હઝકિયેલ
૨૬ હવે ૧૧મા વર્ષે,* મહિનાના પહેલા દિવસે યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, તૂરે યરૂશાલેમ વિરુદ્ધ કહ્યું છે,+ ‘બહુ સારું થયું! જે શહેર લોકોના દરવાજા જેવું હતું, એ પડી ભાંગ્યું છે!+ એ બરબાદ થઈ ગયું છે! હવે બધા લોકો મારી પાસે આવશે અને હું માલામાલ થઈ જઈશ.’ ૩ એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ઓ તૂર, હું તારી સામે ઊભો થયો છું. જેમ સમુદ્ર પોતાનાં મોજાં ઉછાળે છે, તેમ હું ઘણી પ્રજાઓને તારી વિરુદ્ધ લઈ આવીશ. ૪ તેઓ તૂરની દીવાલોના ભૂકા બોલાવી દેશે અને એના મિનારા તોડી પાડશે.+ હું એની માટી ખોતરી ખોતરીને ઉખેડી નાખીશ. હું એને ઉજ્જડ ખડક બનાવી દઈશ. ૫ દરિયાની વચ્ચે એ મોટી મોટી જાળ સૂકવવાની જગ્યા બની જશે.’+
“વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું પોતે બોલ્યો છું કે પ્રજાઓ એને લૂંટી લેશે. ૬ એનાં ગામડાઓની વસ્તીનો* તલવારથી સંહાર થશે અને લોકોએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’
૭ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું ઉત્તર તરફથી બાબેલોનના નબૂખાદનેસ્સારને* તૂર વિરુદ્ધ લઈ આવું છું.+ તે રાજાઓનો રાજા છે,+ જેની પાસે ઘોડા,+ રથો,+ ઘોડેસવારો અને પુષ્કળ સૈનિકોનું લશ્કર છે. ૮ તે તારાં ગામડાઓની વસ્તીનો તલવારથી સંહાર કરશે. તે તારી આજુબાજુ ઘેરો નાખતી દીવાલો બાંધશે અને ઢોળાવો ઊભા કરશે. તે પોતાનો બચાવ કરવા અનેક ઢાલો લઈને આવશે. ૯ તે દીવાલ તોડવાના સાધનથી તારી દીવાલોના ભાંગીને ભૂકા કરી નાખશે અને કુહાડાઓથી* તારા મિનારા ભોંયભેગા કરી નાખશે. ૧૦ તેના ઘોડાઓ એટલા બધા હશે કે તેઓએ ઉડાવેલી ધૂળ તને ઢાંકી દેશે. તૂટી ગયેલા કોટવાળા શહેરમાં જેમ માણસો ઘૂસી જાય, તેમ તે તારા દરવાજાઓની અંદર ઘૂસી જશે. તેના ઘોડા અને રથોનાં પૈડાંના ગડગડાટથી તારી દીવાલો ધ્રૂજી ઊઠશે. ૧૧ તેના ઘોડાઓની ખરીઓ તારી એકેએક શેરીઓ ખૂંદી નાખશે.+ તે તારા લોકોને તલવારથી મારી નાખશે અને તારા મોટા મોટા સ્તંભો જમીનદોસ્ત કરી નાખશે. ૧૨ તેઓ તારી બધી માલ-મિલકત લૂંટી લેશે, તારા વેપારની કમાણી છીનવી લેશે,+ તારી દીવાલો ભાંગી નાખશે અને સરસ મજાનાં ઘરો તોડી પાડશે. પછી તેઓ તારાં પથ્થરો, લાકડાં અને માટી દરિયામાં નાખી દેશે.’
૧૩ “‘હું તારાં ગીતોનો અવાજ બંધ કરાવી દઈશ અને તારી વીણાની ધૂન હવેથી સંભળાશે નહિ.+ ૧૪ હું તને ઉજ્જડ ખડક બનાવી દઈશ અને તું મોટી મોટી જાળ સૂકવવાની જગ્યા બની જઈશ.+ ફરી ક્યારેય તને બાંધવામાં નહિ આવે, કેમ કે હું યહોવા પોતે એ બોલ્યો છું,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૧૫ “વિશ્વના માલિક યહોવા તૂરને કહે છે: ‘તારી પડતીના અવાજથી, ઘાયલ થયેલાઓના નિસાસાથી અને તારામાં થતી કતલથી ટાપુઓ કાંપી ઊઠશે.+ ૧૬ દરિયાના બધા આગેવાનો* પોતાની રાજગાદીઓ પરથી ઊતરી આવશે. તેઓ પોતાનો ઝભ્ભો અને ભરત ભરેલાં કપડાં ઉતારી નાખશે. તેઓ ભયથી થરથર કાંપશે. તેઓ જમીન પર બેસી જશે, તેઓને ધ્રુજારી ચઢશે અને તને દંગ થઈને જોયા કરશે.+ ૧૭ તેઓ તારા વિશે વિલાપગીત* ગાશે+ અને તને કહેશે:
“ઓ જાણીતા શહેર, તારો કેવો વિનાશ થયો છે!+ દરિયાના લોકો તારા પર આવીને રહેતા હતા.
તું અને તારા લોકો દરિયા પર શક્તિશાળી હતા.+
ધરતીના લોકો પર તમારો ભય છવાયેલો હતો!
૧૮ તારી પડતીના દિવસે ટાપુઓ થરથર કાંપશે,
તારા વિનાશના સમયે દરિયાના ટાપુઓ દુઃખી દુઃખી થઈ જશે.”’+
૧૯ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું તને એવાં ઉજ્જડ શહેરો જેવું બનાવી દઈશ, જેઓમાં કોઈ રહેતું ન હોય. હું તારા પર ધસમસતા પાણી ફેરવી દઈશ અને તને ઊંડા પાણીમાં ડુબાડી દઈશ.+ ૨૦ હું જેમ બધાને કરું છું તેમ તને પણ કબરમાં* ઉતારી દઈશ. હું તને જૂના જમાનાના લોકો સાથે મેળવી દઈશ. હું તને ઊંડાણમાં મોકલી દઈશ, જે જૂના જમાનામાં ઉજ્જડ થઈ ગયેલી જગ્યાઓ જેવું છે. જેમ બધા લોકો કબરમાં જાય છે, તેમ હું તને પણ ત્યાં મોકલી દઈશ.+ તારામાં ફરી ક્યારેય વસ્તી નહિ થાય. પછી હું જીવતાઓના દેશમાં રોનક લાવીશ.*
૨૧ “‘હું તારા પર અચાનક આફત લઈ આવીશ અને તારું નામનિશાન નહિ રહે.+ લોકો તારી શોધ કરશે, પણ તું ફરી ક્યારેય નહિ મળે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”