પહેલો શમુએલ
૫ પલિસ્તીઓ સાચા ઈશ્વરનો કરારકોશ કબજે કરીને+ એબેન-એઝેરથી આશ્દોદ લઈ આવ્યા. ૨ તેઓ સાચા ઈશ્વરનો કરારકોશ તેઓના દેવ દાગોનના મંદિરમાં* લાવ્યા અને એને દાગોનની મૂર્તિની બાજુમાં મૂક્યો.+ ૩ આશ્દોદીઓએ બીજા દિવસે વહેલા ઊઠીને જોયું તો, યહોવાના કરારકોશ આગળ દાગોનની મૂર્તિ ઊંધા મોઢે જમીન પર પડી હતી.+ તેઓએ એને ઉઠાવીને એની જગ્યાએ પાછી મૂકી.+ ૪ એ પછીના દિવસે તેઓએ વહેલા ઊઠીને જોયું તો, યહોવાના કરારકોશ આગળ દાગોનની મૂર્તિ ફરીથી ઊંધા મોઢે જમીન પર પડી હતી. દાગોનનું માથું અને બંને હાથની હથેળીઓ કપાઈને ઉંબરા પર પડેલાં હતાં. માછલી જેવું દેખાતું તેનું ધડ બાકી રહી ગયું હતું.* ૫ એના લીધે દાગોનના યાજકો અને તેના મંદિરમાં જનારા બધા લોકો આશ્દોદમાં આવેલા દાગોનના મંદિરના ઉંબરા પર આજ સુધી પગ મૂકતા નથી.
૬ યહોવાએ આશ્દોદીઓને સખત સજા કરી અને તેઓ પર આફત લાવ્યા. તેમણે આશ્દોદ અને એની આસપાસના વિસ્તારોના લોકોમાં ગાંઠનો રોગ* ફેલાવ્યો.+ ૭ આ બધું જોઈને આશ્દોદના લોકોએ કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વરનો કરારકોશ આપણી પાસે નથી રાખવો, કેમ કે તેમણે આપણને અને આપણા દેવ દાગોનને સખત સજા કરી છે.” ૮ આશ્દોદીઓએ સંદેશો મોકલીને પલિસ્તીઓના બધા શાસકોને ભેગા કર્યા અને પૂછ્યું: “ઇઝરાયેલના ઈશ્વરના કરારકોશનું આપણે શું કરીએ?” તેઓએ જવાબ આપ્યો: “ઇઝરાયેલના ઈશ્વરના કરારકોશને ગાથ લઈ જઈએ.”+ એટલે તેઓ ઇઝરાયેલના ઈશ્વરનો કરારકોશ ગાથ લઈ ગયા.
૯ તેઓ કરારકોશ એ શહેરમાં લઈ ગયા પછી, ત્યાંના લોકોને યહોવાએ સખત સજા કરી અને તેઓમાં ડર છવાઈ ગયો. તેમણે નાના-મોટા બધામાં ગાંઠનો રોગ ફેલાવી દીધો.+ ૧૦ તેથી ગાથના લોકોએ સાચા ઈશ્વરનો કરારકોશ એક્રોન+ મોકલી આપ્યો. સાચા ઈશ્વરનો કરારકોશ જેવો એક્રોન પહોંચ્યો કે તરત ત્યાંના લોકો પોકારી ઊઠ્યા: “શું તેઓ ઇઝરાયેલના ઈશ્વરનો કરારકોશ એ માટે અહીં લાવ્યા કે આપણે અને આપણા લોકો માર્યા જઈએ?”+ ૧૧ તેઓએ સંદેશો મોકલીને પલિસ્તીઓના બધા શાસકોને ભેગા કર્યા અને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વરનો કરારકોશ અહીંથી દૂર લઈ જાઓ. એને એની જગ્યાએ પાછો મોકલી આપો, જેથી અમે અને અમારા લોકો માર્યા ન જઈએ.” આખા શહેર પર મોતનો ડર છવાઈ ગયો હતો. ત્યાંના લોકોને સાચા ઈશ્વરે સખત સજા કરી.+ ૧૨ જેઓને મોત ભરખી ગયું ન હતું, તેઓ ગાંઠના રોગથી પીડાતા હતા. શહેરના લોકોનો મદદ માટેનો પોકાર છેક આસમાને પહોંચ્યો હતો.