બીજો કાળવૃત્તાંત
૧૧ રહાબઆમ યરૂશાલેમ આવ્યો કે તરત તેણે તાલીમ પામેલા* ૧,૮૦,૦૦૦ લડવૈયાઓને ભેગા કર્યા. તેઓ યહૂદા અને બિન્યામીન કુળના+ હતા. રહાબઆમે તેઓને ભેગા કર્યા, જેથી ઇઝરાયેલના લોકો સામે લડે અને પોતાનું રાજ્ય પાછું મેળવે.+ ૨ પણ સાચા ઈશ્વરના ભક્ત શમાયા+ પાસે યહોવાનો આ સંદેશો આવ્યો: ૩ “સુલેમાનના દીકરા યહૂદાના રાજા રહાબઆમને, યહૂદા અને બિન્યામીન કુળના બધા ઇઝરાયેલીઓને કહે, ૪ ‘યહોવા આવું કહે છે: “તમે ત્યાં જતા નહિ અને પોતાના ભાઈઓ સામે લડતા નહિ. તમે પોતાનાં ઘરે પાછા ફરો, કેમ કે મેં એ બધું થવા દીધું છે.”’”+ તેઓએ યહોવાની વાત માની અને પાછા ફર્યા. તેઓ યરોબઆમ સામે લડવા ગયા નહિ.
૫ રહાબઆમ યરૂશાલેમમાં રહ્યો અને યહૂદામાં કોટવાળાં શહેરો બાંધ્યાં. ૬ તેણે આ શહેરો ફરીથી બાંધ્યાં:* બેથલેહેમ,+ એટામ, તકોઆ,+ ૭ બેથ-સૂર, સોખો,+ અદુલ્લામ,+ ૮ ગાથ,+ મારેશાહ, ઝીફ,+ ૯ અદોરાઈમ, લાખીશ,+ અઝેકાહ,+ ૧૦ સોરાહ, આયાલોન+ અને હેબ્રોન.+ એ કોટવાળાં શહેરો યહૂદા અને બિન્યામીનમાં હતાં. ૧૧ તેણે એ કોટવાળાં શહેરો વધારે મજબૂત કર્યાં અને એમાં સેનાપતિઓ રાખ્યા. તેણે એમાં ખોરાક, તેલ અને દ્રાક્ષદારૂ ભરી રાખ્યાં. ૧૨ તેણે અલગ અલગ શહેરોમાં મોટી મોટી ઢાલો અને ભાલાઓ રાખ્યાં. તેણે એ શહેરોને ખૂબ મજબૂત કર્યાં. આ રીતે યહૂદા અને બિન્યામીન તેના હાથ નીચે રહ્યા.
૧૩ આખા ઇઝરાયેલના બધા યાજકો અને લેવીઓ પોતપોતાના વિસ્તારમાંથી નીકળી આવ્યા ને રહાબઆમને સાથ આપ્યો. ૧૪ યરોબઆમ અને તેના દીકરાઓએ લેવીઓને યહોવાના યાજકો તરીકેની સેવામાંથી કાઢી મૂક્યા હતા.+ એટલે તેઓ પોતાનાં ગૌચરો* અને માલ-મિલકત છોડીને+ યહૂદા અને યરૂશાલેમ આવ્યા હતા. ૧૫ યરોબઆમે ભક્તિ-સ્થળો માટે, બકરા જેવા દેવો*+ માટે અને પોતે બનાવેલાં વાછરડાં+ માટે પોતાના યાજકો પસંદ કર્યા.+ ૧૬ પણ ઇઝરાયેલનાં બધાં કુળોમાંથી જેઓએ પોતાનાં દિલ ઇઝરાયેલના ઈશ્વર યહોવાની ભક્તિ કરવામાં લગાડેલાં હતાં, તેઓ યાજકો અને લેવીઓની પાછળ પાછળ યરૂશાલેમ આવ્યા. તેઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાને બલિદાનો ચઢાવ્યાં.+ ૧૭ ત્રણ વર્ષ સુધી તેઓએ યહૂદાના રાજને અડગ કરીને સુલેમાનના દીકરા રહાબઆમને સાથ આપ્યો. તેઓ ત્રણ વર્ષ સુધી દાઉદ અને સુલેમાનના પગલે ચાલ્યા.
૧૮ પછી રહાબઆમે માહલાથ સાથે લગ્ન કર્યા, જે દાઉદના દીકરા યરીમોથની દીકરી હતી. માહલાથની મા અબીહાઈલ હતી, જે યિશાઈના દીકરા અલીઆબની+ દીકરી હતી. ૧૯ સમય જતાં રહાબઆમને માહલાથથી આ દીકરાઓ થયા: યેઉશ, શમાર્યા અને ઝાહામ. ૨૦ માહલાથ પછી રહાબઆમે માખાહ સાથે લગ્ન કર્યા, જે આબ્શાલોમની પૌત્રી હતી.+ રહાબઆમને તેનાથી અબિયા,+ આત્તાય, ઝીઝા અને શલોમીથ થયા. ૨૧ રહાબઆમને ૧૮ પત્નીઓ અને ૬૦ ઉપપત્નીઓ હતી.+ પણ રહાબઆમ તેઓમાંથી માખાહને વધારે પ્રેમ કરતો હતો, જે આબ્શાલોમની પૌત્રી હતી. રહાબઆમને ૨૮ દીકરાઓ હતા અને ૬૦ દીકરીઓ હતી. ૨૨ રહાબઆમે માખાહના દીકરા અબિયાને તેના ભાઈઓ પર મુખી અને આગેવાન ઠરાવ્યો. રહાબઆમનો ઇરાદો તેને રાજા બનાવવાનો હતો. ૨૩ રહાબઆમે સમજદારીથી પોતાના અમુક દીકરાઓને યહૂદા અને બિન્યામીનના બધા વિસ્તારોમાં, કિલ્લાવાળાં બધાં શહેરોમાં મોકલી દીધા.*+ તેણે તેઓને ખાવા-પીવાની પુષ્કળ ચીજવસ્તુઓ આપી અને ઘણી પત્નીઓ કરી આપી.