બીજો કાળવૃત્તાંત
૭ સુલેમાને પ્રાર્થના પૂરી કરી+ કે તરત આકાશમાંથી આગ ઊતરી આવી+ અને અગ્નિ-અર્પણો ને બલિદાનો ભસ્મ કરી નાખ્યાં. યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું.+ ૨ યાજકો યહોવાના મંદિરમાં જઈ શક્યા નહિ, કારણ કે યહોવાનું મંદિર યહોવાના ગૌરવથી ભરાઈ ગયું હતું.+ ૩ ઇઝરાયેલના બધા લોકોએ જોયું કે આગ ઊતરી આવી છે અને આખું મંદિર યહોવાના ગૌરવથી ભરાઈ ગયું છે. તેઓએ પથ્થર જડેલી ફરસ પર ઘૂંટણિયે પડીને ભૂમિ સુધી માથું નમાવ્યું અને યહોવાનો આભાર માનતા કહ્યું: “તે ભલા છે. તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.”
૪ પછી રાજાએ અને બધા લોકોએ યહોવા આગળ બલિદાનો ચઢાવ્યાં.+ ૫ રાજા સુલેમાને ૨૨,૦૦૦ ઢોરઢાંક અને ૧,૨૦,૦૦૦ ઘેટાંનાં બલિદાનો ચઢાવ્યાં. આમ રાજાએ અને બધા લોકોએ સાચા ઈશ્વરના મંદિરનું ઉદ્ઘાટન કર્યું.+ ૬ યાજકો પોતાની ઠરાવેલી જગ્યાએ ઊભા હતા. લેવીઓ પણ ઊભા હતા અને વાજિંત્રો વગાડતાં વગાડતાં યહોવાનાં ગીતો ગાતા હતા.+ (એ વાજિંત્રો દાઉદે એટલા માટે બનાવ્યાં હતાં, જેથી યહોવાનો આભાર માને અને કહે, “તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.” દાઉદ એનાથી* સ્તુતિ કરતો હતો.) યાજકો તેઓ આગળ જોરશોરથી રણશિંગડાં વગાડતા હતા+ અને બધા ઇઝરાયેલીઓ ત્યાં ઊભા હતા.
૭ સુલેમાને બનાવેલી તાંબાની વેદી+ નાની હતી અને અગ્નિ-અર્પણો, અનાજ-અર્પણો*+ તથા ચરબી એના પર ચઢાવી શકાય એમ ન હતું.+ એટલે તેણે યહોવાના મંદિર આગળ આવેલા આંગણાનો વચ્ચેનો ભાગ પવિત્ર કરવો પડ્યો. પછી તેણે ત્યાં અગ્નિ-અર્પણો ચઢાવ્યાં અને શાંતિ-અર્પણોની* ચરબી ચઢાવી.+ ૮ એ સમયે સુલેમાને બધા ઇઝરાયેલીઓ સાથે મળીને સાત દિવસ તહેવાર* ઊજવ્યો.+ એમાં લીબો-હમાથથી* ઇજિપ્તના વહેળા* સુધીના લોકોનું મોટું ટોળું ભેગું થયું હતું.+ ૯ તેઓએ સાત દિવસ વેદીના સમર્પણનો કાર્યક્રમ રાખ્યો. પછી સાત દિવસ તહેવાર ઊજવ્યો. આઠમા દિવસે* તેઓએ ખાસ સંમેલન* રાખ્યું.+ ૧૦ પછી સાતમા મહિનાના ૨૩મા દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા. યહોવાએ પોતાના સેવક દાઉદ માટે, સુલેમાન માટે અને ઇઝરાયેલી લોકો માટે ભલાઈ બતાવી હતી.+ એટલે લોકો હરખાતાં હરખાતાં પોતપોતાનાં ઘરે ગયા.+
૧૧ આ રીતે સુલેમાને યહોવાનું મંદિર અને પોતાનો રાજમહેલ બાંધવાનું પૂરું કર્યું.+ યહોવાના મંદિર અને પોતાના રાજમહેલ માટે સુલેમાનને જે કંઈ ઇચ્છા થઈ એ પ્રમાણે તેણે કર્યું.+ ૧૨ પછી યહોવાએ સુલેમાનને રાતે સપનામાં દર્શન આપ્યું+ અને તેને કહ્યું: “મેં તારી પ્રાર્થના સાંભળી છે. મેં આ મંદિરને મારા માટે બલિદાનો ચઢાવવાની જગ્યા તરીકે પસંદ કર્યું છે.+ ૧૩ એમ થાય કે હું આકાશના દરવાજા બંધ કરી દઉં ને વરસાદ રોકી લઉં, હું તીતીઘોડાને પાક નાશ કરવાનો હુકમ આપું અને મારા લોકોમાં રોગચાળો મોકલું. ૧૪ એ સમયે મારા નામથી ઓળખાતા મારા લોકો+ જો નમ્ર બને,+ મને પ્રાર્થના કરે, મને શોધે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે,+ તો હું સ્વર્ગમાંથી તેઓનું સાંભળીશ. હું તેઓનાં પાપ માફ કરીશ અને દેશને પાછો હર્યો-ભર્યો બનાવીશ.+ ૧૫ આ જગ્યાએ થતી પ્રાર્થનાઓ હું કાયમ સાંભળીશ અને મારી આંખો ખુલ્લી રાખીશ.+ ૧૬ મેં આ મંદિર પસંદ કરીને પવિત્ર કર્યું છે, જેથી એમાં મારું નામ સદાને માટે રહે.+ મારી નજર અને મારું દિલ હંમેશાં એના પર રહેશે.+
૧૭ “જો તું તારા પિતા દાઉદની જેમ મારી આગળ ચાલીશ, મારી આજ્ઞાઓ પ્રમાણે કરીશ અને મારા નિયમો તથા કાયદા-કાનૂન પાળીશ,+ ૧૮ તો હું તારી રાજગાદી હંમેશ માટે ટકાવી રાખીશ,+ જેમ મેં તારા પિતા દાઉદ સાથે કરાર કર્યો હતો.+ મેં કહ્યું હતું, ‘તારા વંશમાંથી ઇઝરાયેલની રાજગાદીએ બેસનાર માણસની કદી ખોટ પડશે નહિ.’+ ૧૯ પણ જો તું મારા માર્ગે ચાલવાનું છોડી દે, મારી આજ્ઞાઓ અને મારા નિયમો ન પાળે અને બીજા દેવોની પૂજા કરીને નમન કરે,+ ૨૦ તો મેં ઇઝરાયેલીઓને જે મારો દેશ આપ્યો છે, એમાંથી તેઓને જડમૂળથી ઉખેડી નાખીશ.+ મેં મારા નામને મહિમા આપવા આ મંદિર પવિત્ર કર્યું છે, એને મારી નજર આગળથી દૂર કરીશ. હું એવું કરીશ કે લોકો એને ધિક્કારશે* અને મજાક ઉડાવશે.+ ૨૧ આ મંદિર ખંડેર બની જશે. ત્યાંથી પસાર થનાર દરેક જણ નવાઈ પામીને+ પૂછશે, ‘યહોવાએ આ દેશ અને આ મંદિરના આવા હાલ કેમ કર્યા?’+ ૨૨ પછી તેઓ કહેશે, ‘આવું એટલા માટે થયું કે ઇઝરાયેલીઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાને છોડી દીધા,+ જે તેઓને ઇજિપ્ત દેશમાંથી કાઢી લાવ્યા હતા.+ તેઓ બીજા દેવોમાં માનવા લાગ્યા, તેઓને નમન કર્યું અને તેઓને ભજવા લાગ્યા.+ એટલા માટે ઈશ્વર તેઓ પર આ બધી આફતો લાવ્યા છે.’”+