હઝકિયેલ
૧૧ પવિત્ર શક્તિ* મને ઉઠાવીને યહોવાના મંદિરના એ દરવાજે લઈ આવી, જે પૂર્વ તરફ ખૂલે છે.+ મેં જોયું તો ત્યાં દરવાજા પાસે ૨૫ માણસો હતા. તેઓમાં આઝ્ઝુરનો દીકરો યાઅઝાન્યા અને બનાયાનો દીકરો પલાટયા હતા. તેઓ લોકોના આગેવાનો હતા.+ ૨ પછી ઈશ્વરે* મને કહ્યું: “હે માણસના દીકરા, આ એ જ માણસો છે, જેઓ દુષ્ટ કાવતરાં ઘડે છે અને આ શહેરને* દુષ્ટ સલાહ આપે છે. ૩ તેઓ કહે છે, ‘હજુ તો આપણે બીજાં ઘરો બાંધીશું.+ શહેર* હાંડલું છે+ અને આપણે માંસ છીએ.’*
૪ “એટલે તેઓ વિરુદ્ધ ભવિષ્યવાણી કર. હે માણસના દીકરા, ભવિષ્યવાણી કર.”+
૫ પછી યહોવાની શક્તિ* મારા પર આવી.+ ઈશ્વરે* મને કહ્યું: “તેઓને જણાવ, ‘યહોવા કહે છે: “હે ઇઝરાયેલના લોકો, તમે જે કહો છો એ હું જાણું છું. તમારા ઇરાદા હું સારી રીતે જાણું છું. ૬ તમે આ શહેરમાં ઘણા લોકોને મારી નાખ્યા છે. તમે શહેરના રસ્તાઓ લાશોથી ભરી દીધા છે.”’”+ ૭ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે, ‘શહેરમાં તમે જે લાશો રઝળતી મૂકી છે, એ માંસ છે અને શહેર હાંડલું છે.+ પણ તમને એમાંથી બહાર કાઢવામાં આવશે.’”
૮ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તમે તલવારથી ડરો છો ને!+ હું તમારી સામે તલવાર જ લઈ આવીશ. ૯ હું તમને શહેરમાંથી બહાર લઈ આવીશ. હું તમને પરદેશીઓના હાથમાં સોંપી દઈશ અને તમને સજા કરીશ.+ ૧૦ તલવારથી તમારો વિનાશ થશે.+ ઇઝરાયેલની સરહદે હું તમારો ન્યાય કરીશ.+ પછી તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+ ૧૧ શહેર તમારા માટે હાંડલું નહિ બને અને તમે એમાંનું માંસ નહિ બનો. ઇઝરાયેલની સરહદે હું તમારો ન્યાય કરીશ. ૧૨ પછી તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું. તમે મારા નિયમો પ્રમાણે ચાલ્યા નથી અને મારા કાયદા-કાનૂન પાળ્યા નથી.+ પણ તમે તો આસપાસની પ્રજાઓના કાયદા-કાનૂન પાળ્યા છે.’”+
૧૩ મેં ભવિષ્યવાણી કરી કે તરત બનાયાના દીકરા પલાટયાનું મરણ થયું. મેં ભૂમિ સુધી માથું નમાવ્યું અને મોટેથી પોકાર કર્યો: “અફસોસ! હે વિશ્વના માલિક યહોવા, શું તમે ઇઝરાયેલના બાકી રહેલા લોકોનો નાશ કરી નાખશો?”+
૧૪ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૫ “હે માણસના દીકરા, તારા જે ભાઈઓ પાસે પાછા છોડાવવાનો* હક છે, તેઓને અને બધા ઇઝરાયેલીઓને યરૂશાલેમના લોકો કહે છે: ‘યહોવાથી દૂર રહો. આ દેશ તો અમારો છે. એ અમને વારસામાં આપવામાં આવ્યો છે.’ ૧૬ એટલે તું જણાવજે કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “મેં તેઓને બીજી પ્રજાઓમાં મોકલી આપ્યા છે અને તેઓને બીજા દેશોમાં વિખેરી નાખ્યા છે.+ તોપણ તેઓ જે દેશોમાં ગયા છે,+ ત્યાં થોડા સમય માટે હું તેઓનું મંદિર બનીશ.”’
૧૭ “તું જણાવજે કે ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “એટલું જ નહિ, હું તમને લોકોમાંથી ભેગા કરીશ. તમે જે દેશોમાં વિખેરાઈ ગયા છો ત્યાંથી ભેગા કરીશ. હું તમને ઇઝરાયેલ દેશ આપીશ.+ ૧૮ તેઓ ત્યાં પાછા ફરશે. તેઓ એમાંથી બધી ધિક્કારપાત્ર મૂર્તિઓ કાઢી નાખશે અને બધાં નીચ કામો કરવાનું બંધ કરશે.+ ૧૯ હું તેઓને એકદિલના કરીશ.+ હું તેઓને નવું મન આપીશ.+ હું તેઓનાં શરીરમાંથી પથ્થરનું દિલ+ કાઢીને નરમ દિલ* મૂકીશ,+ ૨૦ જેથી તેઓ મારા નિયમો પ્રમાણે ચાલે, મારા કાયદા-કાનૂન પાળે અને મારી વાત માને. પછી તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.”’
૨૧ “‘“પણ જેઓએ મનમાં ગાંઠ વાળી છે કે ધિક્કારપાત્ર મૂર્તિઓને ભજતા રહેશે અને નીચ કામો કરતા રહેશે, તેઓનાં કામોનાં ફળ હું તેઓને ચખાડીશ,” એવું વિશ્વના માલિક યહોવા કહે છે.’”
૨૨ હવે કરૂબોએ પોતાની પાંખો ફેલાવી. તેઓની નજીક પૈડાં પણ હતાં.+ ઇઝરાયેલના ઈશ્વરનું ગૌરવ તેઓની ઉપર હતું.+ ૨૩ યહોવાનું ગૌરવ+ શહેર પરથી ખસીને એની પૂર્વ તરફના પર્વત પર આવ્યું.+ ૨૪ ઈશ્વરે પોતાની શક્તિથી બતાવેલા દર્શનમાં પવિત્ર શક્તિએ* મને ઉપાડી લીધો. એ મને ખાલદીઓના દેશમાં ગુલામ લોકો પાસે લઈ ગઈ. પછી હું જે દર્શન જોતો હતો એ પૂરું થયું. ૨૫ યહોવાએ મને જે બતાવ્યું હતું, એ બધું હું ગુલામ થયેલા લોકોને કહેવા લાગ્યો.