ગણના
૩૦ પછી મૂસાએ ઇઝરાયેલના દરેક કુળના વડાને કહ્યું:+ “યહોવાએ આ આજ્ઞા આપી છે: ૨ જો કોઈ પુરુષ યહોવા આગળ માનતા લે+ અથવા સમ ખાઈને+ કોઈ વસ્તુનો ત્યાગ કરવાની* માનતા લે, તો તેણે પોતાના શબ્દોથી ફરી જવું નહિ.+ તેણે પોતાની માનતા પૂરી કરવી.+
૩ “જો કોઈ યુવતી પોતાના પિતાના ઘરમાં રહેતી હોય ત્યારે, યહોવા આગળ માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા લે ૪ અને તેનો પિતા એ માનતા વિશે સાંભળીને કોઈ વાંધો ન ઉઠાવે, તો તેણે પોતાની બધી માનતાઓ પૂરી કરવી. કોઈ વસ્તુનો ત્યાગ કરવા વિશે તેણે જે માનતા લીધી હોય, એ પણ પૂરી કરવી. ૫ પણ જો તેના પિતા તેની માનતા વિશે કે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા વિશે સાંભળે અને એ પૂરી કરવાની મના કરે, તો તે યુવતી એ માનતા પૂરી કરવા બંધાયેલી નથી. યહોવા તેને માફ કરશે, કેમ કે તેના પિતાએ તેને મના કરી છે.+
૬ “પણ જો કોઈ યુવતી માનતા લે અથવા ઉતાવળે કોઈ વચન આપે અને પછી તેના લગ્ન થાય ૭ અને તેનો પતિ એ વિશે સાંભળે અને એ દિવસે કોઈ વાંધો ન ઉઠાવે, તો તે યુવતીએ પોતાની માનતા કે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા પૂરી કરવી. ૮ પણ જો પત્નીની માનતા કે ઉતાવળે આપેલા વચન વિશે સાંભળીને પતિ એ જ દિવસે તેને મના કરે, તો એ માનતા કે વચનને પતિ રદ કરી શકે છે+ અને યહોવા તે યુવતીને માફ કરશે.
૯ “પણ જો કોઈ વિધવા કે છૂટાછેડા પામેલી સ્ત્રી માનતા લે, તો તે પોતાની માનતા પૂરી કરવા બંધાયેલી છે.
૧૦ “પણ જો કોઈ સ્ત્રી પતિના ઘરમાં રહેતી હોય ત્યારે, કોઈ માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા લે ૧૧ અને તેનો પતિ એ વિશે સાંભળીને કોઈ વાંધો ન ઉઠાવે કે એની મના ન કરે, તો તે સ્ત્રીએ પોતાની માનતા કે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા જરૂર પૂરી કરવી. ૧૨ પણ જો તેનો પતિ તેની માનતા કે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા વિશે સાંભળે અને એ જ દિવસે એને રદ કરે, તો તે સ્ત્રી એ માનતા પૂરી કરવા બંધાયેલી નથી.+ યહોવા તેને માફ કરશે, કેમ કે તેના પતિએ તેની માનતા રદ કરી છે. ૧૩ જો કોઈ સ્ત્રી માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા લે, તો તેનો પતિ તેની માનતાને મંજૂર કે રદ કરી શકે છે. ૧૪ પણ જો તેનો પતિ એ માનતા વિશે સાંભળ્યા પછીના દિવસોમાં કોઈ વાંધો ન ઉઠાવે, તો તે પત્નીની માનતા કે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતાને મંજૂરી આપે છે એમ સમજવું. એ માનતાને તે મંજૂરી આપે છે, કેમ કે સાંભળ્યું એ દિવસે તેણે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. ૧૫ પણ પતિએ જે દિવસે પત્નીની માનતા વિશે સાંભળ્યું હોય, એ દિવસ પછીના કોઈ સમયે એને રદ કરે તો, પત્નીના દોષનાં પરિણામો પતિએ ભોગવવાં પડશે.+
૧૬ “પતિ અને તેની પત્ની વિશે તેમજ પિતા અને તેના ઘરમાં રહેતી તેની દીકરી વિશે એ નિયમો યહોવાએ મૂસાને આપ્યા હતા.”