બીજો શમુએલ
૨૧ દાઉદ રાજાના સમયમાં સતત ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો.+ દાઉદે એ વિશે યહોવાને પૂછ્યું અને યહોવાએ જવાબ આપ્યો: “શાઉલ અને તેના ઘરનાને માથે લોહીનો દોષ છે, કારણ કે તેણે ગિબયોનીઓને મારી નાખ્યા હતા.”+ ૨ એટલે રાજાએ ગિબયોનીઓને+ બોલાવ્યા અને તેઓ સાથે વાત કરી. (ગિબયોનીઓ બાકી રહી ગયેલા અમોરીઓ+ હતા, તેઓ ઇઝરાયેલીઓ ન હતા. ઇઝરાયેલીઓએ તેઓને જીવતા રાખવાના સમ ખાધા હતા.+ પણ શાઉલને ઇઝરાયેલ અને યહૂદાના લોકો માટે જોશ હોવાથી, તેણે ગિબયોનીઓનો સંહાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.) ૩ દાઉદે ગિબયોનીઓને પૂછ્યું: “હું તમારા માટે શું કરું? હું પસ્તાવો કરવા શું કરું, જેથી તમે યહોવાના લોકોને* આશીર્વાદ આપો?” ૪ ગિબયોનીઓએ દાઉદને કહ્યું: “શાઉલ અને તેના ઘરનાઓએ જે કર્યું, એના બદલામાં અમને સોનું કે ચાંદી નથી જોઈતી.+ અમે ઇઝરાયેલના કોઈ માણસને મારી નાખવા પણ માંગતા નથી.” દાઉદે કહ્યું: “તમે જે કહેશો, એ હું તમારા માટે કરીશ.” ૫ તેઓએ રાજાને કહ્યું: “અમારું નામનિશાન મિટાવી દેવા અને આખા ઇઝરાયેલમાંથી અમારો નાશ કરવા જે માણસે કાવતરાં ઘડ્યાં હતાં,+ ૬ તેના સાત દીકરાઓ અમારા હાથમાં સોંપી દો. યહોવાએ પસંદ કરેલા રાજા+ શાઉલના વતન ગિબયાહમાં+ અમે યહોવા આગળ તેઓનાં શબ લટકાવી દઈશું.”+ રાજાએ કહ્યું: “હું તેઓને તમારે હવાલે કરી દઈશ.”
૭ પણ શાઉલના દીકરા યોનાથાને અને દાઉદે યહોવા આગળ કરાર કર્યો હતો. એટલે દાઉદે મફીબોશેથ+ પર કરુણા બતાવીને તેને જીવતો રહેવા દીધો, જે શાઉલના દીકરા યોનાથાનનો+ દીકરો હતો. ૮ રાજાએ શાઉલના બે દીકરાઓ, આર્મોની અને મફીબોશેથ લીધા, જે આયાહની દીકરી રિસ્પાહથી+ થયા હતા; શાઉલની દીકરી મીખાલને*+ આદ્રીએલથી થયેલા પાંચ દીકરાઓ લીધા. આદ્રીએલ,+ મહોલાહના બાર્ઝિલ્લાયનો દીકરો હતો. ૯ દાઉદે તેઓને ગિબયોનીઓના હાથમાં સોંપી દીધા. ગિબયોનીઓએ તેઓને મારી નાખીને તેઓનાં શબ પર્વત પર યહોવા આગળ લટકાવી દીધાં.+ એ સાતેય માણસો એકસાથે મૃત્યુ પામ્યા. તેઓને કાપણીની શરૂઆતના દિવસોમાં, એટલે કે જવની કાપણીની શરૂઆતમાં મારી નાખવામાં આવ્યા. ૧૦ આયાહની દીકરી રિસ્પાહે+ કંતાન લીધું અને પોતાના માટે ખડક પર એ પાથરી દીધું. કાપણીની શરૂઆતથી લઈને આકાશમાંથી તેઓનાં શબ પર વરસાદ પડ્યો ત્યાં સુધી તે ત્યાં રહી. તેણે દિવસે આકાશના કોઈ પક્ષીને કે રાતે કોઈ જંગલી જાનવરને તેઓનાં શબ પાસે ફરકવા દીધું નહિ.
૧૧ આયાહની દીકરી અને શાઉલની ઉપપત્ની રિસ્પાહે જે કર્યું, એ વિશે દાઉદને ખબર આપવામાં આવી. ૧૨ એટલે દાઉદે જઈને યાબેશ-ગિલયાદના+ આગેવાનો* પાસેથી શાઉલનાં અને તેના દીકરા યોનાથાનનાં હાડકાં લીધાં. તેઓનાં શબ યાબેશ-ગિલયાદના આગેવાનોએ બેથ-શાનના ચોકમાંથી ચોરી લીધાં હતાં. પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆમાં+ મારી નાખીને તેનું અને યોનાથાનનું શબ ત્યાં લટકાવી દીધું હતું. ૧૩ શાઉલ અને તેના દીકરા યોનાથાનનાં હાડકાં દાઉદ લઈ આવ્યો. જે સાતેય માણસોને મારીને લટકાવી દેવામાં આવ્યા હતા, તેઓનાં હાડકાં પણ તેણે ભેગાં કર્યાં.+ ૧૪ પછી લોકો શાઉલ અને તેના દીકરા યોનાથાનનાં હાડકાં બિન્યામીન પ્રદેશના શેલામાં+ લઈ આવ્યાં અને શાઉલના પિતા કીશની+ કબરમાં દફનાવ્યાં. તેઓએ રાજાના હુકમ પ્રમાણે બધું કર્યું. એ પછી તેઓએ દેશ માટે કરેલી અરજો ઈશ્વરે સાંભળી.+
૧૫ પલિસ્તીઓ અને ઇઝરાયેલીઓ વચ્ચે ફરીથી યુદ્ધ થયું.+ દાઉદ અને તેના સેવકોએ જઈને પલિસ્તીઓ સામે લડાઈ કરી. દાઉદ થાકીને લોથપોથ થઈ ગયો. ૧૬ યિશબી-બનોબ નામે રફાઈમનો+ એક વંશજ હતો. તેની પાસે તાંબાનો ભાલો હતો, જેનું વજન ૩૦૦ શેકેલ*+ હતું. તેની પાસે નવી જ તલવાર હતી. તેણે દાઉદને મારી નાખવાની કોશિશ કરી. ૧૭ સરૂયાનો દીકરો અબીશાય+ તરત દાઉદની મદદે આવી પહોંચ્યો.+ તે પેલા પલિસ્તી પર તૂટી પડ્યો અને તેને મારી નાખ્યો. એ સમયે દાઉદના માણસોએ તેની આગળ સમ ખાધા: “હવેથી અમે તમને યુદ્ધમાં નહિ લઈ જઈએ.+ તમે એવું કંઈ કરશો નહિ, જેનાથી ઇઝરાયેલનો દીવો હોલવાઈ જાય!”*+
૧૮ પછી ગોબમાં ફરીથી પલિસ્તીઓ સામે યુદ્ધ થયું.+ એ સમયે હૂશાના સિબ્બખાયે+ રફાઈમના વંશજ સાફને મારી નાખ્યો.+
૧૯ ગોબમાં ફરીથી પલિસ્તીઓ સામે યુદ્ધ થયું.+ બેથલેહેમી યાઅરે-ઓરગીમના દીકરા એલ્હાનાને ગિત્તી ગોલ્યાથને મારી નાખ્યો. ગોલ્યાથના ભાલાનો દાંડો વણકરની તોર* જેવો હતો.+
૨૦ ગાથમાં ફરીથી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર માણસ હતો. તેના બંને હાથે ૬ આંગળીઓ અને બંને પગે ૬ આંગળીઓ, કુલ ૨૪ આંગળીઓ હતી. તે પણ રફાઈમનો વંશજ હતો.+ ૨૧ તે ઇઝરાયેલને લલકારતો હતો.+ એટલે દાઉદના ભાઈ શિમઈના*+ દીકરા યોનાથાને તેને મારી નાખ્યો.
૨૨ રફાઈમના એ ચાર વંશજો ગાથના હતા. તેઓ દાઉદ અને તેના સેવકોના હાથે માર્યા ગયા.+