અયૂબ
૧૮ બિલ્દાદ+ શૂહીએ જવાબમાં કહ્યું:
૨ “તમે* ક્યાં સુધી બોલતા રહેશો?
થોડી તો સમજ બતાવો, જેથી અમે બોલી શકીએ.
૩ તમે કેમ અમને જાનવર જેવા ગણો છો?+
તમે કેમ અમને મૂર્ખ* સમજો છો?
૪ જો તું ગુસ્સામાં પોતાના ટુકડે-ટુકડા કરી નાખે,
તો શું તારા લીધે પૃથ્વી ઉજ્જડ થઈ જશે?
શું ખડક પોતાની જગ્યાએથી ખસી જશે?
૫ દુષ્ટનો પ્રકાશ હોલવાઈ જશે,
હા, તેનો અગ્નિ ઠરી જશે.+
૬ તેના તંબુનું અજવાળું અંધકારમાં ફેરવાઈ જશે,
અને તેનો દીવો હોલવાઈ જશે.
૭ ઝડપથી ચાલતાં તેનાં પગલાં ધીમાં પડી જશે,
તેની પોતાની સલાહ તેને ઠોકર ખવડાવશે.+
૮ તેના પગ તેને ફાંદા તરફ દોરી જશે,
તેના પગ તેને જાળમાં સપડાવશે.
૯ ફાંદો તેની એડી પકડી લેશે;
જાળ તેને જકડી લેશે.+
૧૦ તેના માટે જમીન પર દોરડાનો ફાંદો છુપાવવામાં આવ્યો છે,
તેના માર્ગમાં જાળ બિછાવવામાં આવી છે.
૧૧ ચારે બાજુથી આતંક તેને ડરાવે છે,+
એ હાથ ધોઈને તેની પાછળ પડ્યો છે.
૧૩ તેની ચામડી કોહવાઈ જશે;
સૌથી જીવલેણ બીમારી* તેનાં અંગો ખાઈ જશે.
૧૪ જે તંબુમાં તે સલામત છે, એમાંથી તેને કાઢી મૂકવામાં આવશે,+
તેને ઘસડીને આતંકના રાજા* પાસે લઈ જવામાં આવશે.
૧૬ તેનાં મૂળિયાં સુકાઈ જશે,
તેની લીલીછમ ડાળીઓ કરમાઈ જશે.
૧૭ પૃથ્વી પરથી તેની યાદ ભુલાઈ જશે,
શેરીઓમાં તેનું નામનિશાન ભૂંસાઈ જશે.
૧૮ તેને પ્રકાશમાંથી અંધકારમાં ધકેલી દેવામાં આવશે,
તેને દુનિયામાંથી નસાડી મૂકવામાં આવશે.
૧૯ તેને બાળકનું સુખ મળશે નહિ અને તેનો વંશવેલો આગળ વધશે નહિ,
તેના નિવાસમાં* તેના પછી કોઈ બચશે નહિ.
૨૦ તેની બરબાદીના દિવસે પશ્ચિમના લોકોમાં ભય છવાઈ જશે,
અને પૂર્વના લોકોમાં આતંક ફેલાઈ જશે.
૨૧ ખોટું કરનારની એવી જ દશા થશે,
હા, ઈશ્વરને ન જાણનારના એવા જ હાલ થશે.”