એસ્તેર
૧ આ એ દિવસોની વાત છે, જ્યારે રાજા અહાશ્વેરોશ* હિન્દથી લઈને ઇથિયોપિયા* સુધી ૧૨૭ પ્રાંતો*+ પર રાજ કરતો હતો. ૨ એ સમયે રાજા અહાશ્વેરોશ શુશાન*+ કિલ્લાથી* રાજ કરતો હતો. ૩ તેણે પોતાના શાસનના ત્રીજા વર્ષે બધા રાજ્યપાલો અને અમલદારોને એક મોટી મિજબાની આપી. એ મિજબાનીમાં ઈરાનના*+ અને માદાયના+ લશ્કરી સેનાપતિઓ, અધિકારીઓ અને પ્રાંતોના રાજ્યપાલો હાજર હતા. ૪ રાજાએ તેઓ આગળ ૧૮૦ દિવસ સુધી પોતાના મહાન રાજ્યની જાહોજલાલી, એની ભવ્યતા અને એના દબદબાનું પ્રદર્શન કર્યું. ૫ એ દિવસો પૂરા થયા પછી, શુશાન કિલ્લામાં હાજર હતા એ નાના-મોટા સર્વ લોકો માટે રાજાએ એક મિજબાની રાખી. એ સાત દિવસ ચાલી. એ મિજબાની રાજાના મહેલના આંગણામાં રાખવામાં આવી હતી. ૬ આખું આંગણું કીમતી શણ, ઉત્તમ સુતરાઉ અને ભૂરા રંગના પડદાથી સજાવેલું હતું. આરસપહાણના થાંભલા પર ચાંદીની કડીઓ હતી. એ કડીઓમાં જાંબુડિયા રંગના ઊનની રસ્સી પરોવેલી હતી. એ રસ્સીથી પડદા થાંભલાએ બાંધેલા હતા. ત્યાંની ફરસ લાલ પથ્થરની, સફેદ અને કાળા આરસપહાણની હતી. એ ફરસ પર મોતી જડેલાં હતાં. એના પર સોના-ચાંદીના દીવાન હતા.
૭ એ મિજબાનીમાં સોનાના પ્યાલામાં* દ્રાક્ષદારૂ પીરસવામાં આવ્યો હતો. દરેક પ્યાલો એક એકથી ચઢિયાતો હતો. રાજાને શોભે એ રીતે ભરપૂર પ્રમાણમાં દ્રાક્ષદારૂ હતો. ૮ એ પ્રસંગે એવો નિયમ હતો કે, કોઈએ બીજાને દ્રાક્ષદારૂ પીવા બળજબરી કરવી નહિ.* રાજાએ મહેલના અધિકારીઓને ફરમાવ્યું હતું કે દરેકને પોતપોતાની મરજી પ્રમાણે પીવા દે.
૯ વાશ્તી રાણીએ+ પણ રાજા અહાશ્વેરોશના શાહી ભવનમાં* સ્ત્રીઓ માટે એક મિજબાની રાખી હતી.
૧૦ સાતમા દિવસે જ્યારે રાજાનું દિલ દ્રાક્ષદારૂ પીને ખુશ હતું, ત્યારે તેણે દરબારના સાત પ્રધાનોને બોલાવ્યા. તેઓનાં નામ આ છે: મહૂમાન, બિઝથા, હાર્બોના,+ બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને કાર્કાસ. એ પ્રધાનો રાજા અહાશ્વેરોશની હજૂરમાં ઊભા રહેતા. રાજાએ તેઓને હુકમ કર્યો કે, ૧૧ વાશ્તી રાણીને મુગટ* પહેરાવીને રાજા સામે લાવવામાં આવે, જેથી લોકો અને રાજ્યપાલો તેની સુંદરતા જુએ, કેમ કે રાણી ખૂબ જ રૂપાળી હતી. ૧૨ દરબારના પ્રધાનોએ જ્યારે વાશ્તી રાણીને રાજાનો હુકમ જણાવ્યો, ત્યારે તેણે રાજા સામે આવવાની વારંવાર ના પાડી. એટલે રાજા ખૂબ ક્રોધે ભરાયો અને તેનું લોહી ઊકળી ઊઠ્યું.
૧૩ પછી રાજાએ જ્ઞાની માણસોની સલાહ લીધી. એ માણસો પાછલા સમયમાં બનેલી આવી ઘટનાઓ* વિશે જાણતા હતા.* (કેમ કે એ રીતે રાજા પોતાની મુશ્કેલી કાયદા અને વ્યવસ્થાના જાણકાર માણસો આગળ રજૂ કરતો હતો. ૧૪ તેઓમાંથી ઈરાન અને માદાયના આ સાત ઉચ્ચ અધિકારીઓ+ રાજાના નજીકના સલાહકાર હતા: કાર્શના, શેથાર, આદમાથા, તાર્શીશ, મેરેસ, માર્સના અને મમૂખાન. તેઓ રાજાની હજૂરમાં આવજા કરી શકતા હતા અને રાજ્યમાં ઊંચા હોદ્દા પર હતા.) ૧૫ રાજાએ તેઓને કહ્યું: “દરબારના પ્રધાનો વાશ્તી રાણી પાસે રાજા અહાશ્વેરોશનો હુકમ લઈને ગયા હતા, પણ તેણે એ માન્યો નહિ. તો હવે કાયદા પ્રમાણે વાશ્તી રાણી સામે કયાં પગલાં ભરવાં જોઈએ?”
૧૬ ત્યારે મમૂખાને રાજા અને ઉચ્ચ અધિકારીઓ આગળ કહ્યું: “વાશ્તી રાણીએ ફક્ત રાજાની વિરુદ્ધ જ નહિ,+ બધા રાજ્યપાલો અને રાજા અહાશ્વેરોશના સર્વ પ્રાંતોના બધા લોકો વિરુદ્ધ પણ ગુનો કર્યો છે. ૧૭ કેમ કે રાણીએ જે કર્યું છે એ વાત બધી સ્ત્રીઓમાં ફેલાઈ જશે. તેઓ પોતાના પતિઓને તુચ્છ ગણશે અને કહેશે, ‘રાજા અહાશ્વેરોશે વાશ્તી રાણીને પોતાની આગળ હાજર થવાનો હુકમ કર્યો, પણ તેણે જવાની ના પાડી દીધી.’ ૧૮ રાણીએ જે કર્યું એ વિશે ઈરાન અને માદાયના રાજ્યપાલોની પત્નીઓ સાંભળશે ત્યારે, તેઓ પણ પોતાના પતિઓ સાથે એવી જ રીતે વાત કરશે. આમ, ચારે બાજુ નફરત અને ગુસ્સો ભડકી ઊઠશે. ૧૯ જો રાજાને યોગ્ય લાગે, તો તે એક શાહી ફરમાન બહાર પાડે કે વાશ્તી રાણી ફરી કદી રાજા અહાશ્વેરોશની હજૂરમાં ન આવે. એ ફરમાન બદલી ન શકાય માટે એને ઈરાન અને માદાયના કાયદાઓમાં લખી લેવામાં આવે.+ પછી વાશ્તી રાણી કરતાં વધારે સારી સ્ત્રીને રાજા પસંદ કરે અને તેને રાણી બનાવે. ૨૦ જ્યારે રાજાનું ફરમાન તેમના આખા સામ્રાજ્યમાં જાહેર કરવામાં આવશે, ત્યારે બધી પત્નીઓ પોતાના પતિઓને માન આપશે, પછી ભલે પતિ ઊંચા પદે હોય કે સામાન્ય પદે.”
૨૧ મમૂખાનની એ સલાહ રાજાને અને રાજ્યપાલોને સારી લાગી અને રાજાએ એ પ્રમાણે જ કર્યું. ૨૨ રાજાએ રાજ્યના બધા પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ અને દરેક લોકોની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યા.+ એ પત્રમાં જણાવ્યું હતું કે દરેક ઘરમાં પતિનો જ અધિકાર ચાલવો જોઈએ અને તેના લોકોની જ ભાષામાં વાતચીત થવી જોઈએ.*