હઝકિયેલ
૪૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘અંદરના આંગણાનો પૂર્વ તરફનો દરવાજો+ કામના છ દિવસ+ બંધ રાખવામાં આવે.+ પણ સાબ્બાથના દિવસે અને ચાંદરાતના દિવસે એ ખોલવામાં આવે. ૨ આગેવાન બહારના આંગણામાંથી દરવાજાની પરસાળમાં આવે.+ તે દરવાજાની બારસાખ પાસે ઊભો રહે. યાજકો તેણે આપેલાં અગ્નિ-અર્પણ અને શાંતિ-અર્પણો ચઢાવે. તે દરવાજાના ઉંબરા પાસે નમન કરે અને પછી બહાર નીકળી જાય. પણ દરવાજો સાંજ સુધી બંધ કરવો નહિ. ૩ સાબ્બાથે અને ચાંદરાતે દેશના લોકો પણ એ દરવાજા પાસે આવીને યહોવા આગળ નમન કરે.+
૪ “‘આગેવાન સાબ્બાથના દિવસે યહોવાને જે અગ્નિ-અર્પણ ચઢાવે, એમાં ઘેટાના છ નર બચ્ચા અને એક નર ઘેટો હોય. એ ખોડખાંપણ વગરના હોય.+ ૫ નર ઘેટા માટે તે એક એફાહ* અનાજ-અર્પણ આપે. ઘેટાના નર બચ્ચા માટે તે જે કંઈ આપી શકે એ આપે. દરેક એફાહ સાથે તે એક હીન* તેલ પણ આપે.+ ૬ ચાંદરાતના દિવસે અર્પણ માટે તે ટોળામાંથી એક આખલો, ઘેટાના છ નર બચ્ચા અને એક નર ઘેટો આપે. એ બધા ખોડખાંપણ વગરના હોય.+ ૭ આખલા માટે એક એફાહ અને નર ઘેટા માટે એક એફાહ અનાજ-અર્પણ તે આપે. ઘેટાના નર બચ્ચા માટે તે જે કંઈ આપી શકે એ આપે. દરેક એફાહ સાથે તે એક હીન તેલ પણ આપે.
૮ “‘આગેવાન આવે ત્યારે, દરવાજાની પરસાળથી આવે અને એ જ રસ્તે તે પાછો જાય.+ ૯ તહેવારોના સમયે દેશના લોકો યહોવા આગળ આવે.+ જેઓ ઉત્તરના દરવાજાથી ભક્તિ કરવા અંદર આવે,+ તેઓ દક્ષિણના દરવાજાથી બહાર જાય.+ જેઓ દક્ષિણના દરવાજાથી આવે, તેઓ ઉત્તરના દરવાજાથી બહાર જાય. જે દરવાજાથી તેઓ અંદર આવે, એ જ દરવાજાથી પાછા બહાર ન જાય. તેઓએ પોતાની સામેના દરવાજાથી બહાર જવું. ૧૦ તેઓમાં જે આગેવાન હોય, તેણે તેઓની સાથે અંદર આવવું અને તેઓની સાથે બહાર જવું. ૧૧ તહેવારોના* સમયે આખલા માટે તે એક એફાહ અને નર ઘેટા માટે એક એફાહ અનાજ-અર્પણ આપે. ઘેટાના નર બચ્ચા માટે તે જે કંઈ આપી શકે એ આપે. દરેક એફાહ સાથે તે એક હીન તેલ પણ આપે.+
૧૨ “‘જો આગેવાન યહોવા માટે સ્વેચ્છા-અર્પણ* તરીકે અગ્નિ-અર્પણ+ અને શાંતિ-અર્પણો લાવે, તો તેના માટે પૂર્વ તરફનો દરવાજો ખોલવામાં આવે. તે સાબ્બાથના દિવસે કરે છે તેમ, પોતાનાં અગ્નિ-અર્પણ અને શાંતિ-અર્પણો આપે.+ તે બહાર જાય પછી દરવાજો બંધ કરી દેવામાં આવે.+
૧૩ “‘એક વર્ષથી નાનું ઘેટાનું નર બચ્ચું અગ્નિ-અર્પણ તરીકે યહોવા માટે રોજ ચઢાવવું. એ ખોડખાંપણ વગરનું હોય.+ એ રોજ સવારે ચઢાવવું. ૧૪ રોજ સવારે અનાજ-અર્પણ તરીકે એક એફાહનો છઠ્ઠો ભાગ પણ આપવો. સાથે સાથે મેંદા પર છાંટવા માટે એક હીનનો ત્રીજો ભાગ તેલ આપવું. યહોવા માટે આ અનાજ-અર્પણ નિયમિત ચઢાવવું. એ કાયમ માટેનો નિયમ છે. ૧૫ અગ્નિ-અર્પણ તરીકે ઘેટાનું નર બચ્ચું, અનાજ-અર્પણ અને તેલ રોજ સવારે નિયમિત રીતે ચઢાવવું.’
૧૬ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જો આગેવાન પોતાના દરેક દીકરાને વારસા તરીકે જમીન ભેટમાં આપે, તો એ તેના દીકરાની માલિકીની થશે. એ તેઓને વારસામાં મળેલી મિલકત છે. ૧૭ પણ જો આગેવાન પોતાના વારસામાંથી કોઈ ચાકરને ભેટ આપે, તો છુટકારાના વર્ષ* સુધી એ ભેટ ચાકરની રહેશે.+ ત્યાર બાદ એ ભેટ પાછી આગેવાનની થઈ જશે. ફક્ત તેના દીકરાઓને આપેલો વારસો કાયમ માટે તેઓનો થશે. ૧૮ લોકોને વારસામાં મળેલી જમીન આગેવાને પડાવી લેવી નહિ અને તેઓને એમાંથી બળજબરીથી કાઢી મૂકવા નહિ. તેણે પોતાની મિલકતમાંથી પોતાના દીકરા ઓને વારસો આપવો, જેથી મારા લોકોમાંથી કોઈએ પણ પોતાનો વારસો ગુમાવવો ન પડે.’”
૧૯ પછી તે મને ઉત્તરની બાજુના બારણાવાળા યાજકોના પવિત્ર ભોજનખંડો* તરફ લઈ જતા દરવાજાએ લાવ્યો.+ એની બાજુના રસ્તેથી તે મને અંદર લઈ આવ્યો.+ ત્યાં મેં પશ્ચિમ તરફ પાછળના ભાગમાં એક જગ્યા જોઈ. ૨૦ તેણે મને કહ્યું: “આ જગ્યાએ યાજકો દોષ-અર્પણ અને પાપ-અર્પણ બાફશે. આ જગ્યાએ તેઓ અનાજ-અર્પણ શેકશે,+ જેથી બહારના આંગણામાં તેઓએ કંઈ જ લઈ જવું ન પડે અને એનાથી લોકો પવિત્ર ન થઈ જાય.”+
૨૧ તે મને બહારના આંગણામાં લઈ આવ્યો અને આંગણાના ચારેય ખૂણા પાસે લઈ ગયો. મેં જોયું કે બહારના આંગણાને દરેક ખૂણે એક આંગણું હતું. ૨૨ બહારના આંગણાના ચારેય ખૂણાએ નાનાં આંગણાં હતાં, એ ૪૦ હાથ* લાંબાં અને ૩૦ હાથ પહોળાં હતાં. એ ચારેચાર એકસરખાં માપનાં હતાં. ૨૩ એ ચારેય આંગણાંની અંદર દરેક બાજુએ પાળી હતી. એ પાળીઓ નીચે અર્પણો બાફવાની જગ્યા બનાવવામાં આવી હતી. ૨૪ તેણે મને કહ્યું: “આ જગ્યાએ મંદિરના સેવકો લોકોનાં બલિદાનો બાફે છે.”+