નિર્ગમન
૩૫ પછી મૂસાએ બધા ઇઝરાયેલીઓને ભેગા કર્યા અને તેઓને કહ્યું: “યહોવાએ આ બધું કરવાની આજ્ઞા આપી છે:+ ૨ તમે છ દિવસ કામ કરો પણ સાતમો દિવસ તમારા માટે પવિત્ર ગણાય. સાબ્બાથનો દિવસ પૂરા આરામનો દિવસ છે. એ યહોવા માટે પવિત્ર છે.+ જો કોઈ એ દિવસે કામ કરે, તો તે માર્યો જાય.+ ૩ સાબ્બાથના દિવસે તમારે પોતાનાં રહેઠાણમાં આગ સળગાવવી નહિ.”
૪ પછી મૂસાએ બધા ઇઝરાયેલીઓને કહ્યું: “યહોવાએ આજ્ઞા આપી છે કે, ૫ ‘યહોવા માટે દાન ભેગું કરો.+ જે વ્યક્તિ દિલથી દાન આપવા માંગતી હોય,+ તે યહોવા માટે આ દાન લઈ આવે: સોનું, ચાંદી, તાંબું, ૬ ભૂરી દોરી, જાંબુડિયા રંગનું ઊન, લાલ દોરી, બારીક શણ, બકરાના વાળ,+ ૭ નર ઘેટાનું લાલ રંગથી રંગેલું ચામડું, સીલ માછલીનું ચામડું, બાવળનું લાકડું, ૮ દીવા માટે તેલ, અભિષેક કરવાના તેલ માટે સુગંધી દ્રવ્ય, સુગંધી ધૂપ માટે સુગંધી દ્રવ્ય+ ૯ તેમજ એફોદ+ અને છાતીએ પહેરવાના ઉરપત્ર+ પર જડવા માટે ગોમેદ અને બીજા કીમતી પથ્થરો.
૧૦ “‘તમારામાંથી કુશળ કારીગરો+ આગળ આવે અને યહોવાની આજ્ઞા પ્રમાણે આ બધી વસ્તુઓ બનાવે: ૧૧ મંડપ અને એની વસ્તુઓ, એનો પડદો, એની કડીઓ, એનાં ચોકઠાં,* એના દાંડા, એના થાંભલા અને એની કૂંભીઓ;* ૧૨ કોશ+ અને એના દાંડા,+ એનું ઢાંકણ+ અને એની આગળનો પડદો;+ ૧૩ મેજ+ અને એના દાંડા, એનાં બધાં વાસણો અને અર્પણની રોટલી;+ ૧૪ પ્રકાશ માટે દીવી,+ એનાં વાસણો, એના દીવા અને એના માટે તેલ;+ ૧૫ ધૂપવેદી+ અને એના દાંડા; અભિષેક કરવાનું તેલ અને સુગંધી ધૂપ;+ મંડપના પ્રવેશદ્વાર માટે પડદો; ૧૬ અગ્નિ-અર્પણની વેદી+ અને એની તાંબાની જાળી, એના દાંડા અને એનાં વાસણો; કુંડ અને એને મૂકવાની ઘોડી;+ ૧૭ આંગણાનો પડદો,*+ એ લગાવવા થાંભલીઓ અને એની કૂંભીઓ; આંગણાના પ્રવેશદ્વાર માટે પડદો; ૧૮ મંડપના ખીલા, આંગણાના ખીલા અને દોરડાં;+ ૧૯ પવિત્ર જગ્યામાં સેવા કરવા માટે બારીક વણેલાં વસ્ત્રો,+ હારુન યાજક માટે પવિત્ર વસ્ત્રો+ અને તેના દીકરાઓ યાજકો તરીકે સેવા કરી શકે એ માટે તેઓનાં વસ્ત્રો.’”
૨૦ બધા ઇઝરાયેલીઓ મૂસા પાસેથી છૂટા પડ્યા. ૨૧ પછી જે લોકોને યહોવા માટે દિલથી દાન આપવાની ઇચ્છા હતી+ તેઓ આગળ આવ્યા. તેઓએ એ બધી વસ્તુઓ દાનમાં આપી, જે મુલાકાતમંડપ, એની સેવાઓ અને પવિત્ર વસ્ત્રો માટે વપરાઈ શકે. ૨૨ પુરુષો અને સ્ત્રીઓ ખુશી ખુશી દાન આપતાં રહ્યાં. તેઓએ સોનાની પિન,* કાનની કડીઓ, વીંટીઓ, બીજાં ઘરેણાં અને સોનાની દરેક પ્રકારની વસ્તુઓ આપી. તેઓએ યહોવાને સોનાનાં અર્પણો* ચઢાવ્યાં.+ ૨૩ જેઓ પાસે ભૂરી દોરી, જાંબુડિયા રંગનું ઊન, લાલ દોરી, બારીક શણ, બકરાના વાળ, નર ઘેટાનું લાલ રંગથી રંગેલું ચામડું અને સીલ માછલીનું ચામડું હતું, તેઓ એ બધું લાવ્યાં. ૨૪ લોકો યહોવા માટે ચાંદી અને તાંબું દાન તરીકે લાવ્યા. જેઓ પાસે બાવળનાં લાકડાં હતાં તેઓ એ લાવ્યા, જેથી મુલાકાતમંડપના કામમાં એનો ઉપયોગ થઈ શકે.
૨૫ બધી કુશળ સ્ત્રીઓ+ પોતાના હાથથી કાંતીને આ વસ્તુઓ લઈ આવી: ભૂરી દોરી, જાંબુડિયા રંગનું ઊન, લાલ દોરી અને બારીક શણ. ૨૬ જે બધી કુશળ સ્ત્રીઓનાં દિલમાં પ્રેરણા થઈ, તેઓએ બકરાંના વાળ કાંતીને આપ્યા.
૨૭ મુખીઓ એફોદ અને છાતીએ પહેરવાના ઉરપત્ર+ પર જડવા માટે ગોમેદ અને બીજા કીમતી પથ્થરો લાવ્યા. ૨૮ તેઓ દીવાઓ માટે, અભિષેક કરવાના તેલ+ માટે અને સુગંધી ધૂપ માટે સુગંધી દ્રવ્ય અને તેલ લાવ્યાં.+ ૨૯ જે સ્ત્રી-પુરુષોનાં દિલમાં દાન આપવાની તમન્ના હતી, તેઓએ ખુશી ખુશી દાન* આપ્યાં. તેઓએ એ કામ માટે દાન આપ્યાં, જેના વિશે યહોવાએ મૂસા દ્વારા આજ્ઞા આપી હતી. ઇઝરાયેલીઓએ યહોવાને રાજીખુશીથી એ અર્પણો આપ્યાં.+
૩૦ પછી મૂસાએ ઇઝરાયેલીઓને કહ્યું: “જુઓ, યહોવાએ યહૂદા કુળના બઝાલએલને પસંદ કર્યો છે. તે ઉરીનો દીકરો અને હૂરનો પૌત્ર છે.+ ૩૧ ઈશ્વરે તેને પોતાની પવિત્ર શક્તિથી* ભરપૂર કર્યો છે. તેમણે તેને દરેક પ્રકારની કારીગરી કરવા ડહાપણ, સમજણ અને જ્ઞાન આપ્યાં છે, ૩૨ જેથી તે ભાતભાતના નમૂના બનાવે અને નકશીકામ કરે; સોના-ચાંદી અને તાંબાની વસ્તુઓ બનાવે; ૩૩ કીમતી પથ્થરો કાપવાનું અને એને જડવાનું કામ કરે અને લાકડામાંથી દરેક પ્રકારની વસ્તુઓ બનાવે. ૩૪ ઈશ્વરે તેને અને આહોલીઆબને+ એવી કળા આપી છે, જેથી તેઓ બીજાઓને શીખવી શકે. આહોલીઆબ દાન કુળના અહીસામાખનો દીકરો છે. ૩૫ ઈશ્વરે તેઓને દરેક પ્રકારની કારીગરી કરવાની કુશળતા આપી છે.+ તેમણે તેઓને ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક શણથી ભરતકામ કરવા અને ગૂંથણકામ કરવા નિપુણ બનાવ્યા છે. તેઓ દરેક પ્રકારના નમૂના તૈયાર કરશે અને દરેક પ્રકારનું કામ કરશે.