બીજો રાજાઓ
૪ એક પ્રબોધકની*+ પત્ની એલિશા પાસે આવી અને તેની આગળ આજીજી કરવા લાગી: “તમારા સેવક, મારા પતિ ગુજરી ગયા છે. તમે સારી રીતે જાણો છો કે તે યહોવાનો ડર રાખીને જીવતા હતા.+ હવે લેણદાર મારા બંને દીકરાઓને ગુલામ બનાવીને લઈ જવા આવ્યો છે.” ૨ એલિશાએ તેને પૂછ્યું: “હું તારા માટે શું કરું? તારા ઘરમાં શું છે, મને જણાવ.” તેણે જવાબ આપ્યો: “તમારી દાસીના ઘરમાં એક બરણી* તેલ સિવાય બીજું કંઈ નથી.”+ ૩ એલિશાએ કહ્યું: “તારા બધા પડોશીઓ પાસે જઈને બની શકે એટલાં ખાલી વાસણો ભેગાં કર. ૪ પછી તું અને તારા દીકરાઓ ઘરમાં જઈને દરવાજો બંધ કરો. બધાં વાસણોમાં તેલ ભરો, જે જે ભરાય એને એક બાજુએ મૂકો.” ૫ એટલે તે એલિશા પાસેથી ગઈ.
એ સ્ત્રી અને તેના દીકરાઓએ ઘરમાં જઈને દરવાજો બંધ કર્યો. તેના દીકરાઓ તેને વાસણ આપતા ગયા અને તે એમાં તેલ ભરતી ગઈ.+ ૬ બધાં વાસણો ભરાઈ ગયાં. તેણે એક દીકરાને કહ્યું: “મને વાસણ આપ.”+ દીકરાએ કહ્યું: “હવે એકેય વાસણ નથી.” પછી બરણીમાંથી તેલ નીકળવાનું બંધ થયું.+ ૭ એ સ્ત્રીએ ઈશ્વરભક્ત પાસે આવીને બધું જણાવ્યું. એલિશાએ કહ્યું: “જા, તેલ વેચીને તારું દેવું ચૂકતે કરી દે. જે કંઈ બચે એમાંથી તારું અને તારા દીકરાઓનું ગુજરાન ચલાવજે.”
૮ એક દિવસ એલિશા શૂનેમ ગયો.+ ત્યાં એક જાણીતી સ્ત્રી હતી. તેણે એલિશાને જમવા આવવાની અરજ કરી.+ એ પછી જ્યારે પણ તે ત્યાંથી પસાર થતો ત્યારે તેના ઘરે જમવા રોકાતો. ૯ એ સ્ત્રીએ પોતાના પતિને કહ્યું: “હું જાણું છું કે આ પવિત્ર ઈશ્વરભક્ત છે. તે આ રસ્તે અવાર-નવાર આવે છે. ૧૦ ચાલો આપણે ધાબા પર એક નાનો ઓરડો બનાવીએ.+ એમાં ખાટલો, મેજ, ખુરશી અને દીવી મૂકીએ. તે જ્યારે પણ અહીં આવે ત્યારે એમાં રહી શકે.”+
૧૧ એક દિવસ એલિશા ત્યાં આવ્યો અને ધાબા પરના ઓરડામાં સૂવા ગયો. ૧૨ તેણે પોતાના સેવક ગેહઝીને કહ્યું:+ “શૂનેમની+ સ્ત્રીને બોલાવી લાવ.” તેણે તેને બોલાવી અને તે એલિશા આગળ આવીને ઊભી રહી. ૧૩ એલિશાએ ગેહઝીને કહ્યું: “તેને જણાવ કે ‘તેં અમારા માટે કેટલી બધી તકલીફ ઉઠાવી છે.+ બોલ, તારા માટે શું કરું.+ શું તારા માટે રાજાને કે સેનાપતિને કંઈ વાત કરું?’”+ સ્ત્રીએ કહ્યું: “ના, હું મારા લોકો સાથે સુખચેનથી જીવું છું.” ૧૪ એલિશાએ ગેહઝીને પૂછ્યું: “તેના માટે શું કરીએ?” તેણે કહ્યું: “તેને કોઈ દીકરો નથી+ અને તેનો પતિ વૃદ્ધ છે.” ૧૫ એલિશાએ તરત કહ્યું: “તેને બોલાવી લાવ.” ગેહઝી તેને બોલાવી લાવ્યો અને તે દરવાજે આવીને ઊભી રહી. ૧૬ એલિશાએ કહ્યું: “આવતા વર્ષે આ સમયે તારા ખોળામાં દીકરો રમતો હશે.”+ સ્ત્રીએ કહ્યું: “હે ઈશ્વરભક્ત, મારા ગુરુજી, તમારી દાસીને ખોટાં સપનાં ન દેખાડશો.”
૧૭ એલિશાની વાત સાચી પડી અને એ સ્ત્રી ગર્ભવતી થઈ. એલિશાએ વચન આપ્યું હતું એના બરાબર એક વર્ષ પછી તેણે દીકરાને જન્મ આપ્યો. ૧૮ છોકરો મોટો થતો ગયો. એક દિવસ તે પોતાના પિતા પાસે ખેતરમાં ગયો, જે કાપણી કરનારાઓ સાથે હતો. ૧૯ છોકરો વારંવાર પિતાને કહેવા લાગ્યો: “મારું માથું બહુ દુઃખે છે.” તેના પિતાએ એક ચાકરને કહ્યું: “છોકરાને ઊંચકીને તેની મા પાસે લઈ જા.” ૨૦ ચાકર તેને ઊંચકીને તેની મા પાસે લઈ ગયો. છોકરો બપોર સુધી માના ખોળામાં બેસી રહ્યો અને પછી મરી ગયો.+ ૨૧ તે તેને લઈને ઉપરના ઓરડામાં ગઈ અને ઈશ્વરભક્તની પથારીમાં મૂક્યો.+ પછી બારણું બંધ કરીને તે ત્યાંથી નીકળી ગઈ. ૨૨ તેણે પોતાના પતિને બોલાવીને કહ્યું: “કૃપા કરીને એક ચાકર અને એક ગધેડું મોકલો. મને ઉતાવળે પેલા ઈશ્વરભક્તને મળી આવવા દો.” ૨૩ તેના પતિએ કહ્યું: “આજે તો ચાંદરાત*+ કે સાબ્બાથ* નથી. તું આજે કેમ તેમને મળવા જાય છે?” સ્ત્રીએ કહ્યું: “ચિંતા ન કરો, બધું બરાબર છે.” ૨૪ તેણે ગધેડા પર જીન બાંધ્યું અને ચાકરને કહ્યું: “જલદી ચાલ. મારી આજ્ઞા સિવાય ધીમો પડતો નહિ.”
૨૫ તે ઈશ્વરભક્તને મળવા કાર્મેલ પર્વત પર ગઈ. ઈશ્વરભક્તે તેને દૂરથી જોઈ કે તરત પોતાના સેવક ગેહઝીને કહ્યું: “જો, શૂનેમની સ્ત્રી આવી રહી છે. ૨૬ દોડીને જા, તેને પૂછ: ‘તું ઠીક તો છે ને? તારો પતિ અને દીકરો મજામાં છે ને?’” એ સ્ત્રીએ જવાબ આપ્યો: “બધું બરાબર છે.” ૨૭ તે પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવી. તેણે એલિશાના પગ પકડી લીધા.+ ગેહઝી તેને હટાવવા પાસે ગયો ત્યારે ઈશ્વરભક્તે કહ્યું: “તેને રહેવા દે, તે ખૂબ દુઃખી છે. યહોવાએ મને કંઈ જણાવ્યું નથી, મારાથી એ છાનું રાખ્યું છે.” ૨૮ સ્ત્રીએ કહ્યું: “મારા ગુરુજી, શું મેં તમારી પાસે દીકરો માંગ્યો હતો? શું મેં કહ્યું ન હતું કે ‘મને ખોટાં સપનાં ન દેખાડશો’?”+
૨૯ એલિશાએ ગેહઝીને કહ્યું: “મારી લાકડી લે અને કમર કસીને દોડતો જા.+ રસ્તામાં કોઈ મળે તો સલામ કહેવા* ઊભો રહેતો નહિ. કોઈ તને સલામ કરે તો જવાબ આપવા રોકાતો નહિ. જા અને મારી લાકડી છોકરાના મોં પર મૂક.” ૩૦ એ સાંભળીને છોકરાની માએ કહ્યું: “ઈશ્વર યહોવાના સમ* અને તમારા સમ, હું તમને લીધા વિના પાછી જવાની નથી.”+ એટલે એલિશા ઊઠીને તેની સાથે ગયો. ૩૧ ગેહઝી તેઓની આગળ આગળ ગયો અને છોકરાના મોં પર લાકડી મૂકી. પણ છોકરાએ કંઈ અવાજ કર્યો નહિ કે હલનચલન કરી નહિ.+ ગેહઝી પાછો એલિશા પાસે આવ્યો અને કહ્યું: “છોકરો હજી ઊઠ્યો નથી.”
૩૨ એલિશા ઘરમાં આવ્યો ત્યારે, છોકરો પથારી પર મરેલો પડ્યો હતો.+ ૩૩ એલિશાએ ઓરડામાં જઈને દરવાજો બંધ કરી દીધો. હવે ફક્ત તેઓ બંને જ ઓરડામાં હતા. એલિશા યહોવાને પ્રાર્થના કરવા લાગ્યો.+ ૩૪ પછી તે પથારીમાં છોકરા પર સૂઈ ગયો. તેણે પોતાનું મોં છોકરાના મોં પર, પોતાની આંખો તેની આંખો પર અને પોતાની હથેળીઓ તેની હથેળીઓ પર રાખ્યાં. એટલે છોકરાના શરીરમાં ગરમાવો આવવા લાગ્યો.+ ૩૫ ત્યાર બાદ એલિશા ઘરમાં આમતેમ આંટા મારવા લાગ્યો. ફરીથી તે પથારીમાં છોકરા પર લાંબો થઈને સૂઈ ગયો. એવામાં છોકરાએ સાત વાર છીંક ખાધી. એ પછી તેણે આંખો ખોલી.+ ૩૬ એલિશાએ ગેહઝીને બોલાવ્યો અને કહ્યું: “શૂનેમની સ્ત્રીને બોલાવ.” એટલે તેણે એ સ્ત્રીને બોલાવી અને તે અંદર આવી. એલિશાએ કહ્યું: “લે તારો દીકરો!”+ ૩૭ તે આવીને એલિશા આગળ ઘૂંટણિયે પડી અને જમીન સુધી માથું નમાવ્યું. એના પછી તે પોતાના દીકરાને લઈને બહાર ચાલી ગઈ.
૩૮ ત્યાંથી એલિશા પાછો ગિલ્ગાલ આવ્યો. એ દેશમાં દુકાળ પડ્યો હતો.+ પ્રબોધકોના દીકરાઓ+ તેના ચરણે બેઠા હતા. એલિશાએ પોતાના સેવકને કહ્યું:+ “મોટું હાંડલું ચઢાવો અને પ્રબોધકોના દીકરાઓ માટે રસાવાળું શાક બનાવો.” ૩૯ એક સેવક ખેતરમાં શાકભાજી વીણવા ગયો. તેણે એક જંગલી વેલો જોયો. એના પરથી તેણે ખોળો ભરીને ફળ તોડી લીધાં અને પાછો આવ્યો. એ શું છે એની તેને ખબર ન હતી. તેણે એ કાપીને હાંડલામાં નાખ્યાં. ૪૦ પછી પ્રબોધકોના દીકરાઓને શાક પીરસવામાં આવ્યું. તેઓએ એ ખાધું કે તરત બૂમાબૂમ કરવા લાગ્યા: “હે ઈશ્વરભક્ત, એ હાંડલામાં તો મોત છે મોત!” તેઓ એ ખાઈ શક્યા નહિ. ૪૧ એટલે એલિશાએ કહ્યું: “થોડો લોટ લાવો.” તેણે એ લોટ હાંડલામાં નાખ્યો અને કહ્યું: “હવે બધાને પીરસો.” એ પછી હાંડલામાંના શાકમાં એવું કંઈ ન હતું, જેનાથી નુકસાન થાય.+
૪૨ બઆલ-શાલીશાથી+ એક માણસ આવ્યો. તે ઈશ્વરભક્ત માટે પહેલી ફસલના જવની ૨૦ રોટલીઓ+ અને એક ગૂણ ભરીને નવા જવ લાવ્યો હતો.+ એલિશાએ કહ્યું: “લોકોને આપ કે તેઓ ખાય.” ૪૩ તેના ચાકરે કહ્યું: “૧૦૦ માણસો આગળ હું આટલું કઈ રીતે પીરસું?”+ એલિશાએ કહ્યું: “તું તારે લોકોને એ આપ કે તેઓ ખાય, કેમ કે યહોવા આમ કહે છે: ‘તેઓ ખાશે અને એમાંથી હજુ વધશે પણ ખરું.’”+ ૪૪ તેણે લોકોને પીરસ્યું અને તેઓએ ખાધું. અરે, એમાંથી વધ્યું પણ ખરું,+ જેમ યહોવાએ કહ્યું હતું.