નહેમ્યા
૩ પ્રમુખ યાજક* એલ્યાશીબ+ અને તેના યાજક ભાઈઓએ ઊઠીને ઘેટા દરવાજો+ બાંધ્યો. તેઓએ એને પવિત્ર ઠરાવ્યો*+ અને એનાં બારણાં બેસાડ્યાં. તેઓએ એને હામ્મેઆહના મિનારા+ સુધી અને હનાનએલના મિનારા+ સુધી પવિત્ર ઠરાવ્યો. ૨ તેઓની બાજુમાં યરીખોના+ માણસો બાંધકામ કરતા હતા. તેઓની બાજુમાં ઈમ્રીનો દીકરો ઝાક્કૂર બાંધકામ કરતો હતો.
૩ હસ્સેનાઆહના દીકરાઓએ માછલી દરવાજો+ બાંધ્યો. તેઓએ લાકડાનાં ચોકઠાં બનાવ્યાં+ અને પછી બારણાં, નકૂચા અને ભૂંગળો બેસાડ્યાં. ૪ તેઓની બાજુમાં હાક્કોસના દીકરા ઉરિયાહનો દીકરો મરેમોથ+ મરામત કરતો હતો. તેઓની બાજુમાં મશેઝાબએલના દીકરા બેરેખ્યાનો દીકરો મશુલ્લામ+ મરામત કરતો હતો. તેઓની બાજુમાં બાઅનાનો દીકરો સાદોક મરામત કરતો હતો. ૫ તેઓની બાજુમાં તકોઆના માણસો+ મરામત કરતા હતા. પણ તેઓના મુખ્ય માણસોએ પોતાના અધિકારીઓના હાથ નીચે કામ કરવા પોતાને નમ્ર કર્યા નહિ.
૬ પાસેઆહનો દીકરો યોયાદા અને બસોદ્યાનો દીકરો મશુલ્લામ જૂના શહેરના દરવાજાની+ મરામત કરતા હતા. તેઓએ લાકડાનાં ચોકઠાં બનાવ્યાં અને પછી બારણાં, નકૂચા અને ભૂંગળો બેસાડ્યાં. ૭ તેઓની બાજુમાં ગિબયોનનો+ મલાટયા અને મેરોનોથનો યાદોન મરામત કરતા હતા. ગિબયોન અને મિસ્પાહના+ એ માણસો નદી+ પારના વિસ્તારના* રાજ્યપાલના હાથ નીચે કામ કરતા હતા. ૮ તેઓની બાજુમાં હાર્હયાનો દીકરો ઉઝ્ઝિએલ મરામત કરતો હતો, જે સોની હતો. તેની બાજુમાં હનાન્યા મરામત કરતો હતો, જે અત્તર બનાવનાર હતો. તેઓએ પહોળા કોટ+ સુધી યરૂશાલેમમાં ફરસ બનાવી. ૯ તેઓની બાજુમાં હૂરનો દીકરો રફાયા મરામત કરતો હતો, જે યરૂશાલેમના અડધા પ્રાંતનો અધિકારી હતો. ૧૦ તેઓની બાજુમાં હરૂમાફનો દીકરો યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો. તેની બાજુમાં હાશાબ્નયાનો દીકરો હાટુશ મરામત કરતો હતો.
૧૧ હારીમનો દીકરો+ માલ્કિયા તથા પાહાથ-મોઆબનો+ દીકરો હાશ્શૂબ બીજા એક ભાગની અને ભઠ્ઠીઓના મિનારાની+ મરામત કરતા હતા. ૧૨ તેઓની બાજુમાં શાલ્લુમ અને તેની દીકરીઓ મરામત કરતાં હતાં. શાલ્લુમ હાલ્લોહેશનો દીકરો હતો અને યરૂશાલેમના અડધા પ્રાંતનો અધિકારી હતો.
૧૩ હાનૂન અને ઝાનોઆહના રહેવાસીઓ+ ખીણ દરવાજાની+ મરામત કરતા હતા. તેઓએ એનાં બારણાં, નકૂચા અને ભૂંગળો બેસાડ્યાં. તેઓએ રાખના ઢગલાના દરવાજા*+ સુધી ૧,૦૦૦ હાથ* લાંબા કોટની મરામત કરી. ૧૪ રેખાબનો દીકરો માલ્કિયા રાખના ઢગલાના દરવાજાની મરામત કરતો હતો. તે બેથ-હાક્કેરેમના+ પ્રાંતનો અધિકારી હતો. તેણે એનાં બારણાં, નકૂચા અને ભૂંગળો બેસાડ્યાં.
૧૫ કોલહોઝેહનો દીકરો શાલ્લૂન ફુવારા દરવાજાની+ મરામત કરતો હતો. તે મિસ્પાહના+ પ્રાંતનો અધિકારી હતો. તેણે એની છત બનાવી, એનાં બારણાં, નકૂચા અને ભૂંગળો બેસાડ્યાં. તેણે રાજાના બગીચા+ પાસે નહેરના તળાવના*+ કોટની પણ મરામત કરી, જે છેક દાઉદનગરમાંથી+ ઊતરવાના દાદર+ સુધી હતો.
૧૬ તેની બાજુમાં આઝ્બૂકનો દીકરો નહેમ્યા મરામત કરતો હતો. તે બેથ-સૂરના+ અડધા પ્રાંતનો અધિકારી હતો. તેણે દાઉદના કબ્રસ્તાનની*+ સામેની જગ્યાએથી લઈને ખોદેલા તળાવ+ સુધી અને યોદ્ધાઓના ભવન સુધી મરામત કરી.
૧૭ તેની બાજુમાં લેવીઓ મરામત કરતા હતા. તેઓ બાનીના દીકરા રહૂમની દેખરેખ નીચે કામ કરતા હતા. તેની બાજુમાં હશાબ્યા પોતાના પ્રાંત તરફથી મરામત કરતો હતો, જે કઈલાહના+ અડધા પ્રાંતનો અધિકારી હતો. ૧૮ તેની બાજુમાં તેઓના ભાઈઓ મરામત કરતા હતા. તેઓ હેનાદાદના દીકરા બાવ્વાયની દેખરેખ નીચે કામ કરતા હતા, જે કઈલાહના અડધા પ્રાંતનો અધિકારી હતો.
૧૯ તેની બાજુમાં યેશૂઆનો દીકરો+ એઝેર મરામત કરતો હતો, જે મિસ્પાહનો અધિકારી હતો. કોટને ટેકો આપતા સ્તંભની+ પાસે શસ્ત્રઘર સુધી જતા ચઢાણની સામે સુધી તેણે મરામત કરી.
૨૦ તેની બાજુમાં ઝાબ્બાયનો+ દીકરો બારૂખ પૂરા ખંતથી મરામત કરતો હતો. તેણે કોટને ટેકો આપતા સ્તંભની પાસેથી એલ્યાશીબ+ પ્રમુખ યાજકના ઘરના બારણા સુધી બીજા એક ભાગની મરામત કરી.
૨૧ તેની બાજુમાં હાક્કોસના દીકરા ઉરિયાહનો દીકરો મરેમોથ+ બીજા એક ભાગની મરામત કરતો હતો. તેણે એલ્યાશીબના ઘરના બારણાથી શરૂ કરીને એલ્યાશીબના ઘરના છેડા સુધી મરામત કરી.
૨૨ તેની બાજુમાં યર્દનના પ્રાંતના*+ યાજકો મરામત કરતા હતા. ૨૩ તેઓની બાજુમાં બિન્યામીન અને હાશ્શૂબ પોતપોતાનાં ઘરની સામે મરામત કરતા હતા. તેઓની બાજુમાં અનાન્યાહના દીકરા માઅસેયાનો દીકરો અઝાર્યા પોતાના ઘરની નજીક મરામત કરતો હતો. ૨૪ તેની બાજુમાં હેનાદાદનો દીકરો બિન્નૂઈ બીજા ભાગની મરામત કરતો હતો. તેણે અઝાર્યાના ઘરથી લઈને કોટને ટેકો આપતા સ્તંભ+ સુધી અને ખૂણા સુધી મરામત કરી.
૨૫ તેની બાજુમાં ઉઝાયનો દીકરો પાલાલ કોટને ટેકો આપતા સ્તંભની સામે અને રાજાના મહેલ+ પાસેના મિનારા સામે મરામત કરતો હતો. એ ઉપરનો મિનારો ચોકીદારના આંગણામાં+ હતો. તેની બાજુમાં પારોશનો દીકરો+ પદાયા મરામત કરતો હતો.
૨૬ ઓફેલમાં+ રહેતા મંદિરના સેવકો*+ પૂર્વ બાજુએ છેક પાણી દરવાજાની+ સામે સુધી અને ઉપસેલા મિનારા સુધી મરામત કરતા હતા.
૨૭ તેઓની બાજુમાં તકોઆના લોકો+ બીજા ભાગની મરામત કરતા હતા. તેઓએ ઉપસેલા મોટા મિનારાની સામેથી લઈને ઓફેલના કોટ સુધી મરામત કરી.
૨૮ યાજકો પોતપોતાનાં ઘર સામે ઘોડા દરવાજા+ પછીના ભાગની મરામત કરતા હતા.
૨૯ તેઓની બાજુમાં ઇમ્મેરનો દીકરો સાદોક+ પોતાના ઘરની સામે મરામત કરતો હતો.
તેની બાજુમાં શખાન્યાનો દીકરો શમાયા મરામત કરતો હતો, જે પૂર્વ દરવાજાનો+ દરવાન હતો.
૩૦ તેની બાજુમાં શેલેમ્યાનો દીકરો હનાન્યા અને સાલાફનો છઠ્ઠો દીકરો હાનૂન બીજા એક ભાગની મરામત કરતા હતા.
તેની બાજુમાં બેરેખ્યાનો દીકરો મશુલ્લામ+ પોતાના મોટા ઓરડા સામે મરામત કરતો હતો.
૩૧ તેની બાજુમાં સોનીના સંઘનો એક સભ્ય માલ્કિયા મરામત કરતો હતો. તેણે મંદિરના સેવકો*+ અને વેપારીઓના ઘર સુધી મરામત કરી, જે નિરીક્ષણ દરવાજા સામે હતું. તેણે ખૂણામાં આવેલા ઉપરના ઓરડા સુધી પણ મરામત કરી.
૩૨ ખૂણામાં આવેલા ઉપરના ઓરડા અને ઘેટા દરવાજાની+ વચ્ચે સોનીઓ અને વેપારીઓ મરામત કરતા હતા.