અયૂબ
૨૦ સોફાર+ નાઅમાથીએ જવાબ આપ્યો:
૨ “એ જ કારણે મારી બેચેની મને બોલવા મજબૂર કરે છે,
હું જવાબ આપવા અધીરો થયો છું.
૩ તારો ઠપકો મારું અપમાન કરે છે;
હવે મારી બુદ્ધિ મને જવાબ આપવા ઉશ્કેરે છે.
૪ તું તો જાણતો જ હોઈશ કે,
પૃથ્વી પર માણસને* બનાવ્યો ત્યારથી આમ થતું આવ્યું છે,+
૫ દુષ્ટની ખુશી પળ બે પળ હોય છે,
૬ ભલે તેનું ઘમંડ આસમાને પહોંચે,
અને તેનું માથું વાદળોને આંબે,
૭ પણ તે પોતાના મળની જેમ હંમેશ માટે નષ્ટ થઈ જશે.
જેઓએ તેને જોયો હતો, તેઓ પૂછશે, ‘તે ક્યાં છે?’
૮ તે સપનાની જેમ ઊડી જશે અને શોધવા છતાંય તેનું ઠામઠેકાણું જડશે નહિ;
રાતના સપનાની જેમ તે અલોપ થઈ જશે.
૯ જે આંખોએ તેને જોયો હતો, તેઓ તેને ફરી કદી જોશે નહિ,
જે ઘરમાં તે રહેતો હતો, ત્યાં તે કદી નજરે પડશે નહિ.+
૧૦ તેનાં બાળકો ગરીબો આગળ હાથ ફેલાવશે,
બીજાઓ પાસેથી પડાવેલી સંપત્તિ તે પોતાના જ હાથે પાછી આપી દેશે.+
૧૧ તેનાં હાડકાં જુવાનીના જોમથી ભરપૂર હતાં,
પણ તેનું એ જોમ તેની સાથે ધૂળમાં મળી જશે.
૧૨ જો દુષ્ટતા તેના મોંને મીઠી લાગતી હોય,
તે એને પોતાની જીભ નીચે છુપાવી રાખતો હોય,
૧૩ જો તે એને મોંમાં જ રાખતો હોય,
એનો સ્વાદ માણી માણીને ખાતો હોય,
૧૪ તો એ મીઠો ખોરાક તેના પેટમાં કડવો થઈ જશે;
એ તેના શરીરમાં નાગના ઝેર* જેવો થઈ જશે.
૧૫ તે દોલત ગળી ગયો છે, પણ હવે તે એને ઓકી કાઢશે;
ઈશ્વર તેના પેટમાંથી એ બધું ઓકી કઢાવશે.
૧૬ તે સાપનું ઝેર ચૂસશે;
ઝેરી સાપનો ડંખ તેને મારી નાખશે.
૧૭ તે વહેતું પાણી કદી જોશે નહિ,
તે દૂધ-મધની નદીઓનો આનંદ ઉઠાવશે નહિ.
૧૮ તે પોતાની સંપત્તિનું સુખ માણ્યા વગર એ પાછી આપી દેશે;
પોતે કમાયેલી દોલત તે ભોગવી શકશે નહિ.+
૧૯ કેમ કે તેણે ગરીબોને કચડીને તરછોડી દીધા છે;
બીજાનાં બાંધેલાં ઘર તેણે પચાવી પાડ્યાં છે.
૨૦ પણ તેને જરાય મનની શાંતિ મળશે નહિ;
તેની સંપત્તિ તેને બચાવી શકશે નહિ.
૨૧ છીનવી લેવા હવે તેની પાસે કંઈ બચ્યું નથી;
એટલે તેની સમૃદ્ધિ ટકશે નહિ.
૨૨ તેની મિલકત આસમાને પહોંચશે ત્યારે, ચિંતાનાં વાદળો તેના પર છવાઈ જશે;
એક પછી એક આફતો તેના પર તૂટી પડશે.
૨૩ તે પેટ ભરીને ખાતો હશે એવામાં,
ઈશ્વર* પોતાનો ભયંકર ક્રોધ તેના પર રેડી દેશે,
અને તેનાં આંતરડાં એ ક્રોધથી ભરાઈ જશે.
૨૪ તે લોઢાનાં હથિયારોથી નાસતો હશે ત્યારે,
તાંબાના ધનુષ્યમાંથી નીકળેલાં તીરો તેને વીંધી નાખશે.
૨૫ તે એ તીરને પોતાની પીઠમાંથી,
હા, એ ચળકતા તીરને પોતાના પિત્તાશયમાંથી કાઢશે ત્યારે,
આતંક તેને ઘેરી વળશે.+
૨૬ ગાઢ અંધકાર તેના ખજાનાને લૂંટી લેવા રાહ જોઈને બેઠો છે;
એવી આગ તેને ભસ્મ કરી નાખશે, જેને કોઈ માણસે ભડકાવી ન હોય;
તેના તંબુમાં બચી ગયેલાઓ પર આફત આવી પડશે.
૨૭ આકાશ તેની ભૂલો ઉઘાડી પાડશે;
પૃથ્વી તેની વિરુદ્ધ ઊભી થશે.
૨૮ ઈશ્વરના ક્રોધને દિવસે ધસમસતું પાણી વહી આવશે;
વરસાદનું પૂર તેનું ઘર તાણી જશે.
૨૯ દુષ્ટ માણસને ઈશ્વર પાસેથી મળેલો એ હિસ્સો છે,
ઈશ્વરે તેના માટે સાચવી રાખેલો એ વારસો છે.”