બીજો કાળવૃત્તાંત
૧૦ રહાબઆમ શખેમ+ ગયો, કેમ કે ઇઝરાયેલના બધા લોકો તેને રાજા બનાવવા ત્યાં ભેગા થયા હતા.+ ૨ નબાટના દીકરા યરોબઆમે+ એ વિશે સાંભળ્યું કે તરત તે ઇજિપ્તથી પાછો આવ્યો (તે હજી ઇજિપ્તમાં હતો, કેમ કે રાજા સુલેમાનને લીધે તે ઇજિપ્ત નાસી છૂટ્યો હતો).+ ૩ લોકોએ યરોબઆમને બોલાવવા માણસો મોકલ્યા. યરોબઆમે અને ઇઝરાયેલના બધા લોકોએ રહાબઆમ પાસે આવીને કહ્યું: ૪ “તમારા પિતાએ અમારી પાસે સખત મજૂરી કરાવી હતી+ અને અમારા પર ભારે બોજો નાખ્યો હતો. જો તમે એમાં રાહત આપશો અને અમારો બોજો હળવો કરશો, તો અમે તમારી સેવા કરીશું.”
૫ રહાબઆમે તેઓને કહ્યું: “ત્રીજા દિવસે મારી પાસે પાછા આવજો.” એટલે લોકો ચાલ્યા ગયા.+ ૬ રાજા રહાબઆમે વૃદ્ધ માણસોની સલાહ લીધી. તેનો પિતા સુલેમાન જીવતો હતો ત્યારે, તેઓ તેના સલાહકારો હતા. રહાબઆમે તેઓને પૂછ્યું: “તમારી શું સલાહ છે, આ લોકોને કેવો જવાબ આપીએ?” ૭ તેઓએ કહ્યું: “જો તમે આ લોકોનું ભલું કરશો, તેઓને રાજી રાખશો અને તેઓને મીઠાશથી જવાબ આપશો, તો તેઓ હંમેશ માટે તમારા સેવકો બનીને રહેશે.”
૮ પણ રહાબઆમે વૃદ્ધ માણસોની સલાહ માની નહિ. તેણે એ યુવાનોની સલાહ લીધી, જેઓ તેની સાથે મોટા થયા હતા અને હવે તેના સેવકો હતા.+ ૯ તેણે તેઓને પૂછ્યું: “લોકો કહે છે કે ‘તમારા પિતાએ નાખેલો ભારે બોજો હળવો કરો.’ તમારી શું સલાહ છે, તેઓને કેવો જવાબ આપીએ?” ૧૦ તેની સાથે મોટા થયેલા યુવાનોએ કહ્યું: “લોકો ભલે કહે કે, ‘તમારા પિતાએ અમારા પર ભારે બોજો નાખ્યો હતો, પણ તમે એ હળવો કરી આપો.’ પણ તમે તેઓને આમ કહેજો: ‘હું મારા પિતા કરતાં વધારે કઠોર બનીશ.* ૧૧ મારા પિતાએ તમારા પર ભારે બોજો નાખ્યો હતો, હું એ હજુ પણ વધારીશ. મારા પિતાએ તમને ચાબુકથી સજા કરી હતી, પણ હું કોરડાથી* સજા કરીશ.’”
૧૨ રહાબઆમ રાજાએ લોકોને કહ્યું હતું કે, “ત્રીજા દિવસે મારી પાસે આવજો.” એટલે યરોબઆમ અને બધા લોકો ત્રીજા દિવસે રાજા પાસે આવ્યા.+ ૧૩ રાજાએ લોકોને કડકાઈથી જવાબ આપ્યો અને વૃદ્ધ માણસોની સલાહ માની નહિ. ૧૪ તેણે યુવાનોની સલાહ પ્રમાણે લોકોને જવાબ આપ્યો અને કહ્યું: “મારા પિતાએ તમારા પર ભારે બોજો નાખ્યો હતો, હું એમાં વધારો કરીશ. મારા પિતાએ તમને ચાબુકથી સજા કરી હતી, પણ હું કોરડાથી સજા કરીશ.” ૧૫ રાજાએ લોકોનું સાંભળ્યું નહિ, કેમ કે આ બધા પાછળ સાચા ઈશ્વરનો હાથ હતો.+ યહોવાએ શીલોહના પ્રબોધક અહિયા દ્વારા નબાટના દીકરા યરોબઆમને આપેલું વચન પૂરું થાય,+ એ માટે એવું થયું.
૧૬ બધા ઇઝરાયેલીઓએ* જોયું કે રાજાએ તેઓનું સાંભળ્યું નથી. એટલે તેઓએ રાજાને કહ્યું: “દાઉદ સાથે અમારે શું લેવાદેવા? યિશાઈના દીકરાના વારસામાં અમારો કોઈ ભાગ નથી. ઓ ઇઝરાયેલીઓ, જાઓ અને પોતાના દેવોની ભક્તિ કરો. ઓ દાઉદના વંશજો, હવેથી તમે પોતે તમારી સંભાળ રાખજો.”+ એમ કહીને બધા ઇઝરાયેલીઓ પોતપોતાનાં ઘરે* પાછા ફર્યા.+
૧૭ પણ રહાબઆમ યહૂદાનાં શહેરોમાં રહેતા ઇઝરાયેલીઓ પર રાજ કરતો રહ્યો.+
૧૮ રાજા રહાબઆમે ઇઝરાયેલીઓ પાસે હદોરામને+ મોકલ્યો, જે રાજાના મજૂરોનો ઉપરી હતો. પણ બધા ઇઝરાયેલીઓએ તેને પથ્થરોથી એવો માર્યો કે તે મરી ગયો. એટલે રહાબઆમ પોતાના રથમાં બેસીને યરૂશાલેમ નાસી ગયો.+ ૧૯ ઇઝરાયેલીઓ આજ સુધી દાઉદના વંશજો સામે બળવો કરે છે.