પહેલો શમુએલ
૧૨ આખરે શમુએલે બધા ઇઝરાયેલીઓને કહ્યું: “તમારા કહેવા પ્રમાણે મેં બધું જ કર્યું છે અને તમારા પર રાજ કરવા રાજા પસંદ કર્યા છે.+ ૨ આ રહ્યા તમારા રાજા, જે તમને દોરશે.*+ હું તો ઘરડો થયો છું અને હવે મારા વાળ ધોળા થઈ ગયા છે. મારા દીકરાઓ અહીં તમારી સાથે છે.+ મેં તમને મારી યુવાનીથી તે આજ સુધી માર્ગદર્શન આપ્યું છે.+ ૩ હવે હું આ રહ્યો. જો મારી વિરુદ્ધ તમારી કોઈ ફરિયાદ હોય, તો યહોવા અને તેમના અભિષિક્ત આગળ હમણાં જ જણાવો.+ શું મેં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડાવી લીધું છે?+ અથવા શું મેં કોઈને છેતર્યો છે કે કોઈના પર જુલમ ગુજાર્યો છે? શું મેં કોઈની પાસેથી લાંચ લઈને ખોટાં કામ ચલાવી લીધાં છે?+ જો એમ હોય, તો હું એ પાછું વાળી આપીશ.”+ ૪ એ સાંભળીને તેઓએ કહ્યું: “ન તો તમે અમને છેતર્યા છે, ન તો જુલમ ગુજાર્યો છે કે ન તો કોઈની પાસેથી કશું લીધું છે.” ૫ શમુએલે તેઓને કહ્યું: “યહોવા આજે તમારી સામે સાક્ષી છે કે તમને મારામાં કોઈ દોષ દેખાયો નથી. તેમના અભિષિક્ત પણ એના સાક્ષી છે.” તેઓએ કહ્યું: “તે સાક્ષી છે.”
૬ શમુએલે લોકોને કહ્યું: “યહોવા એના સાક્ષી છે, જેમણે મૂસા અને હારુનને પસંદ કર્યા હતા તથા જે તમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા હતા.+ ૭ હવે આવીને અહીં ઊભા રહો. યહોવાએ તમારા માટે અને તમારા બાપદાદાઓ માટે જે ભલાઈનાં* કામો કર્યાં છે, એના આધારે હું યહોવા આગળ તમારો ન્યાય કરીશ.
૮ “યાકૂબ ઇજિપ્ત પહોંચ્યા એ પછી+ તમારા બાપદાદાઓએ મદદ માટે યહોવાને પોકાર કર્યો.+ એટલે તરત યહોવાએ મૂસા અને હારુનને મોકલ્યા.+ તેઓ તમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા અને રહેવા માટે આ જગ્યા આપી.+ ૯ પણ તમારા બાપદાદાઓ પોતાના ઈશ્વર યહોવાને ભૂલી ગયા. એટલે તેમણે તેઓને હાસોરના સેનાપતિ સીસરાના+ હાથમાં, પલિસ્તીઓના+ હાથમાં અને મોઆબી રાજાના+ હાથમાં સોંપી દીધા.+ એ દુશ્મનો તેઓ સામે લડ્યા. ૧૦ તમારા બાપદાદાઓએ મદદ માટે યહોવાને કાલાવાલા કર્યા+ અને કહ્યું: ‘અમે પાપ કર્યું છે.+ અમે યહોવાને છોડીને બઆલ દેવો+ અને આશ્તોરેથ દેવીની+ મૂર્તિઓની ભક્તિ કરી છે. હવે અમને દુશ્મનોના હાથમાંથી બચાવો, જેથી અમે તમારી ભક્તિ કરી શકીએ.’ ૧૧ પછી યહોવાએ યરૂબ્બઆલ,+ બદાન, યિફતા+ અને મને*+ મોકલીને તમને આસપાસના બધા દુશ્મનોથી બચાવ્યા, જેથી તમે સહીસલામત રહો.+ ૧૨ તમે જોયું કે આમ્મોનનો રાજા નાહાશ+ તમારી સામે ચઢી આવ્યો છે. યહોવા ઈશ્વર તમારા રાજા હોવા છતાં,+ તમે કહેવા લાગ્યા: ‘ના, અમારે તો રાજા જોઈએ જ!’+ ૧૩ આ રહ્યા તમે પસંદ કરેલા રાજા, જેની તમે માંગ કરી હતી. જુઓ, યહોવાએ તેમને તમારા પર રાજા ઠરાવ્યા છે.+ ૧૪ તમે યહોવાનો ડર રાખો,+ તેમની ભક્તિ કરો,+ તેમનું કહેવું માનો+ અને યહોવાના નિયમો વિરુદ્ધ ન જાઓ. તમે અને તમારા પર રાજ કરતા રાજા તમારા ઈશ્વર યહોવાના માર્ગમાં ચાલો. જો એમ કરશો, તો જ તમારું ભલું થશે. ૧૫ પણ જો તમે યહોવાનું કહેવું નહિ માનો અને યહોવાના નિયમો વિરુદ્ધ જશો, તો યહોવા તમને અને તમારા પિતાઓને સજા કરશે.+ ૧૬ હવે આવીને અહીં ઊભા રહો અને જુઓ કે યહોવા તમારી નજર સામે કેવું જોરદાર કામ કરે છે! ૧૭ તમે જાણો છો કે અત્યારે ઘઉંની કાપણીનો સમય છે. પણ ગાજવીજ સાથે વરસાદ પડે એ માટે હું યહોવાને પ્રાર્થના કરીશ. પછી તમે જાણશો અને સમજશો કે પોતાના માટે રાજા માંગીને, યહોવાની નજરમાં તમે કેવો મોટો ગુનો કર્યો છે.”+
૧૮ પછી શમુએલે યહોવાને પ્રાર્થના કરી અને યહોવાએ એ દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસાવ્યો. બધા લોકોને યહોવા અને શમુએલનો ખૂબ ડર લાગ્યો. ૧૯ લોકોએ શમુએલને કહ્યું: “તમારા સેવકો માટે તમારા ઈશ્વર યહોવાને પ્રાર્થના કરો,+ જેથી અમે માર્યા ન જઈએ. રાજા માંગીને અમે મોટો ગુનો કર્યો છે અને અમારાં પાપમાં વધારો કર્યો છે.”
૨૦ શમુએલે લોકોને કહ્યું: “હા, તમે મોટો ગુનો કર્યો છે. પણ ગભરાશો નહિ. બસ એટલું જ કે યહોવાના માર્ગથી ફંટાઈ ન જતા.+ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરો.+ ૨૧ જૂઠાં દેવી-દેવતાઓ પાછળ ન જતા.+ એનો કોઈ ફાયદો નથી+ અને તેઓ તમને બચાવી શકતાં નથી, કેમ કે તેઓ તો નકામી મૂર્તિઓ છે. ૨૨ યહોવા પોતાના મહાન નામને લીધે+ પોતાના લોકોને છોડી નહિ દે,+ કેમ કે ખુદ યહોવાએ તમને પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે.+ ૨૩ હું તમારા માટે પ્રાર્થના કરવાનું કદી નહિ છોડું. એવું કરવાનું હું વિચારી પણ નથી શકતો, કેમ કે એ તો યહોવા વિરુદ્ધ પાપ કહેવાય. હું તમને સાચા અને સીધા માર્ગે ચાલવાનું શીખવતો રહીશ. ૨૪ બસ એટલું જ કે યહોવાનો ડર રાખો,+ પૂરા દિલથી અને વફાદારીથી* તેમની ભક્તિ કરો. યાદ કરો કે તેમણે તમારા માટે કેવાં મહાન કામો કર્યાં છે!+ ૨૫ પણ જો તમે બેશરમ બનીને ખરાબ કામોમાં રચ્યાપચ્યા રહેશો, તો તમારો અને તમારા રાજાનો+ નાશ થઈ જશે.”+