નિર્ગમન
૩૮ અગ્નિ-અર્પણ ચઢાવવા બઝાલએલે બાવળના લાકડાની ચોરસ વેદી બનાવી. એ પાંચ હાથ* લાંબી, પાંચ હાથ પહોળી અને ત્રણ હાથ ઊંચી હતી.+ ૨ પછી વેદીના ચારે ખૂણા પર એક એક શિંગડું બનાવ્યું. એ ચાર શિંગડાં વેદીનો જ ભાગ હતાં. તેણે આખી વેદીને તાંબાથી મઢી.+ ૩ ત્યાર બાદ તેણે વેદીનાં બધાં વાસણો એટલે કે, ડોલ, પાવડા, વાટકા, કાંટા* અને અગ્નિપાત્રો બનાવ્યાં. એ બધી વસ્તુઓ તેણે તાંબાની બનાવી. ૪ તેણે વેદી માટે તાંબાની જાળી પણ બનાવી અને વેદીની ઊંચાઈની અધવચ્ચે એ જાળી મૂકી. ૫ તેણે એ તાંબાની જાળીના ચારે ખૂણા પર ચાર કડાં બનાવ્યાં, જેથી દાંડા એમાં પરોવી શકાય. ૬ પછી તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને એને તાંબાથી મઢ્યા. ૭ તેણે દાંડાને કડાંમાં પરોવ્યા, જેથી વેદીને ઊંચકી શકાય. તેણે એ વેદી ખોખા જેવી બનાવી, જે ઉપર અને નીચેથી ખુલ્લી હતી.
૮ પછી તેણે તાંબાનો કુંડ+ અને એને મૂકવા તાંબાની ઘોડી બનાવ્યાં. એ બનાવવા તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે ગોઠવણ પ્રમાણે કામ કરતી સ્ત્રીઓના તાંબાના અરીસા* વાપર્યા.
૯ પછી તેણે મંડપનું આંગણું બનાવ્યું.+ એ માટે તેણે દક્ષિણ તરફ ૧૦૦ હાથ લાંબો બારીક કાંતેલા શણનો પડદો* બનાવ્યો.+ ૧૦ પડદો લગાવવા ૨૦ થાંભલી અને તાંબાની ૨૦ કૂંભી* હતી. થાંભલીની કડીઓ અને આંકડીઓ ચાંદીની હતી. ૧૧ ઉત્તર તરફનો પડદો પણ ૧૦૦ હાથ લાંબો હતો. એ લગાવવા ૨૦ થાંભલી અને તાંબાની ૨૦ કૂંભી હતી. થાંભલીની કડીઓ અને આંકડીઓ ચાંદીની હતી. ૧૨ પણ આંગણાની પશ્ચિમ તરફનો પડદો ૫૦ હાથ લાંબો હતો. એ લગાવવા દસ થાંભલી અને દસ કૂંભી હતી. થાંભલીની કડીઓ અને આંકડીઓ ચાંદીની હતી. ૧૩ પૂર્વ તરફ* આંગણાની પહોળાઈ ૫૦ હાથ હતી. ૧૪ પ્રવેશદ્વારની જમણી તરફ ૧૫ હાથ લાંબો પડદો હતો. એ લગાવવા ત્રણ થાંભલી અને ત્રણ કૂંભી હતી. ૧૫ આંગણાના પ્રવેશદ્વારની ડાબી તરફ ૧૫ હાથ લાંબો પડદો હતો. એ લગાવવા ત્રણ થાંભલી અને ત્રણ કૂંભી હતી. ૧૬ આંગણાની ફરતેના બધા પડદા બારીક કાંતેલા શણના હતા. ૧૭ થાંભલી માટેની કૂંભીઓ તાંબાની હતી. થાંભલીઓ પરની કડીઓ અને આંકડીઓ ચાંદીની હતી. થાંભલીનો ઉપરનો ભાગ ચાંદીથી મઢેલો હતો. આંગણાની બધી થાંભલીઓ પરની કડીઓ ચાંદીની હતી.+
૧૮ આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો ભૂરી દોરી, જાંબુડિયા રંગનું ઊન, લાલ દોરી અને બારીક કાંતેલા શણથી વણીને બનાવેલો હતો. એ ૨૦ હાથ લાંબો અને ૫ હાથ ઊંચો હતો. આંગણાના પડદાની ઊંચાઈ પણ એટલી જ હતી.+ ૧૯ પડદો લગાવવા તાંબાની ચાર થાંભલી અને ચાર કૂંભી હતી. થાંભલીઓ પરની કડીઓ અને આંકડીઓ ચાંદીની હતી. થાંભલીનો ઉપરનો ભાગ ચાંદીથી મઢેલો હતો. ૨૦ મંડપ અને આંગણા ફરતેના બધા ખીલા તાંબાના હતા.+
૨૧ મૂસાએ આજ્ઞા આપી કે મંડપ, એટલે કે સાક્ષીલેખનો* મંડપ+ બનાવવા વપરાયેલી વસ્તુઓની યાદી બનાવવામાં આવે. હારુન યાજકના દીકરા ઇથામારની+ દેખરેખ નીચે લેવીઓએ એ જવાબદારી ઉપાડી.+ ૨૨ યહોવાએ મૂસાને જે આજ્ઞા આપી હતી એ જ પ્રમાણે યહૂદા કુળના બઝાલએલે+ કર્યું. તે ઉરીનો દીકરો અને હૂરનો પૌત્ર હતો. ૨૩ તેની સાથે આહોલીઆબ+ પણ હતો. આહોલીઆબ દાન કુળના અહીસામાખનો દીકરો હતો. તે કુશળ કારીગર હતો તેમજ ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક શણથી ભરતકામ કરવામાં અને ગૂંથણકામ કરવામાં નિપુણ હતો.
૨૪ પવિત્ર જગ્યાના* કામ માટે ૨૯ તાલંત* અને ૭૩૦ શેકેલ* સોનું વપરાયું હતું. એ પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે હતું. એ બધું સોનું હલાવવાના અર્પણમાં+ મળેલા સોના બરાબર હતું. ૨૫ જે પુરુષોએ નોંધણી કરાવી હતી, તેઓએ આપેલી ચાંદી ૧૦૦ તાલંત અને ૧,૭૭૫ શેકેલ હતી. એ ચાંદી પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે હતી. ૨૬ જેઓની નોંધણી થઈ હતી એ બધા પુરુષોએ પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે અડધો શેકેલ ચાંદી આપી હતી. ૨૦ વર્ષ કે એથી વધારે ઉંમરના જે પુરુષોની નોંધણી થઈ હતી+ તેઓની સંખ્યા ૬,૦૩,૫૫૦ હતી.+
૨૭ પવિત્ર જગ્યા અને પડદાની કૂંભીઓ બનાવવા ૧૦૦ તાલંત ચાંદી વપરાઈ હતી. ૧૦૦ કૂંભીઓ માટે ૧૦૦ તાલંત, એટલે કે એક કૂંભી માટે એક તાલંત.+ ૨૮ તેણે ૧,૭૭૫ શેકેલ ચાંદીમાંથી થાંભલાની કડીઓ બનાવી અને એ ચાંદીમાંથી થાંભલાનો ઉપરનો ભાગ મઢ્યો. પછી એ બધું જોડી દીધું.
૨૯ અર્પણમાં* મળેલું તાંબું ૭૦ તાલંત અને ૨,૪૦૦ શેકેલ હતું. ૩૦ એ તાંબાથી તેણે આ બધું બનાવ્યું: મુલાકાતમંડપના પ્રવેશદ્વારની કૂંભીઓ, તાંબાની વેદી, તાંબાની જાળી, વેદીનાં બધાં વાસણો, ૩૧ આંગણાની કૂંભીઓ, આંગણાના પ્રવેશદ્વારની કૂંભીઓ, મંડપના ખીલા અને આંગણા ફરતેના ખીલા.+