બીજો કાળવૃત્તાંત
૩૫ યોશિયાએ યરૂશાલેમમાં યહોવા માટે પાસ્ખાનો તહેવાર ઊજવ્યો.+ પહેલા મહિનાના ૧૪મા દિવસે+ તેઓએ પાસ્ખાનું બલિદાન કાપ્યું.+ ૨ યોશિયાએ યાજકોને તેઓની જવાબદારીઓ સોંપી અને ઉત્તેજન આપ્યું કે યહોવાના મંદિરમાં સેવા કરે.+ ૩ પછી તેણે આખા ઇઝરાયેલના શિક્ષકોને,+ એટલે કે યહોવા માટે પવિત્ર કરાયેલા લેવીઓને કહ્યું: “ઇઝરાયેલના રાજા દાઉદના દીકરા સુલેમાને બાંધેલા મંદિરમાં પવિત્ર કરારકોશ મૂકો.+ હવે તમારે કરારકોશ ખભે ઊંચકવાની જરૂર નથી.+ તમે તમારા ઈશ્વર યહોવાની અને ઇઝરાયેલના લોકોની સેવા કરો. ૪ ઇઝરાયેલના રાજા દાઉદે અને તેના દીકરા સુલેમાને આપેલી આજ્ઞા પ્રમાણે, તમે તમારા બાપદાદાઓનાં કુટુંબો અને સમૂહો પ્રમાણે તૈયાર થાઓ.+ ૫ તમે તમારા સમૂહોની ટુકડીઓ પ્રમાણે પવિત્ર સ્થાનમાં ઊભા રહેજો. તમારે એ રીતે ઊભા રહેવું કે લોકોના દરેક કુટુંબની સેવા માટે લેવીઓના કુટુંબની એક ટુકડી હોય. ૬ પાસ્ખાનું બલિદાન કાપો+ અને પોતાને શુદ્ધ કરો. તમારા ભાઈઓ માટે તૈયારી કરો, જેથી યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે તમે કરી શકો.”
૭ યોશિયાએ પાસ્ખાનાં બલિદાનો માટે ત્યાં હાજર લોકોને ઘેટાં-બકરાંનાં નર બચ્ચાં આપ્યાં. તેણે બધું થઈને ૩૦,૦૦૦ ઘેટાં-બકરાં અને ૩,૦૦૦ ઢોરઢાંક આપ્યાં. આ બધું રાજાની મિલકતમાંથી હતું.+ ૮ તેના આગેવાનોએ પણ લોકો, યાજકો અને લેવીઓને જાનવરોનું દાન કર્યું, જેથી તેઓ સ્વેચ્છા-અર્પણો ચઢાવે. સાચા ઈશ્વરના મંદિરના આગેવાનો હિલ્કિયા,+ ઝખાર્યા અને યહીએલે યાજકોને પાસ્ખા માટે ૨,૬૦૦ બલિદાનો અને એની સાથે ૩૦૦ ઢોરઢાંક આપ્યાં. ૯ પાસ્ખાનાં ૫,૦૦૦ બલિદાનો અને એની સાથે ૫૦૦ ઢોરઢાંક આ લોકોએ લેવીઓને દાનમાં આપ્યાં: કોનાન્યા અને તેના ભાઈઓ શમાયા અને નથાનએલ; લેવીઓના મુખીઓ હશાબ્યા, યેઈએલ અને યોઝાબાદ.
૧૦ બધી તૈયારીઓ થઈ ગયા પછી, રાજાની આજ્ઞા પ્રમાણે યાજકો પોતાની જગ્યાએ અને લેવીઓ પોતાના સમૂહોમાં ઊભા રહ્યા.+ ૧૧ તેઓએ પાસ્ખાનાં બલિદાનો કાપ્યાં.+ યાજકોએ લેવીઓ પાસેથી બલિદાનોનું લોહી લઈને વેદી પર છાંટ્યું.+ લેવીઓ જાનવરોનું ચામડું ઉતારતા ગયા.+ ૧૨ ત્યાર બાદ તેઓએ અગ્નિ-અર્પણો તૈયાર કર્યાં, જેથી પોતાના પિતાનાં કુટુંબો પ્રમાણે આવતા લોકોને એ વહેંચી આપે. એ માટે કે મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે તેઓ યહોવાને બલિદાનો અર્પણ કરી શકે. ઢોરઢાંકનાં બલિદાનોનું પણ તેઓએ એવું જ કર્યું. ૧૩ રિવાજ પ્રમાણે તેઓએ પાસ્ખાનું અર્પણ આગ પર રાંધ્યું.*+ તેઓએ હાંડલાં, દેગો અને તવાઓ પર પવિત્ર અર્પણો રાંધ્યાં અને બાકીના બધા લોકો પાસે તરત લઈ આવ્યા. ૧૪ તેઓએ પોતાના માટે અને યાજકો માટે પાસ્ખાનું અર્પણ તૈયાર કર્યું. યાજકો, એટલે કે હારુનના વંશજો અંધારું થતા સુધી અગ્નિ-અર્પણો અને ચરબી ચઢાવતા હતા. તેથી લેવીઓએ પોતાના માટે અને યાજકો, એટલે કે હારુનના વંશજો માટે તૈયારીઓ કરી.
૧૫ દાઉદ,+ આસાફ, હેમાન અને રાજા માટે દર્શન જોનાર યદૂથૂનની+ આજ્ઞા પ્રમાણે ગાયકો, એટલે કે આસાફના દીકરાઓ+ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. દરવાનો અલગ અલગ દરવાજે હતા.+ તેઓએ પોતાનું કામ છોડવાની જરૂર પડી નહિ, કેમ કે લેવીઓએ તેઓ માટે પાસ્ખાનું અર્પણ તૈયાર કર્યું હતું. ૧૬ યોશિયા રાજાના હુકમ પ્રમાણે પાસ્ખાનો તહેવાર ઊજવવાની+ અને યહોવાની વેદી પર અગ્નિ-અર્પણો ચઢાવવાની બધી તૈયારીઓ થઈ ગઈ. એ દિવસે યહોવાની ભક્તિ માટેની બધી ગોઠવણો પૂરી થઈ.+
૧૭ એ સમયે હાજર ઇઝરાયેલીઓએ પાસ્ખાનો તહેવાર ઊજવ્યો અને પછી સાત દિવસ સુધી બેખમીર રોટલીનો તહેવાર ઊજવ્યો.+ ૧૮ પ્રબોધક શમુએલના સમયથી પાસ્ખાના તહેવારની આટલી મોટી ઉજવણી ઇઝરાયેલમાં કદી થઈ ન હતી. યોશિયા, યાજકો, લેવીઓ, ત્યાં હાજર યહૂદાના અને ઇઝરાયેલના લોકોએ તેમજ યરૂશાલેમના બધા લોકોએ રાખેલા આ તહેવારની તેઓએ ખૂબ ધામધૂમથી ઉજવણી કરી. તેઓએ એવી ઉજવણી કરી, જેવી ઇઝરાયેલના કોઈ રાજાએ કરી ન હતી.+ ૧૯ યોશિયા રાજાના શાસનના ૧૮મા વર્ષે આ પાસ્ખા ઊજવવામાં આવ્યું હતું.
૨૦ યોશિયાએ મંદિરની બધી ગોઠવણો પૂરી કરી. ત્યાર બાદ ઇજિપ્તનો રાજા નકોહ+ યુફ્રેટિસ* પાસે કાર્કમીશના વિસ્તારમાં ચઢી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો.+ ૨૧ નકોહે માણસો મોકલીને આ સંદેશો આપ્યો: “ઓ યહૂદાના રાજા, તારે ને મારે શું? આજે હું તારી સામે નહિ, પણ બીજા દેશ સામે લડવા આવ્યો છું. ઈશ્વરે મને ઉતાવળ કરવાનું કહ્યું છે અને તે મારી સાથે છે. તારું ભલું ચાહતો હોય તો ઈશ્વરના માર્ગમાં આડે ન આવ, નહિ તો તે તારો નાશ કરી નાખશે.” ૨૨ તોપણ યોશિયાએ તેનું માન્યું નહિ. તે વેશ બદલીને+ તેની સામે લડવા ગયો. નકોહે કહેલા શબ્દો તેણે ધ્યાન પર લીધા નહિ, જે ઈશ્વર તરફથી હતા. તે લડાઈ કરવા મગિદ્દોના મેદાનમાં ઊતરી પડ્યો.+
૨૩ તીરંદાજોએ યોશિયા રાજા પર તીરોનો મારો ચલાવ્યો. રાજાએ પોતાના સેવકોને કહ્યું: “મને અહીંથી દૂર લઈ જાઓ, હું સખત ઘવાયો છું.” ૨૪ એટલે તેના સેવકો તેને એક રથમાંથી ઉતારીને બીજા રથમાં બેસાડી યરૂશાલેમ લઈ આવ્યા. ત્યાં તેનું મરણ થયું અને તેને તેના બાપદાદાઓની જેમ કબરમાં દફનાવવામાં આવ્યો.+ આખા યહૂદાએ અને યરૂશાલેમે યોશિયા માટે શોક કર્યો. ૨૫ યર્મિયાએ+ યોશિયા માટે શોકગીતો ગાયાં. બધાં ગાયક-ગાયિકાઓ+ આજ સુધી પોતાનાં વિલાપગીતોમાં* યોશિયા વિશે ગાય છે. પછી નક્કી થયું કે એ ગીતો ઇઝરાયેલમાં ગાવામાં આવે. એ ગીતો વિલાપગીતોમાં લખી લેવામાં આવ્યાં.
૨૬ યોશિયાનો બાકીનો ઇતિહાસ અને યહોવાના નિયમશાસ્ત્રમાં જે લખેલું છે એ પ્રમાણે તેના અતૂટ પ્રેમનાં કામો, ૨૭ શરૂઆતથી લઈને અંત સુધી તેણે જે કંઈ કર્યું, એ બધું ઇઝરાયેલના અને યહૂદાના રાજાઓના પુસ્તકમાં લખેલું છે.+