બીજો કાળવૃત્તાંત
૧૨ રહાબઆમનું રાજ અડગ થયું અને તે બળવાન થયો.+ એ પછી તરત જ તેણે યહોવાના નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો.+ તેની સાથે આખા ઇઝરાયેલે પણ એમ જ કર્યું. ૨ તેઓ યહોવાને વફાદાર રહ્યા નહિ. એટલે રાજા રહાબઆમના શાસનના પાંચમા વર્ષે, ઇજિપ્તનો રાજા શીશાક+ યરૂશાલેમ પર ચઢી આવ્યો. ૩ તેની પાસે ૧,૨૦૦ રથો અને ૬૦,૦૦૦ ઘોડેસવારો હતા. તેની પાસે અગણિત સૈનિકોનું લશ્કર હતું, જેમાં લિબિયા, સુક્કીમ અને ઇથિયોપિયાના સૈનિકો હતા.+ ૪ તેણે યહૂદાનાં કોટવાળાં શહેરો જીતી લીધાં અને છેવટે યરૂશાલેમ આવી પહોંચ્યો.
૫ શીશાકને લીધે રહાબઆમ અને યહૂદાના આગેવાનો યરૂશાલેમમાં ભેગા થયા હતા. પ્રબોધક શમાયાએ+ તેઓ પાસે જઈને કહ્યું: “યહોવા કહે છે, ‘તમે મારો ત્યાગ કર્યો છે.+ એટલે હું તમને શીશાકના હાથમાં સોંપી દઈશ.’” ૬ એ સાંભળીને રાજા અને ઇઝરાયેલના આગેવાનો ઈશ્વર આગળ નમ્ર બની ગયા+ અને કહ્યું: “યહોવાએ જે કર્યું એ બરાબર છે.” ૭ યહોવાએ જોયું કે તેઓ નમ્ર બની ગયા હતા. એટલે શમાયા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો: “તેઓ મારી આગળ નમ્ર બની ગયા છે. હું તેઓનો નાશ નહિ કરું.+ થોડા સમય પછી હું તેઓને છોડાવી લઈશ. હું શીશાક દ્વારા યરૂશાલેમ પર મારો કોપ નહિ રેડું. ૮ પણ તેઓ તેના ગુલામો થશે. તેઓને ખબર પડશે કે મારી સેવા કરવામાં અને બીજા દેશોના રાજાઓની* સેવા કરવામાં કેટલો મોટો ફરક છે.”
૯ ઇજિપ્તના રાજા શીશાકે યરૂશાલેમ પર ચઢાઈ કરી. તેણે યહોવાના મંદિરનો ખજાનો અને રાજમહેલનો ખજાનો લૂંટી લીધો.+ તેણે બધું જ લૂંટી લીધું. અરે, સુલેમાને બનાવેલી સોનાની ઢાલો પણ તે લઈ ગયો.+ ૧૦ રાજા રહાબઆમે એના બદલે તાંબાની ઢાલો બનાવી. એની સંભાળ રાખવાની જવાબદારી તેણે મહેલના દરવાજે ચોકી કરતા રક્ષકોના ઉપરીઓને સોંપી. ૧૧ રાજા જ્યારે જ્યારે યહોવાના મંદિરમાં આવતો, ત્યારે ત્યારે રક્ષકો તેની સાથે આવીને એ ઢાલો લેતા. પછી તેઓ એને રક્ષકોની ઓરડીમાં પાછી મૂકી દેતા. ૧૨ યહોવા આગળ રાજા નમ્ર બન્યો હોવાથી, તેના પરથી તેમનો ગુસ્સો ઊતરી ગયો.+ ઈશ્વરે તેનો અને તેના લોકોનો પૂરેપૂરો નાશ કર્યો નહિ.+ યહૂદાના લોકોમાં અમુક સારાં કામો પણ જોવાં મળ્યાં હતાં.+
૧૩ રહાબઆમ રાજાએ યરૂશાલેમમાં પોતાની સત્તા અડગ કરી અને રાજ કરતો રહ્યો. રહાબઆમ રાજા બન્યો ત્યારે ૪૧ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૭ વર્ષ રાજ કર્યું. એ શહેર તો યહોવાએ પોતાના નામને મહિમા આપવા ઇઝરાયેલનાં બધાં કુળોમાંથી પસંદ કર્યું હતું. રાજાની માનું નામ નાઅમાહ હતું અને તે આમ્મોનની હતી.+ ૧૪ પણ યહોવાનું માર્ગદર્શન શોધવા રાજાએ મન મક્કમ કર્યું ન હતું. એટલે જે ખોટું હતું, એ જ તેણે કર્યું.+
૧૫ રહાબઆમની શરૂઆતથી લઈને અંત સુધીનો ઇતિહાસ શમાયા+ પ્રબોધકનાં અને દર્શન જોનાર ઈદ્દોનાં+ લખાણોમાં જોવા મળે છે, જે વંશાવળીની નોંધમાં છે. રહાબઆમ અને યરોબઆમ વચ્ચે લડાઈઓ ચાલતી રહી.+ ૧૬ રહાબઆમનું મરણ થયું અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો.+ તેનો દીકરો અબિયા+ તેની જગ્યાએ રાજા બન્યો.