પહેલો શમુએલ
૩ હવે એલી યાજકની દેખરેખ નીચે નાનકડો શમુએલ યહોવાની સેવા કરતો હતો.+ એ દિવસોમાં ભાગ્યે જ યહોવાનો સંદેશો સાંભળવા મળતો અને બહુ દર્શનો+ થતાં નહિ.
૨ એલીની આંખો ઝાંખી પડી ગઈ હતી અને તેને બરાબર દેખાતું ન હતું.+ એક દિવસ તે પોતાની જગ્યાએ સૂઈ ગયો હતો. ૩ શમુએલ યહોવાના મંદિરમાં* સૂતો હતો,+ જ્યાં ઈશ્વરનો કરારકોશ* હતો. ઈશ્વરના મંદિરનો દીવો+ હજી હોલવાયો ન હતો. ૪ એવામાં યહોવાએ શમુએલને બોલાવ્યો, એટલે તેણે કહ્યું: “હા જી, હું આવ્યો.” ૫ શમુએલે એલી પાસે દોડી જઈને કહ્યું: “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” પણ એલીએ કહ્યું: “મેં તને નથી બોલાવ્યો. જઈને પાછો સૂઈ જા.” એટલે તે જઈને સૂઈ ગયો. ૬ યહોવાએ ફરીથી શમુએલને બોલાવ્યો: “શમુએલ!” એટલે શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું: “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” એલીએ કહ્યું: “દીકરા, મેં તને નથી બોલાવ્યો. જા, જઈને સૂઈ જા.” ૭ (શમુએલ અત્યાર સુધી યહોવા વિશે પૂરી રીતે જાણતો ન હતો અને તેને હજુ યહોવા પાસેથી કોઈ સંદેશો પણ મળ્યો ન હતો.)+ ૮ યહોવાએ તેને ત્રીજી વાર બોલાવ્યો: “શમુએલ!” શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું: “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.”
એલીને હવે ખ્યાલ આવ્યો કે એ છોકરાને યહોવા બોલાવતા હતા. ૯ એલીએ શમુએલને કહ્યું: “જઈને સૂઈ જા. જો તે તને ફરીથી બોલાવે તો કહેજે, ‘બોલો યહોવા, તમારો સેવક સાંભળે છે.’” પછી શમુએલ જઈને પોતાની જગ્યાએ સૂઈ ગયો.
૧૦ યહોવાએ અગાઉની જેમ ફરીથી તેને બોલાવ્યો: “શમુએલ, શમુએલ!” તેણે કહ્યું: “બોલો, તમારો સેવક સાંભળી રહ્યો છે.” ૧૧ યહોવાએ શમુએલને કહ્યું: “જો! હું ઇઝરાયેલમાં કંઈક કરવાનો છું. એ વિશે જે કોઈ સાંભળશે તેને આઘાત લાગશે.*+ ૧૨ એ દિવસ આવશે ત્યારે, એલીના ઘર વિશે મેં જે કંઈ કહ્યું હતું એ બધું શરૂઆતથી અંત સુધી હું પૂરું કરીશ.+ ૧૩ તું એલીને જણાવ કે હું તેના કુટુંબને એવી સજા કરીશ, જેનું પરિણામ તેઓએ હંમેશ માટે ભોગવવું પડશે.+ એલી જાણે છે કે તેના દીકરાઓ પોતાનાં કાર્યોથી ઈશ્વરનું અપમાન કરે છે,+ તોપણ તેણે દીકરાઓને ઠપકો આપ્યો નથી.+ ૧૪ એટલે મેં સમ ખાધા છે કે બલિદાનો અથવા અર્પણો એલીના કુટુંબે કરેલા પાપને કદી પણ ઢાંકી શકશે નહિ.”+
૧૫ શમુએલ સવાર સુધી સૂઈ રહ્યો. પછી તેણે યહોવાના મંડપના દરવાજા ખોલ્યા. એલીને એ દર્શન વિશે કહેતા શમુએલ ગભરાતો હતો. ૧૬ પણ એલીએ તેને બોલાવ્યો: “શમુએલ, મારા દીકરા.” શમુએલે કહ્યું: “હું આ રહ્યો.” ૧૭ એલીએ કહ્યું: “ઈશ્વરે તને કયો સંદેશો આપ્યો? મારાથી છુપાવીશ નહિ. તેમણે જે જે કહ્યું છે એમાંથી કંઈ પણ તું મારાથી છુપાવે તો, ઈશ્વર તને આકરી સજા કરો!” ૧૮ એટલે શમુએલે કંઈ પણ છુપાવ્યા વગર તેને બધું કહી દીધું. એલીએ કહ્યું: “જેવી યહોવાની મરજી. તેમને જે સારું લાગે એ તે કરે.”
૧૯ શમુએલ મોટો થતો ગયો અને યહોવા તેની સાથે હતા.+ તે જે કંઈ કહેતો, ઈશ્વર એ પૂરું કરતા. ૨૦ દાનથી બેર-શેબા સુધી, આખા ઇઝરાયેલમાં જાણ થઈ ગઈ કે યહોવાના પ્રબોધક તરીકે શમુએલ પસંદ થયો છે. ૨૧ યહોવાએ શીલોહમાં શમુએલને દર્શન આપવાનું ચાલુ રાખ્યું. યહોવાએ શીલોહમાં પોતાના સંદેશાઓ દ્વારા, હા, યહોવાએ સંદેશાઓ દ્વારા પોતાની ઓળખ આપી હતી.+