અયૂબ
૧૫ અલીફાઝ+ તેમાનીએ જવાબ આપ્યો:
૨ “શું બુદ્ધિશાળી માણસ પોકળ દલીલો કરશે?
શું તે પોતાનું મન ખોટા વિચારોથી* ભરશે?
૩ ફક્ત શબ્દોથી ઠપકો આપવો વ્યર્થ છે
અને મોટી મોટી વાતો કરવી નકામી છે.
૪ તારા લીધે લોકોમાં ઈશ્વરનો ડર* રહ્યો નથી,
તું તેઓને ઈશ્વરની ભક્તિ કરવાથી અટકાવે છે.
૫ તારા અપરાધો જ તારી પાસે આ બધું બોલાવે છે,*
તું કપટી વાતો બોલવાનું પસંદ કરે છે.
૬ હું નહિ, પણ તારું પોતાનું મોં તને દોષિત ઠરાવે છે;
તારા પોતાના હોઠ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.+
૭ શું બધા લોકો કરતાં તું પહેલાં પેદા થયો હતો?
શું પર્વતોનું સર્જન થયું એ પહેલાં તારો જન્મ થયો હતો?
૮ શું તું ઈશ્વરની ખાનગી વાતો સાંભળે છે?
શું ફક્ત તારી પાસે જ ડહાપણ છે?
૯ એવું તો શું છે, જે તું જાણે છે ને અમે નથી જાણતા?+
એવું તો શું છે, જે તું સમજે છે ને અમે નથી સમજતા?
૧૦ ધોળા વાળવાળા અને વૃદ્ધજનો બંને અમારી સાથે છે,+
તેઓ ઉંમરમાં તારા પિતા કરતાં પણ મોટા છે.
૧૧ શું ઈશ્વરનો દિલાસો તારા માટે પૂરતો નથી?
શું માયાળુ શબ્દોની તને કંઈ પડી નથી?
૧૨ તારું મન તને કેમ ભમાવે છે?
તારી આંખો કેમ ક્રોધથી લાલચોળ થઈ ગઈ છે?
૧૩ શું તારું દિલ ઈશ્વર વિરુદ્ધ ગુસ્સે ભરાયું છે?
શું તારા મોંમાંથી કડવાં વેણ સરી પડે છે?
૧૪ નાશવંત માણસ કઈ રીતે શુદ્ધ હોય શકે?
સ્ત્રીથી જન્મેલો માનવી કઈ રીતે નેક હોય શકે?+
૧૬ તો પછી, તુચ્છ અને ભ્રષ્ટ માણસની શી વિસાત,+
જે પાણીની જેમ દુષ્ટતા પીએ છે!
૧૭ હું તને જણાવીશ, મારું સાંભળ!
મેં જે જોયું છે એ હું તને કહીશ,
૧૮ સમજદાર લોકોએ જણાવેલી વાતો તને કહીશ,
જે તેઓએ પૂર્વજો પાસેથી સાંભળી છે+ અને સંતાડી નથી.
૧૯ તેઓના પૂર્વજોને આ દેશ આપવામાં આવ્યો હતો
અને કોઈ પરદેશી તેઓની વચ્ચે વસ્યો ન હતો.
૨૦ દુષ્ટ માણસ પોતાનું આખું જીવન,
હા, જુલમી માણસ વર્ષોનાં વર્ષો દુઃખમાં વિતાવે છે.
૨૧ તેના કાનમાં ભયના ભણકારા વાગે છે;+
શાંતિના સમયે લુટારાઓ તેના પર ત્રાટકે છે.
૨૨ તેને અંધકારમાંથી પાછા ફરવાની કોઈ આશા નથી;+
તેને માથે તલવાર લટકે છે.
૨૩ તે ખોરાક માટે ફાંફાં મારે છે અને પૂછે છે: ‘ખાવાનું ક્યાં છે?’
અંધકારનો દિવસ જલદી જ આવશે એ તે જાણે છે.
૨૪ સંકટ અને વેદના તેને ડરાવતાં રહે છે;
આક્રમણ કરવા તૈયાર થયેલા રાજાની જેમ એ તેના પર તૂટી પડે છે.
૨૫ તે ઈશ્વર વિરુદ્ધ પોતાનો હાથ ઉઠાવે છે
અને સર્વશક્તિમાન સામે પડકાર ફેંકે છે.*
૨૬ તે અક્કડ થઈને તેમનો વિરોધ કરે છે,
મજબૂત ઢાલ લઈને તેમની સામે જાય છે.
૨૭ ચરબીથી* તેનું મોં ફૂલ્યું છે
અને તેની ફાંદ વધી છે;
૨૮ તે એવાં શહેરોમાં વસે છે, જેને ઉજ્જડ કરી નંખાશે,
તે એવાં ઘરોમાં રહે છે, જેને ખંડેર કરી દેવાશે,
એ જગ્યા પથ્થરોનો ઢગલો બની જશે.
૨૯ તે અમીર થશે નહિ કે માલ-મિલકત ભેગી કરી શકશે નહિ,
તેની સંપત્તિ આખી પૃથ્વી પર ફેલાશે નહિ.
૩૦ તે અંધકારમાંથી છટકી શકશે નહિ;
અગ્નિની જ્વાળા તેની કુમળી ડાળીને બાળી નાખશે*
૩૧ નકામી વસ્તુઓ પર ભરોસો રાખીને તે પોતાને ન છેતરે,
નહિતર ફક્ત નુકસાન જ તેને હાથ લાગશે;
૩૨ જલદી જ તેની સાથે એમ બનશે
અને તેની ડાળીઓ કદી લીલી રહેશે નહિ.+
૩૩ જેની કાચી દ્રાક્ષો ખંખેરી નાખવામાં આવી હોય, એવા દ્રાક્ષાવેલા જેવો તે થશે,
હા, જેનાં ફૂલો ખરી પડ્યાં હોય, એવા જૈતૂનના ઝાડ જેવો તે થશે.
૩૫ તેઓ સંકટનો ગર્ભ ધરે છે અને દુષ્ટતાને જન્મ આપે છે,
તેઓની કૂખે કપટ જન્મે છે.”