીઓને મારી નાખ્યા છે.”+ ૧૫ ઈશ-બોશેથે મીખાલને તેના પતિ પાલ્ટીએલ,+ એટલે કે લાઈશના દીકરા પાસેથી પાછી બોલાવવા માણસ મોકલ્યો. ૧૬ પાલ્ટીએલ રડતો રડતો છેક બાહૂરીમ+ સુધી મીખાલની પાછળ આવ્યો. આબ્નેરે તેને કહ્યું: “જા, પાછો ચાલ્યો જા.” એટલે તે પાછો ગયો.
૧૭ એ દરમિયાન આબ્નેરે ઇઝરાયેલના વડીલોને સંદેશો મોકલ્યો: “તમે ઘણા સમયથી દાઉદને તમારા રાજા બનાવવા ચાહતા હતા, ખરું ને! ૧૮ હવે આ તક ઝડપી લો, કેમ કે યહોવાએ દાઉદને કહ્યું હતું: ‘હું મારા સેવક દાઉદ+ દ્વારા મારા ઇઝરાયેલી લોકોને પલિસ્તીઓના હાથમાંથી અને બધા દુશ્મનોના હાથમાંથી બચાવીશ.’” ૧૯ આબ્નેરે બિન્યામીનના લોકો સાથે પણ વાત કરી.+ આબ્નેર દાઉદને ખાનગીમાં મળવા હેબ્રોન ગયો. ઇઝરાયેલ અને બિન્યામીનના ઘરના લોકો જે કરવા રાજી હતા, એ આબ્નેરે તેને જણાવ્યું.
૨૦ આબ્નેર પોતાના ૨૦ માણસો સાથે દાઉદને મળવા હેબ્રોન આવ્યો ત્યારે, દાઉદે તેઓ માટે મિજબાની રાખી. ૨૧ આબ્નેરે દાઉદને કહ્યું: “હે રાજાજી, મારા માલિક, મને જઈને આખા ઇઝરાયેલના લોકોને તમારી પાસે ભેગા કરવા દો. તેઓ પણ તમારી સાથે કરાર કરે અને તમે ચાહો એ બધા પર રાજ કરો.” એટલે દાઉદે આબ્નેરને વિદાય આપી અને તે શાંતિથી ગયો.
૨૨ એ જ સમયે દાઉદના સેવકો અને યોઆબ લૂંટ ચલાવીને પાછા ફર્યા. તેઓ પાસે લૂંટી લીધેલો ઘણો માલ હતો. આબ્નેર હેબ્રોનમાં દાઉદ સાથે ન હતો, કેમ કે દાઉદે તેને શાંતિથી વિદાય કર્યો હતો. ૨૩ યોઆબ+ અને તેના માણસો પાછા ફર્યા ત્યારે, યોઆબને જાણ કરવામાં આવી: “રાજા પાસે નેરનો+ દીકરો આબ્નેર+ આવ્યો હતો. રાજાએ તેને વિદાય કર્યો છે અને તે શાંતિથી પાછો ગયો છે.” ૨૪ યોઆબે રાજા પાસે જઈને કહ્યું: “આ તમે શું કર્યું? આબ્નેર તમારી પાસે આવ્યો હતો, તો પછી તમે કેમ તેને છટકી જવા દીધો? ૨૫ શું તમે નેરના દીકરા આબ્નેરને નથી ઓળખતા? તે તમને મૂર્ખ બનાવવા અહીં આવ્યો હતો. તે તમારા પર નજર રાખવા અને તમે શું કરો છો ને શું નથી કરતા, એ બધું જાણવા આવ્યો હતો.”
૨૬ યોઆબ આમ કહીને દાઉદ આગળથી નીકળી ગયો. યોઆબે આબ્નેર પાછળ માણસો મોકલ્યા. તેઓ આબ્નેરને સીરાહના ટાંકા પાસેથી પાછા લઈ આવ્યા. દાઉદને આ વિશે કંઈ જ ખબર ન હતી. ૨૭ આબ્નેર પાછો હેબ્રોન આવ્યો+ ત્યારે, યોઆબ તેને શહેરના દરવાજાની અંદર એકાંતમાં વાત કરવા માટે લઈ ગયો. ત્યાં યોઆબે તેના પેટમાં તલવાર ભોંકી દીધી અને તે મરી ગયો.+ યોઆબે પોતાના ભાઈ અસાહેલના લોહીનો બદલો લેવા માટે આમ કર્યું.+ ૨૮ દાઉદે પછીથી એ વિશે સાંભળ્યું ત્યારે, તેણે કહ્યું: “નેરના દીકરા આબ્નેરના ખૂન માટે યહોવા આગળ હું અને મારું રાજ્ય હંમેશાં નિર્દોષ રહીશું.+ ૨૯ એનો દોષ યોઆબ+ અને તેના પિતાના આખા ઘર પર આવે. યોઆબના ઘરમાંથી બીમાર,*+ રક્તપિત્તિયો,*+ અપંગ,* તલવારથી માર્યો જનાર કે ભૂખ્યો માણસ કદી ખૂટે નહિ!”+ ૩૦ આમ યોઆબ અને તેના ભાઈ અબીશાયે+ આબ્નેરને+ મારી નાખ્યો, કારણ કે તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબયોન પાસે લડાઈમાં મોતને ઘાટ ઉતાર્યો હતો.+
૩૧ દાઉદે યોઆબ અને તેની સાથેના માણસોને કહ્યું: “તમારાં કપડાં ફાડો અને કંતાન પહેરો. આબ્નેર માટે વિલાપ કરો.” રાજા દાઉદ પોતે પણ આબ્નેરને દફનાવવા લોકો સાથે ગયો. ૩૨ તેઓએ આબ્નેરને હેબ્રોનમાં દફનાવ્યો. આબ્નેરની કબર પાસે રાજા પોક મૂકીને રડ્યો અને બધા લોકો પણ જોરજોરથી રડવા લાગ્યા. ૩૩ રાજાએ આબ્નેર માટે આ વિલાપગીત ગાયું:
“ઓ આબ્નેર, તું કેમ મૂર્ખ માણસની જેમ મરી ગયો?
૩૪ ન તારા હાથ બંધાયા હતા,
ન તારા પગમાં બેડીઓ હતી.
ગુનેગારોને હાથે કોઈ મરે, એમ તું માર્યો ગયો.”+
બધા લોકો પાછા જોરજોરથી રડવા લાગ્યા.
૩૫ પછી હજુ દિવસ ઢળ્યો ન હતો ત્યારે, બધા લોકો દાઉદને દિલાસો મળે એ માટે રોટલી* આપવા આવ્યા. પણ દાઉદે સમ ખાધા: “સૂરજ આથમતા પહેલાં હું રોટલી કે બીજું કંઈ પણ મોંમાં મૂકું તો, ઈશ્વર મને આકરી સજા કરો.”+ ૩૬ રાજા જે કંઈ કરતો એ લોકોને સારું લાગતું હતું. એ જ રીતે બધા લોકોએ આ પણ ધ્યાનમાં લીધું અને તેઓને સારું લાગ્યું. ૩૭ એ દિવસે બધા લોકોને અને આખા ઇઝરાયેલને ખબર પડી કે નેરના દીકરા આબ્નેરની હત્યા માટે રાજા જવાબદાર નથી.+ ૩૮ રાજાએ પોતાના સેવકોને કહ્યું: “શું તમે નથી જાણતા કે આજે ઇઝરાયેલમાં એક આગેવાન અને મહાન માણસ માર્યો ગયો છે?+ ૩૯ રાજા તરીકે અભિષેક થયો હોવા છતાં, આજે હું કમજોર બની ગયો છું.+ આ માણસો, સરૂયાના દીકરાઓ+ ભારે ઘાતકી નીકળ્યા.+ દુષ્ટ કામો કરનારને યહોવા દુષ્ટતાથી બદલો વાળી આપો.”+