હઝકિયેલ
૧૩ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, ઇઝરાયેલના પ્રબોધકો+ વિરુદ્ધ ભવિષ્યવાણી કર. જેઓ મન ફાવે એમ ભવિષ્યવાણીઓ ઘડી કાઢે છે+ તેઓને કહે, ‘યહોવાનો સંદેશો સાંભળો! ૩ વિશ્વના માલિક યહોવા કહે છે: “મૂર્ખ પ્રબોધકોને હાય હાય! તેઓને કોઈ દર્શન થતું નથી, છતાં તેઓ પોતાનાં મનમાં ઘડી કાઢેલી વાતો જણાવે છે.+ ૪ હે ઇઝરાયેલ, તારા પ્રબોધકો ખંડેરોમાં રહેતાં શિયાળ જેવા બની ગયા છે. ૫ ઇઝરાયેલના લોકો માટે પ્રબોધકો કંઈ દીવાલોનાં બાકોરાં પૂરવા નથી જવાના.+ એટલે યહોવાના દિવસે ઇઝરાયેલ યુદ્ધમાં ટક્કર ઝીલી નહિ શકે.”+ ૬ “તેઓ જૂઠાં દર્શનો જુએ છે અને જૂઠું બોલે છે. તેઓ કહે છે, ‘આ યહોવાનો સંદેશો છે,’ જ્યારે કે યહોવાએ તો તેઓને મોકલ્યા જ નથી. તેઓ પોતાનું કહેલું પૂરું થાય એની રાહ જોઈને બેઠા છે.+ ૭ હું તમને કંઈ જ જણાવતો નથી, તોપણ તમે કહો છો કે ‘આ યહોવાનો સંદેશો છે.’ એવું કહીને શું તમે ખોટું બોલતા નથી? શું તમે જૂઠું દર્શન જોયું નથી?”’
૮ “‘એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: “‘હું તમારી વિરુદ્ધ છું, કેમ કે તમે ખોટું બોલ્યા છો અને તમારાં દર્શનો જૂઠાં છે,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”+ ૯ જે પ્રબોધકો જૂઠાં દર્શનો જુએ છે અને ખોટું બોલે છે+ તેઓ વિરુદ્ધ મારો હાથ છે. તેઓ મારા લોકોમાં નહિ હોય, તેઓની નોંધ ઇઝરાયેલના લોકોમાં નહિ થાય, તેઓ ઇઝરાયેલ દેશમાં પાછા નહિ આવે. તમારે સ્વીકારવું પડશે કે હું વિશ્વનો માલિક યહોવા છું.+ ૧૦ તેઓ મારા લોકોને ભટકાવે છે, એ માટે આ બધું થયું છે. મારા લોકોને તેઓ કહે છે, “શાંતિ છે!” જ્યારે કે ક્યાંય શાંતિ નથી.+ ખોખલી દીવાલ બાંધવામાં આવે ત્યારે, તેઓ એના પર ચૂનો લગાડી દે છે.’*+
૧૧ “ચૂનો લગાડનારાને કહો કે દીવાલ તૂટી પડશે. ધોધમાર વરસાદ થશે, કરા પડશે અને જોરદાર તોફાન દીવાલને તોડી પાડશે.+ ૧૨ જ્યારે દીવાલ તૂટી પડશે ત્યારે તમને પૂછવામાં આવશે, ‘તમે લગાડેલો ચૂનો ક્યાં ગયો?’+
૧૩ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘હું મારા કોપને લીધે જોરદાર તોફાન લાવીશ. મારા ગુસ્સાને લીધે ધોધમાર વરસાદ વરસાવીશ. મારા વિનાશક રોષને લીધે કરા લાવીશ. ૧૪ તમે જે દીવાલ પર ચૂનો લગાડ્યો છે એને હું તોડી પાડીશ, એને હું ભોંયભેગી કરી દઈશ. એનો પાયો ખુલ્લો પડી જશે. શહેર પડી ભાંગશે ત્યારે એની સાથે સાથે તમારો પણ નાશ થઈ જશે અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’
૧૫ “‘હું દીવાલ પર અને એને ચૂનો લગાડનારા પર મારો કોપ પૂરેપૂરો રેડી દઈશ. હું તમને કહીશ: “હવે દીવાલ ગઈ, એના પર ચૂનો લગાડનારા પણ ગયા.+ ૧૬ ઇઝરાયેલના પ્રબોધકો હવે નથી રહ્યા. તેઓ યરૂશાલેમ માટે ભવિષ્યવાણી કરતા હતા અને શાંતિનાં દર્શનો જોતા હતા, જ્યારે કે ક્યાંય શાંતિ ન હતી,”’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૧૭ “હે માણસના દીકરા, જેઓ ભવિષ્યવાણીઓ ઘડી કાઢે છે, તેઓની દીકરીઓ તરફ જોઈને તેઓ વિરુદ્ધ ભવિષ્યવાણી કર. ૧૮ તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “અફસોસ છે એ સ્ત્રીઓને, જેઓ બધા લોકો માટે માદળિયાં* બનાવે છે અને બધાનાં માથે બંધબેસે એવા બુરખા બનાવે છે, જેથી લોકોને ફસાવીને મોતને ઘાટ ઉતારે. શું તમે મારા લોકોના જીવ લેવા માંગો છો અને તમારા જીવ બચાવવાની કોશિશ કરો છો? ૧૯ શું તમે મુઠ્ઠીભર જવ અને રોટલીના ટુકડા માટે મને મારા લોકોમાં અશુદ્ધ કરશો?+ જેઓ મરવા ન જોઈએ તેઓને તમે મારી નાખો છો અને જેઓ મરવા જોઈએ તેઓને જીવતા રાખો છો. તમે મારા લોકોને ખોટું કહો છો અને મારા લોકો એ સાંભળે છે પણ ખરા.”’+
૨૦ “એટલે વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ઓ સ્ત્રીઓ, હું તમારાં માદળિયાંની વિરુદ્ધ છું, જેનાથી તમે લોકોનો એવી રીતે શિકાર કરો છો જાણે તેઓ પક્ષીઓ હોય. હું તમારા હાથ પરથી માદળિયાં ખેંચી કાઢીશ. પક્ષીઓનો શિકાર કરતા હોય એમ તમે જેઓનો શિકાર કરો છો, તેઓને હું આઝાદ કરીશ. ૨૧ હું તમારા રૂમાલ ખેંચી નાખીશ અને મારા લોકોને તમારા હાથમાંથી બચાવી લઈશ. હવે તમે તેઓને ફાંદામાં ફસાવીને શિકાર નહિ કરી શકો. પછી તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+ ૨૨ હું નેક માણસ પર આફત* લાવવા માંગતો ન હતો, પણ તમે જૂઠું બોલી બોલીને+ તેને નિરાશ કરી દીધો. તમે દુષ્ટ માણસને સાથ આપીને તેને બળવાન કર્યો.+ એટલે તે પોતાના ખરાબ માર્ગોથી પાછો ફરતો નથી અને તે માર્યો જશે.+ ૨૩ એટલે ઓ સ્ત્રીઓ, હવેથી તમે ખોટાં દર્શનો અને જોષ જોશો નહિ.+ હું મારા લોકોને તમારા હાથમાંથી બચાવી લઈશ અને તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”