ગણના
૩૨ રૂબેનના દીકરાઓ+ અને ગાદના દીકરાઓ+ પાસે ઘણાં ઢોરઢાંક હતાં. તેઓને યાઝેર+ અને ગિલયાદનો વિસ્તાર પોતાનાં ઢોરઢાંક માટે ખૂબ સારો લાગ્યો. ૨ તેથી ગાદના દીકરાઓએ અને રૂબેનના દીકરાઓએ મૂસા, એલઆઝાર યાજક અને લોકોના મુખીઓ પાસે જઈને કહ્યું: ૩ “અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રાહ, હેશ્બોન,+ એલઆલેહ, સબામ, નબો+ અને બેઓનનો+ વિસ્તાર, ૪ જેને યહોવાએ બધા ઇઝરાયેલીઓ માટે જીત્યો છે,+ એ વિસ્તાર ઢોરઢાંક માટે ખૂબ સારો છે અને તમારા આ સેવકો પાસે પુષ્કળ ઢોરઢાંક છે.”+ ૫ વધુમાં તેઓએ કહ્યું: “જો અમે તમારી નજરમાં કૃપા પામ્યા હોઈએ, તો એ વિસ્તાર અમને વારસા તરીકે આપો. અમને યર્દનને પેલે પાર લઈ જશો નહિ.”
૬ ત્યારે મૂસાએ ગાદના દીકરાઓને અને રૂબેનના દીકરાઓને કહ્યું: “તમારા ભાઈઓ યુદ્ધમાં જાય ને તમે અહીં બેસી રહેશો? ૭ તમે કેમ ઇઝરાયેલીઓની હિંમત તોડવા માંગો છો? તમારા લીધે તેઓ નિરાશ થઈ જશે અને એ દેશમાં જવાની ના પાડશે, જે યહોવા તેઓને આપવાના છે. ૮ મેં તમારા પિતાઓને કાદેશ-બાર્નેઆથી આ દેશ જોવા મોકલ્યા હતા ત્યારે, તેઓએ આવું જ કર્યું હતું.+ ૯ એશ્કોલની ખીણ+ પાસેથી એ દેશ જોયા પછી, તેઓએ ઇઝરાયેલીઓને એટલી હદે નિરાશ કરી દીધા કે યહોવા જે દેશ આપવાના હતા, એમાં જવાની ઇઝરાયેલીઓએ ના પાડી દીધી.+ ૧૦ એ દિવસે યહોવા એટલા ગુસ્સે ભરાયા હતા કે તેમણે સમ ખાધા:+ ૧૧ ‘ઇજિપ્તમાંથી જેઓ નીકળી આવ્યા છે, તેઓમાંથી ૨૦ વર્ષ કે એથી વધુ ઉંમરનો કોઈ પણ માણસ એ દેશ જોવા પામશે નહિ,+ કેમ કે તેઓ પૂરા દિલથી મારી પાછળ ચાલ્યા નથી. તેઓ એ દેશમાં નહિ જાય જે વિશે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.+ ૧૨ ફક્ત કનિઝ્ઝી યફૂન્નેહનો દીકરો કાલેબ+ અને નૂનનો દીકરો યહોશુઆ+ જ એ દેશમાં જશે, કેમ કે તેઓ યહોવા પાછળ પૂરા દિલથી ચાલ્યા છે.’+ ૧૩ આમ, યહોવાનો ગુસ્સો ઇઝરાયેલીઓ પર ભભૂકી ઊઠ્યો અને તેમણે તેઓને ૪૦ વર્ષ સુધી,+ એટલે કે યહોવાની નજરમાં દુષ્ટ કામ કરનાર પેઢીનો અંત ન આવ્યો ત્યાં સુધી વેરાન પ્રદેશમાં ભટકવા દીધા.+ ૧૪ હે પાપીઓના દીકરાઓ, હવે તમે પણ તમારા પિતાઓની જેમ વર્તીને ઇઝરાયેલ પર યહોવાનો ગુસ્સો વધારી રહ્યા છો. ૧૫ જો તમે તેમની પાછળ ચાલવાનું પડતું મૂકશો, તો તે ચોક્કસ આ લોકોને વેરાન પ્રદેશમાં ભટકવા પાછા છોડી દેશે અને તમે આ લોકોના નાશનું કારણ બનશો.”
૧૬ તેઓએ મૂસા પાસે આવીને કહ્યું: “અમને અહીં અમારાં બાળકો માટે શહેરો અને અમારાં ઘેટાં-બકરાં માટે પથ્થરના વાડા બાંધવા દો. ૧૭ પણ અમે હથિયાર સજીને+ ઇઝરાયેલીઓ સાથે જઈશું અને તેઓને જે વિસ્તાર મળવાનો છે, એમાં તેઓને ઠરીઠામ કરી ન દઈએ ત્યાં સુધી યુદ્ધમાં તેઓની આગળ રહીશું. એ દરમિયાન અમારાં બાળકો કોટવાળાં શહેરોમાં રહેશે, જેથી આ દેશના રહેવાસીઓ તેઓને નુકસાન ન પહોંચાડે. ૧૮ જ્યાં સુધી દરેક ઇઝરાયેલીને પોતપોતાના વારસાની જમીન નહિ મળે, ત્યાં સુધી અમે અમારા ઘરે પાછા નહિ આવીએ.+ ૧૯ અમે યર્દનને પેલે પાર તેઓ સાથે વારસો નહિ લઈએ, કેમ કે યર્દનની પૂર્વ તરફ અમને વારસો મળી ચૂક્યો છે.”+
૨૦ મૂસાએ તેઓને કહ્યું: “એમ હોય તો, તમે યુદ્ધ માટે હથિયારો સજીને યહોવા આગળ જાઓ.+ ૨૧ જો તમે બધા લોકો હથિયાર સજીને યહોવા આગળ યર્દન પાર કરો અને તે પોતાના દુશ્મનોને પોતાની આગળથી કાઢી મૂકે+ ૨૨ અને દેશ યહોવાના તાબામાં આવે+ એ પછી જ તમે પાછા ફરો,+ તો તમે યહોવા અને ઇઝરાયેલ આગળ દોષિત નહિ ઠરો. ત્યાર બાદ, યહોવા આગળ તમને આ વિસ્તાર વારસા તરીકે મળશે.+ ૨૩ પણ જો તમે એમ નહિ કરો, તો તમે યહોવા વિરુદ્ધ પાપ કરો છો. યાદ રાખજો, એ પાપનો જવાબ તમારે આપવો પડશે. ૨૪ તમે તમારાં બાળકો માટે શહેરો અને ઘેટાં-બકરાં માટે વાડા બાંધી શકો,+ પણ તમારા વચન પ્રમાણે જરૂર કરજો.”
૨૫ ગાદના દીકરાઓએ અને રૂબેનના દીકરાઓએ મૂસાને કહ્યું: “માલિક, તમારા કહ્યા પ્રમાણે તમારા આ સેવકો જરૂર કરશે. ૨૬ અમારાં બાળકો, પત્નીઓ, ઢોરઢાંક અને પાલતુ પ્રાણીઓ અહીં ગિલયાદનાં શહેરોમાં રહેશે.+ ૨૭ પણ તમારા કહ્યા પ્રમાણે તમારા આ સેવકો નદીને પેલે પાર જશે અને હથિયાર સજીને યહોવા આગળ યુદ્ધ કરશે.”+
૨૮ તેથી મૂસાએ તેઓ વિશે એલઆઝાર યાજકને, નૂનના દીકરા યહોશુઆને અને ઇઝરાયેલનાં કુટુંબોના વડાને આજ્ઞા આપી. ૨૯ મૂસાએ તેઓને કહ્યું: “જો ગાદના દીકરાઓ અને રૂબેનના દીકરાઓ તમારી સાથે યર્દન નદી પાર કરે અને તેઓમાંનો દરેક જણ હથિયાર સજીને યુદ્ધ માટે યહોવા આગળ જાય અને તમે દેશ કબજે કરો, તો તમે ગિલયાદનો વિસ્તાર તેઓને વારસા તરીકે જરૂર આપજો.+ ૩૦ પણ જો તેઓ હથિયાર સજીને તમારી સાથે પેલે પાર ન આવે, તો તેઓને કનાન દેશમાં તમારી સાથે જ વસાવજો.”
૩૧ ત્યારે ગાદના દીકરાઓ અને રૂબેનના દીકરાઓએ કહ્યું: “યહોવાના કહ્યા પ્રમાણે જ તમારા આ સેવકો કરશે. ૩૨ અમે હથિયાર સજીશું અને યહોવા આગળ યર્દન પાર કરીને કનાન દેશ જઈશું.+ પણ અમને યર્દનની આ બાજુ વારસો આપજો.” ૩૩ તેથી મૂસાએ ગાદના દીકરાઓને, રૂબેનના દીકરાઓને+ અને યૂસફના દીકરા મનાશ્શાના અડધા કુળને+ અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય+ અને બાશાનના રાજા ઓગનું રાજ્ય,+ એટલે કે તેઓના વિસ્તારનાં બધાં શહેરો અને એની આજુબાજુનાં શહેરો વારસા તરીકે આપ્યાં.
૩૪ ગાદના દીકરાઓએ આ શહેરો બાંધ્યાં:* દીબોન,+ અટારોથ,+ અરોએર,+ ૩૫ આટ્રોથ-શોફાન, યાઝેર,+ યોગ્બહાહ,+ ૩૬ બેથ-નિમ્રાહ+ અને બેથ-હારાન.+ તેઓએ એ કોટવાળાં શહેરો અને પોતાનાં ઘેટાં-બકરાં માટે પથ્થરના વાડા બાંધ્યાં. ૩૭ રૂબેનના દીકરાઓએ આ શહેરો બાંધ્યાં: હેશ્બોન,+ એલઆલેહ,+ કિર્યાથાઈમ,+ ૩૮ નબો,+ બઆલ-મેઓન+ (એ બંને શહેરોનાં નામ બદલાઈ ગયાં છે) અને સિબ્માહ. જે શહેરો તેઓએ ફરીથી બાંધ્યાં, એને તેઓએ નવાં નામ આપ્યાં.
૩૯ મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓએ+ ગિલયાદ જઈને એને જીતી લીધું અને ત્યાં વસતા અમોરીઓને હાંકી કાઢ્યા. ૪૦ તેથી મૂસાએ મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓને ગિલયાદ આપ્યું અને તેઓ ત્યાં રહેવા લાગ્યા.+ ૪૧ મનાશ્શાના દીકરા યાઈરે અમોરીઓ પર હુમલો કરીને તેઓનાં કેટલાંક ગામો* જીતી લીધાં અને તેઓને હાવ્વોથ-યાઈર* નામ આપ્યું.+ ૪૨ નોબાહે જઈને કનાથ અને એની આસપાસનાં નગરો જીતી લીધાં અને પોતાના નામ પરથી એનું નામ નોબાહ પાડ્યું.