પહેલો શમુએલ
૧૯ પછી શાઉલે દાઉદને મારી નાખવા વિશેની વાત પોતાના દીકરા યોનાથાન અને બધા સેવકોને કરી.+ ૨ શાઉલનો દીકરો યોનાથાન દાઉદને પોતાના જીવની જેમ પ્રેમ કરતો હતો.+ તેણે દાઉદને કહ્યું: “મારા પિતા શાઉલ તને મારી નાખવા માંગે છે. કાલે સવારે સાવચેત રહેજે અને અજાણી જગ્યાએ સંતાઈ રહેજે. ૩ તું જ્યાં સંતાયેલો હોઈશ, ત્યાં હું મારા પિતા સાથે આવીને ઊભો રહીશ. હું મારા પિતાને તારા વિશે વાત કરીશ. મને જે કંઈ જાણવા મળશે એ હું તને ચોક્કસ જણાવીશ.”+
૪ યોનાથાને પોતાના પિતા શાઉલ આગળ દાઉદના વખાણ કર્યા.+ તેણે શાઉલને કહ્યું: “રાજાએ પોતાના સેવક દાઉદ વિરુદ્ધ શું કામ પાપ કરવું જોઈએ? તેણે તમારી વિરુદ્ધ કોઈ પાપ કર્યું નથી. તેણે જે કંઈ કર્યું છે, એનાથી તમને જ ફાયદો થયો છે. ૫ તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પેલા પલિસ્તીને મારી નાખ્યો.+ યહોવાએ આખા ઇઝરાયેલને મોટી જીત અપાવી.* તમે એ જોઈને બહુ ખુશ થયા હતા. તો પછી કોઈ કારણ વગર તમારે દાઉદને કેમ મારી નાખવો? એ નિર્દોષ માણસ વિરુદ્ધ તમારે શું કામ પાપ કરવું?”+ ૬ શાઉલે યોનાથાનનું કહેવું માન્યું અને સોગન ખાધા: “યહોવાના સમ* કે દાઉદ માર્યો નહિ જાય.” ૭ ત્યાર બાદ યોનાથાને દાઉદને બોલાવીને એ બધી વાત કરી. યોનાથાન તેને શાઉલ પાસે લઈ આવ્યો અને દાઉદ અગાઉની જેમ શાઉલની સેવા કરવા લાગ્યો.+
૮ સમય જતાં, ફરીથી મોટી લડાઈ થઈ અને દાઉદ પલિસ્તીઓ સામે લડ્યો. તેણે તેઓનો મોટો સંહાર કર્યો અને બાકી રહેલા માણસો તેની આગળથી નાસી છૂટ્યા.
૯ એક દિવસ શાઉલ પોતાના ઘરમાં બેઠો હતો અને તેના હાથમાં ભાલો હતો. દાઉદ ત્યારે વીણા વગાડતો હતો.+ યહોવાએ શાઉલને ખરાબ વિચારોથી હેરાન-પરેશાન થવા દીધો.+ ૧૦ શાઉલે પોતાના ભાલાથી દાઉદને દીવાલ પર જડી દેવાની કોશિશ કરી. પણ દાઉદ હટી ગયો અને શાઉલે ફેંકેલો ભાલો દીવાલમાં ઘૂસી ગયો. એ રાતે દાઉદ બચી ગયો અને ત્યાંથી નાસી છૂટ્યો. ૧૧ શાઉલે પોતાના માણસો મોકલ્યા, જેથી તેઓ દાઉદના ઘર પર ચાંપતી નજર રાખે અને સવારે તેને મારી નાખે.+ પણ દાઉદની પત્ની મીખાલે તેને ચેતવ્યો: “જો તમે આજે રાતે નાસી નહિ જાઓ, તો કાલની સવાર તમે નહિ જુઓ.” ૧૨ મીખાલે તરત જ દાઉદને બારીમાંથી નીચે ઉતારી દીધો, જેથી તે ભાગી જાય અને પોતાનો જીવ બચાવે. ૧૩ મીખાલે કુળદેવતાની મૂર્તિ* લીધી અને પલંગ પર મૂકી. તેણે માથા તરફ બકરાંના વાળનું ગૂંથેલું કપડું મૂક્યું અને એના પર કપડું ઓઢાડી દીધું.
૧૪ શાઉલે દાઉદને પકડી લાવવા માણસો મોકલ્યા. મીખાલે કહ્યું કે “તે બીમાર છે.” ૧૫ એટલે શાઉલે દાઉદ પાસે પોતાના માણસો પાછા મોકલીને કહ્યું: “તેને પલંગ સાથે ઉઠાવી લાવો, જેથી તેને મારી નાખવામાં આવે.”+ ૧૬ શાઉલના માણસોએ આવીને જોયું તો, પલંગ પર કુળદેવતાની મૂર્તિ હતી અને દાઉદના માથાની જગ્યાએ બકરાંના વાળનું ગૂંથેલું કપડું હતું. ૧૭ શાઉલે મીખાલને પૂછ્યું: “તેં મને કેમ છેતર્યો? તેં મારા દુશ્મનને+ કેમ નાસી જવા દીધો?” મીખાલે શાઉલને જવાબ આપ્યો: “તેમણે મને ધમકી આપી કે ‘મને જવા દે, નહિ તો તને મારી નાખીશ!’”
૧૮ દાઉદ જીવ બચાવવા નાસતો નાસતો શમુએલ પાસે રામા આવ્યો.+ શાઉલે તેને જે જે કર્યું હતું, એ બધું તેણે શમુએલને જણાવ્યું. ત્યાર બાદ દાઉદ અને શમુએલ ત્યાંથી નીકળીને નાયોથ+ જઈને રહ્યા. ૧૯ સમય જતાં, શાઉલને ખબર મળી: “જુઓ, દાઉદ રામાના નાયોથમાં છે.” ૨૦ દાઉદને પકડી લાવવા શાઉલે તરત જ માણસો મોકલ્યા. ત્યાં પહોંચીને તેઓએ જોયું કે અમુક વૃદ્ધ પ્રબોધકો પ્રબોધ કરતા હતા અને શમુએલ ઊભો રહીને તેઓની આગેવાની લેતો હતો. એવામાં ઈશ્વરની શક્તિ શાઉલના માણસો પર ઊતરી અને તેઓ પણ પ્રબોધકોની જેમ વર્તવા લાગ્યા.
૨૧ એ વિશે શાઉલને ખબર મળી કે તરત જ તેણે બીજા માણસો મોકલ્યા. તેઓ પણ પ્રબોધકોની જેમ વર્તવા લાગ્યા. એટલે શાઉલે ફરીથી માણસો મોકલ્યા. આ ત્રીજી ટુકડી પણ પ્રબોધકોની જેમ વર્તવા લાગી. ૨૨ આખરે શાઉલ પોતે રામા ગયો. સેખુમાં આવેલા મોટા કૂવા પાસે પહોંચીને તેણે લોકોને પૂછ્યું: “શમુએલ અને દાઉદ ક્યાં છે?” તેઓએ જવાબ આપ્યો: “રામાના નાયોથમાં.”+ ૨૩ શાઉલ ત્યાંથી રામાના નાયોથ જવા નીકળ્યો. રસ્તામાં ઈશ્વરની શક્તિ તેના પર પણ ઊતરી. તે ચાલતો ચાલતો નાયોથ પહોંચ્યો ત્યાં સુધી પ્રબોધકની જેમ વર્ત્યો. ૨૪ શાઉલે પણ પોતાનાં કપડાં કાઢી નાખ્યાં અને શમુએલ આગળ પ્રબોધકની જેમ વર્તવા લાગ્યો. આખો દિવસ અને આખી રાત તે ત્યાં ઉઘાડે શરીરે* પડી રહ્યો. એટલા માટે લોકોમાં કહેવત પડી: “શું શાઉલ પણ પ્રબોધક બની ગયો?”+