પહેલો શમુએલ
૧૦ પછી શમુએલે તેલની કુપ્પી લીધી અને એમાંનું તેલ શાઉલના માથા પર રેડ્યું.+ તેણે શાઉલને ચુંબન કર્યું અને કહ્યું: “યહોવાએ તમારો અભિષેક કરીને તેમના લોકો* પર+ તમને આગેવાન બનાવ્યા છે.+ ૨ તમે આજે મારી પાસેથી પાછા ફરશો ત્યારે, તમને બે માણસો મળશે. તેઓ તમને બિન્યામીનના વિસ્તારમાં આવેલા સેલ્સાહમાં રાહેલની કબર+ પાસે મળશે. તેઓ તમને કહેશે, ‘તું જે ગધેડાં શોધવાં ગયો હતો એ મળી ગયાં છે. પણ તારા પિતા હવે ગધેડાંની ચિંતા છોડીને+ તારી ચિંતા કરે છે. તે કહે છે: “મારો દીકરો હજુ આવ્યો નથી, હું શું કરું?”’ ૩ ત્યાંથી તમે તાબોરના મોટા ઝાડ સુધી ચાલ્યા જાઓ. ત્યાં તમને ત્રણ માણસો મળશે, જેઓ સાચા ઈશ્વરની ભક્તિ કરવા બેથેલ+ જતા હશે. એક માણસ પાસે બકરીનાં ત્રણ બચ્ચાં હશે, બીજા પાસે ત્રણ રોટલીઓ હશે અને ત્રીજા પાસે દ્રાક્ષદારૂનો એક મોટો કુંજો હશે. ૪ તેઓ તમારા ખબરઅંતર પૂછશે અને તમને બે રોટલી આપશે. તમારે એ રોટલીઓ લઈ લેવી. ૫ એ પછી તમે સાચા ઈશ્વરના ડુંગર પાસે પહોંચશો, જ્યાં પલિસ્તીઓની ચોકી છે. તમે શહેર પાસે આવો ત્યારે, તમને ડુંગર પરથી* ઊતરી આવતું પ્રબોધકોનું ટોળું મળશે. તેઓ પ્રબોધ કરતા હશે અને તેઓની આગળ લોકો તારવાળું વાજિંત્ર, ખંજરી, વાંસળી અને વીણા વગાડતાં હશે. ૬ યહોવાની શક્તિ તમારા પર ઊતરી આવશે.+ તમે પણ તેઓ સાથે પ્રબોધ કરશો અને જુદા જ માણસની જેમ વર્તવા લાગશો.+ ૭ જ્યારે એ બધું બને,* ત્યારે તમને જે યોગ્ય લાગે એ કરજો, કેમ કે સાચા ઈશ્વર તમારી સાથે છે. ૮ પછી તમે મારી આગળ ગિલ્ગાલ+ જાઓ. અગ્નિ-અર્પણો અને શાંતિ-અર્પણો* ચઢાવવા હું ત્યાં આવીશ. હું આવું એની તમારે સાત દિવસ રાહ જોવી. હું ત્યાં આવીને જણાવીશ કે તમારે શું કરવું.”
૯ શમુએલ પાસેથી શાઉલ પાછો ફર્યો કે તરત ઈશ્વર તેનો સ્વભાવ બદલવા લાગ્યા, જેના લીધે તે જુદા જ માણસની જેમ વર્તવા લાગ્યો. શમુએલે કહેલું બધું એ દિવસે પૂરું થયું.* ૧૦ એટલે શાઉલ અને તેનો ચાકર ત્યાંથી ટેકરી પાસે ગયા. ત્યાં તેઓને પ્રબોધકોનું ટોળું મળ્યું. એ જ સમયે, ઈશ્વરની શક્તિ શાઉલ પર ઊતરી આવી+ અને તે પણ પ્રબોધકો સાથે પ્રબોધ કરવા લાગ્યો.+ ૧૧ શાઉલને ઓળખતા લોકોએ તેને પ્રબોધકો સાથે પ્રબોધ કરતો જોયો ત્યારે, તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “કીશના દીકરાને આ શું થયું? શું શાઉલ પણ પ્રબોધક બની ગયો?” ૧૨ તેઓમાંથી એક માણસે કહ્યું: “પણ આ બીજા પ્રબોધકો વિશે શું? તેઓના પિતા કોણ છે?” આમ કહેવત પડી ગઈ કે “શું શાઉલ પણ પ્રબોધક બની ગયો?”+
૧૩ પ્રબોધ કર્યા પછી શાઉલ ડુંગર પાસે આવ્યો. ૧૪ શાઉલના કાકાએ તેને અને તેના ચાકરને પૂછ્યું: “તમે ક્યાં ગયા હતા?” શાઉલે કહ્યું: “ગધેડાઓ શોધવાં.+ અમને એ ક્યાંય મળ્યાં નહિ, એટલે અમે શમુએલ પાસે ગયા.” ૧૫ શાઉલના કાકાએ પૂછ્યું: “મને જણાવ કે શમુએલે તને શું કહ્યું?” ૧૬ શાઉલે જવાબ આપ્યો: “શમુએલે અમને કહ્યું કે ગધેડાં મળી ગયાં છે.” પણ શાઉલે પોતાના કાકાને જણાવ્યું નહિ કે શાઉલ રાજા બનશે એવું શમુએલે કહ્યું હતું.
૧૭ શમુએલે ઇઝરાયેલીઓને મિસ્પાહમાં યહોવા આગળ ભેગા કર્યા.+ ૧૮ તેણે તેઓને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા આમ કહે છે: ‘હું ઇઝરાયેલને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો. ઇજિપ્તના પંજામાંથી મેં તમને છોડાવ્યા.+ તમારા પર જુલમ કરનારાં બધાં રાજ્યોના હાથમાંથી પણ મેં તમને બચાવ્યા. ૧૯ પરંતુ તમને બધાં સંકટોથી અને આફતોથી બચાવનાર તમારા ઈશ્વરને તમે આજે છોડી દીધા છે.+ તમે મને કહો છો: “ના, અમારે તો રાજા જોઈએ જ!” હવે તમે તમારાં કુળો અને કુટુંબકબીલા પ્રમાણે યહોવા આગળ ઊભા રહો.’”
૨૦ એટલે શમુએલે ઇઝરાયેલનાં બધાં કુળોને નજીક આવવાં કહ્યું+ અને બિન્યામીન કુળ પસંદ થયું.+ ૨૧ તેણે બિન્યામીન કુળને તેઓનાં કુટુંબો પ્રમાણે નજીક આવવાં કહ્યું અને માટ્રીઓનું કુટુંબ પસંદ થયું. આખરે કીશનો દીકરો શાઉલ પસંદ થયો.+ તેઓએ શાઉલને શોધ્યો, પણ તે ક્યાંય મળ્યો નહિ. ૨૨ તેઓએ યહોવાને પૂછ્યું:+ “એ માણસ અહીં આવ્યો છે કે નહિ?” યહોવાએ કહ્યું: “જુઓ, ત્યાં સામાનની વચ્ચે તે છુપાયેલો છે.” ૨૩ એટલે તેઓ દોડી જઈને શાઉલને ત્યાંથી લઈ આવ્યા અને લોકો વચ્ચે તે ઊભો રહ્યો. તે એટલો ઊંચો હતો કે બધા લોકો તેના ખભા સુધી જ આવતા હતા.+ ૨૪ શમુએલે લોકોને કહ્યું: “યહોવાએ જેમને પસંદ કર્યા છે તે આ રહ્યા.+ બધા લોકોમાં તેમના જેવું બીજું કોઈ નથી.” તેઓએ કહ્યું: “જુગ જુગ જીવો રાજાજી!”
૨૫ પછી શમુએલે લોકોને જણાવ્યું કે રાજા તેઓની પાસે કેવી માંગ કરશે.+ તેણે એ બધું પુસ્તકમાં લખી લીધું અને એ યહોવાના મંડપમાં મૂક્યું. ત્યાર બાદ શમુએલે બધા લોકોને પોતપોતાનાં ઘરે મોકલી આપ્યા. ૨૬ શાઉલ પોતાના ઘરે ગિબયાહ ગયો. તેની સાથે એવા શૂરવીર યોદ્ધાઓ પણ ગયા, જેઓનાં દિલમાં યહોવાએ પ્રેરણા કરી હતી. ૨૭ પણ અમુક નકામા માણસોએ કહ્યું: “આ માણસ આપણને શું બચાવવાનો?”+ તેઓએ શાઉલને તુચ્છ ગણ્યો અને તેના માટે કંઈ ભેટ લાવ્યા નહિ.+ જોકે શાઉલ એના વિશે કશું બોલ્યો નહિ.*