બીજો કાળવૃત્તાંત
૧૫ પછી ઈશ્વરની શક્તિ ઓદેદના દીકરા અઝાર્યા પર આવી. ૨ એટલે તે આસાને મળવા ગયો અને કહ્યું: “હે આસા, હે યહૂદા અને બિન્યામીનના બધા લોકો, સાંભળો! જ્યાં સુધી તમે યહોવા સાથે રહેશો, ત્યાં સુધી તે તમારી સાથે રહેશે.+ તમે તેમની મદદ માંગશો તો તે તમને મદદ આપશે.+ પણ જો તમે તેમનો ત્યાગ કરશો, તો તે તમારો ત્યાગ કરશે.+ ૩ લાંબા સમય સુધી ઇઝરાયેલીઓ સાચા ઈશ્વરને ભજતા ન હતા અને નિયમશાસ્ત્ર પાળતા ન હતા. યાજકો તેઓને શીખવતા ન હતા.+ ૪ પણ તેઓ દુઃખ-તકલીફોમાં આવી પડ્યા ત્યારે, ઇઝરાયેલના ઈશ્વર યહોવા પાસે પાછા ફર્યા. તેઓએ ઈશ્વરની મદદ માંગી અને તેમણે તેઓને મદદ આપી.+ ૫ મુસીબતના સમયે મુસાફરી કરતા લોકોની કોઈ સલામતી ન હતી. દેશના બધા લોકોમાં ધાંધલ-ધમાલ મચી ગઈ હતી. ૬ એક પ્રજા બીજી પ્રજાને અને એક શહેર બીજા શહેરને કચડી નાખતું હતું. ઈશ્વરે અનેક પ્રકારની આફતોથી તેઓમાં અંધાધૂંધી ફેલાવી હતી.+ ૭ પણ તમે બળવાન થાઓ અને હિંમત હારશો નહિ,+ કેમ કે તમારાં કામોનું ઇનામ તમને જરૂર મળશે.”
૮ અઝાર્યાના એ શબ્દોથી અને ઓદેદ પ્રબોધકની ભવિષ્યવાણીથી આસાને હિંમત મળી. તેણે તરત જ યહૂદાના અને બિન્યામીનના આખા વિસ્તારમાંથી ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓનો વિનાશ કર્યો.+ એફ્રાઈમના પહાડી વિસ્તારમાં જીતી લીધેલાં શહેરોમાં પણ તેણે એમ જ કર્યું. તેણે યહોવાના મંદિરની પરસાળ આગળ આવેલી યહોવાની વેદીનું સમારકામ કરાવ્યું.+ ૯ તેણે યહૂદા અને બિન્યામીનમાંથી બધા લોકોને ભેગા કર્યા. તેઓ સાથે એફ્રાઈમ, મનાશ્શા અને શિમયોનમાં રહેતા પરદેશીઓને પણ તેણે બોલાવ્યા.+ એ પરદેશીઓ ઇઝરાયેલ છોડીને તેની પાસે આવ્યા હતા, કેમ કે તેઓએ જોયું હતું કે તેના ઈશ્વર યહોવા તેની સાથે હતા. ૧૦ આસાના શાસનના ૧૫મા વર્ષે, ત્રીજા મહિનામાં તેઓ યરૂશાલેમમાં ભેગા થયા. ૧૧ તેઓએ મેળવેલી લૂંટમાંથી એ દિવસે તેઓએ યહોવાને ૭૦૦ ઢોરઢાંક અને ૭,૦૦૦ ઘેટાંનું બલિદાન આપ્યું. ૧૨ તેઓએ એવો કરાર પણ કર્યો કે તેઓ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાની પૂરા દિલથી અને પૂરા જીવથી ભક્તિ કરશે.+ ૧૩ ઇઝરાયેલના ઈશ્વર યહોવાને જે નહિ ભજે તેને મારી નાખવામાં આવશે, ભલે તે નાનો હોય કે મોટો, સ્ત્રી હોય કે પુરુષ.+ ૧૪ તેઓએ મોટા અવાજે ખુશીના પોકાર સાથે, રણશિંગડાં અને તુરાઈ સાથે યહોવા આગળ સમ ખાધા. ૧૫ એ સમ ખાઈને યહૂદાના બધા લોકોમાં આનંદ આનંદ છવાઈ ગયો, કેમ કે તેઓએ પૂરાં દિલથી સમ ખાધા હતા. તેઓએ આતુર મનથી ઈશ્વરનું માર્ગદર્શન શોધ્યું અને તેઓને મળ્યું.+ યહોવાએ તેઓને ચારે બાજુ શાંતિ આપી.+
૧૬ અરે, રાજા આસાએ પોતાની દાદી માખાહને+ રાજમાતાના પદ પરથી હટાવી દીધી. માખાહે ભક્તિ-થાંભલાની ધિક્કાર ઊપજે એવી મૂર્તિ બનાવી હતી.+ આસાએ એ મૂર્તિ કાપી નાખી અને ભૂકો કરીને કિદ્રોન ખીણમાં બાળી નાખી.+ ૧૭ પણ ઇઝરાયેલમાંથી+ ભક્તિ-સ્થળો કાઢી નાખવામાં આવ્યાં ન હતાં.+ જોકે આસાએ આખી જિંદગી પૂરા દિલથી ઈશ્વરની ભક્તિ કરી.+ ૧૮ તે સાચા ઈશ્વરના મંદિરમાં ચાંદી, સોનું અને અનેક પ્રકારનાં વાસણો લાવ્યો, જે તેણે અને તેના પિતાએ પવિત્ર કર્યાં હતાં.+ ૧૯ આસાના શાસનના ૩૫મા વર્ષ સુધી કોઈ લડાઈ થઈ ન હતી.+