નિર્ગમન
૨ એ સમયે, લેવી કુળના એક માણસે પોતાના કુળની એક સ્ત્રી સાથે લગ્ન કર્યું.+ ૨ એ સ્ત્રી ગર્ભવતી થઈ અને તેને દીકરો થયો. એ દીકરો ઘણો સુંદર હતો. એ સ્ત્રીએ તેને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો.+ ૩ સમય જતાં એ બાળકને સંતાડી રાખવું મુશ્કેલ બન્યું.+ એટલે તેણે નેતરની ટોપલી* લીધી અને એને ડામર ચોપડ્યો. પછી બાળકને એમાં મૂક્યું અને ટોપલીને નાઈલ નદીને કાંઠે બરુઓ* વચ્ચે મૂકી દીધી. ૪ એ બાળકની બહેન+ દૂર ઊભી રહીને જોવા લાગી કે બાળકનું શું થાય છે.
૫ હવે એવું બન્યું કે રાજાની દીકરી નાઈલ નદીમાં નહાવા આવી. તેની દાસીઓ નદીને કાંઠે ફરતી હતી, એવામાં રાજકુમારીએ બરુઓ વચ્ચે પેલી ટોપલી જોઈ. તેણે તરત જ એક દાસીને એ લઈ આવવા આજ્ઞા કરી.+ ૬ રાજકુમારીએ ટોપલી ખોલીને જોયું તો, એમાં એક બાળક હતું. બાળકને રડતું જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું. તેણે કહ્યું: “આ તો હિબ્રૂ બાળક છે!” ૭ એવામાં બાળકની બહેને રાજકુમારી પાસે આવીને કહ્યું: “શું બાળકને ધવડાવવા અને તેની સંભાળ રાખવા એક હિબ્રૂ સ્ત્રીને બોલાવી લાવું?” ૮ રાજકુમારીએ તેને કહ્યું: “જા! જલદી જા!” તરત જ એ છોકરી ગઈ અને બાળકની માને બોલાવી લાવી.+ ૯ રાજકુમારીએ એ સ્ત્રીને કહ્યું: “લે, આ બાળકને તારી સાથે લઈ જા અને તેને ધવડાવ. એ માટે હું તને પગાર આપીશ.” તેથી સ્ત્રીએ તેને લઈ જઈને ધવડાવ્યું અને તેની સંભાળ રાખી. ૧૦ બાળક મોટું થયું ત્યારે તે તેને રાજકુમારી પાસે લાવી. રાજકુમારીએ એ બાળકને પોતાનો દીકરો બનાવ્યો.+ તેણે કહ્યું: “મેં તેને પાણીમાંથી બહાર કાઢ્યો છે.” તેથી તેણે તેનું નામ મૂસા* પાડ્યું.+
૧૧ મૂસા મોટો થયો પછી, પોતાના હિબ્રૂ ભાઈઓને મળવા ગયો અને તેણે તેઓને સખત મજૂરી કરતા જોયા.+ તેણે જોયું કે ઇજિપ્તનો એક માણસ હિબ્રૂ માણસને મારી રહ્યો હતો. ૧૨ મૂસાએ આજુબાજુ નજર કરી અને કોઈ દેખાયું નહિ ત્યારે, તેણે પેલા ઇજિપ્તના માણસને મારી નાખ્યો. પછી તેને રેતીમાં દાટી દીધો.+
૧૩ મૂસા બીજા દિવસે બહાર નીકળ્યો ત્યારે, તેણે બે હિબ્રૂ માણસોને લડતા જોયા. જે માણસનો વાંક હતો તેને મૂસાએ કહ્યું: “તું તારા ભાઈને કેમ મારે છે?”+ ૧૪ તેણે મૂસાને કહ્યું: “તને કોણે અમારા પર અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો છે? પેલા ઇજિપ્તના માણસને મારી નાખ્યો તેમ, શું તું મને પણ મારી નાખવા માંગે છે?”+ એ સાંભળીને મૂસા ડરી ગયો અને તેણે મનમાં કહ્યું: “એ વાત જરૂર બહાર આવી ગઈ છે!”
૧૫ રાજાને એ વાતની ખબર પડી. તે મૂસાને મારી નાખવા ચાહતો હતો, એટલે મૂસા મિદ્યાન પ્રદેશમાં નાસી ગયો.+ ત્યાં તે એક કૂવા પાસે બેઠો. ૧૬ મિદ્યાનના યાજકને*+ સાત દીકરીઓ હતી. તેઓ પિતાનાં ઘેટાં-બકરાંને પાણી પાવા કૂવે લઈ આવી. તેઓ કૂવામાંથી હવાડામાં પાણી ભરવા માંગતી હતી. ૧૭ પણ હંમેશની જેમ ભરવાડોએ આવીને તેઓને ત્યાંથી હાંકી કાઢી. એ જોયું ત્યારે મૂસાએ ઊભા થઈને એ સ્ત્રીઓને મદદ કરી* અને તેઓનાં ઘેટાં-બકરાંને પાણી પાયું. ૧૮ પછી તેઓ પોતાના પિતા રેઉએલ*+ પાસે પાછી ગઈ. તેઓને જોઈને તે બોલી ઊઠ્યો: “આજે આટલાં જલદી કેવી રીતે આવી ગયાં?” ૧૯ તેઓએ કહ્યું: “ઇજિપ્તના એક માણસે+ અમને ભરવાડોથી બચાવી. તેણે અમારા માટે કૂવામાંથી પાણી પણ કાઢ્યું અને ઘેટાં-બકરાંને પાયું.” ૨૦ તેણે દીકરીઓને કહ્યું: “એ માણસ ક્યાં છે? તમે તેને ઘરે કેમ ન લાવ્યા? તેને લઈ આવો, જેથી તે આપણી સાથે જમે.” ૨૧ મૂસા ત્યાં ગયો અને તેઓના ઘરે ખુશીથી રહેવા લાગ્યો. ત્યાર બાદ, રેઉએલે પોતાની દીકરી સિપ્પોરાહના+ લગ્ન મૂસા સાથે કરાવ્યા. ૨૨ પછી સિપ્પોરાહને દીકરો થયો અને મૂસાએ તેનું નામ ગેર્શોમ*+ પાડ્યું, કેમ કે તેણે કહ્યું: “પારકા દેશમાં હું પરદેશી થયો છું.”+
૨૩ ઘણાં વર્ષો પછી ઇજિપ્તનો રાજા મરી ગયો.+ પણ ઇઝરાયેલીઓ તો ગુલામીમાં જ રહ્યા. તેઓ નિસાસા નાખતા રહ્યા અને વિલાપ કરતા રહ્યા. તેઓ મદદ માટે સાચા ઈશ્વરને પોકાર કરતા રહ્યા.+ ૨૪ આખરે, તેઓનો પોકાર ઈશ્વરને કાને પડ્યો.+ ઈશ્વરે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલો કરાર* યાદ કર્યો.+ ૨૫ ઈશ્વરે ઇઝરાયેલીઓ પર ધ્યાન આપ્યું અને તેઓનું દુઃખ જોયું.