પહેલો શમુએલ
૯ બિન્યામીન કુળમાં કીશ નામનો એક માણસ હતો.+ તે અબીએલનો દીકરો હતો, અબીએલ સરોરનો દીકરો, સરોર બખોરાથનો દીકરો અને બખોરાથ અફીઆનો દીકરો હતો. બિન્યામીન કુળમાં+ કીશ ખૂબ ધનવાન માણસ હતો. ૨ તેને શાઉલ નામે એક દીકરો હતો.+ તે યુવાન અને દેખાવડો હતો. ઇઝરાયેલીઓમાં તેના જેવો દેખાવડો બીજો કોઈ યુવાન ન હતો. તે એટલો ઊંચો હતો કે બધા લોકો તેના ખભા સુધી જ આવતા.
૩ હવે એવું બન્યું કે શાઉલના પિતા કીશનાં ગધેડાં* ખોવાઈ ગયાં. તેણે પોતાના દીકરા શાઉલને કહ્યું: “તું એક ચાકર લઈને જા અને ગધેડાં શોધી લાવ.” ૪ શાઉલ અને તેનો ચાકર એફ્રાઈમના આખા પહાડી વિસ્તારમાં અને શાલીશાના આખા વિસ્તારમાં ફર્યા, પણ ગધેડાં મળ્યાં નહિ. તેઓ મુસાફરી કરીને શાઅલીમના પ્રદેશમાં બધે ફરી વળ્યા, ત્યાં પણ એ મળ્યાં નહિ. તેઓ બિન્યામીનના આખા વિસ્તારમાં ફરી વળ્યા, તોપણ ગધેડાં ક્યાંય મળ્યાં નહિ.
૫ તેઓ સૂફના વિસ્તારમાં પહોંચ્યા ત્યારે, શાઉલે પોતાના ચાકરને કહ્યું: “ચાલ, આપણે પાછા જઈએ. એમ ન થાય કે મારા પિતા ગધેડાંની ચિંતા છોડીને આપણી ચિંતા કરવા લાગે.”+ ૬ ચાકરે જણાવ્યું: “નજીકના શહેરમાં એક ઈશ્વરભક્ત રહે છે. તેમનું ઘણું માન છે. તેમનું કહેલું બધું સાચું પડે છે.+ ચાલો આપણે ત્યાં જઈએ. કદાચ તે જણાવે કે આપણે કઈ બાજુ જવું.” ૭ એ સાંભળીને શાઉલે પોતાના ચાકરને કહ્યું: “આપણે જઈએ તો ખરા, પણ એ ઈશ્વરભક્તને શું આપીશું? આપણા થેલામાં તો કંઈ ખાવાનું નથી. તેમને ભેટ આપવા આપણી પાસે કંઈ જ નથી. બોલ, શું કરીએ?” ૮ ચાકરે શાઉલને જવાબ આપ્યો: “જુઓ, મારા હાથમાં પા શેકેલ* ચાંદી છે. એ હું ઈશ્વરભક્તને આપી દઈશ અને તે જણાવશે કે આપણે કયા રસ્તે જવું.” ૯ (ઇઝરાયેલમાં અગાઉના સમયમાં, જો કોઈને ઈશ્વરની મરજી જાણવી હોય, તો તે આમ કહેતો: “ચાલો આપણે દર્શન સમજાવનાર* પાસે જઈએ.”+ આજે જેને પ્રબોધક કહેવાય છે, એને અગાઉના સમયમાં દર્શન સમજાવનાર કહેતા.) ૧૦ શાઉલે ચાકરને કહ્યું: “તું બરાબર કહે છે. ચાલ આપણે જઈએ.” એટલે ઈશ્વરભક્ત જે શહેરમાં હતો, ત્યાં તેઓ ગયા.
૧૧ તેઓ શહેર તરફ જવા માટે ડુંગર ચઢતા હતા ત્યારે, પાણી ભરવા જતી છોકરીઓ મળી. તેઓએ છોકરીઓને પૂછ્યું: “દર્શન સમજાવનાર+ શું અહીં છે?” ૧૨ તેઓએ કહ્યું: “હા છે. તે તમારી આગળ જ ગયા. જલદી જાઓ! તે આજે શહેરમાં આવ્યા છે, કેમ કે લોકો આજે ડુંગર પર*+ બલિદાન ચઢાવવાના છે.+ ૧૩ શહેરમાં જતા જ તે તમને મળશે. તે ડુંગર પર ભોજન માટે જાય એ પહેલાં જલદી પહોંચો. તે બલિદાન પર આશીર્વાદ નહિ માંગે, ત્યાં સુધી લોકો કંઈ ખાશે નહિ. ત્યાર પછી જ, જેઓને આમંત્રણ મળ્યું છે તેઓ ખાશે. એટલે હમણાં જ જાઓ અને તે તમને મળશે.” ૧૪ તેઓ શહેર તરફ ગયા. તેઓ હજુ તો શહેરમાં જતા હતા ત્યારે શમુએલ તેઓને મળવા આવતો હતો, જેથી તેઓને પોતાની સાથે ડુંગર પર લઈ જાય.
૧૫ શાઉલ આવ્યો એના આગલા દિવસે યહોવાએ શમુએલને આમ જણાવ્યું હતું: ૧૬ “આવતી કાલે આશરે આ સમયે હું તારી પાસે બિન્યામીન વિસ્તારનો એક માણસ મોકલીશ.+ મારા ઇઝરાયેલી લોકો પર આગેવાન તરીકે તારે તેનો અભિષેક કરવો.+ તે મારા લોકોને પલિસ્તીઓના હાથમાંથી બચાવશે. મેં મારા લોકોનાં દુઃખ-દર્દ જોયાં છે અને તેઓનો પોકાર મારા સુધી પહોંચ્યો છે.”+ ૧૭ શમુએલે શાઉલને જોયો ત્યારે યહોવાએ શમુએલને કહ્યું: “આ એ જ માણસ છે, જેના વિશે મેં તને કહ્યું હતું કે ‘તે મારા લોકો પર શાસન કરશે.’”*+
૧૮ શાઉલે દરવાજા આગળ શમુએલ પાસે આવીને પૂછ્યું: “મને જણાવશો, દર્શન સમજાવનારનું ઘર ક્યાં છે?” ૧૯ શમુએલે શાઉલને જવાબ આપ્યો: “દર્શન સમજાવનાર હું જ છું. તમે મારી આગળ આગળ ડુંગર પર જાઓ, કેમ કે તમારે આજે મારી સાથે જમવાનું છે.+ કાલે સવારે હું તમને વિદાય કરીશ અને તમને જે કંઈ જાણવું છે* એ બધું જણાવીશ. ૨૦ ત્રણ દિવસ પહેલાં ખોવાયેલાં ગધેડાઓની+ ચિંતા ન કરો, એ મળી ગયાં છે. ઇઝરાયેલમાં જે સૌથી સારું છે એ બધું કોનું છે? શું એ બધું તમારું અને તમારા પિતાના ઘરનું નથી?”+ ૨૧ એ સાંભળીને શાઉલે જવાબ આપ્યો: “તમે આવું કેમ કહો છો? શું હું ઇઝરાયેલનાં કુળોમાંથી સૌથી નાના, બિન્યામીન કુળનો નથી?+ શું મારું કુટુંબ બિન્યામીન કુળનાં બધાં કુટુંબોમાં સાવ મામૂલી નથી?”
૨૨ શાઉલ અને તેના ચાકરને લઈને શમુએલ ભોજનખંડમાં આવ્યો. તેણે તેઓને મહેમાનોમાં મુખ્ય જગ્યાએ બેસાડ્યા. ત્યાં આશરે ૩૦ માણસો હતા. ૨૩ શમુએલે રસોઈયાને કહ્યું: “મેં તને જે ભાગ આપીને ‘એને એક બાજુ રાખ’ એમ કહ્યું હતું, એ લઈ આવ.” ૨૪ એટલે રસોઈયાએ પગવાળો ભાગ શાઉલ આગળ પીરસ્યો. શમુએલે કહ્યું: “તમારી માટે જે રાખી મૂક્યું હતું, એ હવે તમારી આગળ મૂક્યું છે. જમી લો, કેમ કે આ પ્રસંગ માટે તેઓએ ખાસ તમારા માટે એ રાખી મૂક્યું હતું. મેં તેઓને કહ્યું હતું કે ‘મેં મહેમાનોને બોલાવ્યા છે.’” શાઉલે એ દિવસે શમુએલ સાથે ખાધું. ૨૫ પછી તેઓ શહેરમાં જવા ડુંગર પરથી+ ઊતરવા લાગ્યા. તેઓ ઘરના ધાબા પર ગયા અને શાઉલ સાથે શમુએલ વાત કરતો રહ્યો. ૨૬ તેઓ વહેલી સવારે ઊઠી ગયા. સૂરજ ઊગતાં જ શમુએલે શાઉલને ધાબા પર બૂમ પાડીને કહ્યું: “તૈયાર થઈ જાઓ, જેથી હું તમને વિદાય કરું.” એટલે શાઉલ તૈયાર થઈ ગયો. તેઓ બંને ત્યાંથી નીકળ્યા. ૨૭ તેઓ શહેરની બહાર નીકળીને નીચે ઊતરતા હતા ત્યારે, શમુએલે શાઉલને કહ્યું: “તમારા ચાકરને+ આગળ જવાનું કહો,” એટલે ચાકર આગળ ગયો. પછી શમુએલે કહ્યું: “તમે અહીં ઊભા રહો, જેથી હું તમને ઈશ્વરનાં વચનો જણાવી શકું.”