બીજો શમુએલ
૧૦ પછી આમ્મોનીઓના+ રાજાનું મરણ થયું અને તેનો દીકરો હાનૂન તેની જગ્યાએ રાજા બન્યો.+ ૨ એ સાંભળીને દાઉદે કહ્યું: “હું નાહાશના દીકરા હાનૂન પર કૃપા* બતાવીશ, જેમ તેના પિતાએ મારા પર કૃપા બતાવી હતી.” દાઉદે હાનૂનને દિલાસો આપવા પોતાના સેવકો મોકલ્યા, કેમ કે તેના પિતાનું મરણ થયું હતું. પણ દાઉદના સેવકો આમ્મોનીઓના દેશમાં પહોંચ્યા ત્યારે, ૩ આમ્મોનીઓના આગેવાનોએ પોતાના માલિક હાનૂનને કહ્યું: “શું તમને એવું લાગે છે કે દાઉદે તમને દિલાસો આપવા અને તમારા પિતાને માન આપવા સેવકો મોકલ્યા છે? શું દાઉદે પોતાના સેવકોને શહેરની તપાસ કરવા અને જાસૂસી કરવા નથી મોકલ્યા, જેથી એને ઊથલાવી નાખે?” ૪ હાનૂને દાઉદના સેવકોને પકડી લીધા. તેણે તેઓની અડધી દાઢી મૂંડાવી નાખી+ અને તેઓનાં કપડાં કમર નીચેથી કાપી નાખીને તેઓને પાછા મોકલી આપ્યા. ૫ દાઉદને એની ખબર આપવામાં આવી. દાઉદે તરત પોતાના સેવકોને મળવા માણસો મોકલ્યા, કેમ કે તેઓનું ઘોર અપમાન થયું હતું. રાજાએ તેઓને જણાવ્યું: “તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહેજો+ અને પછી આવજો.”
૬ સમય જતાં, આમ્મોનીઓ સમજી ગયા કે તેઓએ દાઉદ સાથે દુશ્મની વહોરી લીધી છે. એટલે આમ્મોનીઓએ આ દેશોમાંથી માણસો ભાડે રાખ્યા: બેથ-રહોબ+ અને સોબાહમાંથી+ સિરિયાના ૨૦,૦૦૦ પાયદળ સૈનિકો; માખાહના+ રાજા અને તેના ૧,૦૦૦ માણસો; અને ટોબના ૧૨,૦૦૦ માણસો.+ ૭ દાઉદે એ સાંભળ્યું ત્યારે, તેણે યોઆબ અને આખા સૈન્યને પોતાના શૂરવીર યોદ્ધાઓ સાથે મોકલ્યા.+ ૮ આમ્મોનીઓનું લશ્કર શહેરના દરવાજા પાસે લડવા માટે ગોઠવાઈ ગયું, જ્યારે કે સિરિયાના સોબાહ અને રહોબના સૈનિકો તેમજ ટોબ અને માખાહના સૈનિકો ખુલ્લા મેદાનમાં ગોઠવાઈ ગયા.
૯ યોઆબે જોયું કે લશ્કર આગળ અને પાછળથી તેની સામે લડવા આવી રહ્યું છે. તેણે ઇઝરાયેલના સૌથી સારા સૈનિકો પસંદ કર્યા અને સિરિયાના લશ્કર સામે યુદ્ધ કરવા ગોઠવી દીધા.+ ૧૦ યોઆબે બાકીના માણસોને પોતાના ભાઈ અબીશાયના+ હાથ નીચે રાખ્યા, જેથી તેઓ આમ્મોનીઓ+ સામે યુદ્ધ કરવા ગોઠવાઈ જાય. ૧૧ પછી તેણે અબીશાયને કહ્યું: “જો હું સિરિયાના લશ્કરને પહોંચી ન વળું, તો તું આવીને મને બચાવજે. જો તું આમ્મોનીઓને પહોંચી ન વળે, તો હું આવીને તને બચાવીશ. ૧૨ આપણે આપણા લોકો માટે અને આપણા ઈશ્વરનાં શહેરો માટે બળવાન અને હિંમતવાન બનીએ.+ પછી યહોવાને જે સારું લાગે એ કરશે.”+
૧૩ યોઆબ અને તેના માણસો સિરિયાના લશ્કર સામે લડવા આગળ વધ્યા. સિરિયાનું લશ્કર તેઓ આગળથી નાસી છૂટ્યું.+ ૧૪ જ્યારે આમ્મોનીઓએ જોયું કે સિરિયાનું લશ્કર નાસી છૂટ્યું છે, ત્યારે તેઓ પણ અબીશાય આગળથી નાસી છૂટ્યા અને શહેરમાં ભરાઈ ગયા. એ પછી યોઆબ આમ્મોનીઓ પાસેથી પાછો ફર્યો અને યરૂશાલેમ આવ્યો.
૧૫ સિરિયાના માણસોએ જોયું કે પોતે ઇઝરાયેલીઓ આગળ હાર ખાધી છે ત્યારે, તેઓ ફરીથી ભેગા થયા.+ ૧૬ એટલે હદાદએઝેરે+ યુફ્રેટિસ નદીના+ વિસ્તારમાંથી સિરિયાના લશ્કરને બોલાવ્યું અને એ હેલામ આવ્યું. હદાદએઝેરનો સેનાપતિ શોબાખ એ લશ્કરની આગેવાની લેતો હતો.
૧૭ એની ખબર મળતાં જ દાઉદે ઇઝરાયેલનું આખું લશ્કર ભેગું કર્યું. તે તેઓની સાથે યર્દન પાર કરીને હેલામ આવી પહોંચ્યો. સિરિયાનું લશ્કર દાઉદ સામે યુદ્ધ કરવા ગોઠવાઈ ગયું અને તેની સામે લડાઈ કરી.+ ૧૮ પણ ઇઝરાયેલ આગળથી સિરિયાનું લશ્કર ભાગવા લાગ્યું. દાઉદે સિરિયાના ૭૦૦ રથસવારો અને ૪૦,૦૦૦ ઘોડેસવારોને મારી નાખ્યા. તેણે તેઓના સેનાપતિ શોબાખને એવો ઘાયલ કર્યો કે તે ત્યાં જ મરણ પામ્યો.+ ૧૯ હદાદએઝેરને આધીન રાજાઓએ જોયું કે તેઓએ ઇઝરાયેલ આગળ હાર ખાધી છે. તેઓએ તરત ઇઝરાયેલ સાથે સુલેહ-શાંતિ કરી અને એને શરણે થઈ ગયા.+ ત્યાર બાદ, સિરિયાના માણસોએ ક્યારેય આમ્મોનીઓને મદદ કરવાની હિંમત કરી નહિ.