પહેલો શમુએલ
૬ યહોવાનો કરારકોશ+ પલિસ્તીઓના વિસ્તારમાં સાત મહિના સુધી હતો. ૨ પલિસ્તીઓએ પોતાના યાજકો અને શુકન જોનારાઓને+ બોલાવીને પૂછ્યું: “યહોવાના કરારકોશનું અમે શું કરીએ? અમને જણાવો કે એની જગ્યાએ પાછો મોકલી આપવા અમે શું કરીએ.” ૩ તેઓએ જવાબ આપ્યો: “જો તમે ઇઝરાયેલના ઈશ્વર યહોવાનો કરારકોશ પાછો મોકલતા હોવ, તો અર્પણ વગર ન મોકલતા. તમારે તેમને દોષ-અર્પણ* ચોક્કસ મોકલવું.+ ત્યાર પછી જ તમે સાજા થશો અને તમને ખબર પડશે કે તે કેમ સજા કરી રહ્યા છે.” ૪ પલિસ્તીઓએ પૂછ્યું: “દોષ-અર્પણ તરીકે અમે તેમને શું મોકલીએ?” તેઓએ કહ્યું: “પલિસ્તીઓના શાસકોની ગણતરી પ્રમાણે+ તમારે સોનાની પાંચ ગાંઠો* અને સોનાના પાંચ ઉંદર મોકલવા, કેમ કે તમને દરેકને અને તમારા શાસકોને એકસરખો રોગ થયો છે. ૫ તમને થયેલી ગાંઠોની મૂર્તિઓ અને ઉંદરોની મૂર્તિઓ બનાવવી,+ જેના લીધે તમારો દેશ બરબાદ થઈ ગયો છે. તમે ઇઝરાયેલના ઈશ્વરને માન-મહિમા આપો. કદાચ તે તમને, તમારા દેવને અને તમારા દેશને સજા કરવાનું બંધ કરે.+ ૬ ઇજિપ્તના લોકો અને એના રાજાની* જેમ, તમે કેમ તમારાં દિલ કઠણ કરો છો?+ ઈશ્વરે જ્યારે તેઓને કડક સજા કરી,+ ત્યારે તેઓએ ઇઝરાયેલીઓને જવા દેવા પડ્યા અને તેઓ ઇજિપ્તમાંથી નીકળી ગયા.+ ૭ હવે એક નવું ગાડું તૈયાર કરો. એવી બે ગાયો લો, જેઓને વાછરડાઓ જન્મ્યાં હોય અને જેઓ પર કદી ઝૂંસરી* મુકાઈ ન હોય. પછી તેઓને ગાડામાં જોડો, પણ વાછરડાઓને તેઓ પાસેથી વાડામાં પાછાં લઈ જાઓ. ૮ યહોવાનો કરારકોશ લઈને ગાડા પર મૂકો. એની બાજુમાં એક પેટીની અંદર સોનાની મૂર્તિઓ મૂકો, જે તમે દોષ-અર્પણ તરીકે તેમને મોકલો છો.+ પછી ગાડાને એને રસ્તા જવા દો ૯ અને જુઓ કે શું થાય છે. જો એ એના વિસ્તાર બેથ-શેમેશના+ રસ્તે જાય, તો સમજવું કે ઇઝરાયેલના ઈશ્વર આપણા પર મોટી આફત લાવ્યા છે. જો એમ ન થાય, તો માનીશું કે તેમણે આપણને સજા કરી નથી, પણ આપણે સમય અને સંજોગોના શિકાર બન્યા છીએ.”
૧૦ લોકોએ એવું જ કર્યું. તેઓએ બે ગાયો લીધી, જેઓને વાછરડાઓ જન્મ્યાં હતાં. તેઓએ એ ગાયોને ગાડા સાથે જોડી અને વાછરડાઓને ઘરે વાડામાં બાંધી દીધાં. ૧૧ પછી તેઓએ યહોવાનો કરારકોશ ગાડા પર મૂક્યો. એની સાથે સાથે પેટી પણ મૂકી, જેમાં તેઓની ગાંઠોની અને ઉંદરોની સોનાની મૂર્તિઓ હતી. ૧૨ ગાયો સીધી બેથ-શેમેશના+ રસ્તે ચાલી નીકળી. તેઓ એક જ માર્ગે ભાંભરતી ભાંભરતી જતી હતી, ન તો ડાબે વળી, ન તો જમણે. પલિસ્તીઓના શાસકો તેઓની પાછળ પાછળ છેક બેથ-શેમેશની સરહદ સુધી આવ્યા. ૧૩ બેથ-શેમેશના લોકો નીચાણ પ્રદેશમાં* ઘઉંની કાપણી કરતા હતા. તેઓએ નજર ઉઠાવીને જોયું તો કરારકોશ દેખાયો. એ જોઈને તેઓની ખુશીનો પાર ન રહ્યો. ૧૪ ગાડું બેથ-શેમેશના યહોશુઆના ખેતરમાં આવીને એક મોટા પથ્થર આગળ અટકી ગયું. લોકોએ ગાડાનાં લાકડાં કાપી નાખ્યાં અને ગાયોનું+ અગ્નિ-અર્પણ* યહોવાને ચઢાવ્યું.
૧૫ લેવીઓએ+ યહોવાનો કરારકોશ ઉતારી લીધો અને એની સાથે મૂકેલી પેટી પણ ઉતારી લીધી, જેમાં સોનાની મૂર્તિઓ હતી. તેઓએ એ બધું મોટા પથ્થર પર મૂક્યું. એ દિવસે બેથ-શેમેશના+ લોકોએ યહોવાને અગ્નિ-અર્પણો અને બલિદાનો ચઢાવ્યાં.
૧૬ એ જોયા બાદ પલિસ્તીઓના પાંચ શાસકો એ જ દિવસે એક્રોન પાછા ફર્યા. ૧૭ પલિસ્તીઓએ દોષ-અર્પણ તરીકે યહોવાને મોકલેલી સોનાની ગાંઠો આ પ્રમાણે હતી:+ આશ્દોદની+ એક, ગાઝાની એક, આશ્કલોનની એક, ગાથની+ એક અને એક્રોનની+ એક. ૧૮ તેઓએ મોકલેલા સોનાના ઉંદરો પલિસ્તીઓના પાંચ શાસકોનાં બધાં શહેરોની ગણતરી પ્રમાણે હતા. એટલે કે બધાં કોટવાળાં શહેરો અને ખુલ્લા મેદાનમાં આવેલાં ગામડાઓ પ્રમાણે હતા.
બેથ-શેમેશના યહોશુઆના ખેતરમાં જે મોટા પથ્થર પર યહોવાનો કરારકોશ મૂકવામાં આવ્યો હતો, એ પથ્થર આજ સુધી એની સાક્ષી પૂરે છે. ૧૯ પણ બેથ-શેમેશના લોકોએ યહોવાનો કરારકોશ જોયો હોવાથી, ઈશ્વરે તેઓને માર્યા. ઈશ્વરે તેઓમાંથી ૫૦,૦૭૦ને* મારી નાખ્યા. યહોવાએ આટલો મોટો સંહાર કર્યો હોવાથી, લોકો વિલાપ કરવા લાગ્યા.+ ૨૦ બેથ-શેમેશના લોકોએ પૂછ્યું: “આ પવિત્ર ઈશ્વર યહોવા આગળ કોણ ઊભું રહી શકે?+ ઈશ્વરનો કરારકોશ આપણે અહીંથી ક્યાં મોકલી આપીએ?”*+ ૨૧ તેઓએ કિર્યાથ-યઆરીમના+ લોકોને આ સંદેશો મોકલ્યો: “પલિસ્તીઓએ યહોવાનો કરારકોશ પાછો મોકલી આપ્યો છે. અહીં આવીને એ તમારી સાથે લઈ જાઓ.”+