એસ્તેર
૮ એ જ દિવસે રાજા અહાશ્વેરોશે યહૂદીઓના દુશ્મન+ હામાનની+ બધી માલ-મિલકત રાણી એસ્તેરને આપી દીધી. એસ્તેરે રાજાને જણાવ્યું હતું કે મોર્દખાય તેનો સગો છે.+ એટલે મોર્દખાય આવીને રાજાની હજૂરમાં ઊભો રહ્યો. ૨ રાજાએ હામાન પાસેથી જે વીંટી*+ પાછી લઈ લીધી હતી, એ વીંટી કાઢીને મોર્દખાયને આપી. એસ્તેરે મોર્દખાયને હામાનની માલ-મિલકતનો ઉપરી બનાવ્યો.+
૩ એસ્તેરે ફરી રાજા સાથે વાત કરી. તે રાજાના પગે પડી અને રડીને કાલાવાલા કરવા લાગી. તેણે અરજ કરી કે અગાગી હામાને યહૂદીઓ વિરુદ્ધ ઘડેલું કાવતરું રદ કરવામાં આવે.+ ૪ રાજાએ એસ્તેર તરફ સોનાનો રાજદંડ ધર્યો.+ એટલે એસ્તેર ઊભી થઈને રાજા આગળ આવી. ૫ તેણે કહ્યું: “જો રાજાને સારું લાગે અને જો હું રાજાની નજરમાં કૃપા પામી હોઉં, તો મારી વિનંતી સાંભળવામાં આવે. જો રાજા મારા પર પ્રસન્ન હોય અને રાજાને ઠીક લાગે, તો એક હુકમ બહાર પાડવામાં આવે. એવો હુકમ જેનાથી અગાગી+ હામ્મદાથાના દીકરા હામાને બહાર પાડેલું ફરમાન રદ થાય.+ એ કાવતરાખોર હામાને રાજાના પ્રાંતોમાં રહેતા યહૂદીઓનો વિનાશ કરવાનું ફરમાન બહાર પાડ્યું છે. ૬ મારા લોકો પર આ મોટી આફત આવવાની છે, તો હું કઈ રીતે ચૂપ રહી શકું? હું મારી જ આંખો સામે મારાં સગાઓનો વિનાશ થતાં કઈ રીતે જોઈ શકું?”
૭ રાજા અહાશ્વેરોશે રાણી એસ્તેર અને યહૂદી મોર્દખાયને કહ્યું: “જુઓ! મેં હામાનની માલ-મિલકત એસ્તેરને આપી છે.+ હામાનને થાંભલા પર લટકાવવામાં આવ્યો છે,+ કેમ કે યહૂદીઓ પર હુમલો કરવા તેણે કાવતરું ઘડ્યું હતું.* ૮ હવે તમને યોગ્ય લાગે એ પ્રમાણે યહૂદીઓ માટે રાજાના નામથી એક ફરમાન લખો અને એના પર રાજાની વીંટીથી મહોર કરો, કેમ કે રાજાના નામે લખાયેલું અને રાજાની વીંટીથી મહોર થયેલું ફરમાન રદ થઈ શકતું નથી.”+
૯ તેથી ત્રીજા મહિનાના, એટલે કે, સીવાન* મહિનાના ૨૩મા દિવસે રાજાના શાસ્ત્રીઓને* બોલાવવામાં આવ્યા. તેઓએ મોર્દખાયના બધા હુકમો લખ્યા. એ હુકમો યહૂદીઓ માટે તેમજ હિન્દુસ્તાનથી લઈને ઇથિયોપિયા સુધી ૧૨૭ પ્રાંતોના સૂબાઓ,+ રાજ્યપાલો અને પ્રાંતોના અધિકારીઓ+ માટે હતા. એ હુકમો દરેક પ્રાંતના લોકો માટે તેઓની લિપિ અને ભાષામાં હતા. યહૂદીઓ માટે એ તેઓની લિપિ અને ભાષામાં હતા.
૧૦ મોર્દખાયે એ પત્રો રાજા અહાશ્વેરોશના નામે લખ્યા અને એના પર રાજાની વીંટીથી મહોર કરી.+ પછી સંદેશવાહકો દ્વારા એ પત્રો મોકલવામાં આવ્યા. તેઓ પૂરઝડપે દોડતા ઘોડા લઈને નીકળી પડ્યા, જે શાહી કામ માટે વપરાતા હતા. ૧૧ એ પત્રોમાં રાજાએ બધાં શહેરોમાં રહેતા યહૂદીઓને ભેગા થવાની અને પોતાનો જીવ બચાવવાની મંજૂરી આપી હતી. જો કોઈ પ્રજા કે પ્રાંતના લોકો ટુકડી બનાવીને યહૂદીઓ પર હુમલો કરે, તો યહૂદીઓને એ લોકોનો, તેઓની પત્નીઓનો અને બાળકોનો વિનાશ કરવાની, કતલ કરવાની અને તેઓને મારી નાખીને તેઓની માલ-મિલકત લૂંટી લેવાની છૂટ આપી હતી.+ ૧૨ એ હુકમ રાજા અહાશ્વેરોશના બધા પ્રાંતોમાં એ જ દિવસે લાગુ પડવાનો હતો, એટલે કે, અદાર* નામના ૧૨મા મહિનાના ૧૩મા દિવસે.+ ૧૩ એ પત્રોમાં લખેલું બધું જ દરેક પ્રાંતમાં નિયમ તરીકે લાગુ પાડવાનું હતું. બધા લોકો આગળ એ જાહેર કરવાનું હતું, જેથી યહૂદીઓ પોતાના દુશ્મનો સામે લડવા એ દિવસે તૈયાર રહે.+ ૧૪ રાજાનો હુકમ મળતાં જ સંદેશવાહકો શાહી કામ માટે વપરાતા ઘોડા લઈને નીકળી પડ્યા. એ નિયમ શુશાન+ કિલ્લામાં પણ જાહેર કરવામાં આવ્યો.
૧૫ પછી રાજાની હજૂરમાંથી મોર્દખાય બહાર ગયો. તેણે ભૂરા અને સફેદ રંગના દોરાથી બનેલો શાહી પોશાક અને જાંબુડિયા રંગના ઊનથી બનેલો ઉત્તમ ઝભ્ભો પહેર્યો હતો.+ તેના માથા પર સોનાનો ભવ્ય મુગટ હતો. આખું શુશાન શહેર ખુશીથી ઝૂમી ઊઠ્યું. ૧૬ યહૂદીઓને આશાનું કિરણ દેખાયું. તેઓએ આનંદ અને હર્ષનો પોકાર કર્યો. યહૂદીઓને માન આપવામાં આવ્યું. ૧૭ જે પ્રાંતો અને શહેરોમાં રાજાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું, ત્યાં યહૂદીઓએ આનંદ-ઉલ્લાસ કર્યો. તેઓએ મિજબાનીઓ રાખી અને ઉત્સવ મનાવ્યો. એ દેશના ઘણા લોકો યહૂદી બની ગયા,+ કેમ કે યહૂદીઓનો ડર બધે જ છવાઈ ગયો હતો.